નરસિંહ મહેતા અમેરિકામાં જન્મ્યા હોત તો?

02 Jun, 2016
12:05 AM

કાન્તિ ભટ્ટ

PC:

જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો,
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો,
'હું કરું, હું કરું' એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.
નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી
શત્રુ મારીને સૌ મિત્ર રાખે.

- ભક્ત કવિ નરસિંહ મહેતા

ખરેખર તો પશ્ચિમના જગતે, જેણે શાંતિનું નોબેલ પ્રાઈઝ રાખ્યું છે તેના આયોજકોએ નરસિંહ મહેતાને ઉપરનું કાવ્ય લખવા બદલ શાંતિનું નોબેલ પ્રાઈઝ આપવું જોઈએ. ભક્ત કવિ નરસિંહ મહેતાની ઉપર લખેલી પંક્તિઓમાં છેલ્લી બે પંક્તિ આજના સમાજમાં દંપતી વચ્ચેના ખટરાગમાં, સગાંઓ વચ્ચેના વિખવાદમાં કે બે દેશ વચ્ચેની દુશ્મનાવટ બાબતમાં શાંતિ રાખવાનો અનેરો સંદેશ આપે છે. ઈન્દિરા ગાંધીને મરતાં સુધી રાજ કરવાનો મનસૂબો હતો એથી તેમણે ઈમર્જન્સી લાદી. એ ઈમર્જન્સીએ જ તેમને સત્તા પરથી ઉથલાવ્યાં. પંજાબમાંથી આતંકવાદ દૂર કરવા અને ખાલિસ્તાનીઓને મારવા સુવર્ણમંદિર પર યુદ્ધ ખેલ્યું અને એ યુદ્ધે જ તેમનું મોત નોતર્યું. અતિઉમદા મનસૂબાવાળા વી.પી. સિંહે વડાપ્રધાન બન્યા પછી પછાત જાતિના મતોના થોકડા કાયમ મેળવીને યાવચ્ચંદ્રદિવાકરૌ રાજ કરવાની કુનેહ કરી, પણ એના થકી જ સત્તા ગુમાવી.

એ રીતે મહાભારતના યુદ્ધથી માંડીને હિટલરનું યહૂદીઓ સામેનું યુદ્ધ અને આજે પેલેસ્ટીનીઓથી બચવા ઈઝરાયલ પાશવી બળ એકઠું કરીને આરબ પ્રદેશથી ઈઝરાયલને રક્ષવા એક વિરાટ કાંટાળી વાડ બનાવે છે, એ બધાથી કોઈ બચ્યું નથી કે બચવાનું નથી.

નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી
શત્રુ મારીને સૌ મિત્ર રાખે

શું શત્રુને મારી નાખીને અગર તમે માની લીધેલા શત્રુરૂપી સગાં, પત્ની, પતિ કે વેરીને મારી નાખીને પછી ખાધું, પીધું ને રાજ કર્યું એ રીતે સુખેથી જીવી શકો? હરગિજ નહીં. રોમન ઈતિહાસથી માંડીને અને દશરથ રાજાની રાણી કૈકેયીએ રામને વનવાસમાં મોકલીને પુત્ર ભરતને ગાદી અપાવી ત્યારથી માંડીને આજ સુધી પ્રમુખ જ્યોર્જ બુશ અફઘાનિસ્તાન અને ઈરાકને જીતીને પહેલાં કરતાં વધુ ઉજાગરા કરે છે. નિરાંતે નથી સૂતા. આજે ઈસ્લામી જગતમાં વધુ દુશ્મનો પેદા કર્યા છે.

ઈરાક પર હુમલો થયો ત્યારે અને એ પછી ચાર મહિના પહેલાં (મે-જૂન, 2003 ઈરાકને જીતી લીધાનો ગર્વ જ્યોર્જ બુશે કર્યો ત્યારે તમામ બ્રિટિશ અને અમેરિકન મેગેઝિનોએ લોલમ લોલ કરીને બુશને વધાવ્યા, પણ અફઘાનિસ્તાનમાં ઓસામા બિન લાદેનને જીવતો પકડી નથી શકાયો અને સદ્દામ હુસેન નથી પકડાયા. આજે પાછા તાલિબાન મજબૂત થઈ ગયા છે અને ઈરાકમાં રોજ અમેરિકન સૈનિક મરે છે. ત્યાં કદી નહોતો એવો ઈસ્લામી આતંકવાદ જાગ્યો છે એ ટાંકણે અમેરિકન મેગેઝિનો આખરે સત્ય પારખીને જ્યૉર્જ બુશનો વાંક જોવા માંડ્યાં છે. જે માણસને ચાર મહિના પહેલાં ફુલાવ્યો હતો અને તેની જીતનાં ગુણગાન ગાયાં હતાં તે અમેરિકાનું 'ટાઈમ' મેગેઝિન 6-10-2003ના અંકમાં લખે છે 'મિશન નોટ એકિમ્પ્લશ્ડ' - હાઉ બુશ મિસજ્જડ ધ ટાસ્ક ઑફ ફિક્સિંગ ઈરાક, 'ટાઈમ' મેગેઝિનનું આ રાંડ્યા પછીનું ડહાપણ છે. મોડે મોડે 'ટાઈમ' મેગેઝિન વિજેતા બુશને પરાજિત બુશ તરીકે પેશ કરે છે. 1-5-2003ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના દરિયાકાંઠે અમેરિકન યુદ્ધજહાજ 'અબ્રાહમ લિંકન' લાંગરેલું, એના પર મોટું બોર્ડ ચીતર્યું હતું : 'મિશન એકમપ્લિશ્ડ' (mission accomplished), પરંતુ હવે 'ટાઈમ' મેગેઝિન કહે છે કે ઈરાકને જીતવાની કામગીરી 1લી મે, 2003ના રોજ પૂરી નહોતી થઈ અને ગાંધીજીના જન્મદિવસે 2003ના ઑક્ટોબરમાં પણ પૂરી નથી થઈ. નવા ધારેલા ઈરાકના બે ભાવિ નેતાનાં ખૂન થઈ ગયાં છે. સંયુક્ત રાષ્ટ્રના ઈરાકમાંના પ્રતિનિધિ સર્જીઓ વેરા દ મેલોની હત્યા થઈ છે. ઈરાકમાં વારંવાર વીજળી કપાઈ જાય છે. આજે ઈરાકને 'જીત્યા'ને લગભગ પાંચ મહિના થયા છે, પણ નરસિંહ મહેતાની ઉક્તિ સાચી ઠરે છે :

'આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે.'

માનવી ધારે છે કંઈ અને થાય છે કંઈ. જો આપણે સામાન્ય માનવી આપણા જીવનવ્યવહારમાં જગતના સૌથી પાવરફુલ અને સૌથી ધનિક દેશના ગુમાનવાળા પ્રમુખ બુશનો દાખલો લઈએ તો એક જ બોધપાઠ મળે છે કે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ આડખીલી નાખે, શત્રુતા રાખે કે તમે જેને તમારી પ્રગતિ આડેનો અવરોધ માનો અને તેને પતાવી દેવાથી તમે સુખના સાગરમાં મહાલશો તો એ ધારણા હંમેશાં સાચી નથી ઠરવાની. એકવીસમી સદીનો યુગ છે ત્યારે તમામ ટેકનોલૉજી, તમામ મેનેજમેન્ટના મંત્રોની આધુનિક દીક્ષા અને તમામ સાધનો કામે લગાડીને આપણી સમસ્યાને દૂર કરવાનો પુરુષાર્થ કરવો જ જોઈએ. હું નથી કહેતો કે નરસિંહ મહેતા પણ નથી કહેવા માગતા કે બધું જ ઈશ્વર પર છોડી દેવું, પણ અર્કરૂપી બોધ એ છે કે તમારા પાશવી બળ સાથે અને તમે જ બધું કરો છો, તમારાથી જ એક અખબાર ચાલે છે, તમારાથી જ કંપની ચાલે છે અને તમારાથી જ દેશનો કારભાર ચાલે છે એવી અજ્ઞાનતા ન રાખવી, ગર્વ ન કરવો. શકટ એટલે ગાડું. શ્વાન એટલે કૂતરો.

તમે ગામડામાં જશો તો દૃશ્ય દેખાશે કે બળદગાડું ચાલ્યું જતું હોય ત્યારે તડકાથી બચવા કૂતરો ગાડા નીચે છાંયડો મેળવવા ચાલે છે, પરંતુ કૂતરો ચાલતાં ચાલતાં વિચારે કે આ ગાડાનો ભાર હું જ તાણું છું તો એ કેટલો જબ્બર ભ્રમ ગણાય? એ રૂપક આપીને નરિસંહ મહેતા માનવીના અહમને બરાબરનો ઠમઠોરે છે. તમામ પુરુષાર્થ કરો, પણ કોઈની રોટી ઝૂંટવીને કે કોઈને નષ્ટ કરીને તમે પછી નિરાંતે વિજયના મેવામસૂર ખાશો એવી કલ્પનામાં ન રાચવું, આખરે 'જે ગમે જગદગુરુ દેવ જગદીશને...' એ જ થાય છે. આખરે તો જે સત્ય હોય એનો જ વિજય થાય છે. માત્ર ભક્તકવિ નરસિંહ મહેતાએ જ નહીં, પણ કવિ બાળાશંકર કંથારિયાએ પણ માનવીને સમજાય એવી ફિલસૂફી તેમના કાવ્યમાં સાદી પંક્તિઓમાં સમજાવી છે :

ગુજારે જે શિરે તારે,
જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ (ઈશ્વરે)
અતિ પ્યારું ગણી લેજે,
દુનિયાની જૂઠી વાણી વિશે
જો દુઃખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના
ઓછો થવા દેજે,
અરે, પ્રારબ્ધ તો ઘેલું
રહે છે દૂર માગે તો
ન માગે દોડતું આવે
ન વિશ્વાસે કદી રહેજે.

માત્ર વેર લેવાની બાબતમાં જ નહીં, જ્યૉર્જ બુશ તો ઈરાક પર હુમલો કરવામાં નર્યા જુઠ્ઠા હતા એથી જ નહીં, પણ જ્યારે તમે સાચા હો ત્યારે પણ કેટલીક વખત પાછા પડો છો. ઈશ્વર કસોટી કરે છે એ હાલતમાં કવિ બાળાશંકર કહે છે કે દુનિયાના જૂઠા લોકો ફાવી જાય ત્યારે તારા અંતરના આનંદને ઓછો થવા ન દેતો.

(આ લેખ 2003મા લખાયો હતો.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.