કોલાઈટિસની અવગણના કરવાથી કેન્સર થઈ શકે છે
કોલાઈટિસ પેટનું એવું હઠીલું દરદ છે જે આંતરડાને ગંભીર અસર પહોંચાડે છે. આ દરદમાં આંતરડાના નીચલા ભાગમાં બળતરાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે તે આંતરડાના ઉપલા ભાગ સુધી ફેલાય છે. એને પરિણામે આંતરડાનો અસરગ્રસ્ત ભાગ સૂજી જાય છે અને ત્યાં ખુલ્લો ઘા થઈ જાય છે. કોલાઈટિસને અલ્સરેટિવ કોલાઈટિસ તથા ક્રોન્સ ડીસીઝ પણ કહે છે. જોકે ક્રોન્સ ડીસીઝ આંતરડાના કોઈપણ ભાગમાં થાય છે અને જ્યારે અલ્સરેટિવ કોલાઈટિસ મોટે ભાગે મોટા આંતરડાના નીચેના છેડા પર થાય છે.
કોલાઈટિસ થવાનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પણ માનસિક તાણને કારણે આ દરદ વકરતું જોવા મળ્યું છે. દરદ જેમ વધતું જાય તેમ આંતરડા પર ચાંદા પડે છે, આંતરડામાં ચેપ લાગે છે અને અમુક કેસમાં દરદી માટે તે જીવલેણ પણ સાબિત થાય છે. જો આ દરદ 15 વર્ષની ઉંમરની પહેલાંથી લાગુ પડ્યું હોય અથવા જો તે 10 વર્ષથી દર્દીને પરેશાન કરતું હોય તો એને આંતરડાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. અલબત્ત, જે દર્દીના આંતરડાના વધુ ભાગને અસર પહોંચી હોય એમને જ કેન્સરની સંભાવના વધે છે. જે લોકોને 8-10 વર્ષથી કોલાઈટિસ હોય તેમણે દર બે વર્ષે આંતરડાના કેન્સરનું પરીક્ષણ કરાવતા રહેવું જોઈએ.
આ રોગ યુવા લોકોને, ખાસ કરીને મહિલાઓને વધુ થતો જોવા મળે છે. તેના લક્ષણો 15થી 20 વર્ષની ઉંમરમાં તથા 55થી 60 વર્ષની ઉંમરમાં વધુ જોવા મળે છે. કોલાઈટિસના પ્રારંભિક લક્ષણોમાં પેટમાં અવારનવાર દુઃખાવો થાય છે અને ઝાડામાં લોહી પડે છે. એમાં ઘણી વખત પરુ પણ ભળેલું હોય છે. દર્દીને શરીરમાં નબળાઈ લાગે છે, ભૂખ ઓછી થઈ જાય છે, વજન ઘટી જાય છે, ચક્કર આવે છે અને ઊલટી પણ થાય છે.
કોલાઈટિસને ઈનફ્લેમેટરી બોવલ ડીસીઝ (આઈબીડી) પણ કહે છે. આ રોગમાં અમુક ચોક્કસ જિનેટિક તથા પર્યાવરણીય પરિબળો પણ મોટી ભૂમિકા ભજવે છે. આ રોગના બેક્ટેરિયા ધીમે ધીમે દર્દીના શરીરની રોગપ્રતિકારક શક્તિને માઠી અસર પહોંચાડે છે. તબીબી સંશોધકો હજી સુધી આ રોગને સંપૂર્ણપણે મટાડી શકે એવી દવા શોધી શક્યા નથી, પણ આનંદ પમાડે એવા તાજેતરના જ એવા સમાચાર છે કે સંશોધકો અભ્યાસના આધારે જાણી શક્યા છે કે દર્દીના શરીરમાં એવું એક જિન હોય છે જેમાં ખામી ઊભી થાય એટલે તેને કોલાઈટિસ થાય છે. આને કારણે હવે સચોટ દવા શોધવાનું આસાન બનશે. કોલાઈટિસને કારણે દર્દીના આંતરડામાંથી વધુ પ્રમાણમાં પાણી અને ક્ષાર બહાર ફેંકાય છે. એવા દર્દીના આંતરડાં વધારાનું પાણી અને ક્ષાર પચાવી શકતા નથી હોતા એટલે તે બહાર ફેંકે છે જેને પણે ઝાડા થયા કે ડાયેરિયા થયો એમ કહીએ છીએ. આ ખામીને કારણે આંતરડાની દિવાલમાં બળતરા થાય છે અને તે સૂજી જાય છે. છેવટે તે જાડી થઈ જાય છે. પરિણામે પાચનશક્તિમાં મોટો બગાડ થાય છે, ઊલટી થાય છે અને ગેસ બહાર નીકળી શકતો નથી. વળી, આંતરડામાંથી ખોરાક બરાબર પસાર થઈ શકતો નથી. તે સૂજી ગયેલા કોશો સાથે ઘસાય એટલે તેમાંથી લોહી નીકળે છે. મળ સાથે વધુ પડતું લોહી વહી જવાથી દર્દીનું વજન પણ ઘટવા માંડે છે.
આ રોગ માતાપિતા બંનેને થયો હોય તો તેમના સંતાનને પણ તે થવાની શક્યતા 50 ટકા રહે છે. શહેરી કે ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા લોકોને આ રોગ થવાની સંભાવના વધુ રહે છે.
આ રોગની સારવારમાં ડૉક્ટર દર્દીને બેરીયમ પીવડાવીને, તેના આંતરડાનો એક્સ-રે લઈને આંતરડાની ચકાસણી પરથી નિદાન કરે છે કે દરદ કેટલી હદે વધ્યું છે.
આ ઉપરાંત કોલોનોસ્કોપી નિદાનપદ્ધતિ પણ છે જેમાં ડૉક્ટર દર્દીના પેટની અંદર એક પાતળી ટ્યૂબ ઊતારે છે જેની આગળના ભાગમાં એક નાનકડો બલ્બ હોય છે અને સાથે કેમેરો પણ હોય છે. આ અડધા કલાકની પ્રક્રિયા દ્વારા ડૉક્ટર તમારા આંતરડાની સ્થિતિ જોઈ શકે છે. તીવ્ર પ્રકારના કોલાઈટિસમાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. છતાં સર્જરી છેલ્લા ઉપાય તરીકે અપનાવાય છે. તબીબી સારવારનું મુખ્ય ધ્યેય દર્દીના આંતરડામાંની બળતરા ઓછી કરવાનો હોય છે. જોકે દરેક દર્દીને એકસરખી દવા માફક આવે એવું બનતું નથી. આ રોગ માટેની દવાઓમાં સલ્ફાસેલાઝાઈન (એજુલ્ફાડાઈન), મેઝલામાઈન (એઝાકોલ, રોવાઝા), ઓલ્સાલાઝાઈન (ડીપેન્ટમ) અને બેલ્સાલાઝાઈડ (કોલાઝલ)નો સમાવેશ થાય છે. અગાઉ ડૉક્ટરો મેટ્રોનિડાઝોલ (ફ્લેજિલ) આપતા હતા, પણ હવે સીપ્રોફ્લોક્ષેસિન (સીપ્રો) આપવાનું પસંદ કરે છે, કારણ કે ફ્લેજિલથી આડઅસરો વધુ થાય છે. સંશોધકોનું માનવું છે કે દર્દી જો નિયમિત અને સંયમી જીવન જીવે તો આ રોગ ઝડપથી મટી શકે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર