બાળકોના જીવનમાં વાર્તાઓ ખૂટે છે
આજના બાળકના જીવનમાં શું ખૂટે છે. ત્રણ, ચાર, પાંચ અને છ વર્ષનાં બાળકો માટે મમ્મી અવેલેબલ નથી, આપણે તો આંકડાઓ કાઢતા નથી. પણ બ્રિટિશ સાયકોલોજિસ્ટ ડૉ. એરિક સિગમેનએ સર્વે કર્યો તે મુજબ બ્રિટનનાં અરધોઅરધ જુવાન મા-બાપ જેને બાળકો છે તે રાત્રે સૂતી વખતે તેમનાં બાળકોને વાર્તા સંભળાવી શકતાં નથી. સૂવાનો સમય બાળકો માટે માતા સાથે ઘનિષ્ઠતા સાધીને વાતો કે વાર્તા કરવાનો સમય છે. પણ માતા ઑફિસેથી આવીને પછી રસોઈ કરીને કે તૈયાર રસોઈ હોય તો પણ થાકી ગઈ હોય છે. બાળકો ટી.વી.ને હવાલે થઈ ગયાં છે.
ડૉ. એરિક સિગમન કહે છે કે / બાળકોની આખી જનરેશન ઉપર વાર્તાનો અભાવ નેગેટિવ અસર છોડી જાય છે. ટેલિવિઝન બાળકોને ખોટી ઉત્તેજના આપે છે. મા-બાપે કહેલી વાર્તા તેની કલ્પનાશક્તિ ખીલવીને તેને શાંત કરે છે. વાર્તાની સર્જકતા વધારે છે. ઘણી આધુનિક માતાઓને તો વાર્તા જ આવડતી નથી. કારણ કે તેની કામ કરતી માતાએ પણ તેને કદી વાર્તા કહી નથી. બાળવાર્તાઓ બહુ પ્રગટ થતી નથી. બાળસાહિત્ય કે અગાઉ છ-છ બાલ-સાપ્તાહિકો કે ચાર-ચાર બાલમાસિકો હતાં તે ગુજરાતીમાં લુપ્ત થયાં છે. નવી બાળવાર્તાની ચોપડી છપાતી નથી.
'આટલાન્ટિક' નામના અમેરિકન મેગેઝિનમાં જ્યૉર્જ મેકેન્ના કહે છે કે મારા જન્મ પહેલાં મારા પિતા મરી ગયા પણ મોટો થયો ત્યારે બચપણથી દાદા હાજર હતા. દાદા મને રોજ સૂતા પહેલાં વાર્તા કહેતા. લેખક જ્યૉર્જ મેકેન્ના કહે છે વાર્તા એ શું છે? 'સૉરી ઈઝ ધ ટ્રાન્સમીશન ઑફ હોપ' બાળક રાત પડવાની રાહ જુએ છે? શું કામ? રાત્રે તેની મમ્મી કે દાદા કે દાદી કે નાની વાર્તા કહેશે. આજે આધુનિક મમ્મીને વાર્તા આવડતી નથી કે મમ્મી થાકી ગઈ છે કે પપ્પા અવેલેબલ નથી. વાર્તા દ્વારા બાળકોને તમે આશાનું ભાથું આપો છો. ડૉ. એલસડેર મેકઈનટાયર નામના ફિલસૂફે કહેલું કે 'બાળકોને તમે વાર્તાઓથી વંચિત રાખો છો ત્યારે તેમને અનસ્ક્રીપ્ટેડ રાખો છો. તેમની અભિવ્યક્તિમાં તે તોતડા રહે છે. અનસ્ક્રીપ્ટેડ એટલે કે તેમને કથા કહેવાની આવડત રહેતી નથી. બોલતાં થોથરાય છે. કથાકારનો બાળક સ્ક્રીપ્ટેડ બને છે. એ કહેવાની વાત જોરદાર રીતે રજૂ કરી શકે છે. જગત આખામાં દરેક સંસ્કૃતિમાં માતા કે દાદા બાળકને વાર્તા કહેતા આવ્યા છે. ક્રિસ્ટોફર લાશ્ચ નામના ઇતિહાસકારે કહ્યું છે કે હોપ અને ઓપ્ટીમીઝમ અર્થાત્ આકાંક્ષા અને આશાવાદ અલગ વાત છે. બાળકોમાં વાર્તા આકાંક્ષા જગાડે છે. ઉપરાંત આજે મમ્મી-પપ્પા ફેમિલી પ્લાનિગમાં ફસાયાં છે. પરણીને જલદી બાળક કરતાં નથી તે મોટી સમસ્યા છે.
આપણને આધુનિક તબીબોએ પ્લાન્ડ પેરન્ટહૂડનો એકદમ વાહિયાત આઈડિયા આપ્યો છે. સૌ પ્રથમ તો લગ્ન કરીને આજનાં નવયુગલો બાળક કે બાળકો પેદા કરવામાં મોડું કરે છે. તેને જો 'પ્લાનિંગ' કહેતાં હોય તો પોતાને માટે અને બાળક માટે માત્ર દુઃખનું જ પ્લાનિંગ કરે છે. લગ્નનાં 10 વર્ષ પછી બાળક પેદા કરનારાં યુગલોનાં રોતલ બાળકો જોયાં છે. 'પ્રથમ કરિયર જમાવીએ પછી બચ્ચું પેદા કરીએ' તે તદ્દન ખોટો આઈડિયા છે. ભારતમાં એક તો કરિયર જમાવવા માટે જબ્બર પુરુષાર્થ કરવો પડે. તે દરમિયાન જો તમે સફળ થયા હો અને પછી બાળક પેદા કરવાની વાત કરો છો તો બે વાતનો સામનો કરવો પડે છે :
(1) તમે અચાનક તમારી ફળદ્રુપતા ગુમાવી બેસો છો. 10 વર્ષની રાહ પછી બચ્ચું પેદા થશે જ તેવી ગેરંટી નથી. ઘણા લોકોએ પછી મથામણ કરવી પડે છે અને ઘણાં યુગલોએ આવા વાહિયાત પ્લાનિંગ વખતે જાણે 'વાંઝિયા' રહેવાનું પ્લાનિંગ કર્યું હોય તેમ લાગે છે.
(2) બીજી શક્યતા એ છે કે 10-12 વર્ષ પછી કરિયર જમાવીને બાળક પેદા કરો એટલે તમારી કરિયર ટોચે હોય છે. એ ટોચ ટકાવવી દુર્લભ હોય છે. 10 વર્ષ પહેલાં કરતાં એ ટોચને ટકાવવા, તમે આંતરડાં ખેંચીને કામ કરો છો. તે વખતે પૈસા થયા હોય છે. આબરૂ વધી હોય છે. તમારું બાળક નોકર બાઈ પાસે ઊછરે છે. તમે માત્ર બચ્ચાને ચીટિંગ કરતા હોય તેમ દેખાવ પૂરતી 'ખોટી' સંભાળ લો છો. આવું બાળક બીમાર, ચીઢિયું બને છે અને તમે તમારી કરિયરમાં રચ્યાંપચ્યાં રહો છો તે માટે તમને ગુનેગાર ઠરાવે છે.
લગ્ન પછી તુરંત 22-23 વર્ષની વયે બાળક પેદા થાય તેના ઘણા લાભો છે :
(1) તમારી ભરપૂર યુવાનીમાં તમારું લોહી અને વીર્ય અને સ્ત્રીનું જ્યોતિ-પૂંજ બળવાન હોય છે. તંદુરસ્ત બાળક પેદા થાય છે. મોટી વયનું બાળક બીમાર અને તેનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછીહોય છે.
(2) તમે કરિયરની શરૂઆત કરી છે. ઓછી બીમારી આવી હોય છે. 10 વર્ષની કરિયરમાં ડિપ્રેશન, અપચો, એસિડિટી, કોઈ અકસ્માત, તાવ, ફ્લુ વગેરેનો 10 વર્ષમાં ભોગ બનો છો. અઢળક એલોપથિક દવા લીધી હોય છે તે દવાથી આડઅસરો થાય છે. વીર્ય અને લોહી દૂષિત થયાં હોય છે એવી રીતે મોટી ઉંમરે થયેલું બાળક માંદલું, શરદીવાળું, દમિયલ અને ચીઢિયું હોય છે. જુવાનીમાં પેદા થયેલું બાળક તંદુરસ્ત હોય છે.
(3) લગ્ન કરીને તુરંત બાળક પેદા થાય છે. ત્યારે જો તમારી કરિયરની શરૂઆત હોય તો આજુબાજુનાં દરેક સગાં- સાસુ, નણંદ, માસી, મામી અને કાકી વગેરેનો સ્નેહ તાજો હોય છે. તમારી કરિયર વખતે બાળક પેદા થતાં નોકર રાખવાની ત્રેવડ હોતી નથી. બાળકને નોકરને સોંપવાની એ તબક્કે આવશ્યકતા હોતી નથી. આજે નિર્લજ્જ થઈ નોકરને બાળક સોપો છો. પહેલાંના વખતમાં તમારા બાળકને માત્ર નણંદ કે સાસુને સોંપો છો. તેવું બાળક નણંદ કે સાસુ કે માસીની સાથે સરખા પ્રેમભાવતી ઊછરે છે. નોકર તેવો પ્રેમ ન આપી શકે. એટલે તમે કેરિયરમાં હો, જુવાન હો, ઑફિસ કે વ્યવસાયમાં કામમાં એ ઉષ્માવાળી 22-25ની ઉંમરે ઑફિસમાં બાળક યાદ આવે ત્યારે પાછા વહેલા વહેલા ઘરે દોડી જઈ શકો છો. 10 વર્ષ પછી તમારી કેરિયર સર્વોપરી બને છે - બાળકને તમે યાદ કરો છો તેમાં ઔપચારિકતાની ગંધ આવે છે.
આપણો દેશ પાછો યુરોપ જેવો સમૃદ્ધ નથી. હવે યુરોપમાં માતા-પિતાને બાળક સાથે રહેવા દેવા માટે મા-બાપને ભરપગારે રજાઓ અપાય છે. બ્રિટિશ સરકારે તો મેટરનિટી લીવ ઉપરાંત પેટરનીટી લીવ (સુવાવડવાળી સ્ત્રીના પતિને અધિકૃત રજા) આપવાનું નક્કી થયું છે. ઉપરાંત જે માતા સુવાવડ પછી તેના બાળક સાથે જ લાંબો વખત રહે તે માટે 'ટોડલર ટેક્સ ક્રેડિટ' આપવાનું નક્કી કર્યું છે. એટલે કે જો કેરિયરવાળી માતા બાળક સાથે 1 સપ્તાહ રહે તો તેને 150 પાઉન્ડની (રૂ. 1000)ની સપ્તાહ દીઠ ટેક્સ ક્રેડિટ આપવી. મતલબ કે હવે બ્રિટિશ સરકાર નવા જન્મેલા કે નાના ટેણિયા બાળકો સાથે જુવાન માતાઓ ઘરે રહે તે માટેનાં પૈસાનાં આકર્ષણો આપવા માંગે છે. મતલબ કે હવે બાળકને ફેમિલી લાઈફ મળે તેવું સરકાર ઝંખે છે.
નવાઈની વાત છે તો એ છે કે એક નવસર્જનને ઠેલવાનો વિચાર જ આપણને કેમ આવે છે? કેનન મલિક નામના લેખકે એક પુસ્તક લખ્યું છે - 'ક્રિએશન-લાઈફ એન્ડ હાઉ ટુ મેઈક ઈટ'. તમે કમ્પ્યુટરનો કોઈ નવો પ્રોગ્રામ શોધો છો તે પ્રોગ્રામ શોધવાની માથાકૂટ કરો છો. તમે એ પ્રોગ્રામને સર્જવાના આખરી તબક્કામાં હો ત્યારે તમને કોઈ કમ્પ્યુટર ઉપરથી ઉઠાડી દે તો? તમે કેટલા ખાટા થાઓ છો. તો આ બાજુ તમારી બન્ને પાસે ઈશ્વરદત્ત નવસર્જનની - એક નવા જીવને પેદા કરવાની જુવાનીની તાજી શક્તિ છે. તેને તમે શરીરમાં હાનિકારક પીલ્સ-રસાયણો ગળીને કે રબરનાં સાધનો પહેરીને સર્જનની શક્તિને ઠેલી કેમ શકો છો? કેનન મલિક કહે છે કે હવે તો તમે આર્ટિફિશિયલ લાઈફ પણ પેદા કરી શકો છો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પેદા કરી શકો છો. તે માટે કેટલી બધી અથાક મહેનત કરો છો તો પછી તમારી ગોદની અંદર અદ્દભુત નવસર્જનની શક્તિ છે તેને શું કામ આઘી ઠેલો છો?
યુરોપમાં ઝુંબેશ ચાલે છે - 'સ્ટાર્ટ યોર ફેમિલી અર્લી' લગ્ન કરીને જલદી બાળક પેદા કરો. પહેલો ઘા પરમેશ્વરનો ! આ ઝુંબેશનો પ્રથમ અમલ બ્રિટન કરશે. 15 લાખ કુટુંબોમાં હવે બાળકો સાથે માતા-પિતા રમી શકશે. લગ્ન પછી બાળકના આગમનને મુલતવી નહીં રાખો. બ્રિટિશ વર્કિંગ વુમને આંકડા કઢાવ્યા તો માલૂમ પડ્યું કે મોટાભાગની સ્ત્રીને (કરિયરવાળી) બે બાળકો ગમે છે તે માટે આખી જિંદગીમાં તેણે 3.81 લાખ પાઉન્ડ જ ગુમાવવા પડે છે.
બ્રિટિશ સરકારે બાળકોની માવજત અને બાળકોના મહત્ત્વને વધારવા માટે 31-1-2001ના દિવસને 'નેશનલ બેબીસીટર ડે' તરીકે સરકારી રજા રાખી છે. તે દિવસ મમ્મી-પપ્પાએ ઘરે જ રહેવાનું છે. બીજી બાજુ ઘણાં યુગલો ચાઈલ્ડ-ફ્રી રહેવા માગે છે તેને હવે ઘણા લોકો તિરસ્કારથી જુએ છે. તે લોકોનું સૂત્ર છે લગ્ન કરો અને તુરંત ફેમિલી શરૂ કરો. આમ છતાં લંડનમાં બાળક વગર રહેવાના સંકલ્પવાળા લોકો ઘણા છે. તેનું મંડળ છે. તેનું નામ બ્રિટિશ ઓર્ગેનાઈઝેશન ઑફ નોન-પેરન્ટસ છે. આ બ્રિટિશ અધોગતિ છે કે બાળકો પેદા ન કરવામાં કેટલીક બ્રિટિશ સ્ત્રીઓ ગૌરવ માને છે. આવી સ્ત્રીઓ ઈશ્વરનો અને નવસર્જનનો ઈન્કાર કરે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર