લગ્નની ધાર્મિક વિધિને આધુનિક જમાનામાં કેટલું સ્થાન?

07 Sep, 2017
12:15 AM

કાન્તિ ભટ્ટ

PC: vimeocdn.com

 

કૂર્યાત સદા મંગલમ્ :

લગ્નની ધાર્મિક વિધિને આધુનિક જમાનામાં કેટલું સ્થાન?

મંગલાચરણ અને સપ્તપદીને જાણો

હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન થાય ત્યારે મંગલાષ્ટક કે મંગલાચરણમનું ખૂબ મહત્ત્વ હોય છે. મૂળ સંસ્કૃતમાં આઠ શ્લોકો મંગલાષ્ટકના છે. પણ તેમાં કૂર્યાત સદા મંગલમથી પૂરા થતા ત્રણ શ્લોકો છે તેનું ગુજરાતીમાં કોઈએ મુક્ત ભાષાંતર કર્યું છે. આ ઉપરાંત સપ્તપદી એટલે કે સાત ફેરા અગર તો મંગલફેરાના શ્લોકો પતિ-પત્ની વતી પુરોહિતો ઉચ્ચારે છે તે જાણવા જેવા છે. અમારા 21 વર્ષ પહેલાં જેને પ્રેમલગ્ન કહેવાય છે તે માતાપિતાની સંમતિ વગર લગ્ન થયાં તેમાં આ મંગલાષ્ટક કે મંગળફેરા નહીં કર્યાનો થોડો અફસોસ રહેતો હતો. હવે લગ્નની મોસમ આવે છે ત્યારે મને સૂચવવાનું આવ્યું કે જેને સ્વાવલંબી (સેલ્ફહેલ્પ) થઈને બે-ત્રણ મિત્રોની હાજરીમાં બોલવા હોય તો તેને સાદી ગુજરાતીમાં બોલી શકાય તે રીતે મારે લખવું.

        સંસ્કૃતના વિશારદ અને જ્યોતિષ વિદ્યામાં પારંગત અને સમારંભોના કોમ્પીયર મારા મિત્રની મદદ લીધી. તેમની પાસેથી જાણવા મળ્યું કે ઘણા ભણેલાગણેલા લોકો મંગલાષ્ટકના આઠ શ્લોકોને બદલે ગુજરાતીમાં નીચેની ત્રણ પંક્તિઓ રટે છે, રટાવે છે કે ગવરાવે છે. તેને મંગલાચરણ કહે છે.

મંગલાચરણ

દામ્પત્ય પગલાં ભરે પ્રણયનાં

ધર્મપ્રીતિ રાખજો

આશિષો પ્રભુની સદા વરસજો

કૂર્યાત સદા મંગલમ્

જે જે સ્વપ્નો રચ્યાં તમે જીવનમાં

તે સહુ પ્રભુ પૂરજો

પ્રીતે શીખ અનેક પ્રાપ્ત કરજો

કૂર્યાત સદા મંગલમ્

અગ્નિદેવની સાક્ષીએ કર પ્રગટ્યા

પૂરી પ્રતિજ્ઞા કરો

યાત્રા સંસારની પૂર્ણ કરો

કૂર્યાત્ સદા મંગલમ્

સંસ્કૃતમાં જે મૂળ મંગલાષ્ટકમ્ના આઠ શ્લોકો છે તેને કોઈ કવિએ, ઉપર મુજબ અત્યંત વ્યવહારુ રૂપ આપ્યું છે. કદાચ વધુ પડતું લાગે. પરંતુ તેમાં અસ્સલ મંગલાષ્ટકમ્નો અમુક સ્પિરિટ વણી લેવાયો છે. અને તે આધુનિક ભણેલી વર-કન્યાને ગળે ઊતરે તેવો ભાવાનુવાદ છે. મૂળ મંગલાષ્ટકનો લગભગ શબ્દશઃ અનુવાદ આવ્યો છે. તેમાં ત્રણ નહીં પણ પૂરેપૂરા આઠ શ્લોકો છે. આચાર્ય ભાઈશંકર પુરોહિતે નીચે પ્રમાણે અનુવાદ આપ્યો.

હે ભાગ્યવાન, ગૃહસ્થજીવનમાં તમે આ જ પ્રથમ પગલાં માંડો છો. સુમંગલી પત્ની સાથે દામ્પત્યમાં પ્રવેશો છો. કર્તવ્યનું સુંદર રીતે પાલન કરીને સિદ્ધિ પામો અને પિતા જેવા જ યશસ્વી બની લાંબા સમય સુધી સુશોભિત રહો.

તમે નીરોગી, બળવાન, વૈભવવાન, સારા વક્તા, રીર્ઘાયુષી, અને કર્તવ્યથી કૃતકૃત્ય થઈ તમારા કાર્યક્ષેત્રમાં યશસ્વી બનો. સફળ બનો. સજ્જનતાને માર્ગે જઈને ચરિત્ર સરળ તથા શીલસંપન્ન બનાવો. મધુરતા, ચતુરાઈ અને વિપુલ સુખથી પ્રસન્ન બનીને લાંબુ આયુષ્ય ભોગવો.

(અહીં યાદ રહે કે આ બીજા શ્લોકમાં વરકન્યાને નીરોગી રહેવા અને લાંબુ આયુષ્ય ભોગવવાની બબ્બે વખત ભાવના સેવાઈ રહી છે. તે બતાવે છે કે દાંપ્તયમાં તંદુરસ્તી કેટલી મહત્ત્વની બાબત છે.)

હે કન્યા! તું પિતાનું પ્રેમમય ઘર છોડીને આનંદપ્રદ પતિગૃહે જાય છે. સારા નસીબે તને અનુરૂપ પતિ મળ્યો છે. સેવા, સ્નેહ અને વિમ્રતા વગેરે ગુણોથી તું સાસરે સૌની પ્રીતિપાત્ર બનજે. તારું ઘર સદા શાન્તિ, સ્નેહ અને સુખથી ભર્યું ભર્યું રહો.

જે ઘરે પ્રેમ કરનારો, કાર્યદક્ષ, ધીરજવાન અને સુશીલ પતિ હોય અને જ્યાં સાધ્વી સ્નેહાળ, આનંદી, કાર્યકુશળ તેમજ શુભલક્ષણા પત્ની હોય તે બન્ને પરસ્પર સુખી થવા હોંશે હોંશે પ્રયત્નશીલ હોય તેનું ગૃહસ્થજીવન સુખપૂર્ણ અને સ્વર્ગથી ચઢિયાતું રહે છે.

કન્યાની બુદ્ધિશાળી માતા અને પિતા પુત્રીને સાસરે વળાવી પ્રેમથી ઊભરાય છે. તે પ્રકારે પિતામહ અને પિતામહી તેમજ કાકા-કાકી પણ ઉમંગથી-પ્રેમથી ઊભરાય છે. નાનો ભાઈ પણ પ્રેમાળ બને છે. સૌ આનંદ અનુભવે છે. ( તાત્પર્ય કે સંયુક્ત કુટુંબભાવના અહીં અભિપ્રેત છે – અપેક્ષિત છે.)

વરના પિતા પણ પ્રફુલ્લિત છે. વરની માતા આનંદથી ઉલ્લસિત છે. પિતામહી-દાદી તેમજ વરના સ્વજનો પરમ સંતોષ અનુભવે છે અને જે મુનિવરો નવયુગલને આશિષ આપે છે તે બધા જ મુનિવરો આ દંપતીનું મંગલ કરો.

હે ધર્મરાજ, વરકન્યાને ધર્મમાં સ્થિર રાખો. લક્ષ્મીપતિ, વિમલ કીર્તિ આપો, લક્ષ્મીજી, સૌભાગ્ય તથા સંપત્તિ બક્ષો. ભગવાન શંકર, દીર્ઘાયુષ તેમજ સુખી દાંપત્ય આપો. ભગવાન, આ દંપતીનું વિવાહ સમયે મંગલાશિષો વરસાવી પરમ કલ્યાણ કરો.

સમુદ્રમંથનને અંતે પ્રગટ થયેલાં ચૌદ રત્નો આ નવયુગલનું મંગલ કરો. લક્ષ્મી. કૌસ્તૂભ મણિ, પારિજાતક સુરા, ધન્વંતરી ચંદ્રમા, કામધેનુ ગાયો, ઐરાવત, રંભા વગેરે અપ્સરાઓ, સાત મુખવાળો ઘોડો, વિષ, શાર્ડંગ ધનુષ્ય, શંખ, મૃદંગ અને કમલ, આ ચૌદ રત્નો જેમ મન્થનથી સમુદ્રે આપ્યાં તેમ પરસ્પર સ્નેહભરી સેવા અને ઉદ્યમથી ગૃહસ્થાશ્રમ પણ તમને જીવનમાં યશ, સારી સંતતિ, લોકચાહના વગેરે રત્નો આપીને તમારું કલ્યાણ કરે. (આ સંસારમંથનમાં વિષ પણ હોય છે તે નોંધવા જેવું છે. વિષમતાને પચાવતાં પણ આવડવું જોઈએ.)

આચાર્ય ભાઈશંકર પુરોહિતે કરેલા મંગલાષ્ટકના અનુવાદને લગભગ ઉપર આઠ શ્લોકોમાં ઉદ્ધૃત કર્યો છે. તેમાં ભૂલ થઈ હોય તો આ લેખક તે સ્વીકારવા તૈયાર છે. મને મંગલાચરણની ત્રણ સાદી ગુજરાતી પંક્તિ લખાવતી વખતે રોમા મોદીએ સરસ વાત કરી કે કેટલીક વખત વેવિશાળ કે લગ્ન પહેલાં વરકન્યા તેમની જન્મપત્રિકા બતાવવા આવે ત્યારે તેમના ગ્રહોના મેળાપ કરતાં લાગે કે આ બંને પાત્રો પતિ-પત્ની કરતાં પરસ્પર મિત્રો જેવા વધુ છે. એ દ્રષ્ટિએ પતિ-પત્ની વચ્ચે મિત્રભાવના હોય તે વધુ સારું છે, એવી જન્મપતિર્કા વર-કન્યાએ શોધવી.

જ્યોતિષ ભાષામાં સખાભાવે પતિ-પત્ની રહેવાનાં હોય તો કુંડળીના શુક્ર મંગળમાં શુભ યોગ હોવો જોઈએ. લગ્નનો મેળાપ કરતી વખતે સૂર્ય ચંદ્ર અને ગુરુના ગ્રહોને પણ પ્રાધાન્ય મળે છે. પરંતુ શુક્ર અને મંગળનો યોગ બન્નેને સખા-સખીપણું બક્ષે છે. આધુનિક જમાનામાં આ યોગ જરૂરી છે. જ્યાં બન્નેએ મિત્રભાવે રહેવાનું છે.

આ સંદર્ભમાં મને સપ્તપદીનો જે સાતમો શ્લોક વર-કન્યા બોલે છે તે ખરેખર અદ્દભુત જણાયો છે, જૂના જમાનામાં લકાયેલો સપ્તપદીનો શ્લોક આજેય પણ પતિ-પત્ની વચ્ચે પતિ-પત્ની કરતાં સખાભાવને વધુ મહત્ત્વ આપે છે. આજના યુગને રેલેવન્ટ કહે છે.

સપ્તપદીના છેલ્લા સાતમા પગલે પતિ બોલે છે –

હે સુભગે ! આ સપ્તપદીના ફલસ્વરૂપ તું આજથી મારી મિત્ર અને જીવનસંગિની બની છે. મારા ઘરે આવી મારું અનુવર્તન કર.

જવાબમાં પત્ની શ્લોકમાં કહે છે –

આ સાતમા ચરમ પછી તમે મારા સખા થયા છો અને હું તમારી સખી બની છું નાથ ! હવે હું તમારાથી બંધાઈ ચૂકી છું. તમારું અનુવર્તન કરવું તે મારો ધર્મ છે. તમે પણ કદીયે મારા પ્રત્યેના કર્તવ્યનું અતિક્રમણ કરશો નહીં. (અતિક્રમણ-ઉલ્લંઘન) અને હું પણ તમારા પ્રત્યેના કર્તવ્યનું અતિક્રમણ નહિ કરું. આપણા આ પ્રકારનાં પ્રેમ, વિશ્વાસ અને સદાચારપૂર્ણ વ્યવહારથી આપણું ઘર સદા પ્રીતિ, સુખ અને શાંતિથી હર્યુંભર્યું રહેશે.

 

ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।।

 

મને લાગે છે કે અમે ધાર્મિક વિધિ અગર ઉપર પ્રમાણે પુરોહિત દ્વારા શ્લોકો બોલાવીને લગ્ન ન કર્યા તેનો આ વાચીંને બહુ અફસોસ રહેતો નથી. સપ્તપદીના છેલ્લા શ્લોક પ્રમાણએ ઉભય પક્ષનાં સભ્યોની હાજરી અમારે નસીબ નહોતી. પણ લગ્ન પછી એમની શુભેચ્છાઓને કારણે જ લગ્નજીવન દીર્ઘ બની રહ્યું છે.

પરંતુ સપ્તપદીના છેલ્લા શ્લોકને બાદ કરતાં બીજા છ શ્લોકો છે તે વાંચીને કોઈ પણ આધુનિક યુવતી જે પતિને મિત્રભાવે અને પ્રેમભાવે પરણી હોય તે શ્લોકોના જુનવાણી સ્વરને બિલકુલ મંજૂર નહીં રાખે. સાત પૈકી છ શ્લોકો પતિ-પત્ની સપ્તપદીમાં શરૂમાં બોલે છે તે આ પ્રમાણે છે

 

વર કહે છે – હે સુભગે : મારી અન્ન વગેરે સમદ્ધિની રક્ષા માટે વિશ્વાત્મા વિષ્ણુએ તને મને આપી છે. તું મારા ઘરે ચાલ અને મારું અનુવર્તન કર.

(આ શ્લોક પ્રમાણે પત્ની પાસે અપેક્ષા છે કે તે રસોડાની રાણી બને અને પતિનું અનુવર્તન કરે. આજ્ઞા પ્રમાણે જ ચાલવું અને આશ્રિત રહેવું. મને નથી લાગતું કે સપ્તપદીનો આ શ્લોક કોઈ સ્વમાની સ્ત્રી સ્વીકારે. પરંતુ અન્નની શુદ્ધતાના પુરાણા આગ્રહને નોંધવા જેવો છે.)

પ્રથમ ફેરો કરતી વખતે કન્યા કહે છે, તમારા ઘરે આવી કીડા અને જંતુઓથી અન્નની રક્ષા કરીશ. ખાદ્યસામગ્રીને સ્વચ્છ રાખીશ. અન્નાદિ સમૃદ્ધિની વૃદ્ધિ કરીશ. તમને અનુકૂળ થવા પ્રયત્નશીલ રહીશ. (ખરેખર તો આજે પતિ-પત્ની બન્નેએ બોલવું જોઈએ કે ઘર અને રસોડાનું મેનેજમેન્ટ બન્ને મળીને સરખા સ્પિરિટથી કરીશું.)

બીજા ફેરામાં પતિ કહે છે, મારાં બળ અને તેજ વધારવા ભગવાને તને મને આપી છે. તું મારા ઘરે આવ અને મારી બલવૃદ્ધિ કર. (આજની પત્નીને વાંધો ન હોય તો આ શ્લોક બહુ વાંધાજનક નથી.)

કન્યા જવાબમાં કહે છે. તમે અને તમારા ઘરનાં આબાલવૃદ્ધ સૌ બલશાળી બને એવી ખાદ્યસામગ્રી તૈયાર કરીશ નાથ! આપણે સૌ બલશાળી બનીએ તેમ કરીશ. (હકીકતમાં કન્યા માત્ર એટલી જ ભાવના કરે કે રસોડામાં તમારા સહકાર સાથે ખાદ્યસામગ્રી તૈયાર કરીશ. અને જરૂર પડ્યે તમે મારા માટે રસોઈ કરવાનું શીખજો.)

વર કહે : ‘ત્રીજા પગલે ઈશ્વરે તને ધનસમૃદ્ધિ વધારવા અર્પી છે. સુભગે ! તું મારા ઘરે આવ અને મારું અનુસરણ કર. જવાબમાં કન્યા કહે છે નાથ! મારી શક્તિ અને બુદ્ધિ અનુસાર હું તમારી ધનસંપત્તિની વૃદ્ધિ કરીશ. (આજના યુગમાં આ વાત બરાબર છે. પતિ-પત્ની બન્નેએ ધનપ્રાપ્તિ માટે સરખો પુરુષાર્થ કરવો પડે છે.)

ચોથા પગલે વર કહે છે, મને અને પરિવારને સુખ મળે તે માટે ઈશ્વરે તને આપી છે. તું મારા ઘેરચાલ અને સુખવૃદ્ધિ કર. કન્યા કહે છે – તમને અને તમારા પરિવારને સુખ આપવા હું આવીશ. હું મારા-તારાનો ભેદ રાખીશ નહિ.

વર કહે છે : મારાં પશુઓની (મતલબ કે મારું પશુધન કે અન્ય કક્ષાનું ધન) રક્ષા કરવા ઈશ્વરે તને આપી છે. કન્યા કહે છે – હું તમારી તમામ સંપત્તિની રક્ષા કરીશ. ઉપરાંત ધર્મને લગતાં અન્ય સાધનોની રક્ષા કરીશ.

છઠ્ઠે પગલેવર કહે છે : વરસની છ ઋતુઓ અનુકૂળ થાય એ માટે પરમાત્માએ તને આપી છે. પ્રિયે ! મારા ઘરે આવ અને મને અનુકૂળ થવા પ્રયાસ કર. કન્યા કહે છે નાથ ! તમે ઋતુ અનુસાર આપેલાં વસ્ત્રો અને અલંકારો પહેરીને તમારી સાથે રમણ કરીશ. જીવનભર તમારી સાથે મન, વચન અને કર્મથી એકરૂપ થઈ રહીશ. આ માટે છઠ્ઠે પગલે પ્રતિજ્ઞા છે. (આ છ શ્લોકોમાં પત્ની પતિને કહી શકતી નથી કે તમે પણ મારું વખતોવખત અનુસરણ કરો.)

વાચકો પોતે જ નક્કી કરે કે સપ્તપદીનો છેલ્લો સાતમો શ્લોક જ બોલવા જેવો છે કે શરૂના છ શ્લોકો તેમાં સ્ત્રીને લગભગ સેવિકા અને પતિને અનુસરનારી થવાનું કહેવામાં આવ્યું છે તે શ્લોકો પણ બોલવા જેવા છે.

પ્રેમલગ્ન કરનારાએ તો સપ્તપદીના છેલ્લા શ્લોકનું સ્વયં રટણ કરવા જેવું છે. છતાં ઈલા વ્હીલર વીલફોક્સ નામની 1950માં જન્મેલી નવલકથાકાર અને કવયિત્રીની આ કાવ્યપંક્તિ સ્ત્રીએ યાદ રાખવા જેવી છે. પુરુષ કરતાં સ્ત્રીનો પ્રેમ મહાન અને વધુ વિશ્વસનીય હોય છે. ઈલા વ્હીલરે 10 વર્ષની વયે નવલકથા લખેલી :

પોએમ્સ ઓફ યેશનમાંથી આ પંક્તિ લીધી છે :-

It ever has been since time began

And ever will be, till time lose breath

That love is a mood – no more – to man

And love to a woman is life or death.

પ્રેમ જીવનમરણનો પ્રશ્ન છે તેવું પુરુષને નથી. આ એક સનાતન સત્ય રહેવાનું છે.

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.