હિંસા અને યુદ્ધની ભીતર

16 Mar, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: historyguy.com

તમે જ્યોતિષમાં માનતા હો કે ન માનતા હો પણ મંગળ જે રેડ પ્લેનેટ ગણાય છે અને યુદ્ધનો ગ્રહ છે એની અને પ્લુટોની અસર જગત પર વ્યાપ્ત છે. કાશ્મીર, ઈરાક અને પેલેસ્ટીનમાં સતત હિંસા, આતંકવાદ અને યુદ્ધ ચાલે છે. ટોમ ક્લાન્સી નામના અમેરિકન લેખકે 56 વર્ષની વયે માત્ર બે પુસ્તકો લખીને 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમની 'હેટ ફોર રેડ ઑક્ટોબર'ની નવલકથા પરથી ફિલ્મ ઊતરેલી. તેમણે છેલ્લે 'એક્ઝિક્યુટિવ ઑર્ડર્સ' નામની નવલકથામાં અમેરિકાએ ઈસ્લામી આતંકવાદથી કંટાળીને સાઉદી અરેબિયા પર હુમલો કરીને ત્યાં 'ધ ન્યુ યુનાઈટેડ ઈસ્લામિક રિપબ્લિક્સ' નામનું લોકશાહી અને ધર્મનિરપેક્ષ રાજ્ય સ્થાપી દીધું એવી કલ્પના છે.

ટોમ ક્યાન્સી કહે, 'વોર ઈઝ ધી અલ્ટિમેટ બ્લડ સ્પોર્ટ, ટુ ડિનાઈ ઈટ્સ નેસેસિટી ઈઝ ટુ ડિનાઈ ટ્રુથ.' અર્થાત્ યુદ્ધ એ એક અંતિમ કક્ષાની લોહિયાળ રમત છે. તમે યુદ્ધનો સર્વત્ર અને સમગ્ર રીતે ઈન્કાર કરો કે યુદ્ધનો અસ્વીકાર કરો એ સત્યનો ઈન્કાર કરવા કે સત્યનો અસ્વીકાર કરવા જેવું છે. એવું જ હિંસાનું છે. મુંબઈમાં શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2003ના રોજ હીરાના કેટલાક વેપારીઓએ પોતાની મોટી વસૂલાત માટે બેલ્જિયમમાં રહેતા હીરાના વેપારીને ઢોરમાર મારીને છોડી મૂકવાનો હતો, પણ એ ઢોરમારને વેપારી સહન ન કરી શક્યો. હિંસા અને યુદ્ધ એ બંને માનવ સ્વભાવનાં જન્મજાત છે. આ તો બસો કરોડ રૂપિયાની વસૂલાતની વાત હતી. પરંતુ પાંચ રૂપિયા માટે પણ હિંસા થઈ શકે છે.

મહાન મનોવિજ્ઞાની સાઈમન ફ્રોઈડ અને ગ્રીક ફિલસૂફ ઑરિસ્ટોટલે કહેલું, 'જો લોકોને મનમાં જે દાઝ હોય એ મક્કમપણે કહેવા દેવામાં નથી આવતી કે તેમની મૂંઝવણની અભિવ્યક્તિને રોકવામાં આવે છે ત્યારે તેમનો દાબેલો ગુસ્સો એકઠો થાય છે. એ પછી તેમની જન્મજાત અગ્રેસિવ એનર્જી (આક્રમક શક્તિ) હોય છે એને બહાર આવવું હોય છે. આખરે એ દાબેલી ઊર્જા હિંસા દ્વારા વ્યક્ત થાય છે.

જૈન વેપારીઓ, પછી તે હીરાના હોય કે બીજી ચીજના હોય, પોતાના ઝઘડાની પતાવટ માટે મોટે ભાગે પોતે કાયદો હાથમાં નથી લેતા. જો કે એક પાલનપુરી વેપારીએ સગા ભાઈ પાસેથી પૈસા વસૂલ કરવા માટે માફિયા દ્વારા તેના સગા ભત્રીજાનું અપહરણ કરાવેલું એ બતાવે છે કે સૌ ક્રૂર થઈ શકે છે.

માનવીની હિંસક વૃત્તિનો ઈતિહાસ સૌથી શ્રેષ્ઠ રીતે ડેસમન્ડ મોરિસ નામના લક્ષણશાસ્ત્રીએ લખ્યો છે. 'ધ હ્યુમન ઝૂ' (The Human Zoo) નામના પુસ્તકમાં મૉરિસે લખ્યું છે, 'આપણા વડવાઓ ફળ તોડીને ખાનારા વાંદરા હતા. દસ લાખથી વધુ વર્ષ પછી વિકસીને આપણે શિકાર કરવાને બદલે ખેતી કરતા થયા, પરંતુ ક્રૂરતા કે હિંસાની બાબતમાં સુધર્યા નહીં. એક સિંહ બીજા સિંહને મારી નથી નાંખતો. આર્થર કોસલર, કોનરાડ લૉરેન્ઝ તેમ જ એરિક ફોમ જેવા મનોવિજ્ઞાની કહે છે, 'બે પગાળા જીવોમાં આ જગતમાં જો કોઈ પરસ્પરને મારતું હોય તો તે માત્ર માનવી જ મારે છે.'

Man is the only animal khak tills and korkures menbers of his own species - અર્થાત માનવી જ એક એવો કુદરતે સર્જેલો નમૂનો છે જે ઘણી વખત કારણ સાથે કે કારણ વગર પોતાની જાતના માનવને ત્રાસ આપે છે કે મારી નાખે છે. કૉલિન વિલ્સન નામના 73 વર્ષના લેખક ઈંગ્લેન્ડમાં રહે છે. તેમણે લખ્યું છે કે (ક્રિમિનલ હિસ્ટરી ઑફ મેનકાઈન્ડ) 4002 વર્ષથી જ માનવી ગુનેગારી શીખ્યો છે. તે જેમ જેમ વધુ ધાર્મિક થતો ગયો તેમ તેમ વધુ ક્રૂર થતો ગયો છે. ઈસ્લામ, હિન્દુ કે ખ્રિસ્તી કોઈ પણ ધર્મમાં સામા જીવને મારવાની વાત નથી. પણ જેમ-જેમ સિવિલાઈઝેશન આગળ વધ્યું તેમ તેમ હિંસા વધવા લાગી છે. એકવીસમી સદી અને અગાઉની આખી વીસમી સદીમાં વધુમાં વધુ યુદ્ધો થયાં છે અને થશે.

આજે અમેરિકા સૌથી વધુ હિંસક દેશ છે. ટોમ ક્લાન્સીએ અમેરિકન સાઈકી એટલે કે અમેરિકન માનસિકતા વિશે લખ્યું છે કે, American psyche is paranoid, deluded, isolaked, and aggressively confronkakional. અમેરિકનોની માનસિકતા એક પાગલ માણસ જેવી થઈ ગઈ છે. અમેરિકન માણસ ભ્રાંતિમાં જીવે છે, એકલપેટો થઈ ગયો છે અને દરેક વાતમાં આક્રમક રીતે મારી નાખું, કાપી નાખું એ જાતના મોરચા માંડી બેસે છે.

કવિ ડબલ્યુ. બી. યિટ્સે એપ્રિલ 1938મા એક કવિતા લખેલી એની શરૂની પંક્તિ હતી. 'હું સ્ત્રીઓ માટે પાગલ છું એટલે હું ટેકરાઓ અને ડુંગરાઓ ચડવા માટે પણ પાગલ છું. સુંદર સ્ત્રી માટેનો પાગલ માણસ તો બરાબર છે, પરંતુ વીસમી અને એકવીસમી સદીમાં તો તે ધન અને સત્તાનો પાગલ બન્યો છે. ઑક્ટોબર 1904મા અમેરિકાના બોસ્ટન શહેરમાં વર્લ્ડ કોંગ્રેસ (વિશ્વશાંતિ પરિષદ)ની બેઠક મળી હતી. શાંતિ માટેની આ શિખર પરિષદમાં મહાન મનોવિજ્ઞાની અને હાવર્ડના પ્રોફેસર ઑફ ફિલોસોફી પ્રો. વિલિયમ જેમ્સે પોતાની નિખાલસ વાત જાહેર કરેલી, 'આપણો કાયમી દુશ્મન કોઈ હોય તો તે માનવના સ્વભાવની વેરવૃત્તિ છે. માનવીને બાયોલોજિકલી એટલે કે જીવરસાયણશાસ્ત્રની દૃષ્ટિએ મૂલવીએ તો સૃષ્ટિ પરનાં તમામ વિકરાળ પ્રાણીઓ પૈકીનું તે એક વિકરાળ પ્રાણી પણ થઈ શકે છે અને ઘણી વખત તો માનવ પોતે જ પોતાની જાતને સિસ્ટેમેટિકલી શિકાર બનાવે છે. આપણે હંમેશને માટે મિલિટરી સ્ટેટસ ધરાવતા થઈ ગયા છીએ. કોનું કેટલું મિલિટરી બળ છે એ પરથી સુપરપાવરનું બિરુદ મળે છે. સુપરપાવર એટલે સુપર હિંસક એવો અર્થ થઈ શકે છે.'

વિલિયમ જેમ્સ તો ત્યાં સુધી કહે છે, 'માનવી માત્ર સૈનિક કે યોદ્ધા થવા જ નથી સર્જાયો, પણ જેઓ સૈનિક નથી તેવા વેપારીઓ, ઈતિહાસકારો અને ધર્મગુરુઓ પણ જાણે યુદ્ધને આદર્શ ગણે છે.'

વિલિયમ જેમ્સ વિશ્વશાંતિ પરિષદને આટલું ઉગ્ર કહ્યા પછી અંતે કહે છે, '... હું સ્થિતિને સાવ હોપલેસ નથી ગણતો, માનવ જન્મજાત યુદ્ધખોર છે એટલે જ તમે જ્યારે કોઈને વડાપ્રધાન કે પ્રમુખ તરીકે ચૂંટો ત્યારે શાંતિના દૂત જેવા માણસને ચૂંટો. પત્રકારો અને રાજકારણીઓ પણ એવા જ હોય છે જે સમગ્ર જનતાને હિંસા, યુદ્ધ અને વેરભાવને બદલે પ્રેમ અને શાંતિનો સૌ સંદેશ આપતા હોય.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.