ગતની ગત ન્યારી
આંતરડાની ગરમી હોય અને હોઠ ઉપર તે ગરમી આવે તેને કાઠિયાવાડમાં બરો મૂતરી ગયો તેમ કહેવાય છે. ઘણા લોકોને તાવ ઊતરે પછી હોઠ ઉપર ફરફોલા પડી જાય છે. શિયાળામાં હોઠ ફાટી જાય છે. સ્પેન અને હોંગકોંગમાં આજકાલ નેસકાફેની બહુ માગ છે. મુંબઈનો પ્રવાસી પાકિસ્તાન કે હોંગકોંગ જાય તો અહીંથી નેસકાફેનો ડબ્બો લઈ જાય છે. હમણાં હમણાં માલૂમ પડ્યું છે કે નેસકાફેની ઈન્સ્ટન્ટ કૉફીનો નવી જાતનો ઉપયોગ થાય છે. હોઠ ફાટી જાય કે બરો મૂતરી જાય કે ચહેરા ઉપર ફરફોલા થાય ત્યારે નેસકાફેના પાઉડરમાં પાણી ભેળવીને તેનો મલમ ફરફોલા ઉપર લગાવાય છે. જાપાની લોકો ચામડીના સૌંદર્ય માટે કૉફીના પાઉડરમાં સ્નાન કરે છે. કૉફીની અંદરનું કેફેન તત્ત્વ ચામડીનાં જંતુને મારી નાખતું હશે. હોંગકોંગમાં તો ભારતીય વેપારીઓ નેસકાફેના ડબ્બા ભારતીય ટૂરિસ્ટો પાસેથી શું કામ ખરીદે છે તે ખબર નથી પણ સ્પેનમાં તો દાદીમાના વૈદું તરીકે નેસકાફેની ડબ્બી રાખી મૂકે છે.
હોંગકોંગમાં આજકાલ ટેસ્ટી પાપડ અને લિજ્જત પાપડની પણ સારી માગ છે. ભારતીય પ્રવાસી રૂ. 4900ની રિટર્ન ટિકિટ રૂ. 6000ની હૂંડિયામણ ખર્ચીને 11000 ખર્ચે અને પછી હોંગકોંગમાં જાય ત્યારે નેસકાફે, પાપડ અને મસાલા લઈ જાય તો તેને રૂ. 1000નો નફો થાય અને હોંગકોંગના ડોલર મળે. હોંગકોંગની નાથન સ્ટ્રીટમાં ક્યાંક રૂ. 130ના ભાડાથી રહેવાનું મળી જાય પછી રૂ. 2200નું વોશીંગ મશીન લઈને મુંબઈ આવે તો તે રૂ. 2000ની ડ્યૂટી ભરીને પછી આ મશીન રૂ. 7500માં વેચી દે તો મુસાફરને રૂ. 2700નો નફો થાય. હોંગકોંગની આવી ટ્રિપ કરનારા એક પ્રવાસીએ ગર્લીબારમાં એક છોકરીની ઓળખાણ પછી સંપર્ક વધાર્યો પછી તેને ગુપ્તરોગનો ચેપ લાગ્યો ત્યારે દવામાં જ રૂ. 5000નો ખર્ચ થઈ ગયો હતો.
* * * *
મગરૂબ કૂકડો !
કૂકડો એકદમ ડોક ઊંચી કરીને મગરૂબ ચાલે છે. તેનું એક રાસાયણિક કારણ છે. કૂકડાના માથા ઉપર જે ગુલાબી રંગની કલગી છે તેમાંથી હાયલુરોનિક એસિડ નામનું રસાયણ નીકળે છે. રેસકોર્સના ઘોડાને સાંધાનો રોગ થયો હોય કે મોતિયો ઊતારવો હોય કે એકદમ સૂકી ચામડીની દવા કરવી હોય ત્યારે હાયલુરોનિક એસિડની જરૂર પડે છે. આ એસિડના એક રતલના રૂપિયા સાડા આઠ કરોડ થાય છે.
1981ની સાલથી સ્વિડનની કંપની "કોર્માસિયા" આ રસાયણ બનાવે છે. આ કંપની વર્ષે માત્ર પાંચ કિલો હાયલુરોનિક એસિડ પેદા કરે છે. અમુક ખાસ પ્રકારના અને છ મહિનાના કૂકડાની કલગીમાંથી માત્ર ચાર ગ્રામ જેટલું એસિડ મળે છે. જો કે કૂકડાની કલગીમાંથી જ નહીં પણ માણસની આંખમાં અમુક વખતે જે આંસુ નીકળે તેમાં પણ આ રસાયણ હોય છે એટલે જ કદાચ આંખના આંસુ કિંમતી કહેવાતા હશે. રેસકોર્સનો ઘોડો સાંધાના દુખાવાને કારણે રેસમાં દોડી શકવાનો ન હોય પણ જો તેને કૂકડાની કલગીનો અર્ક કાઢીને તેનું ઈન્જેકશન આપે તો ઘોડો દોડતો થઈ જાય છે!
* * * *
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર