જાગ્યા ત્યારથી સવાર

13 Jul, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: spgenergy.com

What are the days for?

Days are where we live

They come, they wake us

time and time over

They are to be happy in:

Where can we live

But DAYS?

-Poet Philip Larkin

હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ફિલસૂફ અને સાદાઈના ચાહકને મર્યે આજે 150 વર્ષ થયાં છે. તેણે શહેરી જીવન છોડીને જંગલમાં ઝૂંપડું બાંધીને રહેવાનો પ્રયોગ કરેલો. તેણે લખેલા ‘વોલ્ડન’ પુસ્તકની મહાત્મા ગાંધીજી ઉપર ભારે અસર થઈ અને ત્યારથી તેમણે પોતડી પહેરવાનું નક્કી કરેલું.

થોરોને નવા વર્ષનો સંદેશ આપવા મિત્રોએ કહેલું. તેણે કવિ ફિલિપ લાર્કિનની જેમ જ કહેલું, ‘આ દિવસ ઊગ્યો છે એ તમારે માટેનો ખાસ દિવસ છે. એ દિવસે તમારે સુખને ઝૂંટવી લેવાનું છે.’ હેનરી થોરોએ પણ તેના મિત્રે સંદેશો આપવા કહેલું ત્યારે કહેલું કે, ‘તમે જાગી જાઓ એ દિવસ નવો જ છે. જાગ્રતિને દિવસે તમારું નવું વર્ષ-નવજીવન શરૂ થઈ ગયું સમજો.’

ઉપર અંગ્રેજ કવિ ફિલિપ લાર્કિનની અંગ્રેજી કવિતા ટાંકી છે. તેણે પણ ઉપરની અંગ્રેજી કવિતામાં જીવનની ફિલસૂફી લખી છે. તે પોતે પણ માનતો હતો કે પ્રેમ, લગ્ન કે કારકિર્દી ન ગમતી હોય તો વેંઢારી ન નાખો. ગુજરાતી કવિઓ લખે છે એમ તે માનતો કે ‘આજનો લહાવો લીજીએ કાલ કોણે દીઠી રે.’

હેનરી ડેવિડ થોરોના લખાણની કવિ ફિલિપ પર પણ ગાંધીજીની જેમ ભારે અસર હતી. તે ક્રિસમસને દિવસે દર વર્ષે એક જ મેસેજ રિપીટ કરતા. ‘સપનાં ઘડીને પછી એ સપનાં સિદ્ધ કરવા માટે આત્મવિશ્વાસ સાથે એ દિશામાં આગળ વધો. તમે જે કલ્પના ઘડી હોય એવી જિંદગી તમારી ઉત્કટતા હશે તો સિદ્ધ થશે જ. શરત છે કે તમારી સામે જે ફરજ આવી હોય તેને નિષ્ઠાપૂર્વક પૂરી કરો. મિત્રોને વફાદાર રહો.’

કવિ ફિલિપ લાર્કિને દેશી ભાષામાં કહેલું કે, તમે ‘દી’ કઢણા ન બની જાઓ. આજે જે દિવસ ઊગ્યો છે એ દિવસ જ તમારી પાસે છે. તમે જાણો છો કે ફિલસૂફ હેનરી ડેવિડ થોરોએ ઘણાં સપનાં ઘડ્યાં, પણ 45ની જુવાન ઉંમરે એકાએક ટી.બી. થયો અને મરી ગયા. આજે ટી.બી. નહીં, તમારી પાછળ શહેરી જીવનના ટ્રાફિકનાં મોટાં અને બીજાં જોખમો પડ્યાં છે. તેથી દરેક દિવસને જીવી લો.’

બીજી ખાસ વાત જે તદ્દન સાદી છે એ આજથી યાદ રાખીએ. માર્ક ટ્વેને કહેલું કે, ‘મારા લેખનનાં કે કોઈ સારા કામનાં કોઈ થોડાંક વખાણ કરે તો હું તેની પ્રશંસાના નશામાં બે મહિના કાઢી શકું.’ આ વાતને આપણે રોજિંદા જીવનમાં ઉતારીએ. તમારી પત્નીની રસોઈનાં વખાણથી આ નિયમ શરૂ કરો. તેણે જે સાડી પહેરી હોય એ સાડીને પહેરવાની સ્ટાઈલને નવાજો. સાવ જ મફતમાં તમારી આ વાત હજાર ફિલસૂફી કરતાં વધુ અસર કરે છે. બની શકે ત્યાં સુધી જીભને કડવી ન રાખીએ. લેખકને, કવિને, વેપારીને કે સામાન્ય માનવીને વખાણ જીવવાનું બળ આપે છે. હિબ્રૂ ભાષામાં ડહાપણવાળો ગ્રંથ રાજા સોલોમને લખેલો. એમાં કહેલું કે, ‘તમારી જીભમાં અદ્દભુત શક્તિ છે. એ જીભ કોઈને મારી શકે છે અને એક અમૃત જેવું કામ પણ કરી શકે છે.’

તો જિંદગીમાં આજથી આ અમૃતનો વધુ ઉપયોગ કરીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.