નારીના મનની ગહનતાનો તાગ પામવો મુશ્કેલ છે?

07 Jul, 2016
12:05 AM

કાન્તિ ભટ્ટ

PC:

આ લેખમાં એક ટૂંકી વાર્તાની સંવેદનાનો અનુભવ કરાવવા માગું છું. જોકે વાર્તા દ્વારા સમાજ અગર નારીના અકળ મનનું એક રહસ્ય પ્રગટ કરવા માગું છું. વાર્તાની લેખિકા સ્યુ ટાઉનસેન્ડ નામની અંગ્રેજ લેખિકા છે. તે ટૂંકી વાર્તાઓ લખીને લાખ્ખો પાઉન્ડ કમાઈ છે. વાર્તા વાંચી જાઓ પણ વાચન-લેખનના મહત્ત્વની વાત પણ અંતે કરીને માહિતીનું ચારિત્ર્ય જાળવી રાખીશ. વાર્તાનો મેં ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે :

નેહા એક ગ્રેજ્યુએટ થયેલી સુંદર યુવતી હતી. ઘણી મહેનત પછી મનપસંદ કહી શકાય તેવો સો ટકા નહીં પણ કમાતોધમાતો પતિ મળ્યો હતો. તેને શ્રેયા નામની પુત્રી હતી. તે કાનપુરની આઈ.આઈ.ટીમાં ભણવા ગયેલી. એક દિવસ નેહાએ દરવાજાની ઘંટડી સાંભળી અને દૂધને ઊકળતું છોડી દરવાજો ખોલવા ગઈ. દૂધ ઉકાળવા મૂકીને નેહા બાથરૂમ સાફ કરી રહી હતી. પતિ અવનીશ સ્નાન કરીને ઑફિસના કામે બહાર ગયેલા. પુત્રી શ્રેયા હોસ્ટેલમાં રહેતી હતી. કોઈ વખત તેને ગોળપાપડી બનાવીને મોકલતી.

નેહાએ દરવાજો ખોલ્યો. ઈન્ટરફ્લોરા કંપની નામની ફૂલોના ગુચ્છા ડિલિવરી કરતી કંપનીની એક રૂપાળી છોકરી ઊભી હતી. નેહાના દીદાર જોઈને ફ્લાવર કંપનીવાળી છોકરી અચંબામાં પડી. નેહાના વાળ અસ્તવ્યસ્ત હતા. હાથમાં બાથરૂમ સાફ કરવાનો સાવરણો લઈને તે દોડી ગયેલી. સાવરણો હાથમાં રહી ગયેલો, તે યાદ આવતાં નેહા હસી પડી.

'તમે જ મિસિસ અવનીશ?'

નેહાએ હા પાડી.

'અચ્છા, તો ફૂલનો ગજરો તમારે માટે ભેટ આવ્યો છે' એમ કહીને ગજરો આપીને જાણે કોઈ ભળતી જ વ્યક્તિને મોંઘો ગજરો આપ્યાનો અસંતોષ માનીને ઈન્ટરફ્લોરાની છોકરી ચાલી ગઈ.

નેહાએ જોયું કે, અત્યંત કીમતી ફૂલોવાળો ગજરો હતો બધા જ ફૂલો સુગંધી હતાં. નેહાના લગ્નજીવનને 21 વર્ષ થયેલાં. શરીરમાં ઈશ્વરદત્ત સૌંદર્યની મરામત કરવાની નેહાને ફુરસદ રહેતી નહીં. તેની ઘણી બહેનપણીઓનું આવું જ હતું. એમ.એ., બી.એસસી., કે.એમ. કોમ. થઈ ગૃહિણી બનેલી, 'મિસ કૉલેજ બ્યૂટી' થયેલી તેની એક બહેનપણી તો પરણ્યા પછી શરીરની કાળજી જ નહોતી કરતી. ભણતર અને રોમાન્સ રસોડામાં ખોવાઈ ગયેલાં.

નેહાને નવાઈ લાગી કે આ ફૂલનો ગજરો તેને-મિસિસ નેહા અવનીશને - કોણે મોકલ્યો હશે. તેનો કોઈ જન્મદિન નહોતો. વળી જોઈએ એવી કોઈ સિદ્ધિ મેળવી નહોતી. ટૂંકી વાર્તાઓ પાંચ વર્ષ પહેલાં લખીને તંત્રીને મોકલી હતી. ન છપાઈ એટલે હતાશ થઈને પૂર્ણ ગૃહિણી બનેલી. નેહાએ દરવાજો બંધ કરીને અંધારિયા રસોડામાં થઈ ખૂણામાં પડેલા અને ધૂળ ચઢેલા ફ્લાવરવાઝને શોધ્યું. ફૂલના ગજરાને થોડો છૂટો પાડીને ફૂલો ગોઠવવા જતી હતી ત્યાં ગજરા સાથે એક કાર્ડ જોયું. એમાં અંગ્રેજીમાં લખ્યું હતું : 'આઈ લવ યુ નેહા.' અક્ષરો ટાઈપ કરેલા હતા અને મોકલનારનું નામ પણ નહોતું. નેહાના ગાલ પર લાલી પથરાઈ ગઈ. ઘણાં વર્ષે તેના ગાલમાં આવી સુરખી આવી હશે. આજે તો તેના લગ્નની તિથિ પણ નહોતી અને ધારો કે હોય તો અવનીશ એટલા ચિંગુસ અને થોડા કોરા છે કે ગજરાનો ખર્ચ કરે જ નહીં. શ્રેયા જન્મી ત્યારે પણ ફૂલ લાવ્યા નહોતા. ખર્ચનો પ્રશ્ન નહોતો.... પણ બસ, અવનીશનો સ્વભાવ એવો હતો. અવનીશ કહેતા હતા કે તેને દેખાડો કરવો ગમે નહીં. ફૂલોની ભેટ એ ફૂલો પર અત્યાચાર છે. ફૂલો છોડ પર જ રહેવાં જોઈએ. ઘરમાં કૂડું લાવીને નેહા ફૂલ ઉછેરતી તો કદી ફૂલ તોડીને અવનીશે નેહાના વાળમાં ભરાવ્યાનું નેહાને યાદ નથી.

નેહાને મૂંઝવણ થઈ. મૂંઝવણ પણ મીઠી મીઠી. 'આઈ લવ યુ નેહા !' કેવા મધુર શબ્દો. કેવી મધુર લાગણી. આવા મોંઘા ગજરા સાથે પ્રેમની ઉષ્મા દેખાડનારો કોણ હશે? નેહાએ ફરીથી કાર્ડ સામે જોયું 'આઈ લવ યુ નેહા' તેના કૉલેજનો કોઈ મિત્ર યાદ આવતો નહોતો. કદાચ... શું કપાળ કદાચ? નેહા મનમાં હસી પડી. એ પછી ફરીથી આખો બાથરૂમ સાફ કર્યો. અંધારિયા રસોડાની અસ્તવ્યસ્ત ચીજો પ્રથમ વાર સરસ રીતે ગોઠવી. આખા દીવાનખાનાને નવેસરથી સાફ કર્યું. રોજ 3 મિનિટમાં સ્નાન પતાવતી તેને બદલે પૂરો પોણો કલાક નેહાએ શરીર ચોળીને માથાબોળ સ્નાન કર્યું. નહાતાં નહાતાં તેણે 22 વર્ષ પહેલાં સાયગલનું ગીત કૉલેજના વાર્ષિક દિવસે ગાયેલું તે ફરી ગાયું.... એક બંગલા બને ન્યારા...

બાથરૂમમાંથી બહાર આવીને પ્રથમ વાર વાળને સરસ રીતે સંવાર્યા. ટેલિફોન વાગતો હતો તે વાગવા દીધો. દીવાનખાનાનાં ફૂલ સાઈઝ અરીસા સામે જઈને તેણે વર્ષો સુધી મેકઅપ નહોતો કર્યો તે કર્યો. અવનીશ પાસે એક વખત ખોટું બોલીને પરફ્યુમની એલર્જી છે તેવું કહીને કદી પરફ્યુમ વાપરતી નહોતી. પણ આજે પરફ્યુમની બોટલ શોધી કાઢી. બે કલાક પહેલાં ગજરાના ફૂલ તેની સામે પડકાર કરતાં હતાં, પણ જાણે નેહાએ સ્વીકારી જ લીધું કે આ ફૂલનો ગજરો તેને માટે જ છે. કોઈકે... કોઈકે.... પણ કોણે મોકલ્યો હશે. કોક, કોણ હશે?

અવનીશને બ્રાઉન બ્રેડ માફક આવતી એટલે કે બ્રેડ ખૂટી જતાં બેકરીવાળા પાસે બ્રેડ લેવા ગઈ. ફિરોજશા બ્રેડવાળાએ નેહાને જોઈને કહ્યું, 'મેદમ, આજે કંઈ નલ્લા દેખાઓ છો ને વળી! શું બર્થ-ડે છે! કેઈક લેતા જાઓ!' પાડોશણોએ પણ ટીખળ કરી કે આજે તો નેહા ફાંકડી દેખાય છે, કંઈક છે ખરું.

નેહા ઘરે પાછી ફરી ત્યારે પતિ ઘરે આવી ગયેલા.

'આ ગજરો ક્યાંથી? કોણે ફૂલની માથાકૂટ કરી?'

'અચ્છા, તો આ ગજરો તમે નથી મોકલ્યો?'

'હું? અને આ ગજરો? આ ગજરો તો રૂ. 1000નો છે.'

એટલા સંવાદ પછી અવનીશ તો ગજરાની વાત ભૂલીને કામસર બહાર ચાલ્યો ગયો. રાત્રે પાછા આવીને નેહાને પૂછ્યું, 'કોણે ગજરો મોકલ્યો?' નેહાએ જવાબ આપ્યા વગર કાર્ડ બતાવ્યું. અવનીશે હસીને વાંચ્યું, 'આઈ લવ યુ નેહા.' અવનીશ કહે, 'આમાં કંઈક ભૂલ થઈ છે, તને... નેહા, તને વળી ફૂલ મોકલે?'

એકાએક આ વાક્યથી નેહા ઘવાઈ ગઈ. સાંજનું ભોજન તૈયાર કરતાં કરતાં તેની આંખમાં આંસુ આવી ગયાં. અવનીશે નાજુક ટોણો મારવાની ભૂલ સ્વીકારીને નેહાને ખુશ કરવા કોશિશ કરી. પણ બંનેએ ચૂપચાપ જમી લીધું. અવનીશને ચુપ્પી ગમી નહીં, 'અચ્છા, તો ફૂલના ગજરાનો તોર હજી છે?'

'તમને ગમતો હોય તો તમે ગજરો રાખો.'

'મને એ ગજરો ન જોઈએ. મને ક્યાં કોઈએ મોકલ્યો છે?'

'જમીને આરામ કરવાને બદલે નેહા બનીઠનીને તૈયાર થઈ.'

અવનીશે પૂછ્યું, 'ક્યાં જાય છે?' ત્યારે નેહાએ કહ્યું, 'મિત્રને મળવા જાઉં છું.'

અવનીશે જોયું કે ચોવીસ કલાકમાં તેના ઘરમાં અદ્દભુત ફેરફાર થયો છે. ઘર ખૂબ ચોખ્ખું થઈ ગયેલું. ફર્નિચર ચમકતું હતું. નેહા લઘરવઘર કપડાં અને અસ્તવ્યસ્ત વાળ રાખતી. આખો દિવસ ઘરમાં નાઈટી પહેરીને ફરતી તેને બદલે બનીઠનીને સરસ વસ્ત્રો પહેરે છે. આંજણાં આંજે છે. વાળ સરસ ગોઠવે છે. અવનીશે વિચાર્યું, 'ચાલો, ફૂલના ગજરાએ કંઈક તો ચમત્કાર કર્યો છે.'

નેહા બનીઠનીને બહાર નીકળી પણ નેહાને ખાસ કોઈ મળવા જેવા મિત્ર હતા નહીં. માત્ર બહાનું કરીને નીકળેલી. વળી અવનીશે પણ ચિઠ્ઠી વિશે વારંવાર પૂછવા માંડ્યું તેથી ગુસ્સાને બદલે હવે તેને મોજ પડવા માંડી. નેહાએ ફરીથી અરીસામાં જોઈ વાળ સમાર્યા. અવનીશ ઊંઘી ગયા નહોતા. તે ત્રાંસી આંખે નેહાની હરકતો જોઈ રહ્યા હતા. નેહાએ જોયું કે લગ્નનાં 21 વર્ષ પછી અવનીશમાં પ્રથમ વાર ઈર્ષ્યાનો ભાવ જાગ્યો હતો. વાળું કરીને રાત્રે કદાચ પૂછશે : નેહા ક્યાં ગઈ હતી? કોને મળી? પણ અવનીશે પ્રગટપણે કંઈ પૂછ્યું નહીં, ચહેરા પર પ્રશ્નાર્થો રહ્યા.

નેહા નિરાંતે ઊંઘી ગઈ. માય ગોડ, અવનીશે જોયું કે, નેહાએ કેટલો મોંઘો નાઈટ ડ્રેસ પહેર્યો હતો. પહેલાં તો તે કહી કહીને થાકતો, પણ પહેરતી નહીં. લઘરવઘર રોજિંદાં કપડાં સાથે સૂઈ જતી. અવનીશમાં પણ થોડો ફેરફાર થયો. એકાંતરે દાઢી કરનારા અવનીશે પણ રોજ દાઢી કરવા માંડી. ઘણા સમય પછી આફ્ટર શેવ લોશન વાપર્યું. સરસ કપડાં પહેર્યા. આખા ઘરની સિકલ ફરી ગઈ. છતાંય બંને જણના મનમાં કશોક ઉચાટ તો છુપાયેલો રહેતો.

સવારે પોસ્ટમેન આવ્યો. અવનીશે પોસ્ટમેન પાસેથી પત્ર લીધો. અધીરાઈથી કવર ફાડીને એકશ્વાસે તે પત્ર વાંચવા માંડ્યો. ઓહ! આ તો પુત્રી શ્રેયાનો પત્ર હતો.

'મારી વહાલી મમ્મી, મને નોકરી મળી ગઈ છે. રૂપિયા 5,000નો પગાર છે. નોકરીની ખુશીમાં મેં તને રૂપિયા 1000નો ગજરો મોકલ્યો હતો અને મમ્મી મેં તને 'આઈ લવ યુ નેહા' લખ્યું તેનાથી તું ચિઢાતી નહીં હોં, પપ્પા તને નેહા કહે છે તો મને પણ તને નેહા કહેવાનું મન થયું અને ખરેખર મમ્મી, મારી રૂપાળી જુવાન મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરું છું. અવનીશે કાગળ વાંચીને ઝટપટ ખિસ્સામાં મૂકી દીધો. ઑફિસે જઈ તેણે શ્રેયાને કાનપુર ફોન કર્યો. શ્રેયાને કહ્યું, 'શ્રેયા, તારાં મમ્મીને કદી જ કહેતી નહીં કે ગજરો તેં મોકલેલો. તારા ગજરાએ જાદુ કર્યો છે... આખી વાત રૂબરૂમાં કહીશ.'

વાર્તા પૂરી થાય છે. લંડનની નવલકથાકાર સ્યુ ટાઉનસેન્ડ શરૂમાં માત્ર ગૃહિણી હતી. પણ લગ્નજીવનમાં એકધારાપણું આવતાં તેણે લેખન શરૂ કર્યું. સારી વાર્તા લખેલી. વાચકો પ્રેમપત્રો લખતા તે વાંચવાની તેને મઝા પડતી. આ લેખિકાએ ગૃહિણીઓને સલાહ આપી છે કે લગ્ન કરીને તમે સર્જનશીલતાને ભંડારી ન દો.

ગુજરાતી ગૃહિણી માટે આ સલાહ સોનાની છે. લગ્નજીવનમાં એકધારાપણું આવે તો તેમાં રંગીની લાવવા પતિપરાયણ કે કુટુંબવત્સલ એવી અસ્સલ ગુજરાતી નારી બીજા લગ્નેતર પ્રેમસંબંધ બાંધતાં અચકાય છે. મનમાં મીઠી મીઠી મહેચ્છા રહે છે, પણ જાણે છે કે એ પંથ કાંટાળો છે, છતાં તેમાં લોહીલુહાણ થવાનું કેટલીક સ્ત્રીને ગમે છે તે ખોટું નથી. એવા 'આઈ લવ યુ નેહા' કહેનારા ખરેખર કોઈ પ્રેમી હોય તો પણ એ સંબંધને લોજિકલ અંત સુધી લઈ જઈ શકવો મુશ્કેલ છે. એક વિકલ્પ રહે છે. ગુજરાતી નારી સ્યુ ટાઉનસેન્ડની માફક સર્જનશીલતા કેળવે. ખૂબ વાંચે, વાર્તાઓ વાંચે. પછી ટેલિવિઝનની સિરિયલ માટે કે નાટકની સ્ક્રીપ્ટ લખે. તેની બહુ ડિમાન્ડ છે. વાર્તા લખે, ભલે ન છપાય. પોતાની ડાયરી લખે, પણ નવરી પડે એટલે પાડોશી સાથે બાજુના ફ્લેટના દરવાજે ઊભી રહી નાહકનાં ગપ્પાં ન મારે. ગુજરાતી ગૃહિણી આવું કરે છે. એમ.કોમ. હોય પણ ગૃહિણીપદના ચાઠાં - લિસોટા પડે પછી 'કામવાળી મોડી આવી', 'આજે તો દૂદ ઊભરાઈ ગયું', 'નળનું પાણી વહેલાં ખલાસ થઈ ગયું' વગેરે ફાલતું ગપ્પાં મારીને સમય ન બગાડે. પાડોશણ સાથે પોતે વાંચેલી વાર્તાની ચર્ચા કરે. આવી ચર્ચામાં પાડોશણ સામેલ થાય તે માટે તેને વાંચનનું વ્યસન લગાવે. આવી સર્જનશીલતા પાંગરશે તો તેમાંથી જ પ્રેમ થશે અને કદાચ 'આઈ લવ યુ નેહા' લખનારું ખરું પાત્ર પણ મળશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.