કારીગરી માટે કાઠિયાવાડી લુહારોની ઊજળી પરંપરા

07 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

મુંબઈ કે ગોવાને બંદર ઘણી વખત લાખ્ખો રૂપિયાની કિંમતનું વિદેશી બનાવટનું જહાજ અટકી પડે ત્યારે તેમાં કોઈ નાનકડો સ્પેરપાર્ટ મુંબઈની બજારમાં ન મળે ત્યારે તેવો સ્પેરપાર્ટ મુંબઈમાં કુંભારવાડા નામનાં લત્તામાં આવેલી કાઠિયાવાડી લુહારોની વર્કશોપમાં તત્કાળ બની જાય છે.

મુંબઈમાં એક સ્ટીમર અટકી પડી અને રોજ રૂ. અડધા લાખનું ડેમરેજ ચઢતું હતું. તેનો સ્પેરપાર્ટ કુંભાર વાડાનાં એક લુહારે બનાવી આપ્યો હતો. કવિ સુંદરમ્ લુહાર છે પણ તેઓ તો આધ્યાત્મિક એરણ ઉપર જીવનના અનુભવનાં હથોડા મારે છે પણ બાકીનાં લુહારો કાઠિયાવાડ, સૂરત કે ગોધરાથી મુંબઈ આવીને હજી પણ લોખંડ સાથે જ કાયાને ઘસે છે.

બોમ્બે સેન્ટ્રલનું ભવ્ય સ્ટેશન અને રિઝર્વ બેંકનું જૂનું મકાન હરજીવન બેચર નામના સૂરતથી આવેલા લુહારે બાંધ્યું હતું. 1937માં તેના દીકરાના લગ્ન થયેલા ત્યારે મુંબઈ શહેરમાં વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો તેમાં બે-ત્રણ ટ્રકો ભાડે કરી તેમાં ચાલુ ટ્રકે મુંબઈ અને લખનૌની નાચનારીઓને નચાવી હતી.

દેશમાં લુહારો ધમણ ચલાવીને કોલસાના તાપે લોખંડને તપાવીને હુશ હુશ કરતા હથોડા મારે છે તેવી ધમણવાળી ભઠ્ઠી ગઈકાલ સુધી બોરીવલી નામનાં મુંબઈનાં પરામાં હતી. મુંબઈની નવી પ્રજા તો રીક્ષા અને ટેક્સી જ જુએ છે પણ બોરીવલીમાં દેશી બળદગાડાનાં લાકડાના પૈડા ઉપર જે લોખંડના પાટા ચઢાવાતા હતા તે બોરીવલીના લુહાર ચઢાવતા હતા. શંકર લુહાર આવા પૈડાં ચઢાવીને અત્યારે મોટા ઉદ્યોગપતિ બની ગયા છે.

વીરજી મોનજી પરમાર નામના લુહાર મુંબઈમાં આવીને રંધો ચલાવતા ચલાવતા કમાયા હતા. ચોપાટી ઉપર બે મફતલાલ બાથ પાસેનો પૂલ છે તે પૂલ માત્ર એક મહિનામાં બાંધનાર કોઈ હોય તો મોનજીભાઈ પરમાર હતા. તેમના દીકરાઓ અત્યારે ભારત સરકારની મોટી મોટી સ્ટીલની ફેક્ટરીઓ પણ બાંધે છે. છોટાલાલ મકવાણા નામના ગોધરાના લુહાર રૂપિયામાં સુવાના ત્રણ ઘોડિયા બાંધી આપતા હતા. એ મકવાણા મૂળ ભાવનગરનાં છે અને 1938ની સાલ સુધી મુંબઈમાં જે બાંધકામ થતા હતા તે ભાવનગરનાં મકવાણા થકી થતા હતા. મુંબઈનું ઓપેરા હાઉસ નામનું થિયેટર ગીરધરભાઈ મકવાણાએ બાંધ્યું હતું.

કાઠિયાવાડના લુહાર ઉપર બ્રિટિશ સરકાર અને પછી ભારત સરકાર પૂનાના મિલિટરીના બાંધકામ માટે એટલો વિશ્વાસ હતો કે વગર ટેન્ડરે એ લુહારને બાંધકામ સોંપતા હતા. ઘણા લુહારનાં છોકરાઓ અત્યારે અમેરિકામાં છે. કેટલાક લુહારો ઝવેરી બની ગયા છે. રાજકોટથી મુંબઈમાં જે ચાંદીના દાગીના આવે છે તે લગભગ લુહાર કારીગરો જ બનાવે છે. હરજીવન પ્રાગજી પીઠવાને તો મહુવામાં જહાજો ચાલતા હતા.

એક લુહારે ભાવનગરના મહારાજા પાસે તેની દુકાનનું ઉદ્દઘાટન કરાવ્યું ત્યારે ઓફિસને શુદ્ધ સોનાનું તાળું માર્યું હતું અને ચાવી પણ નક્કર સોનાની હતી. અત્યારે તેમના પૌત્રો પ્લાસ્ટર ઓફ પેરિસની ફેક્ટરી ધરાવે છે. મુંબઈમાં નિર્લોનની ફેક્ટરી બાંધવામાં બેચર રામજી નામના લુહારે મોટો ભાગ ભજવેલો. આ બેચરભાઈ કરોડપતિ થઈ ગયા છે. આમ છતાં હજી મુંબઈમાં ઘણા લુહારનાં ઘરોમાં બૈરાઓ લાજનો ઘૂમટો તાણતી હશે. ચોટીલાની ચામુંડા દેવીની માનતા માનતી હશે.

બીમારી આવે તો કેટલાક લોકો હજીય ભૂવાને બોલાવતા હશે. એમ.બી.એ. થયેલો લુહાર પુત્ર લગ્ન કરે તો પણ છેડાછેડી છોડાવવા મુંબઈથી ચોટીલા કે ગીરના જંગલમાં કે હાલારમાં જઈને તેના શુરપુરા (સુરધન) સમક્ષ જઈને જ છેડાછેડી છોડાવશે. માધવભાઈ કારેલિયા નામના એક લુહારે મરાઠી ફિલ્મ પણ બનાવી હતી. આ પરાક્રમી અને ઉદ્યમી કોમ મુંબઈમાં લગભગ લાખની સંખ્યામાં રહેલી હશે પણ તેના અસ્તિત્વની જાણ અખબાર સુધી પહોંચી નથી. સૌરાષ્ટ્રના અતીત બાવા પણ પ્રેસ કોન્ફરન્સ ભરે છે. પંડિત જવાહરલાલ નહેરુને અડધા લાખ રૂપિયાનો ચેક સ્વતંત્રતા પહેલાં આપનારા લુહારો બધું ચૂપચાપ જ કરે છે.

રેડિયોગ્રાફીની પેન્સિલ

ટ્રામ્બે ખાતેના ભાભા અણુ સંશોધન કેન્દ્રના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી સખ ધાતુઓના સંધાણના એક્સ-રે ફોટા પાડવાના કેમેરાની ઈરિડીયમ પેન્સિલ તાજેતરમાં ચોરાઈ ગઈ અને તેના ચોર પકડાઈ ગયા. તે સમાચાર અતિ ગંભીર કહેવાય છતાં તેનો બહુ શોરબકોર ન થયો. આ પ્રકારે તો અણુ સંશોધન કેન્દ્રમાંથી કોઈ પ્લૂટોનિયમની પણ ચોરી કરી શકે છે.

નવાઈની વાત એ છે કે આ ઈરિડીયમવાળી પેન્સિલ ચોરાઈ ગઈ ત્યારે સખત ચોકી પહેરાવાળા અણુ સંશોધન કેન્દ્રના દરવાજામાં ડીટેક્ટર યંત્રો પણ રખાયા નહોતા. આ ચોરી થયા પછી ધબાધબ દરેક દરવાજે 'માઈક્રો-આર' વાળા ઉચ્ચ શક્તિનાં ડીટેક્ટર યંત્રો ગોઠવી દેવાયા છે. જો કોઈ પણ રેડિયોલોજીનું સાધન ચોરાતું હોય તો આ માઈક્રો આર. ડિટેક્ટોર પકડી શકે છે એટલે કે પ્લૂટોનિયમ ચોરાતું હોય તો પણ હવે સંતાડીને લઈ શકાય નહિ.

આ ઈરિડિયમવાળી પેન્સિલ ચોરાઈ તેની પાછળ શુદ્ધ વેપારી નફાખોરીની દૃષ્ટિ હોય એમ લાગે છે. ઘણા વાચકોને યાદ હશે કે, થોડાક મહિના પહેલાં એક કારખાનામાંથી આ એક્સ-રેની પેન્સિલ ગુમ થઈ હતી અને પછી રેલવેના એક કર્મચારીનાં ખિસ્સામાંથી પકડાઈ હતી. બિચારા આ ભૈયાજીને એક્સ-રેની પેન્સિલનાં પૈસા તો ન ઉપજ્યા પણ સાથળ અડીને પેન્સિલ રાખી મૂકી તેનું રેડીએશન લાગી જતાં તે હજી પણ હોસ્પિટલમાં છે અને તેનું જીવન જોખમમાં ગણાય. આ એક્સ-રેની પેન્સિલની આજ કાલ બહુ જ માગ છે.

ભારતમાં તેમ જ વિદેશમાં જે જંગી પાઈપો નિકાસ થાય, વેલ્ડિંગનાં કામો થાય તેમ જ મિશ્ર ધાતુની ચીજો તો બને તે ધાતુની ચીજોની અંદરના બંધારણમાં લગીર પણ તીરાડ રહેવી ન જોઈએ. લોખંડની તિજોરીનો દરવાજો હોય કે જંગી તેલની ટાંકી હોય તેમાં તિરાડ રહી ગઈ છે કે નહિ તે નરી આંખે કોઈ જોઈ ન શકાય.

આ કામ એક્સ-રેવાળા કેમેરા કરે છે. આ ખાસ કેમેરા પરદેશથી મંગાવાય છે. એ કેમેરામાં એક્સ-રેની પેન્સિલ પુરવાની હોય છે તે ભાભા અણુ સંશોધન કેન્દ્રમાંથી મળે છે. એક પોલાદની ચીજનો આવો એક્સરે ફોટો લેવાનો ચાર્જ પહેલાં રૂ. 1200થી રૂ. 1500 લેવાતો હતો. આમાં જંગી નફો હતો એટલે આ રેડિયોગ્રાફીનું કામ કરનારા નિષ્ણાતો વધવા માંડ્યા.

ભાભા અણુસંશોધન કેન્દ્રનું ડિપાર્ટમેન્ટ ઑફ રેડિયેશન પ્રોટક્શન આવા ફોટા લેનારા રેડિયોગ્રાફર નિષ્ણાતોને તાલીમ આપે છે. બી.એસ.સી. થયેલા જુવાનો તાલીમ લઈને રેડિયોગ્રાફર બની જાય પછી જો તેની પાસે કેમેરા હોય તો તેને સારી કમાણી થાય છે. હવે સ્પર્ધા વધી ગઈ છે એટલે દરેક એક્સ-રે માટે રૂ. 500/-થી રૂ. 700/- મળે છે. જે બે કોન્ટ્રાક્ટરો ઉપર એક્સ-રે પેન્સિલની ચોરીનો આક્ષેપ છે. આ બે કોન્ટ્રાક્ટરો પાસે બે કેમેરા હતા. એક કેમેરા માટે કાયદેસર રીતે એક્સ-રેની પેન્સિલ મળી પણ બીજો કેમેરા જે તેઓ છુપાવવા માગતા હશે તેને માટે અધિકૃત રીતે પેન્સિલ માગી શકે તેમ નહોતા એટલે એવી પેન્સિલની ચોરી કરવી પડે અને તો તેમને એક્સ-રેના ફોટા પાડવાનું જંગી કામ મળ્યું હતું તે પૂરું પડે.

રેડીઓગ્રાફી ડિપાર્ટમેન્ટનાં એક ખાનામાં પેન્સિલોનો ખડકલો પડ્યો હતો. ખાતાના એક માણસના સહયોગથી જ આ પેન્સિલ ચોરી શકાય. એ લોકોએ ખાનામાંથી પેન્સિલ ઉપાડી લીધી. દરવાજા ઉપર ડિરેક્ટર નહોતા. ચેકિંગ પણ અધૂરું રહ્યું, થોડા દિવસ પછી લેબોરેટરીવાળા પેન્સિલોને હોટ-સેલમાં પધરાવવા માટે ચાર્જ લેવા ગયા તો એક પેન્સિલ ઓછી થઈ. રાતના ઉજાગરા કરી કરીને થાક્યા પણ પેન્સિલ મળે નહીં.

આખરે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનને આ કામ સોંપાયું. સી.બી.આઈ.ના બાહોશ ઈન્સ્પેક્ટરોએ છેલ્લા પંદર દિવસમાં કેટલા મુલાકાતી આ ખાતામાં આવેલા તેની યાદી બનાવી. બે કોન્ટ્રાક્ટરોનાં માણસો એક દિવસે દિવસમાં ત્રણ વખત આવેલા તે ગેટ કીપરના ચોપડા પરથી જાણવા મળ્યું. તે કોન્ટ્રાક્ટરોનાં રેડિયોગ્રાફીનાં કામો મુંબઈ અને કલકત્તામાં ચાલતાં હતાં.

મુંબઈનો કેમેરા પકડવામાં આવ્યો અને કલકત્તાનો કેમેરો પણ પકડવામાં આવ્યો. કલકત્તાના કેમેરામાંથી ચોરાયેલી પેન્સિલ મળી આવી. આ કોન્ટ્રાક્ટરોને એક જ પેન્સિલમાંથી રૂ. અડધો લાખથી એક લાખ કમાઈ લેવાની દાનત હતી પણ તે પકડાઈ ગયા. પાકિસ્તાનમાં તો રેડિયેશનવાળું મટિરિયલ ચોરવાની સજા દેહાંત દંડ છે પણ ભારત દેશ તો બહુ ઉદાર દેશ છે.

આ પેન્સિલની ચોરી કરનારા લાલચુ કોન્ટ્રાક્ટરોએ બીજા પ્રમાણિક લોકોનું કામ કપરું બનાવ્યું છે. હવે એક્સ-રેના ફોટા પાડ્યા પછી 74 દિવસ જેણે પેન્સિલ બદલાવવા જવું પડે તેમનું બહુ જ કડક ચેકિંગ થાય છે. ઘણા લોકોને ખબર નહીં હોય કે કાગળ બનાવવાની મિલોમાં કાગળની બારીકાઈ માપવા માટે પણ આ રેડિયોગ્રાફીના કેમેરા વપરાય છે. એ પ્રકારે સિમેન્ટ અને ખાતરનો જે પ્રવાહ હોય તે પ્રવાહની જાડાઈ (LOW) માપવા માટે આ ઈરીડિયમવાળી પેન્સિલના કેમેરા વપરાય છે. ખાતર કે સિમેન્ટની થેલી વજન કરી કરીને ભરાતી નથી. અમુક યાંત્રિક પ્રવાહ ચાલતો હોય તેની જાડાઈ પ્રમાણે થેલીઓ ભરાઈ જાય છે, તે પ્રવાહની જાડાઈ ઓછી વત્તી થાય તો તે આ એક્સ-રેના કેમેરામાં પકડાઈ જાય છે.

ભાભા અણુસંશોધન કેન્દ્ર આવા જોખમી અને ઉપયોગી સાધનો ઉદ્યોગો માટે બનાવે છે તો ત્યાં પણ ચોરી અને ભ્રષ્ટાચાર કર્યા વગર આપણા દેશનાં લોકો રહી શકતાં નથી એ ખરેખર ધૃણાસ્પદ વાત છે. એ લોકો પોતાની લાલચમાં અણુ સંશોધન કેન્દ્રના પ્રામાણિક નોકરોને પણ ભ્રષ્ટ કરે છે. આ હિસાબે કોઈ સરદારજી વ્યવસ્થિત કાવતરું કરે તો ભ્રષ્ટાચાર કરીને પ્લુટોનિયમ ઉપાડી જાય તો પણ કહેવાય નહિ.

(આ લેખ ઘણા વર્ષો પહેલા લખાયો હતો, જેથી લેખમાંની ઘટના ઘણી જૂની છે. મૂળ લેખ સાથે છેડછાડ નહીં કરતા લેખને જેમનો તેમ રખાયો છે, જેથી વાચકોને ખ્યાલ આવે કે, ગુગલ ન હતું ત્યારે ગુજરાતી પત્રકારો કઈ રીતે વિવિધ માહિતી એકત્રિત કરીને એક લેખ લખતા. ઈરિડીયમવાળી પેન્સિલવાળા લેખમાં મૂળ ઘટના તો પેન્સિલની ચોરીની જ છે, પરંતુ કાન્તિ ભટ્ટે એમાં જે માહિતી પીરસી છે તે લાજવાબ છે. આવા માહિતી સભર લેખ માટે કાન્તિ ભટ્ટને સલામ ઠોકવી જ રહી.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.