એકબીજા પ્રત્યે અશ્રદ્ધા નહીં પણ પ્રેમની ભાવના રાખો

14 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ

સબ સે હિલ મિલ ચાલિયે નદી-નાવ સંજોગ

સૌરાષ્ટ્રમાં જે ઉતાવળે કામ કરે છે તેવી વહુને સાસુ ટોંણો મારે કે ‘ઉતાવળી બે આંટા વધુ મારે!’ બીજા ઘણા શબ્દો છે. ધક મારીને કામ કરવું. ભગવદ્દ ગોમંડલમાં અર્થ છે ધક મારીને એટલે ઉતાવળમાં અને કામ ઉકેલવાનો હૈયા ઉકાળો કરવો. મરાઠીમાં સરસ શબ્દ છે. ‘ઘાય કરવી.’ એ શબ્દ મરાઠી બાઈઓ બોલે છે કે ઘાય ઘાયમાં એ મૂળ કામ ભૂલી ગઈ! ધક ઉપરથી ‘ધકડ ધોંસ’ શબ્દ પણ સોરઠમાં છે. વ્યગ્રતામાં જલદીથી કામ કરવું. છેલ્લે એક શબ્દ રહી જાય છે ‘ઘાંઘો થા મા’ શાંતિથી મનમાં ધરપત રાખીને એક ત્રતિની માફક કામ કરવાની એક શિખામણ છે. ખરેખર તો આ ઘાંઘાપણું આંતરરાષ્ટ્રીય રોગ છે તે માટે ખાસ ઈટાલીમાં એક શબ્દ છે ‘ડેસીડરાટા.’ તેનું પુસ્તક પણ છે ‘ધ ડેસીડરાટા ઑવ્ હેપીનેસ’, સુખી થવાનો ફિલસૂફીવાળો અભિગમ એટલે ડેસીડરાટા.

‘ગો પ્લેસીડલી એમિડ ધ નોઈઝ એન્ડ હેસ્ટ. એન્ડ રિમેમ્બર વ્હોટ પીસ ધેર મે બી ઈન સાયલન્સ. સ્પીક યોર ટ્રુથ ક્વાઈટલી એન્ડ ક્લીઅરલી.’ આખો ઉપદેશ લાંબો છે. પણ હવે તેનું સંપૂર્ણ ગુજરાતી લખું છું. આજના નરેન્દ્ર મોદી છાપ-મુઠ્ઠી ઉછાળ યુગમાં સંદેશ છે. ‘હે માનવ! તારે લાંબું અને તંદુરસ્તી સાથે બધાનો પ્રેમ મેળવેલું જીવન જીવવું છે? તો ચારેકોર ઘોંઘાટ હોય અને ઘાય ઘાય કે હાય હાય હોય ત્યાં તું શાંતિથી જીવવાની ટેવ પાડ. ત્યારે તને ખાતરી થશે કે શાંતિથી બોલવામાં અને ધીમે ધીમે બોલવામાં કેટલી દિવ્યતા સમાયેલી છે... તમને જે સાચું લાગે તે બેધડક કહી દો. સ્પષ્ટતાથી કહી દો અને ખાસ તો બીજા લોકોને ધ્યાનથી સાંભળો. તેને વાક્ય અને વક્તવ્ય પૂરું કરવા દો. બની શકે ત્યાં સુધી જોરજોરથી આક્રમક વાણી ઉચ્ચારતા માણસથી દૂર રહો. પણ ધીમેથી બોલનારાને ધીરજથી સાંભળો. કારણ કે તેને પણ પોતાની સ્ટોરી કહેવી હોય છે. તેનું દુઃખ-દર્દ કહેવું હોય છે. તેનાં દુઃખડા વર્ણવવા છે. પણ ધમાલિયાથી દૂર રહો. કારણ કે એવા લોકો ગમે ત્યાંથી કંકાસને જ એકઠો કરે છે. તમને તંગ કરનારો સ્વભાવ, ઉદ્વિગ્ન કરનારી વ્યક્તિ કે પરેશાન કરનારી વ્યક્તિથી દૂર રહો.’

ખાસ તો હે માનવ, તું તારી જાતને બીજા સાથે સરખાવ નહીં. એવું કરીશ તો તારામાં કડવાશ આવશે. તું ‘વેઈન’ બની જઈશ. વેઈન એટલે વ્યર્થ, નગણ્ય, ખાલીખમ, અસાર-નિઃસાર કે તત્ત્વહીન કે દંભી બની જઈશ. ફલાણો લેખક કે વક્તા બહુ લોકપ્રિય છે અને મુઠ્ઠી ઉછાળ બોલે છે એટલે તારે પણ તેવું કડવું-કડવું ન બોલવું. તું તારો શાંત-સ્વભાવ ન છોડ. વળી તે જો કાંઈ સિદ્ધિ મેળવી હોય તે શાંતિથી ભોગવ અને તેમાં મિત્રોને ભાગીદાર બનાવ.

તું તારી જ કારકિર્દીને આગળ ધપાવવામાં સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર. તારા તમામ બિઝનેસ અફેર્સમાં સાવચેતીથી વર્ત. ઊંચી કીર્તિ કે ખૂબ ધન નહીં પણ ઊંચા આઈડિયલ્સ-ઊંચા સિદ્ધાંતો રાખજે. સૌથી સારી શિખામણ ડેસીડરાટામાં બે શબ્દોમાં છે. ‘બી યૉરસેલ્ફ.’ તું ગમે તેવો છે તું તારે માટે અને વહાલાજનો માટે હીરો છે. વળી પ્રેમમાં બનાવટ કરીશ નહીં. વળી પ્રેમ ઉપર અવિશ્વાસ લાવતો નહીં. ક્ષણભંગુર કે થોડી પળોનો પ્રેમ છે, વગેરે ઝંઝટમાં પડતો નહીં. કોઈ પ્રેમ કરે તો તે ઘડીએ તે પ્રેમને વધાવી લેજે. કારણ કે આજે જગતમાં ડગલે ને પગલે લુખ્ખાપણું (એરિડીટી) દેખાશે. સૌરાષ્ટ્રમાં તો સરસ વિશેષણ છે ‘ઈ માણહ તો હાવ લુખ્ખો છે! ભ્રાંતિ પેદા કરનારો છે!’

‘ડગલે ને પગલે બાધા કે કમ્બખ્તી આવશે પણ તેથી કોઈ વધુ કઠિન કાળની કલ્પના કરતો નહીં. કેટલોક ડર કે ભય તારી એકલતામાંથી પેદા થાય છે. એકલો એકલો ગભરાતો નહીં. સૌરાષ્ટ્રમાં સરસ શબ્દ છે. ‘મનમાં ને મનમાં ગાભણો ન થઈ જતો!’ જરૂર તું ડિસિપ્લિન પાળજે, પરંતુ તારા પ્રત્યે તું જ કઠોર ન થતો. તું તારો પ્રેમી બનજે. તું જાણે કે આ બ્રહ્માંડનો તું એક બાળક છો. જેમ આ બધાં વૃક્ષો કે આભના તારાઓ છે, તે રીતે તું આ સૃષ્ટિનું મહત્ત્વનું અંગ છે. અહીં તને સુખી થવાનો હક છે. વળી દિવસે દિવસે, દરેક નવા વર્ષે નવી દૃષ્ટિ રાખીશ તો નવાં સત્ય પ્રગટ થશે. એટલે જૂનાને વળગી ન રહેતો.

જો તું તારી જાત પ્રત્યે શાંત રહીશ તો ઈશ્વર સાથે પણ તું શાંતિમાં રહેશે. તારા આત્માને સતત અનુસરજે. જિંદગીની આ તમામ ટ્રેજડી કે તૂટેલાં સપનાઓ સાથે જીવવાનું છે. કારણ કે એ ટ્રેજડી-કમરતોડ તકલીફો હોય છતાં આ દુનિયા બ્યુટીફુલ છે-સ્ટ્રાઈવ ટુ બી હેપી. અમેરિકન વિદ્વાન મેક્સ એહરમેને 1927માં ડેસીડરાટાના મથાળાવાળી કવિતા લખેલી. ડેસીડરાટાની કવિતા અમેરિકન ડેમોક્રેટિક પક્ષના - સાત્વિક નેતાના પ્રમુખના ઘરના કબાટમાંથી નીકળી હતી. સ્વામી વિવેકાનંદજીના ચાહકો-ભક્તો કદાચ જાણતા હશે કે ‘ડેસીડરાટા’ જેવી જ ફિલસૂફી સ્વામી વિવેકાનંદજીએ વહેલાસર કહેલી. ‘સવારે સીધા ટટ્ટાર બેસો અને સૌથી પહેલું કામ સમસ્ત સૃષ્ટિમાં પવિત્ર ભાવનાનો પ્રવાહ મોકલવાનું કરો. પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે પુનરુચ્ચાર કરેલો કે તમારી શુભ ભાવના ચારે દિશામાં મોકલો. જેમ તમે પરોપકાર ભાવના કરશો તેમ તમને ફાયદો થશે. આપણને તંદુરસ્ત બનાવવાનો માર્ગ બીજા પણ નીરોગી રહે એવી ભાવના સેવવાનો છે. મદ્રાસમાં અદ્યાર ખાતે ‘ભારત સમાજ’ નામનો થિયોસોફિકલ સોસાયટીનો સંઘ હતો ત્યાં પૂજા થતી તેમાં છેલ્લે શ્લોક બોલાતો...

ઓમ સર્વે વૈ સુખિનસ્સનપું સર્વે સન્તુ નિરામયાઃ

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ ન કશ્ચિદ્ર દુઃખ ભાગ ભવેત!

અર્થ સહેલો છે અને તમને આનંદ થશે કે ડેસીડરાટા કરતાં આ શ્લોક અનેક ગણો પુરાણો છે! સ્વામી વિવેકાનંદે ન્યૂમેક્સિકોમાં ઈન્ટરનેશનલ રિલિજિયન કોંગ્રેસ ભરાઈ તેમાં વિસ્તારથી આ સર્વ કલ્યાણની ભાવના વિશે અને વિશ્વધર્મ અંગે કહેલું. છેલ્લે કહેલું. જે વિશ્વધર્મ આખરે સ્થપાશે તે જગતનાં તમામ સ્ત્રી પુરુષમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.