જીવન એક રમત છે અને ફરજ પણ છે
મારે-તમારે-સૌએ એક વખત તો ભગવાન સામે જઈને અંતે ઊભું રહેવાનું છે. ત્યારે તમે એક જ ઈચ્છા કરો કે તમારામાં એક છાંટો પણ શક્તિ કે ટેલન્ટ બચવી ન જોઈએ. ભગવાનની સામે ઊભા રહેતી વખતે કહેવાનું કે હે, ભગવાન, તેં મને જે કંઈ આપ્યું છે એ મેં વાપરી કાઢ્યું છે.
આ ઉદ્દગાર મારા પણ છે અને રોમની એક સાધ્વીના પણ છે. એમાં મહાન અમેરિકન લેખક રિચર્ડ બાકે ઉમેરો કરીને કહેલું કે, ‘આ પૃથ્વી પર તમને મૂકવાનો કંઈક અર્થ છે. તમારું કંઈક તો મિશન છે અને જો તમે 50-60-70 કે 80 વર્ષે માનો કે બસ, મારું મિશન પૂરું થયું તો તમે ખાંડ ખાઓ છો. તમે જીવતા છો એ જ બતાવે છે કે તમારું મિશન પૂરું થયું નથી.’
તમારે જિંદગીના આ મિશનમાં તમામ દૈવી તત્ત્વોની કૃપા માગવાની છે. હવે હું તમને એકાએક અમારા સૌરાષ્ટ્રના મહુવા ગામે લઈ જાઉં છું. મોરારિબાપુ એ વિશે વધુ જાણતા હશે તો કહેશે, મહુવામાં ‘વાછડાવીર’નું મંદિર છે. એ વાછડાવીર કોણ હતા? તે ડૉ. રિચર્ડ બાકની થિયરી પ્રમાણે લડ્યા. વાછડાવીર ગાયપાલક અને વાછડાપાલક હતા. એક વખત બહારવટિયા ગાયોને ભગાવીને લઈ જતા હતા ત્યારે વાછડાવીર તેમની સામે લડ્યા. એટલી હદે લડ્યા કે તેમનું માથું વઢાઈ ગયું. તેમણે જાણે ડૉ. રિચર્ડ બાકની થિયરી અપનાવી. તેમના ધડમાં હજી શક્તિ હતી એટલે મસ્તક વગર બહારવટિયા સામે લડીને તેમને ભગાવી દીધા. જો ગામેગામ વાછડાવીર ન હોય તો એટલીસ્ટ ભાવનગર રાજ્યના દરેક ગામને ઝાંપે હનુમાનની મૂર્તિ રહેતી. કોઈ મુરતિયો પરણવા જાય કે પરણીને પાછો આવે ત્યારે અથવા ગામની કન્યાને પરણીને કોઈ લઈ જાય ત્યારે અચૂક તેમણે ગામના ઝાંપે હનુમાનની મૂર્તિને શ્રીફળ વધેરવું જ પડે.
ભાવનગર સ્ટેટના દરેક અખાડામાં હનુમાનની મૂર્તિ રહેતી. હનુમાન અમારે માટે એક ઑલ્ટરનેટ ફોર્સ હતા. એક વૈકલ્પિક શક્તિદાતા હતા. અમે સૌ બચપણથી કૉલેજમાં આવીએ ત્યાં સુધી હનુમાનની સ્તુતિ કરીને પછી હુતુતુતુતુ, મલખમ, વેઈટલિફ્ટિંગ, કુસ્તી વગેરે શરૂ કરતા.
હનુમાનજી ભગવાન રામના હજારો વર્ષ પૂર્વેના એક પ્રકારના ‘આંગડિયા’ હતા. એક બીજા ‘આંગડિયા’ અંગદ હતા, જે ભગવાન રામનો સંદેશ લઈને રાવણ પાસે ગયેલા. તમે પત્રકાર હો કે વેપારી હો, પણ તમે જાણો છો કે તમારા રોજિંદા જીવનમાં આંગડિયા અથવા મૉડર્ન ગોઠવણ પ્રમાણેની કુરિયર સર્વિસ કેટલી મહત્ત્વની છે. ભાગ્યે જ આંગડિયા કે કુરિયર સર્વિસવાળા વિશ્વાસઘાત કરે છે. હનુમાન અને અંગદ એ બે એવાં ધાર્મિક પાત્રો છે કે જાનને ભોગે તે મિશન પૂરું કરતા. આપણે હવે ફરીથી આ લેખ શરૂ કર્યો ત્યાં પાછા ફરીએ તો ડૉ. રિચર્ડ બાકને યાદ કરીને કહીએ : આ પૃથ્વી પર તમને મૂકવાનું ભગવાનનું એક મિશન છે, એ છેલ્લા શ્વાસ સુધી પૂરું કરવાનું છે જેથી જીવનને અંતે ભગવાન પાસે ઊભા રહો, ત્યારે કહી શકો કે, ‘હે ભગવાન! તેં મને જે કંઈ ઊર્જા-શક્તિ આપી એ તમામ પ્રભુ-પ્રીત્યર્થે જ વાપરી કાઢી છે. હું કોરા હાથે તારી પાસે આવ્યો છું!’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર