પ્રેમ અને પ્રવૃત્તિ વગરની જિંદગી શેં સહી જાય?
થોમસ કાર્લાઈલ નામના સાહિત્યકારે કહેલું કે જે માણસ સવારે ઊઠે અને તેને માટે કશુંક કામ સવારે રાહ જોતું હોય તે માણસ ઈશ્વરનો બડો કૃપાપાત્ર છે, કારણ કે જેને કંઈક ઉપયોગી કામ મળી ગયું છે તેને બીજા કોઈ આશીર્વાદ જરૂરી નથી.
પરંતુ આ જગતમાં એવો કરોડો છે જેને કંઈપણ પુરુષાર્થ કર્યા વગર પૈસો જોઈએ છે. પરંતુ પુરુષાર્થ વગર પૈસા મળે કે વારસામાં પૈસો કે પદ મળે તેને જિંદગીમાં કોઈ પડકાર નથી. હોવાર્ડ હ્યુજીસની પુત્રીને બાપના કરોડો રૂપિયા મળ્યા તે ઉડાવ્યા અને પછી તેનું અપહરણ થયું તો પોતે જ ટેરરિસ્ટ બની ગઈ. ગ્રીક જહાજપતિ ઓનાસીસની પુત્રી પણ પિતાના અબજોના વારસાને પચાવી ન શકી અને કોકેનની વ્યસની થઈ દુઃખી દુઃખી થઈને મરી.
અમદાવાદના પટેલ ઉદ્યોગપતિ અને મિલમાલિકના એક પુત્ર પિતાનું ધન અને પદ મળતાં દારૂડિયા બની ગયા અને પત્નીને તેનો ભાઈ ઉપાડીને પરણી ગયો. ભારતના રાજા-મહારાજાઓએ સરદાર પટેલનો આભાર માનવો જોઈએ કે તેમનાં રજવાડાં ઝૂંટવીને લઈ તેમને પુરૂષાર્થના બળે કમાતાધમાતા કર્યા. આજે જગતમાં બહુ ઓચા દેશમાં રાજાશાહી રહી છે. બ્રિટનમાં રાજાશાહી છે. ઇંગ્લેંન્ડમાં રાણી એલીઝાબેથની નાની બહેન માર્ગારેટ રાણીથી નાની છતાં હમણાં વહેલી મરી ગઈ છે.
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માર્ગરેટનું મોત થયું છે. ઇંગ્લેન્ડની રાણીનો પૌત્ર વિલિયમ્સ ગાંજો ચરસ પીતાં પકડાઈ ગયો હતો. રાણીના બહેન માર્ગારેટનું જીવન થોમસ કાર્લાઈલની ઉક્તિની તદ્દન વિરુદ્ધનું હતું. માર્ગારેટને બ્રિટિશ રાજાશાહીનું સાલિયાણું મળતું હતું. તેને માટે સવારે કોઈ કામ રાહ જોતું નહોતું. બપોરે મોડી મોડી ઊઠતી અને રોજ કેટલું મનોરંજન કરવું છે અને કોની સાથે લફરું કરવું છે તે જ તેનું મુખ્ય કામ હતું. તેણે મરતા પહેલાં એક સારું કામ કર્યું. તેણે પોતાના દેહને દાટવાને બદલે અગ્નિદાહ દેવાનું પસંદ કરેલું.
પ્રિન્સેસ માર્ગરેટના જીવનની આ કથા એટલા માટે વાચકો સમક્ષ રજૂ કરું છું કે સતત મોજીલી જિંદગી અને પુરૂષાર્થ કર્યા વગર પૈસા મળે તે જિંદગીનો કોઈ અર્થ નથી. એ જિંદગી નકામી જાય છે અને પોતે તો દુઃખી થાય છે પણ બીજાનેય દુઃખી કરી જાય છે. બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેરનો પુત્ર યુઅન બ્લેર દારૂ ઢીંચીને ગટરમાં પડેલો માલૂમ પડ્યો હતો.
પ્રમુખ જ્યોર્જ બુશની બન્ને દીકરીઓ બારમાં દારૂ ઢીંચીને ઝડપથી કાર ચલાવતાં પકડાઈ ગયેલી. જે મા-બાપ દારૂ પીતાં હોય તેમણે દીકરા-દીકરીને દારૂ કેમ પીવો તે શીખવવું જોઈએ. પોતે દારૂ પીતાં હોય અને બાળકો ન પીવે તેવું બને જ નહીં એટલે બાળકો છૂપે છૂપે દારૂ પીવે અને છાકટાં થાય તેને બદલે તેમને સાથે બેસીડને મા-બાપ બાળકો બીયર પીતા હોય તો સામેથી ઓફર કરવી જોઈએ, જેથી માપસર પીવે, અગર મા-બાપે તદ્દન વ્યસનમુક્ત રહીને અને બીજાઓની આર્થિક મદદ વગર સ્વાવલંબી જીવનના સંસ્કાર પાડવા જોઈએ.
ઈટાલીના રોમ શહેરમાં જાઓ તો આખું ફેમિલી રેસ્ટોરાંમાં સાથે જમવા જાય ત્યારે ટીનેજરો પણ મા-બાપ સાથે લીકર બીયર, રમ કે વ્હીસ્કી કે ઈટાલીયન શરાબ પીતાં હોય છે. સ્વિડનના સ્ટોકહોમમાં શહેરમાં કોઈ દારૂડિયો માલૂમ ન પડે. ત્યાં બચપણથી દારૂ પીવો તેને કોઈ શરમ ન માને.
બ્રિટનમાં લોકો દારૂ ન પીવે તેથી બીયરને ખૂબ મોંઘું બનાવ્યું છે. બ્રિટિશ ટોરીપક્ષના નેતા વિલિયમ હેગ રોજ 14 પીન્ટ બીયર પી જતા હતા. અને પછી તમે વડાપ્રધાન ટોની બ્લેરના પુત્ર અને પ્રમુખ બુશની પુત્રીઓ કે પ્રિન્સેસ માર્ગારેટને દારૂ પીતી અને માર્ગરેટને દારૂમાં લીવર બગાડતી જુઓ તો તેની કોઈ નવાઈ નથી.
બ્રિટિશ સમાજ દંભી છે. પ્રિન્સેસ માર્ગરેટની સ્ટોરી ભારતીય વાચક માટે એક રીતે બહુ મહત્ત્વની નથી. છતાં આપણા સમાજમાં એક મેન્ટાલિટી છે કે ‘બેઠી આવક હોય, પેન્શન હોય અને કમાવા માટે કંઈ જ મહેનત ન હોય તો જલસા જ જલસા છે.’ આવી માન્યતાને કારણે આપણે ત્યાં વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમનો હરામ ચસકો લાગ્યો છે.
માનવીને એકસાથે દલ્લો લઈ જઈને નિષ્ક્રિય થઈને જડ-ભોગવિલાસ કરનારા બની જવું છે. બેઠી આવક હોય, મહેલ હોય, પોતે પ્રિન્સેસ હોય, મોટી બહેન રાણી હોય અને અઢળક આવક સાથે સૌંદર્ય-જુવાની હોય તો પણ જિંદગી આનંદથી છલકાતી નથી. ઊલટાની આવી જિંદગી વધુ જોખમો લાવે છે તે વાતની પ્રતીતિ માટે જ પ્રિન્સેસ માર્ગરેટની સ્ટોરી લખું છું.
પ્રિન્સેસ માર્ગરેટ સાવ નાંખી દેવા જેવી વ્યક્તિ નહોતી. જુવાન હતી ત્યારે બુદ્ધિમંત હતી. કલ્પનાશીલ હતી. કોઈ ખંડમાં પ્રવેશે તો ત્યાં ધબકાર આવી જતો. પણ પછી મોટી થઈ ત્યારે તેને મર્યાદા સમજાઈ. મોટી બહેન એલીઝાબેથ – હજી નાની વયે રાણી બની ગઈ.
પ્રિન્સેસ માર્ગરેટને ભાગે કંઈ કરવું નહીં. ઊઠે ત્યારે તેને માટે કામ રાહ જોતું નથી. પ્રથમ વાત તો એ કે પ્રિન્સેસ માર્ગરેટ તેની માતાના પેટમાં હતી ત્યારે બે અઢી વર્ષ પહેલાં રાણી એલિઝાબેથ – પુત્રી તરીકે જન્મી ચૂકેલી. પિતા કિંગ જ્યોર્જને હવે નવું બાળક જન્મે તે બાળક માત્ર પુત્ર જોઈતો હતો. તેને બદલે પુત્રી-માર્ગરેટ જન્મી – અનવોન્ટેડ ચાઈલ્ડ અને અન-વોન્ટેડ પુત્રી તરીકે માર્ગરેડટનું દુનિયામાં આગમન થયું.
પુત્રી ગર્ભમાં હોય ત્યારે જ તેને ખબર પડી જાય છે કે તેનાં માતા-પિતા તેને ઈચ્છતાં નથી અને તેનું દુઃખ ગર્ભમાંથી જ લઈને માર્ટગેરટ જન્મી. ભારતનાં મા-બાપો આની નોંધ લે. પુત્ર ઝંખનામાં તમે પુત્રીને અન્યાય ન કરો. પુત્રીને ખબર પડી જાય છે. માર્ગરેટ રૂપાળી હતી બુદ્ધિમંત હતી. પણ તે સેકન્ડ બેસ્ટ હતી. પુત્રની વાંછના છતાં પુત્રી જન્મી તો પણ તેના પિતા જ્યોર્જને તો માર્ગરેટ બહુ વહાલી હતી. ખૂબ લાડ લડાવતા.
માર્ગરેટને બચપણથી ખબર પડી ગયેલી કે તે રાણી થવાની નથી. માર્ગરેટની સગી માઆ પુત્રી ઈચ્છતી નહોતી!
એ પછી તે પિતાના પ્રેમ છતાં પણ રીયલ પ્રેમ ઝંખાતી હતી. પિતાનો પ્રેમ તેને માત્ર દયાનો પ્રેમ લાગતો હતો. 17 વર્ષની ઉંમરે પિતા (રાજા) મરી ગયા. ત્યારે તેનાથી 15 વર્ષ મોટી ઉંમરનાં અને પેલેસના ઘોડાને ચલાવતા પિટર ટાઉન સેન્ડએ પ્રિન્સેસ માર્ગરેટ પ્રત્યે પ્રેમ બતાવ્યો, એ ઉંમર અને એ વખતની માર્ગરેટની મનોદશા એવી હતી કે જે કોઈ થોડો પ્રેમ બતાવે ત્યાં લપસી પડે. ટાઉન સેન્ડ તેની હેડીનો- રોયલ બ્લડનો માણસ નહોતો, પરંતુ પ્રેમ ઝંખતું ‘બાળક’ આવં સાહસ કરે જ છે. આવું દરેક વાચકે જોયું હશે. અમુક રીતે તરછોડાયેલો જીવ ગમે તે વ્યક્તિ પ્રેમ બતાવે ત્યાં દોડી જાય છે. પ્રિન્સેસ પ્રેમમાં પડી, એ વખતે જ મોભો આડો આવ્યો. વડાપ્રધાન ચર્ચિલે ત્યારે માર્ગરેટને કહ્યું કે મોભા ખાતર તેના પ્રેમીથી દૂર રહે. પિતા રાજા જ્યોર્જે લાડ લડાવીને માર્ગરેટને થોડી બગાડી તો હતી જ તેમાં પ્રેમ આડે રાજકીય મોભારૂપી આવી ગઈ.
માર્ગરેટની લાગણીની દુનિયાને તાળાં લાગી ગયાં.
માર્ગરેટને કહેવામાં આવ્યું કે, પ્રિન્સેસનો મોભો અને સાલિયાણાં જોઈતાં હોય તો પ્રેમીને છોડી દો. પ્રેમીને રાખવો હોય તો મહેલ વગેરે છોડી દો, માર્ગરેટની જગ્યાએ તમે હો તો શું કરો? તમે બકિંગહામ પેલેસ જોયો છે? રાણીનો ઠાઠ જોયો છે? માર્ગરેટની લકઝરી બચપણની રોયલ ટેવો હતી. તેથી પ્રેમીને છોડી દીધો. પ્રેમની ભૂખ હતી, છતાં ત્રણ વર્ષ પછી પાછી એક ફોટોગ્રાફરના પ્રેમમાં પડી. એ વખતે ચર્ચિલ જીવતા નહોતા.
જમાનો થોડો ઉદાર થયેલો. ફોટોગ્રાફર એન્થની આમસ્ટ્રોંગ જોન્સ સાથે માર્ગરેટે લગ્ન કર્યા, પણ અખબારોમાં ટીકા થવા લાગી. માર્ગરેટને પ્રેમી મળ્યો પણ છતાં કંઈક ખૂટતું હતું.
એક હાથમાં સિગારેટ સાથે માર્ગરેટ સોસાયટીમાં દેખાવા લાગી. જ્યારે પ્રેમી છૂટી જાય છે ત્યારે આવાં વળગણ વળગે છે. માર્ગરેટની જિંદગી પ્રેમ અને પ્રવૃત્તિ વગરનાં બે રસાયણો વગર કોરી સમૃદ્ધિમાં બગડવા લાગી.
ડિનર લે ત્યારે સતત સાથે વ્હીસ્કી પીતી હોય. સાથે સિગારેટ હોય. જમવાની ડીશમાં જ સિગારેટનાં ઠૂંઠાં પડ્યાં હોય. એક પછી એક સિગારેટ સળગાવે જ રાખે.
પ્રેમી અને પતિથી યંત્રવત બે બાળકો થયાં પણ લગ્નજીવનમાં જામતું નહોતું. પતિ મળ્યો પણ પ્રેમ ન મળ્યો. પ્રિન્સેસને જે જાતનો પ્રેમ જોઈતો હતો તે દુર્લભ હતો. તે માટે તેણે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં જન્મ લેવો પડે, પણ આ તો મહેલની પ્રિન્સેસ હતી. અઢળક આવક હતી. પિટર સેલર્સ નામનો ફૂટકડો ત્રીજો જુવાન તેની જિંદગીમાં આવ્યો. 1973માં ફોટોગ્રાફર સાથે લગ્ન ચાલુ હતું ત્યારે જ ચોથા પ્રેમી રોડી વેલેનીલ સાથે માર્ગરેટ ‘પ્રેમ’માં પડી.
આ રૉડી લેવલીન તેનાથી 17 વર્ષ નાનો હતો. પ્રિન્સેસને કમાવા માટે, પ્રતિષ્ઠા માટે કે જીવવા માટે કંઈક જ પ્રવૃત્તિ નહોતી. તમે આવી જિંદગી ઈચ્છો? હા, તેના માટે એક જ પ્રવૃત્તિ હતી – પ્રેમ માટે વલખાં મારવાની.
સમાજમાં વાત ફેલાઈ ગયેલી કે પરિણીત પ્રિન્સેસ એક કાઉબૉય જાવ રખડુ છોકરા સાથે પ્રેમમાં પડી એટલે માર્ગરેટ તને છોડવાને બદલે રૉડી નામના ‘બચ્ચું’ને એક ટાપુમાં મોકલી દીધો અને પછી તે ટાપુમાં જઈને માર્ગરેટ પ્રેમ કરવા માંડી.
પેલેસમાં ખબર પડી ગઈ. માર્ગરેટને કહેવામાં આવ્યું કે, લગ્નમાંથી પ્રથમ છુટાછેડા તો લે....
એટલે છૂટાછેડા લીધા. હવે માર્ગરેટ છૂટી હતી. રૉડી લેવેલીનને રોયલ શરીર ભોગવવા મળ્યું. તેમાં આડો સંબંધ નહોતો. સીધો સંબંધ હતો, પણ માર્ગરેટ માટે તો જન્મી ત્યારથી કોઈ સીધો સંબંધ આવ્યો જ નહીં. એ દરમિયાન રડીનું શરીર મળ્યું પણ આત્મા પ્રેમનો ભૂખ્યો હતો. ભૂખ્યા આત્માને રીઝવવા માર્ગરેટ વ્હીસ્કી પીવા માંડી, જે તે ખાવા માંડી અને તેને પક્ષઘાત થયો.
એક પગ ખોટો થયો. તબિયત કથળવા માંડી, પ્રિન્સેસને તમામ જાતના રોગ ઘેરી લેવા લાગ્યા, ભોગ ભોગવવા જુવાની અને તંદુરસ્તીની જરૂર હોય છે. પ્રેમીઓ સાથે સાથે જુવાની અને તંદુરસ્તી પણ અલવિદા કરવા લાગી.
ભલે વાસ્તવિકતા હતી કે એલીઝાબેથ મોટી હતી એટલે રાણી તે જ બને. પણ છતાં માર્ગરેટ માનવજીવ હતી. તે ઈર્ષ્યાને સદંતર હાંકી કાઢી શકી નહીં. એક પછી એક લગ્ નો અને પ્રેમસંબંધો તૂટવા લાગ્યા. દારૂનું વ્યસન બરાબરનું ચોંટી ગયું.
બ્રિટિશ અખબારોને માર્ગરેટની કથળેલી જિંદગી અને ચોપાટ થતા પ્રેમસંબંધમાં રસ પડવા લાગ્યો. માર્ગરેટ વિષે મસાલાવાળી સ્ટોરીઓ છપાવા માંડી. તે વાંચીને માર્ગટેર દુઃખને ભૂલવા વધુ પીવા માંડી. તમને લાગે કે વળી દુઃખ શેનું? મહેલ હતો, રોજના રૂ. 1 લાખ વાપરી શકતી હતી.
પણ... મહેલ કે લાખ રૂપિયા મળે તો પણ જિંદગીમાં જ્યારે પ્રેમ કે પ્રવૃત્તિ હોતાં નથી ત્યારે એ મહેલ જંગલ જેવો અને પૈસો પસ્તી જેવો લાગે છે. પ્રિન્સેસ માર્ગરેટની આ પીડાદાયી કથા એટલે લખી છે કે દુઃઘખી થઈ થઈને, ઝૂરી ઝૂરીને પ્રેમ વગર મરી ગયેલી માર્ગરેટના જીવન ઉપરથી આપણે માત્ર સંતોષ લઈ શકીએ કે જો તમને પ્રેમ અને પ્રવૃત્તિ મળી ગયાં છે તો તમે ધનપતિ છો અને જો ધનપતિ હો અને પ્રેમ કે પ્રવૃત્તિ ન હોય એવી જિંદગીનાં સપનાં સેવવાં જેવાં નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર