રોશની રુકેગી નહીં
કિતના કઠિન હોતા હૈ વહ અસૂઝ રાસ્તા,
જિસ પર ચલતે ચલતે
એક ઉમ્ર, એક સદી, ચલી જાતી ઉદાસ હૈ
લેકિન યે ભી સચ હૈ, હર અંધેરે કી યાત્રા
રોશની કી તલાશ હૈ,
ઔર કબ તક રોકેંગે ધૂપ,
વહ કિસી ભી મોખે સે, સંઘ સે,
દરાર સે ઝરોખેં સે,
ઝર કર કહીં સે ભી, ભીતર આ જાએગી
- ગિરિજાકુમાર માથુર
ગ્રેજ્યુએટ થયેલા એક વાચકે પત્ર લખ્યો છે.
હું બી.કૉમ. થયો છું. ઘણા પ્રયાસ છતાં એમ.કૉમ. કરી ન શક્યો. એ પછી મારી પ્રેમિકાને દગો દીધો. હું પુરુષાર્થમાં માનું છું, પણ મને નોકરી નથી મળતી. ઘણી જગ્યાએ ભટક્યો, નિરાશ છું. પાછલા અનુભવોથી મેં માની લીધું કે મને દરેક ક્ષેત્રે નિરાશા જ સાંપડશે. એથી મેં નિરાશાના ડરથી હવે પુરુષાર્થ છોડી દીધો છે.
આ વાચક માને છે કે, તેણે માત્ર જ ઠોકરો ખાધી છે. દુનિયા ઠોકરો ખાનારાઓથી ભરી પડી છે, પણ જો ઠોકર ખાનારાએ પુરુષાર્થ છોડી દીધો હોત તો પોલાદ ન બનત. અણુવિદ્યુત શોધાઈ ન હોત. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ ન બનત. નિષ્ફળતાને કોઈને માટે સ્ટોપિંગ પોઈન્ટ બનવું ન જોઈએ. બ્રિટિશ લશ્કર કંડીર્કમાં હારી ગયું, પણ પછી યુદ્ધ જીતી ગયું.
અબ્રાહમ લિંકન એક ગરીબ કુટુંબમાં જન્મેલા, તેઓ લાકડાની એક કેબિનમાં ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હતા. બિઝનેસમાં તેઓ નિષ્ફળ ગયા હતા અને અમેરિકન કોંગ્રેસની ચુંટણીમાં એક કરતાં વધુ સમય હારી ગયેલા. તેમણે તેમની પ્રેમિકાને ગુમાવી હતી. આ બધી નિષ્ફળતા થકી તેમને નર્વસ બ્રેકડાઉન થઈ ગયું. સેનેટમાં ચુંટાવા માટે બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યો, તેઓ ઉપપ્રમુખની ચુંટણી હારી ગયેલા, પણ 1860માં આખરે પ્રમુખ બન્યા.
અલાન લોય મેકગિનિસ નામના લેખકે 'બ્રિન્ગિન્ગ આઉટ ધ બેસ્ટ ઈન પીપલ' નામનું પુસ્તક લખ્યું છે. એમાં કહ્યું છે, 'દેશના નેતાઓ અને ધર્મગુરુઓએ લોકોને નિષ્ફળતાને કેમ સર્જનાત્મક રીતે હેન્ડલ કરવી એ જ શીખવવું જોઈએ. નવી નવી બાઈસિકલ શીખતા હો ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે તમે પેડલ ચલાવવાનું બંધ કરો છો ત્યારે જ પડવાનો ભય ઊભો થાય છે. જગતનો કોઈ માણસ પડ્યા વગર સાઈકલ નથી શીખ્યો.'
અમેરિકાની જોન્સ હોપકિન્સ હોસ્પિટલના સંશોધક ડૉ. કર્ટ રિચરે ઉંદર પર પ્રયોગ કરીને એક વાત પુરવાર કરી કે કોઈ પણ જીવ એક અનુભવમાં કપરો અનુભવ કરે તો બીજા કપરા અનુભવને હોપલેસ હાલત માની લે છે. ડૉક્ટરે એક ઉંદરને તેમની હથેળીમાં મજબૂત ભીંસ્યો. ઉંદરે હાથની પકડમાંથી છૂટવા ઘણાં તરફડિયાં માર્યા, પણ છટકી ન શક્યો. પછી ઉંદેર છૂટવા માટેના પ્રયાસ છોડી દીધા અને ઢીલો થઈ ગયો. એ પછી ઉંદરને ગરમ પાણીની ટાંકીમાં ફેંકવામાં આવ્યો. ઉંદરે પાણીમાં તરવાનો કોઈ પુરુષાર્થ ન કર્યો. ગરમ પાણીમાં તરવાના ફાંફાં મારવાનું એને હૉપલેસ લાગ્યું એટલે એ ડૂબીને મરી ગયો. બીજા એક પ્રયોગમાં ડૉક્ટરે ઉંદરને પકડીને સીધો ગરમ ટાંકીમાં ફેંક્યો. એને પ્રથમ હાથમાં ન પકડ્યો. આ ઉંદરે ગરમ પાણીમાં પણ તરવાનો પ્રયાસ કર્યો અને તરીને બચી ગયો.
કૂતરા પર આવો પ્રયોગ કરતાં પણ માલૂમ પડ્યું કે એક વખત અતિ નિરાશાજનક અનુભવ કરનાર માનવીને પણ બીજા પ્રયાસ માટે પુરુષાર્થ કરવાની હામ નથી રહેતી. માણસ પણ અમુક સ્થિતિને હોપલેસ સમજીને કંઈ નથી કરતો. તમારે બીજી નહીં, પણ ત્રીજી વખત હારીને ચોથો પ્રયાસ કરીને જીતવું જોઈએ.
ડૉ. કર્ટ રિચરે પછી નીચેનું તારણ આપ્યું :
Hope is healkhier khan despair, perseverence is more sensible khangivingup. અર્થાત્ નિરાશા કરતાં આશા રાખવી વધુ ઉપકારક અને તંદુરસ્તી બક્ષનાર છે. નિરાશ બનીને પુરુષાર્થ પડતો મૂકવાને બદલે મચ્યા રહેવું જોઈએ. આપણે પોતે જ ઠોકી બેસાડેલી નિરાધારતા (હેલ્થલેસનેસ) કે નિઃસહાયતાની માનસિકતા આપણને હારણ કરી મૂકે છે.
અમેરિકાના માનસશાસ્ત્રી ડૉ. જેરોમ એલ. સિંગરે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે 'ડે ડ્રીમિંગ એન્ડ ફેન્ટસી'. આ ડૉક્ટરને કોઈ યુવાને પૂછ્યું કે મને દિવાસ્વપ્નો જોવાની ટેવ છે. મારે ડેવિડ રોકફેલર જેવા બનવું છે. અમેરિકન કોંગ્રેસમાં ચુંટાવું છે. ઘણા વડીલો કહે છે કે હું આ રીતે અસંભવ લાગે એવાં દિવાસ્વપ્નો જોઉં છું. નાહકની શક્તિ વેડફું છું.
પરંતુ ડૉ. સિંગર તેને કહે છે કે માનવીએ દિવાસ્વપ્ન જોવાં, એમાં કંઈ ખોટું નથી. જોકે આલ્ફ્રેડ એડલર નામના માનસશાસ્ત્રી કહે છે કે દિવાસ્વપ્ન જોવાં એ ખરાબ છે, એક ન્યુરોટિક સિમ્પટમ છે એટલે કે ઘેલછાનું ચિહ્ન છે. મુંબઈમાં રહેતા અને વિખ્યાત અભિનેત્રી મીનળ પટેલને પરણેલા અમૃત પટેલે દિલ્હીની પાર્લામેન્ટ જોઈ. અંદર સંસદસભ્યો જોયા. તેઓ પોતે માત્ર બિલ્ડર હતા. તેમણે પાર્લામેન્ટની બહાર ગેરુના રંગતી બેહાથે રંગના થાપા મારીને પ્રતિજ્ઞા લીધી કે તેઓ એક દિવસ પાર્લામેન્ટના સંસદસભ્ય થશે અને ખરેખર તેઓ ઈન્દિરા ગાંધીના સમયમાં ગાંધીનગરથી ચુંટાઈને સંસદસભ્ય બન્યા (તેઓ કેવી રીતે સંસદસભ્ય બન્યા તે વિષય વિવાદાસ્પદ છે.)
તમને જાણીને નવાઈ લાગશે કે ભુતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ એક અચ્છા લેખક પણ હતા. અને તેમણે નવલકથા પણ લખેલી. તેમની એક નવલનું નામ 'સેવરોલા' હતું. આ નવલકથાનો હીરો કાલ્પનિક નહોતો. ચર્ચિલે પોતાની જિંદગી પરથી નવલકથા લખેલી. યુવાનીમાં ચર્ચિલે આ નવલ લખેલી. આ નવલમાં યુવાન ચર્ચિલે પોતાના દિવાસ્વપ્નને જ વાર્તાનો આકાર આપ્યો. એ વાર્તાનો હીરો શાળામાં હતો ત્યારે જ તેને વડાપ્રધાન બનવાનું મન થાય છે અને તે વડા પ્રધાન બન્યો પણ ખરો. મનોવિજ્ઞાની ડૉ. સિંગર જેમણે 'ડે-ડ્રીમિંગ'નું પુસ્તક લખેલું એ કહે છે કે યુવાનીમાં દિવાસ્વપ્નો જોવાં એ લાગણીતંત્રની સ્થિતિની માત્ર કલ્પના જ નથી, પણ તમારી એક આગવી દુનિયાની ભાતપાત તેમજ ભવિષ્યની કારકિર્દીની માર્ગરેખા પણ અજાણતાં જ દોરી નાંખે છે. દરેક યુવાન માણસે જો પોતે સ્વાયત્ત-સ્વાવલંબી બનવું હોય તો તેણે કેટલાક ગુપ્ત મનસૂબા ઘડવા જોઈએ અને મનસૂબાને પૂરા કરવા પુરૂષાર્ત પણ કરવો જોઈએ. આ મનોવિજ્ઞાની લેખક ડૉ. જેરોમ સિંગરને પોતાને પણ યુવાનીમાં વિચારો આવતા કે પોતે સંગીતકાર બને તો કેવું સારું? અને ખરેખર તેઓ પાછલી અવસ્થામાં સંગીતકાર બન્યા પણ ખરા.
અમેરિકામાં 1901ની સાલમાં પ્રમુખ બનેલા થિયોડોર રુઝવેલ્ટને તમે જાણો છો. તેમને બચપણથી જ અમેરિકાના પ્રમુખ ઉપરાંત એક ફાઈટર-યોદ્ધા બનવું હતું. બન્યા.
કિશોર વયે થિયોડોર રુઝવેલ્ટ દૂબળા-પાતળા સૂકલકડી હતા. એકદમ નબળા મનના હતા અને ક્યાંક અકસ્માત હશે તો? એવો ડર રાખીને બહાર ન નીકળતા, પરંતુ જ્યારે તેઓ મોટા થયા ત્યારે રુઝવેલ્ટે સંકલ્પ કર્યો કે મનની નબળાઈને હાંકી કાઢશે. તેમના કુટુંબે રુઝવેલ્ટને હવાફેર કરાવ્યો, સ્થળો જ નહીં, દેશ બદલ્યા, યુરોપ પણ મોકલ્યા, પરંતુ તેમનું શરીર દૂબળું અને તેમનો સ્પિરિટ સાવ બોદો રહ્યો. આખરે રુઝવેલ્ટને જ્ઞાન લાધ્યું કે જે ચીજોથી તેઓ ડરતા હતા તે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમણે ડાકોટામાં કાઉબોય થવાનું નક્કી કર્યું. સામાન વગરના જંગલી ઘોડાને પકડીને સવારી કરવા લાગ્યા. તેમ કરવામાં ઘણી વખત પછડાયા. તેમનું કાંડું તૂટી ગયું. તેમનું નાક લોહીલુહાણ થયું. તેમની પાંસળીઓ તૂટી અને ખભાનાં તુટેલા હાડકાં સાંધવા લાંબી પથારી ભોગવી. પણ એમાંથી સાજા થયા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ થઈ તેમણે બોક્સિંગની રમત શીખી, શરૂમાં તેમને પ્રતિસ્પર્ધીઓ મારી-મારીને ધોઈ નાખતા. ઘણી ફાઈટની મેચો હાર્યા, પરંતુ આખરે ખરા યુદ્ધમાં - સ્પેનિશ - અમેરિકન યુદ્ધમાં લેફ્ટનન્ટ બન્યા. 1898માં ન્યૂયોર્કના ગવર્નર બન્યા. 1900માં તેઓ અમેરિકાના ઉપપ્રમુખ ચુંટાયા. 1901માં પ્રમુખ મેકેન્ઝી મરી ગયા ત્યારે થિયોડોર રુઝવેલ્ટ પ્રમુખ બન્યા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર