હવે પ્રેમમાં પડીને પ્રેમનાં તત્વોનો સાયન્ટિફિક નકશો પણ બનાવી શકાશે!
પ્રેમના પંથને હંમેશાં કાંટાળો કહ્યો છે, પરંતુ પ્રેમીઓ માટે પ્રેમ કે પ્રેમલગ્ન કર્યા પછી રસ્તામાં કંટકો ન આવે અને સુંવાળી સડક જ હોય તેવી વ્યવસ્થા વિજ્ઞાનીઓ કરી શકે છે. “અમેરિકન એસોસિયેશન ફૉર ધ એડવાન્સમેન્ટ ઑફ સાયન્સ” નામની સંસ્થાની વાર્ષિક બેઠક અમેરિકન શહેર બાલ્ટી મોરમાં મળેલી, તેમાં પ્રેમમાં પડેલાં લોકોની મૂંઝવણોની પણ આ વખતે ચર્ચા થયેલી. લગ્ન કરવા ઈચ્છનારા માટે તાતા કેન્સર હૉસ્પિટલમાં પતિ-પત્નીના લોહીના નમૂના લઈને બન્નેના જિનેટિક નકશા એટલે કે રંગસૂત્રો કે ગુણસૂત્રો જોઈને તેબન્ને થકી થનારું બાળક તંદુરસ્ત અવતરશે કે નહિ તેની તપાસ કચ્છી ડૉ. જયંતી ઊંડેવિયા કરી આપતા. હવે ઘણા ડૉક્ટરો આવો જિનેટિક નકશો તૈયાર કરી આપે છે.
અમેરિકાના વિજ્ઞાનીઓ આનાથી પણ આગળ વધ્યા છે. ધારો કે હેતલ અને હિમાંશુ પ્રેમમાં પડે અને હેતલ બહુ ગરમ નીવડે હિમાંશુ ઠંડો હોય તો? આવી વાતની હનિમૂનને દિવસે કે રાત્રે ખબર પડે છે પણ અમેરિકાની ઓલ્કાહામા યુનિવર્સિટીનાં મહિલા ડૉ. જુડીથ લોટરે આનો લાજ શોધ્યો છે. બન્ને પ્રેમીઓના મિક્સ હોર્મોનનું લગ્ન પહેલાં કે પ્રેમમાં વધુ ઊંડા ઊતરતાં પહેલાં પરીક્ષણ થાય. પ્રેમીઓના લોહીના નમૂનામાંથી જ ખબર પડી જા કે કોના સેક્સ હોર્મોન વધુ જોંસટિયા છે. આ બાબતમાં ડેન્માર્કના પ્રો. હેલમટ નિબોર્ગે પણ હોર્મોન લેવલનો ઊંડો અભ્યાસ કર્યો છે.
તેઓ પુરૂષના લોહીનો નમૂનો લઈને કહે છે કે “આ પુરુષ ખરેખ ભાયડો છે કે નિહ. અગર તો ફુલ બ્લેડેડ પુરૂષ છે કે નહિ.” તેવી જ રીતે સ્ત્રીમાં ખરેખર સ્ત્રીની જાકત અને ગ્રેસ છે કે નહિ તે પણ જોઈ આપે છે. બન્ને જણમાં જે ટેસ્ટોસ્ટરોન અને ઓસ્ટ્રોજન નામના હોર્મોન હોય છે તેનું પરીક્ષણ કરીને આ વાત અગાઉથી કહી શકાય છે.
આપણા જ્યોતિષીઓ કુંડળી જોયા પછી ગુણાંક મૂકે છે તેમ આ વિજ્ઞાનીઓ સ્ત્રી માટે હોર્મોનની ચકાસણી કરીને ઈ-5થી માંડીને ઈ-1 સુધીના ગુણાંક ગણે છે. પુરુષમાટે હોર્મોનના લેવલ મુજબ એ-5થી એ-1 સુધી ગુણાંક માંડે છે. ડૉ. લોટર કહે છે કે સ્ત્રી કે પુરુષમાં મેઘધનુષ્યની માફક બાયો-કેમિકલ રસાયણોનો એક નકશો હોયછે. હોર્મોન્સના લેવલની મગજ ઉપર અસર થાય છે. હોર્મોનની એક જાતની, કુંભાર માટીના ઘડા ઉપર જે હાથ ફેરવે છે તે જાતની, અસર હોય છે એટલે કે હોર્મોન પુરુષ કે સ્ત્રીનાં મગજને ઘડે છે.
ઉપરના તારણને હિસાબે બે પ્રેમીઓ વચ્ચેના હોર્મોનની કોકટેલ (મિશ્રણ) કેવી છે તે નક્કી કરી નાખવાથી પ્રેમની બાબતમાં પછીથી પંચાત રહેતી નથી ઉર્દૂ કવિઓ કહે છે કે મહોબ્બતમાં બન્ને બાજુની પ્રેમની આગ એકસરખી બળવી જોઈએ. બિચારા ઉર્દૂ શાયરોએ હોર્મોનની ખબર નહોતી નહિતર કવિતામાં લખત કે “મહોબ્બત મેં હોર્મોન કે લેવલ બરાબર કે હોના ચાહિયે. ઈધર ભી કમ નહીં ઉધર ભી.”
કૉલેજમાં પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થાય છે તે સાવ અવૈજ્ઞાનિક નથી. ધારો કે મીઠીબાઈ કૉલેજમાં તેજલ નામની શ્યામ રંગની છતાં નમણી છોકરી છે. તેને જતીન, સચિન કે સાજન જુએ છે. પણ તેજલ અને મિત્તલ મળી જાય છે.
બન્ને એકબીજાને જોઈને ચિત્ત થઈ જાય છે. શું કામ? પ્રથમ નજરે શું કામ રિજેક્ટ થયેલી તેજલનું આકર્ષણ મિત્તલને થાય છે? એટલા માટે કે બન્નેનું હોર્મોન્સ સ્ટોકરૂમ એટલે કે આકર્ષક તત્વોનો નકશો ફિટ બેસે છે. ટ્રાયેન્ગલ ઉપર ટ્રાયેન્ગલ બેસી જાય છે. બન્નેનાં હોર્મોન્સ વેવલેન્થ એકસરખાં હોય છે.
બન્ને જણ એકબીજા માટે હોર્મોનલી ફિટ છે. જોકે આજકાલ કુંડળીઓ જોવાય છે, પણ હોર્મોન્સ વેવલેન્થ ન મળતાં હોય તેવાં યુગલો પરણે છે પછી પથારીમાં સમસ્યા ઊભી થાય છે.
બાલ્ટી મોરની જોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. જ્યોર્જ લેહન કહે છે કે શરૂ શરૂમાં યુવાન હૈયાંને સેક્સુઅલ આકર્ષણ થાય છે, તેમાં પણ ભૂલભૂલૈયા હોય છે. તે ભૂલભૂલૈયાને બદલે સરળ રાજમાર્ગ થાય તે માટે છોકરા-છોકરીએ પોતાના ખિસ્સામાં વિજ્ઞાનીઓ તૈયાર કરી આપેલો લવ-મેપ તૈયાર રાખવો જોઈએ.
વેલેન્ટાઈન-ડેના દિવસે અખબારમાં કવિતા લખવાને બદલે કહેવું જોઈએ, “ઓ તેજલ, તારું ઈ-પ લેવલ છે અને મારું પણ એ-5 લેવલ છે. હું તને સાયન્ટિફિક લવકરું છું. આવી જા, એટલે આપણે વેવલેન્થ બરાબર માણીએ.”
ડૉ. જ્યોર્જ લેહન કહે છે કે બાળક 8 કે 9 વર્ષનું હોય ત્યાં જ આ લવ-મેપ તૈયાર કરી શકાય છે. બાળક માટે આદર્શ પ્રેમી કોણ હશે તે કહી શકાય છે. કારણકે બચપણમાં પણ બચુડિયો પાડોશની કઈ બેબલી સાથે વધુ સારી રીતે વિડિયો ગેમ્સ રમી શકશે તે લવ-મેપ ઉપરથી નક્કી થઈ શકશે. હવે મા-બાપ કહી શકશે, “જો બાજુની ડિમ્પલ સાથે રમતો નહિ. તેનું હોર્મોન લેવલ તરા લેવલ સાથે મેળ ખાતું નથી, એટલે તેના ઉપર ચોકલેટોનો ખોટો ખર્ચ કરતો નહિ.”
જો કે વિજ્ઞાનીઓ પણ કબૂલ કરે છે કે હૃદયને હોર્મોનનાં બંધન રોકતાં નથી, પરંતુ નસીબ હોય તો લેબોરેટરીની તપાસ વગર જ હોર્મોનના લેવલ મળતાં આવી જાય છે. પતિ-પત્ની બન્નેના મગજમાં તફાવત હોય છતાં બે જણનું કેમ જામે છે? રહસ્ય છે બન્નેનો હોર્મોનનાં લેવલ મળતાં આવી જાય છે. પતિ-પત્ની બન્નેના મગજમાં તફાવત હોય છતાં બે જણનું કેમ જામે છ? રહસ્ય છે બન્નેનો હોર્મોન લેવલનો વિસંવાદ વગરનો મેળાપ. જોકે મગજના તફાવતનો ઈલાજ પણ વિજ્ઞાનીઓએ શોધ્યો છે. તેજલ જો મિત્તલના પ્રેમમાં પડે અને તેજલને શંકા જાય કે મિત્તલનો ઉપલો માળ ખાલી છે, તો બન્નેના બ્રેઈન સ્ટ્રક્ચરનો એક્સ-રે લેવરાવી શકે છે. નવાં ઇમેજિંગ મશીનોમાં તો લાગણીઓ માપી શકાય છે. તેજલને કેટલો વિરહ, કેટલો શોક કે કેટલો આનંદ થાય છે તે માપી શકાય છે. તેમ અમેરિકાની વિસકોનસીન યુનિવર્સિટીના પ્રો. રિચાર્ડ ડેવિડસન કહે છે.
ડૉ. ડેવિડસન તો ઓલિમ્પિક્સ રમતમાં જીતનારાને કેટલો ઘમંડ થયો કે કેટલી બડાઈ મારવાની વૃત્તિ થઈ તે પણ માપી શકે છે. બ્રેઈન-સ્કેનનો આ તદ્દન નવતર ઉપયોગ છે. જોકે ડેવિડસન કહે છે કે પ્રેમમાં પડો પછી તમારે એ પ્રેમનું ફિઝન (વિસ્ફોટ) ચાલુ રાખવું, તેમાં રસાયણની કચકચ ન કરવી. કદાચ પ્રેમ કરતાં કરતાં જ બન્નેનાં હોર્મોન કે મગજનાં લેવલ સરખાં થઈ જાય. વડીલોની ભાષામાં બન્નેની બુદ્ધિ કાં બહેર મારી જાય અગર બન્ને ડાહ્યાં થઈ જાય, એટલે જ ઘણી વખત ચક્રમ છોકરાના મગજનો ઈલાજ ડૉક્ટરો પેસ કરાવવાને બદલે મા-બાપો પોતાની પાગલ કન્યા કે પાગલ મુરતિયાને સારી છોકરીસાથે પરણાવી દે છે.
પેન્સિલવેનિયાના ડૉ. રૂબેન ગુર કહે છે કે સ્ત્રીઓ તેમની લાગણીઓમાં પુરુષ કરતાં વધુ ઝડપી હોય છે. સ્ત્રીઓ પુરુષોના ચહેરા ઉપરની તેની લાગણીને પારખી જાય છે. મુંબઈની ભાષામાં કોઈ છોકરો “લાઈન” મારોત હોય તો સ્ત્રી તુરત પકડી શકે છે. પુરુષો સ્ત્રીની લાગણીને સમજવામાં બુડથલ અગર ધીમા હોય છે. જોકે પુરુષ સ્ત્રીના ચહેરા ઉપરની સુખની લહેરને જલદી પારખી શકે છે. હીરાની વીંટીથી આ સુરખી જલદી દેખાયછે, પરંતુ સાયન્ટિફિક દ્રષ્ટિએ તકલીફ ત્યારે થાય છે જ્યારે બન્નેનાં મગજના લાગણીના સેન્ટરમાં અસમતુલા હોય છે. લાગણીનું તત્વ તો વારસામાં કે જન્મ સાથે મળે છે. આવા તફાવતને કારણે જ પુરુષ આક્રમક હોય છે. પ્રેમમાં પડે પછી ચુંબનની શરૂઆત પુરૂષ જ કરે છે.
આટલું પિષ્ટપેષણ કર્યા પછી અંતે તો ડૉ. રૂબેન ગુર કહે છે કે, “લવનું સાયન્સ હજી તો પ્રાથમિક સ્ટેજ ઉપર છે. ચાર અબજ વર્ષ પહેલાં આ સૃષ્ટિ સર્જાઈ ત્યારે પ્રેમની રામાયણ આટલી બધી નહોતી, હવે જ સૌથી વધુ પ્રેમના લવારા થાય છે. આ લવારા સાયન્ટિફિક છે કે નહિ તેનાં સંશોધન હવે થાય છે.”
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર