પ્રેમ એ સાધ્ય નથી, પ્રેમ માત્ર સમગ્ર જીવનને આનંદથી ચલાવવાનું સાધન છે
"આપણે બધા જ બાયોલૉજિકલી પ્રોગ્રામ્ડ છીએ. તે આંતરિક પ્રોગ્રામ પ્રમાણે આપણે જીવનમાં સાથીદાર શોધતી વખતે વર્તીએ છીએ. આપણે મનગમતા સાથી પસંદ કરીએ ત્યારે ખરેખર પ્રથમ નજરે વાસનાની ભૂખ હોતી નથી. પરંતુ સાચી લાગણી જ ઉભરાતી હોય છે. શરૂઆતની આ લાગણીઓ વિશ્વસનીય હોય છે. આપણી અંદરના આ જીવરાસાયણિક સંસ્કાર પ્રમાણે મુગ્ધાવસ્થામાં પ્રેમમાં પડીએ છીએ. ફરીવાર કદાચ યુનિવર્સિટીમાં કે ઑફિસમાં તમે બીજા નવા પ્રેમમાં પડો છો. એમાં જ્યારે ગંભીર થાઓ છો ત્યારે લગ્ન કરો છો." આવી વાત લેખક જ્હૉન રોબર્ટ કહે છે. પરંતુ પ્રેમ શાશ્વત છે કે પ્રેમ કાયમી છે તે રીતે લગ્ન શાશ્વત ન હોઈ શકે. પ્રેમ સાથે લગ્નની વાતની ભારતમાં ભેળસેળ થાય છે, એટલે જમોટી આફત થાય છે. તેથી જ પ્રેમમાં વફાદારીની ખોટી વાતને ઘુસાડાય છે. પ્રેમમાં પડનારી વ્યક્તિ એક જ વ્યક્તિને વળગીને પ્રેમ કરતી રહે તે જરૂરી નથી.
વાર્તાકાર જ્હૉન રોબર્ટ કહે છે કે પ્રેમ અને લગ્ન બાબતમાં કોઈએ કોઈનાં ધોરણ સ્વીકારવાં નહીં. તમારું જજમેન્ટ ખોટું હોય તો પણ તમારી લાગણીને અનુસરીને કામ કરવું. પોતાનો અનુભવ કહેતાં તે કહે છે "હું જેના પ્રેમમાં પડ્યો તેને પરણ્યો. અમને બાળકો જોઈતાં હતાં. બાળકો થયાં. પ્રથમ તબક્કામાં કિડલવ હતો (બાલસુલભ પ્રેમ). બીજા તબક્કામાં જવાબદાર પ્રેમ હતો. ત્રીજા તબક્કામાં અમે 30થી 40 વર્ષનાં થયાં ત્યારે થોડાં "રખડુ" કે છુટછાટવાળાં થયાં. શરૂમાં બાયોલૉજિકલી પ્રોગ્રામ પ્રમાણએ વર્ત્યા.
ત્રીજા તબક્કામાં દરેક નવા સંબંધનો હેતુ સેક્સ હોય છે. પ્રેમલગ્ન કર્યા પછી સેક્સ અને એ પ્રેમલગ્ન ચાલુ હોય ત્યારે લગ્ન બહાર સેક્સ, આવો દૌર ચાલે છે. બંને જણ એકબીજાના અપરાધી બને છે. લેખક કહે છે કે જ્યારે અમારો લગ્ન સંબંધ તૂટી ગયો ત્યારે મારા બાયોલૉજિકલ પ્રોગ્રામ પ્રમાણેના પ્રથમ પ્રેમ તરફ પાછો ફર્યો. પરંતુ તે પ્રથમના પ્રેમનો સંબંધેય આંસુમાં પરિણમ્યો. તાત્પર્ય કે તમે બાયોલૉજિકલી પ્રોગ્રામ્ડ હો એટલે પ્રેમમાં કે નવા સંબંધમાં પડ્યા વગર રહી શકતા નથી. તમારું કંઈ ચાલતું નથી, એટલે તમારે નસીબે પ્રેમનું ચિરકાળનું સુખ હોતું નથી. પરંતુ પ્રેમ વગરનું લગ્નજીવન હરગિજ ચલાવી લેવું ન જોઈએ. તેમાં તમે તમારો ધર્મ ચૂકો છો. કારણકે પ્રેમ એ તો જીવનની ફરજો બજાવવાનું એક સાધન છે. પ્રેમ એ સાધ્ય નથી. લગ્ન એક નક્કર સાધન છે. લગ્ન પણ લક્ષ્ય નથી.
તમારી રોજિંદી કામગીરીમાં, સર્જનશીલતામાં કે તમારી ફરજોમાં પ્રેમ કે લગ્ન આડા આવતા હોય તો પ્રેમ નિષ્ફળ જતાં આંસુ પાડીને નક્કામા ન બની જવાય. જીવન ચાલતું રહેવું જોઈએ. પ્રેમલગ્ન હોય તો પણ તેમાં જે નબળું પાત્ર હોય તે પોતે પ્રેમમાં અ લગ્નમાં નિષ્ફળ ગયું હોય તોપણ લગ્નને વળગી રહેવા માગે છે. શાહ ફઝરે એક શાયરી કહી છે –
ગજબ હૈ કિ દિલમેં
તો રખો કુદરત (દુશ્મની)
કરો મુંહ પે હમસે
સફાઈ (પ્રેમ) કી બાતેં
પ્રેમમાં નિષ્ફળ જવાય કે લગ્નમાં નિષ્ફળ જવાય તો જિંદગી નિષ્ફળ ગઈ તેમ ન મનાય. આલ્ડસ હક્સલી નામના ફિલસૂફનું નામ તમે સાંભળ્યું છે. તેમના ભાઈ જુલિયન હક્સલેએ એમ.જી. વેલ્સની ભાગીદારીમાં "સાયન્સ ઑફ લાઈફ" નામનું પુસ્તક લખેલું. જુલિયન હક્સલે કહે છે કે "હું માનું છું કે આ જીવન ગમે તેટલું કપરું હોય માણસે તેને ભરપૂર રીતે જીવવું જોઈએ. હું માનું છું કે જિંદગીમાં પીડા હોય, કંકાસ હોય, તમારા પ્રેમીપાત્રની કે બીજાની ક્રૂરતા હોય, "હેવફાઈ" હોય, દુઃખ હોય અને અંતે મરણ હોય, તમારે જિંદગીથી છુટાછેડા લેવાના નથી. પ્રેમભંગ થઈ શકો, લગ્નભંગ થઈ શકો પણ જીવન-ભંગ ન થવાય... જીવન માટે કોઈ એબ્સોલ્યુટ ટ્રૂથ એટલે કે અફર સત્ય કે અફર નૈતિકતા નથી. નૈતિકતા તમારી અંદરથી સ્ફુરે છે."
મહત્વની વાત એ છે કે પ્રેમ અને લગ્ન બન્ને ભરપૂર રીતે જીવવાનાં સાધનો માત્ર છે. તે કોઈ ધ્યેય નથી. લેટિન ભાષામાંથી રિલિજિયન શબ્દનાં મૂળ જોવા જેવાં છે. રેલિજરી Relegereમાંથી રિલિજ્યન શબ્દ આવ્યો છે. રેલિજરી એટલે શું? રેલિજરીનો વિરુદ્ધનો શબ્દ છે – નેગ્લીજરી. રેલિજરી એટલ ખૂબ ધ્યાન દેવું. સામા પાત્રની અને પોતાની વર્તણૂકની ચિંતા કરવી. સાવચેત રહેવું. આત્મચેતના રાખવી અને આત્માના અવાજને અનુસરવો. તેમની વિરુદ્ધમાં નેગ્લીજરી એટલે નેગ્લીજન્સ શબ્દ છે. સામા પાત્રની ઉપર વર્ણવેલા ગુણોની પરવાહ ન કરવી. જો તમે પ્રેમ અને લગ્નને ધર્મ માનો તો તમારે સામા પાત્રની ચિંતા કરવી જોઈએ. તે પ્રેમ આપે તેનાથી વધુ પ્રેમ આપવો. તમારા આત્માને અનુસરવું. તમને લાગે કે તમે પ્રેમ અને લગ્નનો ધર્મ પાળતા નથી કે સામું પાત્ર એ ધર્મ પાળતું નથી તો પછી આ જીવનની ફરજો તમે "ધર્મ" વગર બજાવી ન શકો. તે "પ્રેમ" સંબંધથી છૂટવું જોઈએ.
કનૈયાલાલ મુનશી રૂઢિવાળાં લગ્ન પછી તેમના પ્રેમલગ્નમાં તેમનો સાહિત્ય અને પ્રેમનો ધર્મ વધુ સારી રીતે બજાવી શક્યા હતા. એમના જ યુગના બ્રિટિશ લેખક જે.બી. પ્રિસ્ટલીની 89મી જન્મજયંતી હતી ત્યારે તેને એક લેખિકાએ કહ્યું, "બોલો તમે નવી પ્રજાને શું સંદેશો આપશો?" જે.બી. પ્રિસ્ટલીએ કહેલું "ટ્રાય ટુ એન્જોય મચ એઝ યુ કેન." આ વાક્ય તેઓ બે વખત બોલેલા. તેમણે માનવજાતને સંદેશો આપ્યો કે "જેટલો બની શકે તેટલો વધુ આનંદ લો. આનંદમાં રહો. તમારી જીવનની ફરજને આનંદથી બજાવો." તમારાં લગ્નને આનંદથી ભોગવો. જ્યાં આ આનંદમાં મર્યાદા આવે અગર રુકાવટ આવે અને લાગે કૃત્રિમ રીતે તમે સંબંધના ઢસરડા કરો છો ત્યારે તમે તમારી સર્જનશક્તિને કુંઠિત કરો છો. સમાજ શું કહેશે તેની પરહાવ કર્યા વગર તમે સંબંધોના ઢસરડા ન કરો. "
લંડન ટાઈમ્સે જે.બી. પ્રિસ્ટલીને 20મી સદીના સૌથી વધુ સેલિબ્રેટેડ લેખક કહ્યા હતા તેઓ પોતે સમાજનાં વલણથી ત્રાસી ગયા હતા. તેઓ યુવાનોને કહેતા કે જો તમે સમાજના ડરથી કંઈ કરતા હો કે સમાજના ડરથી લગ્ન સંબંધ જાળવતા હો તો તમે જિંદગીને બેવફા છો. તમે પ્રેમમાં બેવફા થઈ શકો પણ તમે તમારી પોતાની જિંદગીને બેવફા ન થઈ શકો.
જ્યારે પ્રેમ વિષે લખીએ કે વાંચીએ છીએ ત્યારે સામાન્ય માનવીના મગજમાં અઢીથી ત્રણ કલાકની હિન્દી ફિલ્મનો રોમેન્ટિક કચકડા છાપનો પ્રેમ નજર સામે હોય છે. એ પ્રેમ નથી. એ માત્ર નખરા છે. પ્રેમ એ સમગ્ર જીવનને આવરી લેતું તત્વ છે. તેને અલગ રાખીને જીવનને ન મૂલવી શકાય. મૂળ વાત છે કે પ્રેમમાં પડીને પણ તમે વિરોધાભાસમાં જીવતા હો તો તે નકામું છે. પરંતુ મોટા ભાગના સમાજને દંભમાં અને આત્મવંચનામાં કે શરીરમનની લાગણીઓ દાબીને જીવવાની જન્મજાત ટેવ પડી છે. પૂર્વના દેશો એટલે કે ભારત વગેરેમાં ખાસ.
પ્રિસ્ટલી કહે છે કે આજનો માનવી તેના અજાગૃત મનની ઈચ્છાઓ સામે કેટલો લાચાર બની ગયો છે. રોજ રોજ આજની વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી રહેલ છે. આજુબાજુના રાજકીય અને સામાજિક અડ્ડાઓના પંજાની પકડમાં માણસ જીવે છે. ઉપરથી ખુશ દેખાતો માનવી અંતસ્તલમાં ઊંડી નિરાશા અને નાસીપાસી અનુભવે છે. તે ધર્મ પાળે છે પણ જે લેટિન ભાષામાં ધર્મની વ્યાખ્યા છે તેને પાળતો નથી. માનવી એવા સમાજમાં જીવી રહ્યો છે કે જે સમાજ અબઘડી બોલે છે કંઈક અને બીજી ઘડીએ આચરે છે કંઈક જુદું.
આ હાલતમાં જ તમે બાયોલૉજિકલી પ્રોગ્રામ પ્રમાણે રોમેન્ટિક હો, પ્રેમમાં પાગલ હો અને ખરેખરા પ્રેમી હો તો તમે જરૂર થપાટ ખાવાના. કારણ કે જે સામું પાત્ર છે તે ભલે પ્રેમની વાત કરે પણ તે એવા જડ સમાજના સંસ્કારથી લથબથ થઈને તમારી પાસે કંઈક અજીબોગરીબ કારણોસર આકર્ષાઈને આવ્યું છે જે બાયોલૉજિકલી પ્રેમની બાબતમાં પ્રોગ્રામ્ડ નથી. તે રોમેન્ટિક પ્રેમને માત્ર સાધ્ય ગણે છે. પરંતુ પ્રેમ સાધ્ય નથી. પ્રેમ સાધન છે. પ્રિસ્ટલીએ પણ પ્રેમલગ્ન કરીને છુટાછેડા લીધા હતા. પ્રિસ્ટલીએ કહ્યું કે તમારા બેમાંથી એક પ્રેમી માત્ર દંભી હોય તો જીવનની કઠણાઈ શરૂ થાય છે. ખરા પ્રેમપાત્રનું દિલ તૂટે છે. પછી તે બદલો વાળવા સામા પાત્રનું દિલ તોડે છે. "તું મારું દિલ તોડ, હું તારું તોડું." આવી વાતમાં બન્ને જીવન ખતમ થવાં ન જોઈએ. તેને બદલે એ કહેવાતાં "પ્રેમલગ્ન" ખતમ થવાં જોઈએ.
જો પ્રેમ તમારા જીવનમાં પોષક ન હોય તો તે નિવાર્ય બનવો જોઈએ. પ્રિસ્ટલીએ "ગુડ કમ્પેનિયન" નામની નવલકથા લખેલી. તેની 10 લાખ નકલો ખપી ગઈ હતી. તેઓ શિક્ષકની નોકરી કરતા. તેમના પિતા મોચીકામ કરતા હતા. તેમનું સામાજિક સ્ટેટસ નહોતું કે ધનની દૃષ્ટિએ કોઈ સ્ટેટસ નહોતું છતાં એક ધનિક ઘરની પુત્રી તેના પ્રેમમાં પડી. તેથી લગ્ન લાંબું ન ચાલ્યું.
આ જગતનાં તમામ ચીલાચાલુ મૂલ્યોને તેઓ પડકારતા હતા. 89 વર્ષની ઉંમર સુધી આ દુનિયામાં લોકોની ચાલતી ગાડીએ ચઢી જવાની વૃત્તિ સામે લડતા રહ્યા. મરતા સુધી રોજ તેઓ સવારે લખવા બેસી જતા. જગતના દુન્યવી વ્યવહાર સામે તેને કેટલો ગુસ્સો હશે તે એક વાત પરથી માલૂમ પડે છે. તેના એક સાહિત્ય સંમેલનમાં એક જુવાને કશીક સલાહ માગી. જે.બી. પ્રિસ્ટલીએ જુવાન લેખકને કહ્યું, "સમાજ માટે તું રતીભાર ભોગ આપતો નહિ. તારી જાતને વફાદાર રહીશ તો જ સાચા સમાજને વફાદાર રહી શકીશ."
છેલ્લે, આપણે રોબર્ટ જોન્સન નામની મનોવિજ્ઞાની પોતે પ્રેમલગ્નમાં કેવી અપેક્ષા રાખે છે તેને સાંભળીએ. રોબર્ટ જોન્સને "વી – અન્ડર સ્ટેન્ડિંગ ધ સાઈકોલૉજી ઑફ રોમેન્ટિક લવ." (We : Understanding The Psychology of Romantic Love) નામનું પુસ્તક લખ્યું છે. તેમણે બહુ સારી વાત કરી છે. રોબર્ટ જોન્સન વિખ્યાત મનોવિજ્ઞાની કાર્લ ગુસ્તાવ જંગના શિષ્ય હતા. જંગ કહેતા કે લાગણીઓની અભિવ્યક્તિ ક્ષુલ્લક બાબતોમાં વધુ દૃષ્ટિગોચર થવી જોઈએ. માનવી પ્રેમમાં પડે તો બન્ને જણ નાનાં નાનાં કામો પણ સાથે સાથે કરે છે. પશ્ચિમમાં તેને "સ્ટરિંગ ધ ઓટમીલ" કહે છે. ચૂલા ઉપર જવની રાબ ચઢાવી હોય તો તેને સાથે સાથે પ્રેમીઓએ હલાવવી જોઈએ. જો એક પ્રેમી તેમાં દગડાઈ કરે તો રાબ દાઝી જાય, દુણાઈ જાય. આમ રોબર્ટ જોન્સન પ્રેમને આકાશ ઉપરથી પૃથ્વી પર લાવવા માગે છે. બન્ને પ્રેમીઓ એકબીજા સાથે સખત શબ્દોમાં સંવાદ બોલવા લાગે પછી રાત્રે ગમે તેટલું વીગરસ અને સંતુષ્ટ કક્ષાનું સેક્સ કરે તો તેમાં પ્રેમ પોષાતો નથી. તે માત્ર વાસનાને પોષવા માટેનો છે.
રોબર્ટ જોન્સન કહે છે, "When a Couple are genuinely related ko each other, they are willing to enter in to the whole spectrum of life together” અર્થાત્ જ્યારે એક પ્રેમી યુગલ સાચી રીતે એકબીજા સાથે લગ્નથી જોડાયેલાં હોય ત્યારે બન્ને જણ સમગ્ર જગતના વિશાળ ફલકમાં સાથે સાથે કામ કરે છે. આવું હોય તો સાવશુષ્ક કામ હોય તો પણ બન્ને જણ સાથે સાથે રસપૂર્વક જીવી શકે છે. તેની તદ્દન વિરુદ્ધમાં માત્ર રોમેન્ટિક પ્રેમ હોય તો જ્યાં સુધી યુગલ પરસ્પર પ્રેમની ગરમીમાં ("High”) હોય ત્યારે કે પૈસાનાં તનમનિયાં હોય ત્યારે, સાથે સાથે મનોરંજન કરતાં હોય ત્યારે માત્ર ઉત્તેજનામાં રહે છે, પરંતુ જીવનની અને ઘરની ફરજોમાં પણ રોમેન્ટિક પ્રેમ લંબાઈને સહભાગી બને ત્યારે જ એ પ્રેમ અર્થપૂર્ણ બને છે, નહિતર તે નિષ્ફળ ફેન્ટસી કહે છે. જો આવી રીતે નાની નાની વાતોમાં યુગલ સાથે સાથે જીવતાં હોય તો એવા પ્રેમમાં સામી વ્યક્તિના ખરાબ મૂડને કે તેની ગેરવાજબી વર્તણૂકને સહન કરી શકાય છે. પણ બન્ને જણ છૂટું છૂટું પોતાનું જીવન જીવતાં હોય તો ત્યાં પ્રેમ પોષાતો નથી. રોબર્ટ જોન્સન કહે છે, ખરી વાત એ છે કે લગ્નમાં પણ ફ્રેન્ડશિપ હોવી જોઈએ અને રોમેન્ટિક લવમાં ફ્રેન્ડશિપ હોતી નથી. આ બાબતમાં રોબર્ટ જોન્સન હિન્દુ ધર્મની સપ્તપદીને ટાંકીન કહે છે : "… એટલે જ હિન્દુ લગ્નમાં પરસ્પર એકબીજાને કહે છે, યુ વિલ બી માય બેસ્ટ ફ્રેન્ડ.” જો પતિ પત્ની એકબીજાનાં ખરેખર મિત્ર હોય તો પોતપોતાની રીતે લગ્ન બહાર રોમાન્સ કરતાં હોય તોપણ એ મૈત્રી તૂટતી નથી. પરંતુ ઠાલા રોમાન્સને કારણે જ લગ્ન કર્યા હોય અને તેમાં મૈત્રી ન હોય તો રોમાન્સવાળો સંબંધ પણ ક્ષણજીવી નીવડે છે. આવું બૉલિવુડ અને હૉલિવુડમાં બને છે. તે સંબંધોમાં માત્ર રોમાન્સ હોય છે, સાચી મૈત્રી હોતી નથી. રોમેન્ટિક લવ પછી પણ બન્ને પાત્રો પોતપોતાનાં મિત્રોમાં આડા સંબંધોમાં પડી જાય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર