'પ્રેમ કો પંથ કરાલ યહાં તલવાર કી ધાર પે ઘાવનો હૈ' - પ્રેમ બચ્ચાના ખેલ નથી
સોળમી-સત્તરમી સદી વચ્ચે જન્મેલા કવિ ગંગે તેમની કવિતામાં અનેક વખત પ્રેમ અગર પ્રીતિનો ઉલ્લેખ કર્યો છે. તેની મેં યાદી બનાવી છે. તેમની કવિતામાં કુલ કથનમાં 10 ટકા કવિતામાં પ્રેમની વાત આવે છે.
પ્રીતમ કે પ્રિયતમ સાથે પ્રીતિ લગાવે તો સંસારમાં એ પ્રીત જીવનદાયિની બને છે. પ્રેમ થકી પરસ્પરનું આયુષ્ય વધે છે.
પતિ પરદેશ વસે તો લાંબા વખતે પ્રીત ઘટે છે.
પ્રીતિનું રહસ્ય અતીત લોકો જ જાણે છે એટલે કે ત્યાગી લોકો જાણે છે અને સ્વાર્થમાં રચ્યોપચ્યો રહેનારો સંસાર જાણતો નથી.
‘તારા કિ જ્યોતિમેં ચંદ છિપૈ નહીં પ્રીતિ છિપૈ નહિ પીઠ દીખાએ.’
કવિ ગંગ કહેવા માગે છે કે તારાઓ ગમે તેટલી અબજોની સંખ્યામાં ટમટમ કરે પણ તેમના પ્રકાશમાં ચંદ્ર છૂપો રહેતો નથી તે રીતે તમારા પ્રત્યે જેને પ્રેમ હોય છે તે કોઈ વખત ગુસ્સો કરીને ભયંકર મારામારી કરીને પીઠ ફેરવે તો પણ તેનો પ્રેમભાવ છૂપો રહેતો નથી. પીઠ ફેરવી લેવાથી સાચા પ્રેમીઓ કે બે ભાઈઓ વચ્ચે પ્રેમ છૂપો રહેતો નથી કે નષ્ટ થતો નથી.
‘પ્રીતિ કિયે દુઃખ હોતા હૈ ભારી.’
પ્રેમ કરવાથી ઘણી વખત ભયંકર દુઃખ સહન કરવું પડે છે. નારીની પ્રીતિ પ્રેમકટારી જેવી છે. લોખંડના શસ્ત્રથી ઘા પડે તે દવાથી મટે પણ પ્રેમની કટારીનો સહેજ ઘસરકો પણ ચિરકાળ દુઃખ દે છે. કવિ ગંગ કહે છે કે નારીની પ્રીતિ અંગારાથી પણ વધુ દાહક હોય છે.
કવિ ગંગ કહે છે,
‘બુરો પ્રીતિ કો પંથ બુરો જંગલ કો બાસો.’
‘પ્રીતિ કરો નીત જાન સુજાનસે, ઔર હૈવાનસે પ્રીતિ કહાં.’
હંમેશાં બે હાથે તાળી પડે છે. પ્રેમમાં સામો પ્રતિસાદ આપે તેવા સહૃદયી સાથે પ્રેમ કરવો. એક હાથે તાળી પડતી નથી.
છેલ્લે પ્રેમમાં પડનારાને ચેતવવા માટે ફિલ્મ ‘બંદિની’ના ગીતની પંક્તિ છે :
‘મત ખેલ, મત ખેલ, જલ જાયેગી,
કહેતી હૈ આગ મેરે મનકી...’
આ ગીતમાં સ્વાતંત્ર્ય યુદ્ધમાં જંપલાવનારો અશોકકુમાર કાંટાળા માર્ગ ઉપર ચાલે છે. તેની સાથે પ્રેમ કરવો તે આગની સાથે ખેલવા જેવું છે એમ અશોકકુમાર નૂતનને ચેતવે છે.
ઉપરનાં કવિ ગંગનાં ઉચ્ચારણો તમને સખત ચેતવણી આપે છે કે પ્રેમમાં પડવું તે જેવીતેવી દૂબળા હૃદયની વ્યક્તિનું કામ નથી. વળી આજના 21મી સદીના પ્રચુર માત્રામાં મૂડીવાદથી રંગાયેલા સમાજમાં પ્રેમ કરવો તે ઓર ઉપાધિમાં પડવા જેવી વાત છે. અહીં સુધી આ લેખમાં તમે પ્રેમ સામે લાલબત્તી ધરનારા ટુચકા ધીરજથી વાંચ્યા હોય તો હવે જર્મનીના મનોવિજ્ઞાની એરિક ફોમએ જે વાત પ્રેમ અંગે 44 વર્ષ પહેલાં કહી છે તે તેમને કહેવા માગું છું. એરિક ફોમની વાત ઘણાને ઝટકો આપે તેવી છે. તેમણે ‘ધ આર્ટ ઑફ લવિંગ’ નામનું નાનકડું પુસ્તક લખીને પ્રેમ અંગેની સાવ આખરી અને આકરી વાત કહી દીધી છે, તેવું મને લાગે છે. તેનો સાર એ છે કે આ મૂડીવાદી સમાજમાં જ્યાં દરેક ચીજનું ચારેકોરથી મૂલ્યાંકન કરીને પછી જ તેનો સોદો થાય છે તેવા અર્થપ્રદાન મૂડીવાદી સમાજરચનામાં પ્રેમ એક અતિદુર્લભ કૉમોડિટી બની જવાની છે. પ્રેમ કરનારા વિરલા હશે. અહીં ‘સાચો પ્રેમ’ જેવો શબ્દ વાપરતો નથી. પ્રેમ એ પ્રેમ છે.
એરિક ફોમનો ટૂંકો પરિચય આપું તો તેઓ જર્મીનમાં જન્મીને હિટલરથી ત્રાસીને અમેરિકા આવીને સાઈકોએનેલિસિસ ભણ્યા પછી તેના ગુરુ ફ્રોઈડના વિચારોના જબરા વિરોધી બન્યા હતા. તમણે 45 વર્ષ પહેલાં ‘ધ સેઈન સોસાયટી’ નામનું પુસ્તક લક્યું તેમાં કહેલું કે આધુનિક માનવી માત્ર બીજાઓથી જ નહિ પણ પોતાની જાતતી જ દૂર થતો જાય છે. તે પોતાને પ્રેમ કરતો નથી તો બીજાને શું પ્રેમ કરી શકવાનો છે? હાલની કન્ઝ્યુમરરિએન્ટેડ સોસાયટી જ્યાં ઉપભોગ એ જ મંત્ર છે ત્યાં પ્રેમનું અસ્તિત્વ કઠિન બન્યું છે. આજનો સમાજ તો તમે પ્રેમ કરતા હો તો તમને પાગલ માનશે. તમારા વડીલોને મનોવિજ્ઞાનીઓ આવીને તમારા પ્રેમને ઠંડો પાડવા દવાઓ ખવરાવશે.
એરિક ફોમ માનતા હતા કે માનવીમાં જે ‘ન્યુરોટિક કોનફ્લીક્ટ’ અર્થાત્ અસાધારણ સંવેદન સંપન્ન વ્યક્તિના મનમાં જે સંઘર્ષ જામે છે કે સંવેદનશીલ માનવી મનસ્તાપી બને છે તે આજુબાજુના સ્થાપિત સમાજે જે જડ નિયમો બાંધ્યા હોય છે તેને કારણે તેના મનમાં સંઘર્ષ જામે છે, એટલે હંમેશાં પ્રેમીએ પ્રેમલગ્ન કર્યા હોય તો તેનો સાચો નિર્ણય હોય છતાં સમાજ અને પ્રેમીઓ પોતે પણ મરતાં સુધી માને છે કે પોતે પ્રેમમાં પડ્યા છે તે ઘણું ખોટું કર્યું છે. આ લેખમાં હું એરિક ફોમની ફિલસૂફી પ્રમાણે તમને જે જે પ્રેમમાં પડ્યા હોય કે પ્રેમમાં પડવા માંગતા હોય તેમને ખાતરી આપું છું કે તમે પ્રેમમાં પડો છો તેમાં કશું જ ખોટું નથી. તમારો એ પ્રેમમાર્ગ જીવનપર્યંત કાંટાળો રહેવાનો છે. તેમાં મળનારું સુખ માત્ર આકસ્મિક હશે. પણ પ્રેમમાં પડવું તે અદ્દભુત અનુભવ છે. તમે પ્રેમમાં પડ્યો હો તો વિરલા છો. કુમારમંગલમ્ બિરલા એસ. કુમારવાળાની પુત્રીને પરણ્યા તેવાં મારવાડી સ્ટાઈલનાં મૂડીવાદી લગ્નો છે. અનિલ અંબાણી અને ટીના મુનીમ પ્રેમલગ્ન કરે તે એક જબ્બર અનોખી વાત છે. આ બેમાં તમે અનિલ અંબાણીની ‘જ્ઞાતિ’ ના હો તો આ લેખ તમારે માટે છે.
એરિક ફોમ કહે છે કે ભલે પ્રેમનો પંથ કરાલ (કઠિન) હોય પણ માનવીના અસ્તિત્વ માટે જે જે સમસ્યાઓ ઊભી થાય છે તેનો એક જ ઈલાજ પ્રેમ છે. એ ઈલાજ ભૂલી જવાશે ત્યાં સુધી માનવી દુઃખી રહેશે. આજે માનવીની અંતરાલ જરૂરિયાત, ગહન જરૂરિયાત કે ગહરાઈવાળી જરૂરિયાત હોય તો તે પોતાની જાતથી અને સમાજથી અલગાવ અનુભવવા લાગ્યો છે તેના જલદીથી ઉપાય કરવાની છે. માનવી આજે તેની એકલતામાં કેદ છે. તેને સાચો પ્રેમ કરવો છે પણ આજુબાજુનાં વાતાવરણ તેને સતત ઠોકી ઠોકીને કહે છે કે તું સમાજની રીતરસમોમાં જલ્દી ગોઠવાઈ જા.
આજે શહેરનો માનવ નાઈન-ટુ-ફાઈવનો માણસ બની ગયો છે. તે કાં તો લેબર ફોર્સમાં છે કે બ્યુરોક્રેટિક ફોર્સમાં છે કે મેનેજર છે. તેની પાસે આપસૂઝથી કામ કરવાનો કોઈ મોકો નથી. તેનું પોતાનું કામ કરવાની કોઈ તક નથી, અવકાશ નથી. તે એક સ્થાપિત મૂલ્યનો જંતુ છે. તેને પ્રિસ્ક્રાઈબ્ડ સ્પીડથી અને નક્કી કરેલા સમયમાં ચાલવાનું છે. તેણે કંપનીન4 સેક્રેટરી તરીકે માપસર ચિયરફુલ રહેવાનું છે. તેણે સહન કરવાનું છે. અમુક વિશ્વસનીયત જાળવવાની છે. તે જેટલું આપે છે તેટલું સામેથી તેણે લેવું જ જોઈએ એમ તેના મગજ ઉપર હથોડા મારી મારીને તેને રાજકારણમાં, સમાજાં અને અંગત સંબંધોમાં કહેવાય છે. પત્ની પતિને ઠપકો આપીને કહે છે કે, ‘તારો મિત્ર તારા માટે કંઈ કરતો નથી, તું શું કામ આટલો ઘસાય છે?’ રમૂજ, સંગીત અને મનોરંજન બધું રૂટિન થયું છે. હસવાનું પણ માપસર પેલેટ્સમાં (ટીકડીમાં) મળી રહ્યું છે એટલે હાસ્યની તૈયાર ગોળી ખાવાની છે. શાહબુદ્દીન રાઠેડની જોક વારંવાર અને અપરંપાર વખત ટી.વી.ની 15 મિનિમાં સાંભળવાની છે. તમારા માટેના પુસ્તકની પસંદગી તમે નથી કરતા પણ પુસ્તકની પસંદગી વગર પૈસાની ઉદ્દઘાટનની ધામધૂમવાળી સમાલોચના દ્વારા કરવાની છે. તમને ટી.વી.વાળા દેખાડે તે ફિલ્મ જોવાની છે. તમારા પર્યટન પણ બીજા નક્કી કરે છે. તમે પર્યટન તમારે માટે કરતા નથી, ધકેલાતા ધકેલાતાં ટૂર કરો છો.
આ આખા રૂટિનમાં માણસ ભૂલી જાય છે કે તે ક ધબકતો જીવ છે. એક વ્યક્તિત્વવાળો માણસ છે. તેને મનગમતા પાત્ર સાથે એકાત્મ થઈ શકતો નથી. ખરેખર તેની સમસ્યાનો ઈલાજ છે કે તે બીજી વ્યક્તિ સાથેના ફ્યુઝનમાં ઓગળી જાય, બીજામાં ઓતપ્રોત થઈ જાય. તે કંઈક ગુમાવીને કશુંક મેળવે. સંબંધોમાં સોદો ન કરે. પ્રેમ ના છેતરાય. પ્રેમ એક એક્ટિવિટી છે. દિવ્ય પ્રવૃત્તિ છે. તેમાં તમે પેસિવ ન રહી શકો. પ્રેમમાં પડવાનું નહીં પણ પ્રેમમાં ઊભા રહીને ટકવાનું છે. ટૂંકમાં, પ્રેમમાં મુખ્યત્વે તમારે આપવાનું છે, લેવાનું નથી. પણ આજના માર્કેટિંગ યુગમાં લાવ લાવ છે. તમને એક્ષચેન્જમાં કંઈક મળે તો જ તમે આપો છો. કુમારમંગમલ્ બિરલા તેની પત્નીને કુટુંબનો મોભો આપે છે. એસ.કુમારની પુત્રી સૌંદર્ય, ગૃહિણીપદનું વચન અને જિંદગીભરની વફાદારીની ડુંગરા ખડકી ખડકીને ગેરંટી આપે છે. આજના મૂડીવાદી યુગમાં કશુંય લીધા વગર તમે આપી દો તો તે ચીટિંગ ગણાય છે. પરંતુ પ્રેમમાં તો છેતરાવાની મઝા છે. એ મઝાનું જોખમ જોખમ લેવા ન માગતા હો તો પ્રેમ એ તમારા માટેની ચીજ નથી.
પ્રેમમાં પડ્યા પછી મને કદી જ લાગ્યું નથી કે હું છેતરાયો છું. કદાચ તમે આવું માનતા હો તો એરિક ફોમનું પુસ્તક ‘ધ આર્ટ ઑફ લવિંગ’ વાંચી જજો. માત્ર 109 પાનાનું પુસ્તક છે અને બહુ સસ્તું છે. આ પુસ્તકમાં ત્રીજું પ્રકરણ બહુ જ મહત્ત્વનું છે. આજે મૂડીવાદી સમાજમાં પ્રેમની જ હાંસી થાય છે. તેના મૂળમાં એરિક ફોમ જાય છે. કોઈપણ મેચ્યો-પરિપક્વ માણસ પ્રેમનું ઉચ્ચારણ કરવાનું જોખમ કરે છે ત્યારે એણે આજુબાજુના સમાજ અને કલ્ચરનો સામનો કરવો પડે છે. આજે બ્રધરલી લવ, મધરલી લવ અને ઈરોટિક લવ (રોમેન્ટિક પ્રેમ)એ બહુ મોંઘી ચીજ બની ગઈ છે. તેની જગ્યા બનાવટી પ્રેમે લઈ લીધી છે.
ફરીથી માનવીની ઉપર મૂડીવાદની કેટલી જકડ છે તે એરિક ફોમે લખ્યું છે, ‘આજનો માનવી પોતે જ એક માર્કેટ ફોર્સની કૉમોડિટી (ચીજ) બની ગયો છે. માનવીનો આખો જીવનનો ફોર્સ જાણે એક લોખંડી યોજનાનું ઈન્વેસ્ટમેન્ટ જેવો બની ગયો છે. તે ઈન્વેસ્ટમેન્ટમાંથી મેક્સિમમ નફો મળવો જોઈએ, એટલે કે માનવના જે જે સંબંધો બંધાય છે તેમાં પરસ્પર તમને પોતાને, તમારી કંપનીને કે તમારાં માતા-પિતાને મહત્તમ લાભ મળવો જોઈએ. તમે લગ્ન કરો ત્યારે મા-બાપને મોભો મળવો જોઈએ. અમુક સમાજમાં વાંકડો મળવો જોઈએ. આમ તમારે બીજા બધા જેવું જ થવાનું હોય છે. તમે અનોખું કરી શકતા નથી. પણ તમે આ ચોકઠામાં ફિટ થઈને બીજા બધા જેવા થાઓ છો તેને કારણે જ તમે એકલા છો. એ માણસ જ એકલો છે જે પ્રેમની અનુભૂતિ કરી શકતો નથી. આપણે બધા આ મૂડીવાદી સમાજના ઑટોમેટિક મશીનના પૂર્જા બની ગયા છીએ. જેન અંગ્રેજીમાં ઑટોમેટોન્સ કહે છે અને તમે કબૂલ કરશો કે ઑટોમેટોન્સ કાંઈ પ્રેમ કરી ન શકે. યંત્રના પૂર્જા એકબીજાને પ્રેમ કરી શકે જ નહિ.’
તમે સમાન સ્થિતિના, સમાન બુદ્ધિના અને સમાન સ્ટેટસના હેપ્પી મેરેજની ફોર્મ્યુલા વાંચીને લગ્ન કરી શકો છો પણ પ્રેમમાં પડવા માટેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. એ ફોર્મ્યુલા વગરનો પંથ છે. તે પંથમાં કે ખાઈમાં ખાબકવાથી જ તમને આગળના રસ્તા મળે છે પણ એ અંધારા રસ્તામાં તમારી આંગળીએ કોઈ પ્રેમીપાત્ર હોય છે. પરંતુ તમે જે ચોટડુક જ્યોમેટ્રીવાળું લગ્ન કરો છો તે જાણે કોઈ કંપનીના સ્મુથલી ચલાવવા માટે પૂરેપૂરો ક્વૉલિફાઈડ કારકુન રિક્રુટ કરાય છે તેવાં રિક્રુટેડ પતિ-પત્ની હો છો.
આવાં ગોઠવેલાં લગ્નમાં ઘોંચ પડે ત્યારે મેરેજ કાઉન્સેલર સુફિયાણી સલાહ આપે છે. ‘પતિ તરીકે તમારી પત્નીને સમજવા કોશિશ કરવી જોઈએ. હેલ્પફુલ થવું જોઈએ. તમારી પત્ની સારો ડ્રેસ પહેરે તો તેને કૉમ્પ્લીમેન્ટ આપવા જોઈએ. એવી રીતે પત્નીને સલાહ અપાય છે કે પતિ થાક્યાપાક્યા ઘરે આવે ત્યારે તેને ધ્યાનમાં સાંભળવા જોઈએ, વગેરે વગેરે ડાહી વાતો કહેવાય છે. બર્થ-ડેને દિવસે અચૂક હેપ્પી બર્થ-ડે’ કહેવાનું હોય છે. નખરા લાખ્ખો હોય, પ્રેમ છાંટો ન હોય. તમારાથી સંતુષ્ટીવાળું સેક્સ ન થતું હોય તો લગ્ન ભયમાં આવી પડે છે. ઘણા ઉપચારકો કહે છે કે જો બન્ને પાત્રો એકબીજાને પૂર્ણ રીતે સેક્સુઅલી સંતુષ્ટ કરી શકે તો જ પ્રેમ જળવાય છે! કેટલી વાહિયાત વાત છે. પ્રેમ એ તો સતત પડકાર માટેની ચીજ છે. નિત્ય નૂતન થવાની વાત છે. એ કોઈ નિરાંતની વાત નથી. પત્ની ઘરે બેઠી ચરબી વધાર્યે જઈને તમે ગમે ત્યારે પાછા ફરો છો ત્યારે ગેરંટેડ તમારી સેવા કરે તે પ્રેમ નથી. પ્રેમ બહુ જ અસલામતીવાળી ચીજ છે. એ અસલામતીનો આનંદ એટલો જ દિવ્ય હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર