લવ ઈઝ ધ ડ્રગ : પ્રેમ એટલે ગર્દ?
સર ઝુકાઓગે તો પત્થર દેવતા હો જાએગા,
ઈતના મત ચાહો ઉસે તો બેવફા હો જાએગા,
હમ ભી દરિયા હૈ, હમે અપના હુનર માલૂમ હૈ,
જિસ તરફ ભી ચલ પડેંગે, રાસ્તા હો જાએગા,
કિતની સચ્ચાઈ સે, મુઝસે ઝિંદગીને કહ દિયા,
તૂ નહીં મેરા તો કોઈ દૂસરા હો જાયેગા,
ઝહર ભી ઇસમેં અગર હોગા, દવા હો જાયેગા.
- બશીર બદ્ર
“ઉજાલે અપની યાદોં કે”, સંપાદક : વિજય વાતે
6ઠ્ઠી મે, 2001ના રોજ “ન્યૂ યોર્ક ટાઈમ્સ”ની વેબસાઈટ પર ટૉમ સ્ટોપાર્ડ નામના નાટ્યલેખક અને કલાકાર વાચકો સાથે પ્રેમ વિશે વાર્તાલાપ કરતા હતા. એક જાણકાર યુવાને નાટ્યકારને પૂછ્યું, “એક નાટકમાં મેં સંવાદ સાંભળેલો કે Love is either Virgilian and conquers all or Ovidian and is something we conquers. Would you say you are Virgil the romantic or Ovid the classicist.”
આ બન્ને મહાન રોમન કવિ હતા. વર્જિલ અએ ઑવિડ બંને પ્રેમીઓ હતા. પાંચમી સદી સુધી વર્જિલની કવિતાઓ યુરોપનાં પાઠ્યપુસ્તકોમાં છપાતી. તેમનાં કાવ્યોમાં આદર્શ રોમ નગરનાં સપનાઓમાં એટલા રમમાણ રહેતા કે તેમનો રોમાન્સ તેમના રસના વિષયની આજુબાજુ ચાલતો. તેઓ કદી જ પરણ્યા નહિ. તેમના સપના મુજબની રોજ નગરી રચવા તેમણે શહેનશાહ ઑગસ્ટને કેટલાક પ્રેમનાં સિદ્ધાંત આપ્યા : પ્રજાને પ્રેમ કરો પણ પ્રજા પર પૂર્ણ આધિપત્ય રાખો. તમામને જીતી લો. પણ પછી વેર ન વાળો. બહુ જ ગર્વિષ્ઠ હોય તેને પાડી દો. જગતને જીતી લો. તમે ઈશ્વરના ચાહક છો એટલે તમે આ પૃથ્વીના માસ્ટર પણ છો.
આવો રોમેન્ટિક કવિ ખરેખર ખતરનાક હોવો જોઈએ. વર્જિલના મરણ પછી કવિ ઑવિડે રોમના કાવ્યજગતનો અને કાવ્યના ચાહકોનો કબજો લીધો. તેઓ રોમેન્ટિક કવિ નહિ પણ ક્લાસિસિસ્ટ કવિ અને પ્રેમી હતા. વર્જિલ પરણ્યો નહિ પણ રોમેન્ટિક રહ્યા. ઑવિડે બબ્બે પ્રેમલગ્ન કર્યા. ફોક થયાં. ત્રીજા લગ્નમાં અંતે તેમને પૂર્ણ જીવનસંગિની બને તેવી પત્ની મળી. કવિ ઑવિડ ક્લાસિસિસ્ટ પ્રેમી એટલે કે પાંડિત્યવાદી પ્રેમી હતા. શૃંગારરસથી ભરપૂર હતા.
નાટકકાર સ્ટોપાર્ડ “ન્યૂ યોર્ક ટાઈમ્સ”ના વાચકના પ્રશ્નમાં સપડાઈ ગયા. તેમણે જવાબ આપ્યો, “હું તો રોમેન્ટિક માણસ છું પણ આવી છાપ મારીને તમે વ્યક્તિને ઓળખી ન શકો. બહારથી હું બહુ પ્રેમાળ દેખાતો હોઉં પણ અંદરખાને સખતમાં સખત પણ હોઈ શકું.” તરત બીજા વાચકે પૂછ્યું, “તો શું પ્રેમ વળી બે પ્રકારના હોઈ શકે? પ્રેમના કેટલા પ્રકાર છે?” નાટ્કકાર પણ જવાબ આપવામાં ગોથું ખાઈ ગયા. પછી કહે, “આ પ્રશ્નનો જવાબ આપી જ શકાય. તમે એવો પ્રશ્ન કર્યો છે કે માત્ર સ્માર્ટ જવાબ આપીને તેનો સાચો જવાબ ટાળી શકાય.”
કવિ ઑવિડે એમોર્સ (Amores) નામનું પુસ્તક લખ્યું. એમોર્સ એટલે પ્રેમ. ફ્રેન્ચ ભાષામાં એમોર્સ એટલે મૃતક, મૃત્યુને પાત્ર વગેરે. પ્રેમ કરવો એટલે ફ્રેન્ચની ભાષાની દ્રષ્ટિએ મોતને ભેટવું. નાટકકાર સ્ટોપાર્ડના વાર્તાલાપ પહેલાં “ગાર્ડિયન”માં નિક કેવ નામના અંગ્રેજ કવિ અને નવલકથાકારનાં પ્રેમકાવ્યોની ચર્ચા (તા. 21-4-2001) થઈ હતી. તેનું મથાળું હતું : Love is the Drug. અર્થાત્ પ્રેમ એક ગર્દ છે. પ્રેમનું વ્યસન થઈ જાય છે. આપણા એક જૂના કવિએ ગાયેલું :
“પ્રીતિ નશો આકરો રે મત પી તું ગમાર
સામું પીવાવાળું નહિ મળે તો ખાઈશ મૂંગો માર.”
આવા નશીલા પ્રેમીનું કાવ્ય નિક કેવે લખ્યું છે :
For you dear I was born
For you I was raised up
For you I have lived and for you I will die
For You I am dying now.
You were my mad little Love.
In a world were everybody… (uses)
… everydody else over
Youwho are so
Far from me
Way across some cold neurotic sea.
Far from me.
માફ કરજો, આનો અનુવાદ નહીં કરી શકું. એક પાગલ પ્રેમી તેની પાગલ પ્રેમિકા સાથે અંતરીક્ષ દ્વારા પ્રેમાલાપ કરે છે. ઈટાલિયન અર્થમાં પ્રેમી છે અને ફ્રેન્ચ અર્થમાં પ્રેમનો શહીદ છે. હવે મારે આ પ્રેમના જોખમી વિષયમાં શું કહેવાનું છે? હજી એક છેલ્લો દાખલો આપીને તમે કેવા પ્રેમી છો અને પ્રેમ જેવું કંઈ છે કે નહિ તે તમે જ નક્કી કરજો.
“ન્યૂ સાસન્સ્ટિસ્ટ”ના તા. 14-5-2001ના અંકમાં પ્રેમની ચર્ચા થઈ છે. માનવીના સંબંધોમાં પ્રેમસંબંધ થાય છે ત્યારે પુરૂષ સ્ત્રી સાથે સેક્સ માટે લાંબો સમય રહે છે અને સ્ત્રી મસામતી માટે. લાંબા ગાળાના સંબંધોના સરેરાશ આવા હેતુ બન્નેના હોય છે. હૉલેન્ડ અને સ્વીડનના બે વિજ્ઞીઓએ આ તારણ કાઢ્યું છે. બન્ને કબૂલકરે છે કે એકપત્નીત્વ કે એકપતિત્વ (પતિવ્રતા)ની જે ભાવના છે તેમાં છેતરપિંડી એ બન્ને માટેના ડ્રાઈવિંગ ફોર્સ છે. એકબીજાને વફાદાર રહેવા કરતાં બેવફા રહીને જીવનનું ગ્રાહસ્થ્ય ટકાવી રાખવું એ જ બન્નેના છૂપા કે પ્રગટ સમાન ઉદ્દેશ છે. સ્ત્રી બીજા સંબંધો બાંધે છે, પણ મૂળ પતિ સાથેની સલામતી જોખમાવા દેવા માગતી નથી. પુરૂષ વેરાઈટી માટે બેવફા થાય છે, પરંતુ પત્ની સાથેના રેગ્યુલર અને વ્યવસ્થિત સેક્સમાં જ તેને સામાન્યતઃ વધુ નૈતિક સંતોષ મળે છે.
ઓહ, મને પ્રતીત થયું છે કે પ્રેમ ખરેખર ગર્દ છે, નશો છે. એ બધા માટેની વાત નથી. ઈટ ઈઝ નૉટ એવરીબડીઝ કપ ઑફ ટી. હિન્દીમાં એક કહેવત છે, “યહ મુંહ ઔર મસૂર કી દાલ?” કાઠિયાવાડમાં કહે છે કે, “છોકરાંવથી છાશ્યું પિવાય નહિ.” બાળકો ખાટી છાશ પી શકે નહિ. માત્ર પ્રેમ નહિ, મદિરા, ધૂમ્રપાન એ બધા માટેની ચીજ નથી. જગતના સ્ટેટિસ્ટિશિયનોએ એક કાલ્પનિક ટકાવારી કાઢેલી. જગત પર દસ ટકા બુદ્ધિમંતો, કલાકારો અને રાજકારણીઓ પ્રભુત્વ જમાવે છે. આ દસ ટકાનો આંકડો, પ્રેમ મદિરા અને ધૂમ્રપાનને પણ લાગુ પડે છે. મને પીતાં (બન્ને) આવડતું નથી, પણ કેટલાક પત્રકારમિત્રો ટેસથી ધૂમ્રપાન કરે કે મદિરાની જયાફત ઉડાવે તેની ઈર્ષ્યા આવે છે. મદિરા પીતાં ન આવડવું એ ઊણપ લાગે છે. ઘણા એ બાબતમાં ઢ હોય છે, પણ પછી તેઓ માત્ર ઢીંચે છે અને ફૂંકે છે, માણતા નથી. પ્રેમનું પણ એવું જ છે. મહાન ચીની ફિલસૂફ જેને રજનીશ ટાંકતા તે લાઓ ત્સેએ મદિરા પર આખું પ્રકરણ લખ્યું છે. તેઓ પણ કહે છે કે મદિરા પીવી તે કળા છે. હિટલર, મુસોલિની અને સ્ટેલિન એ ત્રણેય નિર્વ્યસની હતા. તેથી જ ક્રૂર હતા. મોરારજી દેસાઈ પણ એવા ક્રૂર હતા. મદિરા પીવી એ કળા છે. પ્રેમ એક કળા છે. તેમાં દુઃખી થવાનું પણ વડવું જોઈએ. બાકી, તો નેવું ટકાની માફક સંબંધોની છૂપી છેતરપિંડીનો મોટો મારગ ખુલ્લો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર