પ્રેમલગ્ન

14 Sep, 2017
12:01 AM

કાન્તિ ભટ્ટ

PC: bestastrology.in

મુંબઈની લોકલ ટ્રેનમાં એક સુંદર યુવતી અને તેને ચાહતો હોય તેવો યુવક અડોઅડ બેસીને તન્મય બનીને વાત કરતાં હતાં. આસપાસની સૃષ્ટિ તેમને દેખાતી ન હતી પણ એ સૃષ્ટિ તેમને નીરખી રહી હતી. હું પણ કાન સરવા રાખીને તેમનો પ્રેમાલાપ સાંભળતો હતો. યુવકે તેની પ્રેયસીને સલાહ આપી કે આપણે હમણાં લગ્ન કરી શકીએ તેમ નથી. મારે બી.એ.ની પરીક્ષા આપવાની છે અને મને ડર છે કે હું પરીક્ષા આપી રહું ત્યાં સુધીમાં તારા પિતા તને બીજી જગ્યાએ પરણાવી દેશે, એટલે મારી સલાહ છે કે તું દીક્ષા લઈને સાધ્વી બની જા. એ પછી હું બી.એ. પાસ થઈ જઈશ એટલે તું સાધ્વીનો સ્વાંગ છોડી દેજે.

સાવ સાચી બનેલી આ વાત છે. મુંબઈમાં હાલતાં ચાલતાં માણસને શરદી થઈ જાય છે તેમ કૉલેજનાં યુવક-યુવતી વચ્ચે પ્રેમ થઈ જાય છે. માત્ર કૉલેજના યુવકો જ પ્રેમ કરે છે એમ નથી. મુંબઈનું ગીચ જીવન એકબીજાની ખીડકીમાં, બારીમાં અને હૃદયમાં ડોકિયું કરવાની જલદીથી સગવડ કરી આપે છે. સિનેમા, ઉત્તેજક નવલકથા અને આસપાસનું ભપકાદાર જીવન એક એવો બફારો પેદા કરે છે કે હજી તો યુવક સોળ-સત્તર વર્ષનો થાય છે અને યુવતી પંદર-સોળ વર્ષની થાય ત્યાં તો વાતાવરણના ધખારાથી તેનામાં પ્રેમના અંકુરો ફૂટવા લાગે છે. અગર કહો કે પ્રેમની જીવાત પેદા થવા માંડે છે.

ફ્રોઈડ જેવા જાતીયજ્ઞાનના નિષ્ણાતો અને કેટલાક ફ્રેન્ચ સેક્સોલૉજિસ્ટોએ તો ખરેખર પ્રેમને એક કામવાસના જંતુમાંથી પેદા થતા રોગ તરીકે ઓળખાવ્યો છે. They Claim that love in nothing more than a temporary infection of the body caused by the secretions of the sexual glands – એટલે કે જાતીય ગ્રંથિમાંથી જે રસ ઝરે છે તેને કારણે પ્રેમના રોગના કિટાણુઓ નિર્માણ થાય છે.

પરંતુ જાતીયવાદના નિષ્ણાતો મોટે ભાગે આપણા કાપડના કે અનાજના વેપારમાં રચ્યાપચ્યા રહેતા મહાજનો જેવા શુષ્ક હૃદયના હોય છે. તે લોકો પ્રેમને વાહિયાત સમજે કે માત્ર કામવાસનાના પ્રતીકરૂપે સમજે તેને આપણે સ્વીકારી લેવા ન જોઈએ.

ગ્રીક ફિલોસોફર પ્લેટોએ એક અત્યંત મનોરમ્ય કલ્પના કરી છે. તેણે કહ્યું કે, ઈશ્વરે સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષના સંયુક્ત રૂપવાળા પૂતળાનું સર્જન કર્યું. પછી એ સંયુક્ત પૂતળાથી ભગવાનને સંતોષ નહિ થયો હોય કે તે પૂતળાએ કોઈ ગુનો કર્યો હશે, એટલે ભગવાને તે સંયુક્ત રૂપનું બે ભાગમાં વિભાજન કરી નાંખ્યું અને બે ભાગોને વેરવિખેર કરી નાંખ્યા. તે દિવસથી દરેક અડધો ભાગ પોતાના બીજા અડધા ભાગને શોધે છે, કારણકે એ બે ભાગો જ્યાં સુધી જુદા રહે છે ત્યાં સુધી એમને જીવનની પરિતૃપ્તિ થતી નથી. જ્યારે બંને એકબીજાને શોધી લે છે ત્યારે બંને વચ્ચે આકર્ષણ અગર પ્રેમ ઊભો થાય છે, બંને ભાગો જ્યારે જોડાય છે ત્યારે એક સંપૂર્ણ એકમ બને છે. જો એક ભાગને ઓળખવામાં અગર પસંદગીમાં કંઈ ભૂલ થઈ હોય તો બંને દુઃખી થાય છે અને જો પસંદગી બરાબર હોય તો સુખી થાય છે.

આ પસંદગીની પંચાતમાં જ્યારે આજનો યુવક પડે છે ત્યારે જ બધી આપદા ઊભી થાય છે. જે યુવક માતા-પિતાએ રાંધીને તૈયાર રાખેલું સગપણ આરોગી લે છે તેને માટે કોઈ પ્રશ્ન જ નથી પણ જ્યારે યુવક કે યુવતી પોતાની પસંદગી કરે અને તેમાં માતાપિતાની સંમતિ ન હોય ત્યારે પ્રેમનો તાવ ઊલટાનો વધુ ચડે છે. માતાપિતાને યુવકની વાતો ગળે ઊતરતી નથી. મોટે ભાગે ખાનદાન કુટુંબની કે એવાં બીજાં ધોરણોની વાત યુવક સમક્ષ રખાય છે. મેં મારા જીવનસંગાથી માટે મારી પોતાની પસંદગીની યુવતીના કેટલાક સ્પેશિફિકેશન્સ મારા વડીલ સામે મૂકેલા ત્યારે મારા વડીલે ટોણો મારેલો કે અમારા વખતમાં પસંદ કરવા જેવું કંઈ હતું જ નહિ. પહેલાં તો કન્યાનો જ ટેભો બંધાતો નહિ. કન્યાની અછત હતી અને જો... આ તારી કાકીને હું જોયા વગર પરણ્યો હતો. પણ મજાના અત્યારે સાત દીકરા અને એક દીકરીની લીલી વાડી છે. આમ મારા વડીલે પેદાશની સંખ્યા ઉપરથી જ લગ્નજીવનની સફળતાનું માપ કાઢ્યું હતું.

પરંતુ અત્યારે જીવનસંગાથીને પસંદ કરવાના માપદંડ જુદા થઈ ગયા છે. યુવકને રૂપાળી, ફેશનેબલ, ભણેલી અને ખાસ કરીને પૈસાપાત્ર પિતાની પુત્રી જલદી ગમી જાય છે. પ્રેમ કરવા માટે જો કે કૉલેજની કે પાડોશની સામનેવાળી ખીડકીમાં રહેતી કોઈ પણ યુવતી ચાલે પરંતુ પરણવાની વાત આવે ત્યારે ગણતરી મૂકવામાં આવે છે. પ્રેમમાં પડેલાં યુવક-યુવતીની જોકે ગણતરી કરતાં નથી કારણ કે તે લોકોએ વાંચ્યું હોય છે કે પ્રેમમાં ગણતરી કરવી એ વધુ ખતરનાક છે. કવિ રૂમિએ પણ કહ્યું છે કે, પ્રેમ કે માર્ગ મેં ચાલાકી બહુત બૂરી ચીજ હૈ. પ્રેમમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી નાંખવું પડે છે. પ્રેમનું બીજું નામ સ્વાર્પણ પણ આપી શકાય. આ પ્રકારનો સ્વ નો લોપ કરવો આધુનિક યુવતીને ગમતો નથી, એટલે તેમણે જેને પ્રેમનું નામ આપ્યું હોય છે તે તો માત્ર આકર્ષણ જ હોય છે. આધુનિક વાતાવરણમાં ઊછરેલાં યુવક-યુવતી યૌવનમાં પ્રવેશે એટલે તુરત જ સિનેમાના હીરોની માફક તેને પણ રસ્તામાં કે બસમાં કે ટ્રેનમાં સામી મળેલી યુવતી સામે એક-બે વખત નજર મેળવીને પ્રેમ કરવાનો અભરખો ઊભો થાય છે, આકર્ષણને પ્રેમના વાઘા પહેરાવવામાં આવે છે અને એ પ્રેમમાં જો કોઈ અવરોધ નાંખે તો એ પ્રેમની આગ વધુ ભડકે છે. પરંતુ માત્ર આકર્ષણ એ પ્રેમ નથી. પ્રેમમાં તો ઘણો ત્યાગ કરવાનો હોય છે. બલિદાન આપવાનું હોય છે. આચાર્ય કૃપલાણીએ એક વખત વિદ્યાર્થીઓને સંબોધતાં કહેલું કે, પ્રેમમાં માત્ર સુખની આશા રાખનાર વ્યક્તિ સફળ થતી નથી. પ્રેમ તો મહાન બલિદાન માંગે છે. ભૂતકાળના પ્રેમના કિસ્સાઓ જુઓ તો તમામ કરુણતાથી જ ભરેલા હશે. પ્રેમીઓએ મિલન કરતાં વિરહનો સ્વાદ વધુ ચાખ્યો હોય છે. આચાર્ય કૃપલાણી જેવા શુદ્ધ રાજકારણી પુરુષ પ્રેમની મીમાંસા કરે ત્યારે આપણને જરૂર નવાઈ લાગે. આવા બીજા સમાજસુધારકોએ પણ આવી જ વાત કરી છે. કવિ પદ્માકરે કહ્યું છે કે પ્રીતિ-પયોનિધિ મેં ધંસિ કે, હંસિ કે કઢિબો હંસી-કેલ નહીં ફીર એટલે કે પ્રેમના સાગરમાં આપણે ધસી જઈએ પછી તે પ્રેમના સાગરમાં ચેનથી રહેવું તે કાંઈ ખેલ નથી. બીજા એક પ્રાચીન કવિ લોધાએ પણ કહ્યું છે કે યહ પ્રેમ કો પંથ કરાલ મહા, તલવાર કી ધાર પૈ ધાવનો હૈ. પ્રેમમાં હંમેશાં ફૂલની પથારીઓ હોતી નથી. શરૂ શરૂનો પ્રેમ હોય ત્યારે પ્રેમી આસમાનમાંથી તારા તોડી લાવવાની વાતો કરે છે પણ એ પછી જો પ્રેમ લગ્નની જંજાળમાંથી તારા તોડી લાવવાની વાતો કરે છે પણ એ પછી જો પ્રેમ લગ્નની જંજાળમાં પડે તો શાકમાર્કેટમાંથી શાક લાવવાની પણ ત્રેવડ ન હોય તો પ્રેમલગ્નનો ખટારો આગળ ચાલતો નથી.

મેં એવાં ઘણાં ઉતાવળે કરેલાં પ્રેમલગ્નો જોયાં છે જે પ્રેમના પંથ ઉપર એક-બે વર્ષ ચાલે છે ત્યાં હાંફી જાય છે. એકબીજાના મુખડા જોયા વગર જયાં ભોજન ભાવતાં ન હોય કે નીંદર આવતી ન હોય તેની જગ્યાએ પ્રેમલગ્ન પછી એકબીજાનાં મોં જુએ ત્યાં જ નફરત પેદા થવા લાગે છે.

આવું એટલા માટે બને છે કે એકબીજાને થયેલા આકર્ષણે શારીરિક સંબંધની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે જ આ અધીરા લોકોએ લગ્ન કર્યા હોય છે. એકબીજાનો સંપૂર્ણ પરિચય થઈ જાય, એકબીજાની ત્રુટીઓ પણ જોવાઈ જાય, મહદ અંશે માતા અગર તો પિતાની સંમતિ મળી જાય અને એક-બે વરસના ગાળા સુધી પ્રેમને ચકાસી જોવાય તે પછી થયેલાં પ્રેમલગ્નમાં સફળતા જરૂર મળે. પ્રેમ કાંઈ સ્વાર્થી નથી. પ્રેમ સાર્વત્રિક હોવો જોઈએ. યુવતી પ્રત્યે પ્રેમ થાય તો પછી તે યુવતીનાં માતા-પિતા પ્રત્યેક યુવતીને પ્રેમ હોય અને તેનાં માતા-પિતાને કોડીલી યુવતી પ્રત્યે જે પ્રેમ હોય તેનું શું? સાવ અજાણ્યા યુવકે અચાનક એક દિવસ પ્રેમનો પ્રસ્તાવ કરી દીધો એટલે શું માતા-પિતાના પ્રેમનો છેદ ઉડાવી દેવાય? પરણ્યા પછી માતા-પિતાની અગર કહો કે યુવકને સાસુ-સસરાની ઘણી જરૂર પડે છે. વળી, અત્યારની આર્થિક વિષમતાની દશામાં તો જ્યારે યુવતીને પરણ્યા પછી નોકરી કરવી પડે ત્યારે તો માતા અગર સાસુની ખાસ જરૂર પડે છે. પરણ્યા પછી બાળકો તો થાય જ. તેને સાચવવા તો સાસુ નામનું પ્રાણી અત્યંત આવશ્યક બની જાય છે. ઘણી આધુનિક યુવતીઓ બાળ ઉછેર વિષે પણ કાંઈ જ્ઞાન પામી હોતી નથી. એક વખત મેં યુવાન માતાને ધ્રુસકે ધ્રુસકે રડતી જોઈ. તેનું રડવાનું કરાણ પૂછ્યું તો જણાયું કે તેનું બાળક કલાકથી રડે છે અને તેને છું રાખવા શું કરવું જોઈએ એની આ માતાને ગતામત નહોતી. જો ઘરમાં સાસુ કે બીજા વડીલ હોય તો તેના અનુભવને કારણે ચપટી વગાડીને બાળકને ઘટતું કરી શકે છે.

જે યુવાન હૈયાઓ આ લેખ વાંચશે તેમને લાગશે કે પ્રેમલગ્નનાં ભયસ્થાનો બતાવીને હું યુવનોને ડરાવી રહ્યો છું. પ્રેમલગ્નની વિરુદ્ધમાં હું હોઉં એવો પણ કદાચ તેમને ભાસ થાય, ઉલ્ટાનો હું પ્રેમલગ્નનો પુરસ્કર્તા છું, અત્યારે ગરીબ મા-બાપને મોટા ખર્ચમાંથી ઉગારવા માટેની કોઈ તરકીબ હોય તો તે પ્રેમલગ્ન છે. જે પિતાએ દીકરીને ઊંચું દહેજ આપવામાંથી છટકવું હોય તેમણે તો દીકરીને કોઈકના પ્રેમના લફરામાં નાંખવાનું છટકું ગોઠવવું જોઈએ. મુરતિયો પસંદ પડે તે પછી પુત્રીને ખબર ન પડે તે રીતે જાણે પુત્રીએ જ પ્રેમીને ખોળી કાઢ્યો હોય તેવી કારવાઈ કરવી જોઈએ. લગ્નમાં વીસ-પચીસ હજારનો ખર્ચ થાય, તેટલો ખર્ચ બચાવીને આજના ગ્રેજ્યુએટ બનીને પાંગળા બનેલા જમાઈને નિભાવવા માટે કે તેને ફ્લેટ લઈ આપવા માટે કામમાં લગાવી શકાય.

 

આમ છતાંય જ્યારે મા-બાપ આવું કંઈ ન કરે તો યુવક-યુવતીએ પ્રેમના સાગરમાં ઝંપલાવતાં ડરવા જેવું નથી. પ્રેમનો રોગ તો વિરલાઓને જ લાગુ પડે છે. પણ એ રોગ લાગુ પડે ત્યારે તે રોગનાં લક્ષણોથી પરિચિત થઈ જવું જોઈએ. આપણાં વડાંપ્રધાન પુત્રને ઈટાલિયન કન્યાં સાથે પ્રેમ થયેલો ત્યારે વરસ સુધી બંનેને જુદા રાખાવ માટે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ફરમાન કરેલું. બંને જુદા રહ્યાં પણ ખરાં અને પ્રેમ ટકી રહ્યો. પ્રેમનો વિરહ સહન ન કરનારો પ્રેમી રાત-દિવસ પ્રેમિકાને યાદ કરીને કવિતા લખતો થઈ જાય તો માનવું કે મહદ્દ અંશે તે પ્રેમનું ગાડું ગબડી શકસે નહીં. પ્રેમ માત્ર ઉછાંછળિયો નથી. પ્રેમમાં સંયમ, શિસ્ત, ધીરજ અને સહનશીલતા પણ જરૂરી છે. જો પ્રેમની સાથે આટલા ગુણો સંકલિત થયા હોય તો પ્રેમલગ્નની સફળતા માટે કોઈ ડર નથી. અંતમાં ઝવેરચંદ મેઘાણીએ આપેલી વાત યાદ રાખવી હે જુવાનિયા તારા દિલના ધબકારા સાતે તાલ લેનારી કોઈ કન્યા ન મળે તો બહેતર છે કે તું વાંઢો રહે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.