જૂનાં રજવાડાંની રાજકુંવરી, રાજકુમારો અને પ્રેમનાં લફરાં
નેપાળના પાટવીકુંવર દીપેન્દ્રદેવ શાહને દેવયાની સાથે પ્રેમ થયો અને એ પ્રેમ ઝનૂની બન્યો. જ્યોતિષી સમાજ અને રાજારાણીએ પ્રેમ આડે અવરોધ નાખ્યો અને આખી ટ્રેજેડી થઈ. એકસો વર્ષ પછી જોજો પ્રિન્સ દીપેન્દ્ર અને દેવયાનીના પ્રેમની ગાથા લખાશે. જીન જેક્સ રૂસો નામના લેખકે લખેલું કે અફસોસની વાત છે કે આપણો સમાજ આપણને સારી રીતે વર્તવા મજબૂર કરે છે જે વર્તણૂક અને સમાજના નિયમો આપણી કુદરતી લાગણીઓને કુંઠિત કરતી હોય. રૂસોએ લખેલું કે શું માનવીએ બાહ્ય રીતે સમાજને સારું સારું લાગે તેવી વર્તણૂક ન કરવી? શું સમાજના નિયમ પાળવા કે હૃદયના નિયમ પાળવા? રૂસોએ 1749માં જીનિવા ખાતે એક સભામાં આવું ભાષણ આપ્યું તે દિવસે જ ઘણા પ્રેમીઓ, માતા-પિતાએ જેના લગ્નનો વિરોધ કરેલો તેઓ ચૂપ બેઠેલા પણ તેમણે રૂસોનું ભાષણ સાંભળ્યું ને પછી એકબીજાને ભગાડીને જીનિવા છોડીને યુરોપનાં બીજાં શહેરોમાં જતાં રહ્યાં.
આજના સમાજને દંભ પોષાય છે. બ્રિટનના ગૃહસચિવ એટલે કે ગૃહપ્રધાન તેની પરણેલી પત્નીને ચાહતા નહોતા એટલે બીજી સ્ત્રી સાથે ઘર માંડ્યું છે. તે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા છૂટાછેડા માગવાની હિંમત કરતા નથી. રૂસોને સમાજની હિપોક્રસી ઉપર ખૂબ જ ગુસ્સો હતો. આજે 250 વર્ષ પછી પણ સમાજે હિપોક્રસી છોડી નથી. લાકડે માકડું વળગાડી દેવાય છે. અનિલ અંબાણીએ મક્કમતા ન રાખી હોત તો તે ટીના મુનીમને પરણી જ શકત નહિ. જો નેપાળનાં રાજારાણીએ કુંવરને દેવયાની સાથે લગ્ન કરતાં રોક્યો પછી કુંવરે ઉઝી મશીનગન લીધી તેમ અનિલ અંબાણી કરત કે નહીં તે જુદી વાત છે. પણ વાણિયા ડાહી કોમ છે એટલે ધીરૂભાઈ અંબાણી દીકરાની જીદ સામે નમી ગયા. ઈંગ્લેન્ડમાં રોયલ કુટુંબમાં આજે હિપોક્રસીને કારણે જ છૂટાછેડાવાળો પ્રિન્સ ગર્લ્સ બીજી છૂટાછેડાવાળી કમિલા પાર્ક નામની તેની પ્રેમિકા સાથે પરણી શકતો નથી અને પ્રેમની લબાડીવાળું જીવન જીવે છે. જીન જેક્સ રૂસો જીવતો હોત તો પ્રિન્સ દીપેન્દ્રને ધન્યવાદ આપત કે દંભ રાખનારા સમાજને તો સામહિક રીતે તે ગોળીએ દીધો છે તે માટે ધન્યવાદને પાત્ર છે. પ્રેમ આડે અવરોધ મુકાતાં આપણા મોટા ભાગનાં પ્રેમીઓ એકલા કે બન્ને આપઘાત કરે કે દારૂની બોટલમાં પોતાના અસ્તિત્વને ડુબાડી દે છે.
કૂચબિહાર એક નાનકડું સ્ટેટ હતું. રાજા રાજેન્દ્ર ઑફ કૂચબિહાર. બંગાળમાં એક નાનકડા સ્ટેટનાં કુંવર હતા. રાજેન્દ્ર પણ ઈંગ્લેન્ડમાં ફર્નબરો એટર્ની અ ઑક્સફર્ડમાં ભણેલા હતા. દીપેન્દ્ર પણ એટન કૉલેજમાં ભણેલા. એક બાજુ તમે તમારા કુંવરને વિલાયતમાં ભણવા મોકલો. વિલાયતમાં 16-17 વર્ષની ઉંમરે રોયલ કુળના નબીરા બીયર-શેમ્પેન પીતા થઈ જાય. બૉલરૂમ ડાન્સ કરતા થઈ જાય. કૂચબિહારના રાજા રાજેન્દ્ર પ્રિન્સ હતા ત્યારે ડિસ્કો હતો નહીં. પણ એક અત્યંત રૂપાળી નાટકની ગોરી એક્ટ્રેસ સાથે પ્રેમ થયેલો.
ભણીગણીને કૂચબિહારના પ્રિન્સ રાજેન્દ્ર બંગાળ આવ્યા. ગોરી પ્રેમિકાને સાથે લઈ આવ્યા. પ્રિન્સને રરોલ્ય રોય ગાડી ખરીદવાની છૂટ હતી પણ ગોરી એક્ટ્રેસને તે પરણી શકતા નહિ. આખરે રાજેન્દ્રએ કોલકત્તાના બ્રહ્મો સમાજના કેશબચંદ્ર સેનની પુત્રી સાથે પરણવું પડ્યું. કેશબચંદ્ર સેનની પુત્રી જોકે સંસ્કારી હતી પણ રાજેન્દ્ર રોમેન્ટિક હતા. જો ગોરી એક્ટ્રેસને પરણે તો માબાપે આપઘાત કરવાની ધમકી આપી. આખરે અણગમતાં લગ્ન કર્યાં. રાજા રાજેન્દ્રને કેશબચંદ્ર સેનની સંસ્કારી કન્યા કરતાં દારૂની બાટલીમાં વધુ રસ પડ્યો. ગોરી પ્રેમિકા સાતે પરણી ન શકવાનો ગમ ભૂલવા માટે તે દારૂ પીને લીવર-કિડની ખરાબ કરીને મરી ગયા.
રાજા રાજેન્દ્રને જિતેન્દ્ર નામનો એક ભાઈ હતો. તેને પણ ઇંગ્લેન્ડમાં ભણવા મળ્યું. તે વખતે મહારાજ ગાયકવાડીની પુત્રી ઈન્દિરા પણ ઇંગ્લંન્ડની ઈસ્ટબોર્નની સ્કૂલમાં ભણતી હતી. બન્નેને પ્રેમ થઈ ગયો. બ્રહ્મો સમાજમાં પરણેલા રાજાને તેનો ભાઈ જિતેન્દ્ર ગાયકવાડ જેને કૂચબિહારના લોકો ભરવાડ કહેતા તેની પુત્રી ઈન્દિરા સાથે ફરે તે બિલકુલ પસંદ નહોતું. તે રીતે કૂચબિહાર તો માત્ર ખોબા જેવડું રાજ હતું અને એવા નાનકડી રાજના કુંવર જે હજી રાજા થવાના નહોતા તેવા જિતેન્દ્ર સાથે પરમે તે ગાયકવાડને પસંદ નહોતું, પરંતુ ઈન્દિરા અને જિતેન્દ્ર બન્ને ઝનૂની રીતે પ્રેમમાં પડ્યાં હતાં. ગાયકવાડે ભયંકર વિરોધ કર્યો. ઈન્દિરા અને જિતેન્દ્રનો રોમાન્સ લાંબો ચાલ્યો. મુંબઈ આવે અને તાજમહેલમાં ગાયકવાડ ઊતરે ત્યારે ઈન્દિરા જિતેન્દ્રને કૂચબિહારથી બોલાવી લે. જિતેન્દ્ર વેશપલટો કરીને તાજમહેલ હોટેલમાં રૂમ ભાડે રાખે. પછી હૉટેલ બૉય દ્વારા પ્રેમપત્રોની આપલે કરે, બે વર્ષ રોમાન્સ ચાલ્યો.
ગાયકવાડને આ રોમાન્સની ખબર પડતાં ઈન્દિરાને ફેમિલી સહિત સ્વિટઝર્લેન્ડમાં સેન્ટ મૉરીટેઝ નામના અતિમોંઘા હિલ સ્ટેશને મોકલી દીધી. જિતેન્દ્રને ખબર પડતાં તેણે સેન્ટ મૉરીટેઝની સુવરેટ્ટા હૉટેલમાં ઈન્દિરાની બાજુમાં જ 121 નંબરનો રૂમ ભાડે લીધો. તેના બે સહાયકોને નામે રૂમ બુક કરાવી પોતે એક બુસા રિટાયર્ડ સોલ્જરનો વેશ પહેરીને જિતેન્દ્ર હૉટલમાં આવ્યો. બન્ને જણ ગાયકવાડને ખર્ચે મોજ કરવા લાગ્યાં.આખરે બન્નેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. લંડન પહોંચ્યાં ત્યારે ગાયકવાડે હાથ ધોઈ નાખ્યા. ઈન્દિરાનું સગપણ ત્યારે ગ્વાલિયરના મહારાજા માધવરાવ સિંધિયા (સિનિયર) સાથે થયેલું. ઈન્દિરા કરતાં સિંધિયા16 વર્ષ મોટા હતા. ગ્વાલિયરમાં લગ્નની તૈયારી ચાલતી હતી પણ ઈન્દિરાને તો જિતેન્દ્ર સાથે એકધમ ઝનૂની પ્રેમ હતો. વિધુર થયેલા ગ્વાલિયરના માધવરાવ સિંધિયા સાથે પરણવું નહોતું, એટલે માધવરાવને એક કાગળ લખીને ઈન્દિરાએ વેવિશાળમાંથી તલ્લાક લીધા. ઈન્દિરાએ જિતેન્દ્રને ભગાડી લંડનની વાટ પકડી. ત્યાં બર્કિંગહામ પેલેસ-હૉટેલમાં બ્રહ્મો સમાજની વિધિથી બન્નેએ લગ્ન કર્યા અને પછી સિવિલ લગ્ન કર્યાં.
કૂચબિહારના રાજા રાજેન્દ્ર તેના નાનાભાઈ જિતેન્દ્ર જેવી હિંમત કરી શક્યા નહિ. ગોરી પ્રેમિકાને પરણી શક્યા નહિ અને દારૂડિયા થઈને મરી ગયા. જિતેન્દ્રને રાજા થવાનો કોઈ ચાન્સ નહોતો પણ સમાજનાં બંધનોને તાબે થઈને પોતાની પ્રેમિકાને વફાદાર ન રહ્યો તેથી દારૂમાં ગમ ભૂલીને રાજેનદર્ દુનિયા છોડી ગયો તેથી જિતેન્દ્ર રાજા બન્યો. ગાયકવાડની પુત્રી ઈન્દિરા કૂચબિહારની મહારાણી બની. જિતેન્દ્રએ તેની પ્રેમિકાને ઉત્તમ શહેરી વાતાવરણમાં રાખી. કોલકત્તામાં વુડલેન્ડઝ નામના યુરોપિયન આર્કિટેક્ચરવાળું મહાલય બનાવ્યું.
આ બાજુ બીજી એક લવસ્ટોરી રચાતી હતી. મહારાજા સયાજીરાવ ગુજરી ગયા. તેના વારસ તરીકે પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવ્યા. પ્રતાપસિંહને વારસામાં લક્ષ્મીવિલાસ પેલેસ, બીજા મહેલો અને ઇંગ્લેન્ડમાં પણ મહાલયો મળ્યા. એક જમાનામાં વડોદરાના મહારાજ 30 કરોડ ડૉલરના સ્વામી હતા. જાણે સૂર્ય બારે કળાએ દેદીપ્યમાન હતો, પરંતુ એક વાતની ખોટ હતી. માતા-પિતાએ પ્રતાપસિંહનાં શાંતાદેવી સાથે લગ્ન કર્યાં. શાંતાદેવી કોલ્હાપુરના રૂઢિચુસ્ત સમાજની પ્રિન્સેસ હતી, પરંતુ પ્રતાપસિંહ અત્યંત રોમેન્ટિક અને હોર્સ રેસના પ્રેમી હતા. તેવો જ રસ દાખવનારી સીતાદેવીના પ્રેમમાં પડ્યા. ભારતના રાજાઓમાં સૌપ્રથમ રોલ્સ રોય ખરીદનારા ગાયકવાડ હતા. સીતાદેવી સાથે પ્રેમમાં પડ્યા પછી પ્રતાપસિંહે ઇંગ્લેન્ડમાં હેમ્પશાયર ખાતે ખેતીવાડી કરવા માંડી. લંડનની એક રેસકોર્સમાં સીતાદેવીસાથે મહારાજને પ્રેમ થયો હતો. રાજા તો શાંતાદેવી સાથે પરણેલા હતા. સીતાદેવી પણ પરણેલી હતી. સીતાદેવીએ ઇસ્લામ ધર્મ સ્વીકારીને તેના હિન્દુ પતિથી તલ્લાક લઈને પછી પ્રતાપસિંહ ગાયકવાડ સાથે લગ્ન કરી નાખ્યાં. મહારાજા સયાજીરાવે રાજ્યમાં દ્વિપત્ની નિષેધક ધારો લાગુ કરેલો, છતાં પિતાના કાનૂનને તોડીને પ્રતાપસિંહે સીતાદેવીને બીજી પત્ની તરીકે અપનાવી. તે સમયે પાછો સીતાદેવીએ હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો. સીતાદેવી એકદમ સુંદર હતાં. અમે વડોદરાની પ્રતાપસિંહ કૉમર્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે સીતાદેવીને જોયેલાં. રૂપ રૂપનાં અંબાર હતાં. તેને એકદમ લક્ઝરીવાળું જીવન પસંદ હતું. સીતાદેવીના આગ્રહથી ગાયકવાડે વિલાયતમાં ઘોડાના તબેલા લીધા. ડર્બીની રેસમાં પોતાનો ઘોડો બાબુ 1948માં દોડાવ્યો હતો.
કચ્છના મહારાજ ખેંગારજી ત્રીજા બચપણમાં એક છોકરીના પ્રેમમાં પડ્યા હતા, પણ તેના પિતાએ બીજી છોકરી સાથે સગપણ કરેલું ટલે ખેંગારજીએ હિંમત કરીને કહ્યું, “હું બન્ને છોકરીને પરણીશ.” રાજસ્થાનના ડુંગરપુરના મહારવાલનાં લગ્ન પિતાએ પૈસાની તંગી ટાળવા એક રજપૂત કન્યા સાથે કરેલાં. તે ઘણું દહેજ લાવવાની હતી, પરંતુ મહારવાલ પિતાના મરણ પછી રાજા થયા ત્યારે તેણે બીજી મનપસંદ રાણી સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિન્સેસ શશી વાલિયાના પિતા દેવાસના રાજા હતા. એક રાજાએ માતા-પિતાની વિરુદ્ધ જઈને ગોવાની કન્યા સાથે લગ્ન કરેલાં. દેવાસના પ્રિન્સ મુંબઈની હૉસ્પિટલમાં હતા ત્યારે આ કન્યાનો મેળાપ થયેલો.
મદ્રાસમાં સ્ટેટ ઑફ પુદુકોટ્ટાઈના મહારાજા એક ઑસ્ટ્રેલિયન સ્ત્રીના પ્રેમમાં પડ્યા હતા. ઑસ્ટ્રેલિયન પત્નીને બધાના વિરોધ વચ્ચે પરણીનેલાવેલા. 1910માં શીખ રાજા જગતજિત સિંઘ એક તવાયફ - અનીતા દેડગાદાને પરણીને રાણી તરીકે લાવ્યા હતા. એવી જ રીતે મહારાજા યશવંતરાવ હોલકરે 1943માં અમેરિકન લેડીના પ્રેમમાં પડીને બ્રિટિશ સરકાર વિરુદ્ધ જઈને લગ્ન કરેલાં. એ પ્રકારે બ્રિટિશ સરકાર વિરુદ્ધ જઈને પાલનપુરના નવાબે બીજી બેગમ તરીકે ઑસ્ટ્રેલિયન સ્ત્રીને રાખી હતી. બ્રિટિશ જમાનામાં કાઠિયાવાડના બીલખા સ્ટેટના કુંવર નિર્વાણાદેવીને પરણીને લાવ્યા ત્યારે કાઠીઓએ અને બીલખા દરબારની રાજમાતાએ જબરો વિરોધ કરેલો. બીલખાના કાઠીઓ નિર્વાણાદેવીનું માથું વાઢી નાખવા તૈયાર થયેલા પણ બીલખા દરબારે નિર્વાણદેવીને ધરાસર રાણી બનાવ્યાં.
19મી સદીના અંતમાં અને 20મી સદીના રૂઢિચુસ્તસમાજના અને તે સમયના વધુ ઝનૂની મહારાજાનાં સંતાનો પણ પ્રેમ કરીને મનપસંદ પ્રેમિકા કે પ્રેમીને હિંમત કરીને પરણ્યાં છે અને જીવતાં રહ્યાં છે. ભાગીને પણ લગ્ન કર્યાં છે. નેપાળના કુંવર દીપેન્દ્ર દેવ માટે આવા રસ્તા ખુલ્લા હતા. પણ 21મી સદીમાં તમામ છૂટછાટ સાથે ઊછરેલો કુંવર દીપેન્દ્ર જૂના જમાનાની પ્રિન્સેસ ઈન્દિરા કે સીતાદેવી જેવી હિંમત ન કરી શક્યો એ નવાઈની વાત છે. પ્રેમલગ્ન કરવા માટે દીપેન્દ્રએ ખૂનખરાબી કરવી પડે તે બતાવે છે કે તેના ઉપર માતા-પિતાનું પ્રેમનું બંધન કેટલું આકરું હતું. સાથે દેવયાનીનું આકર્ષણ પણ ઝનૂની બન્યું હતું. આખરે મનોવિજ્ઞાનીઓ કહે છે તેમ માનવીમાં દરેક આત્મઘાતક જીન્સ પડ્યા હોય છે અને ઉત્કટ પ્રેમની લાગણીઓ જ્યારે ન સંતોષાય ત્યારે માનવી ઘાતક બને છે, તેમાં આત્મઘાત આવી જાય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર