મા સરસ્વતી દેવી, કવિ કાલિદાસ, પેન્ટર હુસૈન, ભાવનગરનો હુસૈનિયો અને એન્સાઈક્લોપીડિયા

01 Feb, 2018
07:01 AM

કાન્તિ ભટ્ટ

PC: shreeshreeshaktiparivaar.com

જૂના ભાવનગર રાજ્ય, ગોંડલ રાજ્ય, ગાયકવાડનું રાજ્ય અને લાઠીમાં દરેક પ્રાથમિક શાળાઓમાં સરસ્વતી દેવીનો શ્વેત વસ્ત્રધારી ફોટો અચૂક રખાતો હતો. મહુવામાં છેક મિડલ સ્કૂલ સુધી પટાવાળો વર્ગ ખોલે એટલે સૌપ્રથમ, "બોલો, સરસ્વતી માતા કી જય" એમ બોલીને જ અમે વર્ગમાં પ્રવેશતા. આ સરસ્વતી માતાની જય મહુવાના સુલેમાન ઘાંચી, પઠાણ દિલીપ પેન્ટર અને ચાઉસના દીકરાઓ પણ બોલતા. એ પછી એકાદ સારા ગળાવાળા વિદ્યાર્થી તરીકે કોઈ પ્રાર્થના ગાય અને બધા વિદ્યાર્થી ઊભા રહે, ટીચર પણ ઊભા રહે. બે હાથ જોડીને સરસ્વતીની પ્રાર્થના થતી. મારા વતનના ગામ ઝાંઝમેરમાં મારા પિતા શિક્ષક હતા. ગામમાં માત્ર કરેણનાં ફૂલ થતાં એટલે સરસવતીને કરેણનો હાર પહેરાવતા. વિદ્યાર્થી સ્કૂલમાં પ્રવેશે એટલે છબી હોય કે ન હોય, સરસ્વતીને માનસિક વંદના કરીને પ્રવેશતા. ભાવનગરમાં આલ્ફ્રેડ સ્કૂલ સામે મારા મામાના ઘરે ભણતો ત્યારે ભાવનગરનો હુસૈનિયો સરસ્વતીની પ્રાર્થના એવા સરસ રાગથી ગાતો કે વિદ્યાર્થીઓ અને માસ્તરાણી કમલાબહેન પણ હુસૈનિયા પર આફરીન થઈ જતી. અમારે ચિત્ર દોરાવવું હોય તો મહુવામાં ગ્લોબ ટૉકિઝમાં ફિલમના બોર્ડ ચીતરતો પેન્ટર દિલીપ પઠાણ અમને સરસ્વતીનું ચિત્ર દોરી દેતો.

આ સરસ્વતીને મુંબઈમાં ઘણા લોકો જાણતા નથી તે સરસ્વતીના ઉપદેશથી વિરુદ્ધ જઈને વાણીવિલાસ કરે છે. તેવી જ રીતે પેન્ટર હુસૈન જો એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાને પ્રભાણભૂત માનતા હોય તો તે ગ્રંથમાં મા સરસ્વતીનું વર્ણન છે તે વર્ણનની વિરુદ્ધ સરસ્વતીનું નગ્ન ચિત્ર દોરે છે. (મુંબઈના ઘોંઘાટ કરનારા લોકોના કહેવા પ્રમાણે) પેન્ટર હુસૈનને ઠપકો આપવો હોય તો એકાદ નેતાએ જઈને મૃદુ વાણીમાં તેને ઠપકો આપીને આખી વાત ભૂલી જવી જોઈએ. સરસ્વતી અંગેનો આખો ઊહાપોહ કરનારા માટે પેન્ટર હુસૈન માટે તેમ જ મારા પોતાના માટે મા સરસ્વતીને જાણવાનો આ સુંદર મોકો છે.

સરસ્વતી દેવીનું એન્સાઈક્લોપીડિયા પ્રમાણેનું વર્ણન છે તેનું ગુજરાતી ભાષાંતર કરતા પહેલાં તેની મહત્વની લીટીઓ છે તે નીચે મૂળ અંગ્રેજીમાં આપું છું :

She is usually represented in painting and sculpture as GRACEFULL, Fair (especially start white) and DRESSED in garments riding on a swan (or goose) and holding a lute (વીણા) and a manuscript or book.

અર્થાત્ સરસ્વતીનાં જે જે શિલ્પો કે ચિત્રો છે તેમાં તેને શોભાયમાન (ગ્રેસફુલ) રીતે શ્વેત વસ્ત્રધારી અને પૂર્ણ વસ્ત્રધારી તેમજ હંસ ઉપર સવારી કરતાં અને હાથમાં વીણા તેમજ પુસ્તક ધારણ કરેલાં દેખાડવામાં આવેલાં છે. એ હિસાબે જ સરસ્વતીનાં કાલ્પનિક ચિત્રો દોરાવાં જોઈએ. એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાનું ઉપરનું વર્ણન અમે જે પ્રાર્થના ગુજરાતીમાં ગાતાં હતાં તે પ્રાર્થનાને અનુરૂપ છે. પરાંત કર્મકાંડ, જ્યોતિષ અને પંડિત બનેલાં મુંબઈના વિજ્ઞાની રવીન્દ્રભાઈ શાસ્ત્રીએ કહેલી સંસ્કૃત પ્રાર્થના મુજબનું જ વર્ણન છે તે નીચેની પ્રાર્થના ઉપરથી જણાશે :

યા કુન્દેદુ તુષારહારધવલા

યા શુભ્ર વસ્ત્રાવૃતા

યા વીણા વરદંડ મંડિત કરા

યા શ્વેત પદ્માસના

યા બ્રહ્માચ્યુત શંકરા પ્રભૂતિભિર

દૈવે સદા વન્દિતા

સામામ પાતુ સરસ્વતી ભગવતી

નિઃશેષ જાડ્યા પહાં:

રવીન્દ્રભાઈ શાસ્ત્રીએ ફોન ઉપર આ પ્રાર્થના કહેલી છે એટલે ઉચ્ચારમાં ભૂલ હોય તે વિદ્વાનોએ માફ કરવી. એન્સાઈક્લોપીડિયામાં બાકીનું વર્ણન છે તે આવું છે. સરસ્વતી હિન્દુ દેવી છે. તે વિદ્યા અને કલાનાં દેવી છે. સરસ્વતીનો સાહિત્યમાં પ્રથમ ઉલ્લેખ એક નદીના સ્વરૂપે થયો છે. તેને વાકદેવી પણ કહે છે. પછીના હિન્દુવાદમાં તેમને વેદના કર્તા બ્રહ્માની પુત્રી જેવી ગણી હતી.

એવું કહેવાય છે કે કવિ કાલિદાસે મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ અને કુમારસંભવ એ ત્રણ મહાકાવ્યો લખ્યાં તે સરસ્વતીની ઉપાસનારૂપે અને પત્નીનાં મહેણાં પછી રચેલાં. સરસ્વતીનું જે મૂળ ચિત્ર છે તેની કલ્પના પણ કવિ કાલિદાસે જ કરેલી. એન્સાઈક્લોપીડિયા કહે છે કે સરસ્વતી દેવી આર્ટ, મ્યુઝિક અને "લેટર્સ" (શબ્દજ્ઞાન)ની પેટ્રોનેસ હતી. જે કોઈ કલાકાર, સંગીતકાર કે ખરો સાહિત્યકાર લખવાનું શરૂ કરે કે શિલ્પકાર શિલ્પ તૈયાર કરે કે ચિત્રકાર ચિત્ર દોરે તે પહેલાં આ બધા કલાકારો મનમાં સરસ્વતીની કલ્પના કરે છે કે તેનું સ્મરણ કરે છે. કવિ કલાપીના લાઠીના મહેલમાં સરસ્વતીની મોટી જબ્બર તસવીર રહેતી હતી. જામનગરના જામ રણજી પણ મહેલમાં સરસ્વતીનો ફોટો રાખતા અને સયાજીરાવ ગાયકવાડ તો ગુજરાતીકરણના પ્રેમી હતા એટલે કોર્ટને ન્યાયમંદિર, ટેકનિકલ કૉલેજને કલાભવન, મ્યુઝિયમને કલામંદિર અને શિક્ષણના સ્થાનને સરસ્વતી મંદિર કહેતા તેમજ મહેલમાં સરસ્વતીની છબી રાખતા.

એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા લખે છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વસંત ઋતુ શરૂ થાય ત્યારે સરસ્વતીનો "વરઘોડો" (પ્રોસેશન) નીકળે છે અને વાજતેગાજતે તેની મૂર્તિને નદીકાંઠે લઈ જવાય છે. મુંબઈમાં હિન્દી પુસ્તકભંડાર ચલાવતા રમણ મિશ્રા કહે છે કે અલ્લાહાબાદમાં ઘણા બંગાળીઓ રહે છે તે નવરાત્રિમાં દુર્ગા સાથે સરસ્વતીની પણ પૂજા કરતા અને બંગાળીઓ સરસ્વતીનું મોટું જુલુસ પણ કાઢતા હતા. મહાકાળી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી એ ત્રણેય દેવીઓ ત્રિગુણી છે. તેને કર્મકાંડી લોકો સવારે યાદ કરે છે.

ખાસ ધ્યાન રાખે છે કે વિદ્યા તારે છે અને વિદ્યા મારે પણ છે. તેથી જ સરસ્વતી શબ્દ જ્ઞાન કે વિદ્યાની દેવીનો પવિત્ર શબ્દ છે તેમજ ગુજરાતી ભાષામાં કોઈને ગાળ દો તોપણ "સરસ્વતી ચોપડાવી" તેવું કહેવામાં આવે છે. દંતકથામાં સરસ્વતી દેવીને સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિનાં શોધક કહેવામાં આવ્યાં છે. તેમની છબીમાં કેટલીક વખત પાંચ હાથ દેખાડાય છે. તેમાં પુસ્તક, કલમ, ખડિયો, માળા અને કમંડળ પણ હોય છે. કમંડળ એટલા માટે કે જે જ્ઞાન મેળવો તેને મનમાં સંઘરો અને તેનું વધુ પડતું પ્રદર્શન ન કરો.

સરસ્વતીની છબી સાથે મોરનું ચિત્ર છે, તે પણ કલા અને કલાની જાણકારીનું પ્રતીક છે, પણ તેનું વાહન હંસ છે. સરસ્વતી ત્રણેય લોકમાં વિહરતાં ત્યારે હંસ ઉપર સવારી કરતાં. એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા છેલ્લી લાઈનોમાં લખે છે કે "સરસ્વતી ઈઝ ઓલ્સો એ પોપ્યુલર ગોડેસ ઈન જૈન એન્ડ બુદ્ધિસ્ટ માયથોલૉજી" અર્થાત્ જૈન અને બુદ્ધના ધર્મગ્રંથોમાં સરસ્વતીને પ્રિય દેવી તરીકે વર્ણવવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં મેવાડ ખાતે જૈનોનાં પુરાણા ગ્રંથો કે ચિત્રો છે તેનું નામ પણ "જૈન સરસ્વતી ભવન" રખાયું છે.

જૈન ધર્મના સ્થાપક અને બુદ્ધ ધર્મના સ્થાપકે બ્રાહ્મણવાદનો વિરોધ કરેલો તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં જૈનો ન માનતા, પરંતુ સરસ્વતીને જૈનો અને બુદ્ધધર્મીઓ માને છે. ખુદ શંકર ભગવાનને પોતાની પાસે વિદ્યા હતી તે સરસ્વતીને આપેલી.

સરસ્વતીના હાથમાં વીણાનું વાદ્ય છે તે તરંગો અને કલ્પનાશીલતાનું પ્રતીક છે. વસંત ઋતુમાં સરસ્વતીની પૂજા કરનારાની બુદ્ધિ અને કલ્પનાશીલતા ખીલે છે. તાજેતરમાં મુંબઈમાં મેઘવાળ સમાજનો વિદ્યાર્થીઓને ઈનામ આપવાનો તેમજ વસંત પુરાણીના પુસ્તકનો ઉદ્દઘાટન કાર્યક્રમ રાખેલો ત્યારે ત્યાં બાબાસાહેબ આંબેડકર, ગાંધીજી અને ત્રીજી છબી સરસ્વતી દેવીની જ હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમની ચાર ભાગની નવલકથાના હીરોનું નામ પણ સરસ્વતીચંદ્ર રાખ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામ સાથે પણ દેવીનું નામ જોડાયું છે. સરસ્વતીતીર્થ નામનું તીર્થ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક વખત કોઈએ ભાષણ કરેલું ત્યારે કહેલું : લેખકો વિદ્યાના પૂજારી છે, તેથી તે સરસ્વતીપૂજક છે.

દિવાળીને દિવસે ચોપડાપૂજન થાય છે ત્યારે લક્ષ્મીપૂજન નામ આપ્યું છે, પણ મૂળ તો સરસ્વતીપૂજન ગણાતું હતું. સરસ્વતીની પૂજાનો ઉત્સવ કાં વસંતપંચમીએ કે આસો માસમાં કરાય છે. બળવંતરાય ક. ઠાકોર જે સંસ્થાઓ શિક્ષણનો પ્રચાર કરે તેને સરસ્વતીપોષક સંસ્થા કહેતા હતા. નર્મદાના દક્ષિણ તટ ઉપર સરસ્વતી પ્રસ્રવણતીર્થ છે. ત્યાં મા સરસ્વતીએ તપ કર્યાની દંતકથા છે. અહીં ઘણા યજ્ઞો થયેલા તેને હોમટેકરી કહે છે. આ સ્થળે વિદ્યાદાન, ગ્રંથદાન અને ગાયત્રીપુરાણ કરાવે તેને ઘણું પુણ્ય મળે છે. આ ત્રણેમાં મને ગ્રંથદાનની વાત ગમી ગઈ છે. કારણ કે આજે પણ લેખકને પુસ્તક ભેટ આપો તો ઓછામાં ઓછું તેનું મન તો પ્રસન્ન થાય છે.

કવિ કાલિદાસે રઘુવંશ કાવ્ય લખવાનું શરૂ કર્યું ત્યારે એક રાત્રે 62 શ્લોક લખ્યા પછી તેને "રાઈટર્સ બ્લોક" આવી ગયો. તે પછી કવિ ઊંઘી ગયા અને મા સરસ્વતીએ આવીને બાકીના 14 શ્લોકો લખેલા તેને સરસ્વતી શ્લોક કહે છે. હવે કયા વિષય ઉપર લેખ લખવો તેની વિમાસણ હતી એટલે પેન્ટર હુસૈન, તેમની સામે રોષે ભરાયેલા લોકો અને મા સરસ્વતીની – એમ ત્રણની કૃપા થતાં આ લેખ પૂરો કરી શક્યો છું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.