પ્રેમને અવસર બનાવો
કવિવર રવીન્દ્રનાથે એક કાવ્યમાં કહેલું કે, ‘મધમાખી ફૂલ પાસે જઈને તેમાંથી મધ ચૂસે છે. પછી ઊડતી વખતે તેના બણબણાટ થકી ફૂલને આભારના શબ્દોથી નવાજે છે. મધમાખી કહેવા માગે છે કે આ મધ હું ભેગું કરું છું તે મધપૂડો મારો નથી. માનવજાતને ઔષધ અને પોષણ માટેનું મધ આપવા માટે છે.’ નવા વિક્રમ વર્ષના દિવસ માટે કવિવરે કહેલું કે, ‘તમે દિવાળી-બેસતા વર્ષે મોંઘાં મોંઘાં ગ્રીટિંગ્ઝ કાર્ડ્સ લખીને તમારી લાગણીઓને માત્ર એક ફાલતું કાગળમાં ન વર્ણવો પણ અહેસાનમંદી કે અભિનંદન કે ગુડ વિશીઝને લાગણી દિલમાં રાખો. તે જલદીથી સામી વ્યક્તિને પહોંચશે.’ આજે જગતભરમાં દેખાડાનાં ગ્રીટિંગ્ઝ કાર્ડ્સ મોકલવાની આખી ઈન્ડસ્ટ્રી માત્ર અમેરિકામાં 30 અબજ ડૉલરની છે. આપણે ત્યાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. મને પોસ્ટમેને કહ્યું કે દર વર્ષે મોંઘી મોંઘી 20,000થી રૂા. 25,000ની રાખડીઓ બહેનો દેખાડા માટે મોકલે છે. અમે તો અડધી રાખડીઓ ફેંકી દઈએ છીએ. ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એનેલિસ્ટસ ઈનકોર્પોરેટેડ નામની કંપનીનો તાજો અંદાજ છે કે આ ગ્રીટિંગ્ઝ કાર્ડ્સનો ગ્લોબલ ધંધો હવે તો 30.4 અબજ ડૉલર કરતાંય બમણો થઈ ગયો છે.
પત્રકાર તરીકે મને 36 વર્ષ પહેલાં કામ સોંપાયેલું કે આ સાલમુબારકના ‘ધંધા’ વિશે લખો. ત્યારે હું જામનગરના એક ઝવેરીના જમણવારને જોવા મુંબઈ ગયો. તે વખતે મુંબઈના એક હૉલમાં લગભગ 200 માણસ દૂધપાક-પૂરી-ખમણ ઢોકળાનું જમણ જમતાં હતાં. જામનગરના ડુંગરશીભાઈ ઝવેરીનાં વંશજો તે દિવસે સાલમુબારક કહેવા માટે જથ્થાબંધ ભેગાં થયેલાં. અહીં એક રમૂજી વાત કહું કે આપણા દેશમાં સવાસો વર્ષ પહેલાં સુવાવડી બાઈની ગોદમાંથી કૂતરાં કે બિલાડાં નવજાત બાળકને તાણી જતાં. આપણા જામનગરના ડુંગરશીભાઈ આઠ વર્ષના હતા. ત્યારે તેમને બિલાડી તાણી ગયેલી. પણ સદ્દનસીબે તેઓ બચ્યા અને તેમણે પેઢી દર પેઢી ફળદ્રુપતા વધારીને 200 પૌત્ર-પૌત્રીનું જબ્બર ટોળું કર્યું. એ બધાં જ પોયરાઓ સાલમુબારક કરવા ભેગાં મળેલાં. મુંબઈ, રાજકોટ અમદાવાદ કે ભાવનગરમાં શરૂનાં ઘણાં વર્ષોમાં આપણા ગુજરાતીઓ વહેલા ઊઠીને રૂબરૂમાં સાલમુબારક કરવા આવતા. તમે મોડા ઊઠો તો બાથરૂમમાં હો તો ત્યાં જ નહાતા નહાતા સાલમુબારક કરવાં પડતાં. એ રૂબરૂ સાલમુબારક એક મોટી માથાકૂટ પણ હતી. એ વખતે રાજ્ય સરકારના મુખ્યપ્રધાનો 1000થી 2000 ગ્રીટિંગ્ઝ કાર્ડ્સ મંગાવીને મિકેનિકલી પોસ્ટ કરતા.
કલ્યાણજી-આણંદજી બેલડીના કચ્છી માડું કલ્યાણજીભાઈએ મને કહ્યું કે હું ગ્રીટિંગ્ઝ કાર્ડના પૈસા બગાડતો નથી. હું ભાવનગરથી રૂા. 25,000ની બદામની પૂરીઓ મંગાવીને ખવડાવું છું. એ પ્રકારે ફિલ્મીસ્ટાર રાજેન્દ્રકુમાર મુંબઈના મોહનભાઈ મીઠાઈવાળાની દુકાને જઈને તાજી મીઠાઈનાં બૉક્સ ખરીદીને ફિલ્મસ્ટારોને મોકલતા.
આજ માત્ર દેખાડાના ગ્રીટિંગ્ઝ છે. મારા વતનના ગામે ખેતમજૂરી કરીને કમાતી રૂડીમાસી ઘરે ચોખ્ખા ઘીની ગોળપાપડી બનાવીને નવા વર્ષે મારા માસ્તર પિતાના મોઢામાં આવીને મૂકી જતી!
સૌરાષ્ટ્રમાં દિવાળીની આગલી રાત્રે સ્ત્રીઓ ‘કકળાટ’ કાઢતી એટલે કે એ દિવસથી બધાં જ વેરઝેર ભૂલી જવાતાં. એ કકળાટ કાઢવાનીય વિધિ હતી. થાળી વગાડતી વગાડતી બહેનો ગામના ચોકમાં આવતી. તેમની સાથે અડદની કે મગની દાળનાં વડાં અને મઘમઘતા ઘીમાં બનાવેલો મગસ લાવતી અને ચોક વચ્ચે મૂકી જતી. એ ‘કકળાટ’ રૂપે બહાર કાઢેલી મીઠાઈ ભાવનાથી મૂકતી. આજે? આ રિવાજ ફરી શરૂ કરવા જેવો છે. માત્ર મોંઘાદાટ અને સાવ કોરાધાકોર, લાગણી વગરના ગ્રીટિંગ્ઝ કાર્ડ મોકલવાને બદલે આગલા વર્ષની તમામ કડવાશ ભૂલવા માટેની સ્પેશિયલ મીઠાઈ બનાવવી જોઈએ.
મુંબઈમાં મેં જોયેલું કે અમૂલ લગ્નની વાડીનાં રસોડાઓમાં (નારાયણવાડી- કપોળવાડી, મોરારબાગ) કે રાજકોટ-અમદાવાદની વાડીઓમાં માત્ર અને માત્ર નવા વિક્રમ વર્ષે વહેંચવાની મીઠાઈઓના તાવડા નખાઈ જતા. આપણે ત્યાં આજે આ મીઠાઈની મીઠાશ ઓછી થઈ છે, પણ પાકિસ્તાનના કરાચી શહેરથી આવેલા મેમણ મિત્રે કહ્યું કે હજી કરાચીમાં નવા વર્ષે ગાંઠિયા-જલેબી તાજાં તાજાં તળાઈને મળે છે. મુંબઈના એક ભાટિયા ગૃહસ્થે પછી નવા વર્ષની ‘મોં મીઠું કરવાના રિવાજ’માં ફાચર પાડી. તેઓ જે મહેમાનો સાલમુબારક કરવા આવે તેને ગરમ-ગરમ ઢોકળા પીરસતા. એક લોહાણા ભાઈ તેને આંટી જવા માટે ભેંસના તાજા દૂધને ઉકાળી તેમાં કેસર-બદામ-પિસ્તા નાખીને મહેમાનોને પીરસતા.
એ સમયે આજના જેવો જાલિમ ભ્રષ્ટાચાર નહોતો. તે સમયના ભ્રષ્ટાચાર કે ‘લાંચ’માં પણ સજ્જનતા હતી. બેંકના મેનેજરો પાસેથી સહેલાઈથી લોન મેળવવા તેમજ આવકવેરા અધિકારી કે સેલ્સટેક્સ ઈન્સ્પેક્ટરને ખુશ કરવા માત્ર અવનવી મીઠાઈ અને ફ્રુટના કરંડિયા જ મોકલતા. મુંબઈ અને દારૂબંધીવાળા ગુજરાતમાં ફ્રુટના કરંડિયામાં નીચે વ્હિસ્કીની બૉટલ પણ સંતાડીને મૂકતા!
મુંબઈમાં કરિયાણા-અનાજના વેપારીને આજે પણ ‘દાણાવાળા’ કહે છે. મોટે ભાગે તે કચ્છી વાણિયા કે રાજસ્થાની વાણિયા હોય છે. એ દાણાવાળા આજેય તમામ ઘરાકના ઘરે શ્રીફળ અને શુકનનાં કઠોળ-મગ કે બીજી ચીજો મોકલે છે. મુંબઈની શેરબજારના મુહૂર્તના સોદા હજીય થાય છે. તે માટેનો શુભ સમય નક્કી થાય છે. મુંબઈનાં અખબારોમાં સમય પણ છપાતો. મુંબઈમાં નવા વર્ષના દિવસે શ્રીખંડનું જમણ થતું અને ત્યારે તેમ જ અત્યારે ચોળીનું શાક શુકનમાં રંધાતું-રંધાય છે. મુંબઈમાં એક શ્રીખંડવાળાને ત્યાં લાઈન લાગતી. 2000 કિલો શ્રીખંડ ખપી જતો અને પછી 11 વાગે તો બોર્ડ મારતા ‘નવા વર્ષનો શુકનનો શ્રીખંડ ખલ્લાસ!’
મોરારજી દેસાઈને આ ગ્રીટિંગ્ઝ કાર્ડ દ્વારા કાગળિયો પ્રેમ દર્શાવાતો તેની બહુ જ ચીડ હતી. તેમણે ત્યારે આંકડો કાઢેલો કે ગરીબ ભારતમાં ગ્રીટિંગ્ઝ કાર્ડ માટે જે કાગળ કે કાર્ડ વપરાય છે, તેમાં 40,000 ટન કાગળ વપરાય છે અને તે કાગળ બનાવવા માટે સવા લાખ વૃક્ષો કપાઈ જાય છે. પછી આજે 2016માં આંકડો કાઢ્યો તો જુદી જુદી જાતના અવસરો આવે છે. તેમાં કાગળો કે કાર્ડ લખાય છે, તેમાં 1,20,000 ટન કાગળ વેડફાય છે અને તેમાં પોણા ચાર લાખ વૃક્ષોનો ખો નીકળી જાય છે. ખરેખર તો, આ ગ્રીટિંગ્ઝ કાર્ડ એ યુરોપ-અમેરિકાના ક્રિસમસ કાર્ડની વાનર નકલ જ છે. મેં તો અખબારના રિપોર્ટર તરીકે ત્યારે 1979માં આંકડા કાઢેલા કે મિકેનિકલી ગ્રીટિંગ્ઝ કાર્ડ લખીને ટપાલમાં નાખવામાં રૂા. ત્રણ કરોડની સ્ટેમ્પ (એ સમયના રૂપિયા ત્રણ કરોડ) વપરાઈ જતી.
આજે હવે અમેરિકામાં એક એન્ટિ ક્રિસમસ મંડળ ઊભું થયું છે. તેમણે ક્રિસમસનાં કાર્ડ લખવાનું બંધ કર્યું છે. આ લોકો ગ્રીટિંગ્ઝ કાર્ડમાં જે પૈસા વાપરતા, તેના ‘બજેટ’ને ભેગું કરીને જે સવા લાખ ડૉલર ભેગા થાય, તે અનાથાશ્રમોમાં મોકલી દેતા. આપણા ગુજરાતીઓ પણ આ રિવાજ હવે ફરી ચાલુ કરે.
પરંતુ અમેરિકાના એક મંડળની તો સાવ કંગાળ માઈનોરિટી છે. અમેરિકા-યુરોપમાં અને જાપાનમાં તો આ ગ્રીટિંગ્ઝ કાર્ડની અવનવી વલ્ગર વેરાયટી ઊભી થાય છે. 1. સીમેન્સ કાર્ડ, વસંતઋતુ બેસે તેનાં વધામણાંનું કાર્ડ. 2. વેલેન્ટાઈન્સ ડે કાર્ડ. 3. બર્થ ડે કાર્ડ. 4. એનિવર્સરી કાર્ડ. 5. પ્રથમ બાળક અવતર્યું તે યાદગીરીનું કાર્ડ વગેરે વગેરે. ભારતમાં આ રોગ વધારનારી પશ્ચિમની કંપની આર્કિઝે (Archies) આવીને ભારતમાં ગ્રીટિંગ્ઝ કાર્ડ્સનો ત્રણ અબજ ડૉલરનો વેપાર શરૂ કરેલો. આજે અબજો રૂપિયાનાં ગ્રીટિંગ્ઝ કાર્ડસ અનેક કંપનીઓ વેચે છે. આર્કિઝની કંપની જે ગ્રીટિંગ્ઝ કાર્ડસનો વેપલો કરે છે. તેમાં 800 કર્મચારીઓ કામ કરે છે! આક્રિઝવાળાનો ધંધો વધ્યો કારણ કે મિચ્છા મિ દુક્કડમનાં કાર્ડસ વધ્યાં છે. ફરગિવનેસ ડે, ટીચર્સ ડે, ડૉક્ટર્સ ડે, અરે! ડાયવોર્સ ડે, સેક્રેટરી ડે, એમ. 365 દિવસ અને ડે-ડેનું ટેં ટેં ઢેં ઢેં ચાલે છે.
વિન્ટેજ કાર્ડ્ઝ એન્ડ ક્રિએશન્સવાળા મિસ્ટર કપૂરે પત્રકારોને કહેલું કે હવે તો ‘આઈ હેઈટ યુ’ કાર્ડ (હું તને ધિક્કારું છું) નીકળી ચૂક્યાં છે! દર વર્ષે ગ્રીટિંગ્ઝ કાર્ડવાળા નવી-નવી 5000 ડિઝાઈનો કાઢતા, તે હવે 6000 થઈ ગઈ છે. વિન્ટેજ કાર્ડવાળા 16 વર્ષ પહેલાં ગ્રીટિંગ્ઝ કાર્ડમાંથી 3.2 અબજ ડૉલરનો ધંધો કરતા હતા. ભારતમાં 20 વર્ષ પહેલાં એકલા આર્કિઝનો ધંધો રૂપિયા 500 કરોડનો હતો. ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે અને ફાધર્સ ડેની કન્સેપ્ટ તો હવે જૂની થઈ ગઈ છે.
શબ્દાના હુસેન નામની પત્રકાર પાસેથી અને આર્કિઝ કંપનીના વકરાના આંકડા મળેલા. હું મુંબઈમાં મૂળ તો 45 વર્ષ પહેલાં કૉમર્શિયલ રિપોર્ટર હતો એટલે આંકડા ટાંકવામાં રસ પડે છે. દા.ત., આર્કિઝ કંપની 1979માં શરૂ થઈ. 1996માં પબ્લિક લિમિટેડ થઈ. ગ્રીટિંગ્ઝ કાર્ડના સ્ટોર 505 થયા. એપ્રિલ-ડિસેમ્બર વચ્ચેનો વકરો રૂા. 147.36 કરોડ એટલે કે 2011નો આખા વર્ષનો ગ્રીટિંગ્ઝ કાર્ડનો વકરો રૂા. 188.53 કરોડનો હતો! તેમાં 28 ટકા કાર્ડસ અને 60 ટકા જુદી જુદી ગિફ્ટનો વકરો હતો. આ એક જ કંપની કાગળિયા પ્રેમના ધંધામાં 2015માં રૂા. 400 કરોડની કંપની થઈ ગયેલી.
આ ધંધો બધા માટે વધતો જ જવાનો છે. મિસ કેટ પુલેનનો અંદાજ છે કે જગતભરમાં દર વર્ષે સાત અબજ ગ્રીટિંગ્ઝ કાર્ડ્સ લખાય છે. એમાં હવે ‘મ્યુઝિકલ કાર્ડસ’ ઉમેરાયાં છે. મનગમતાં પ્રેમગીતો અભિનંદન કાર્ડ રૂપે મોકલાય છે. તમે ઈ-કાર્ડ્સ અને એલ.ઈ.ડી. લાઈટ કાર્ડ્સ વિશે સાંભળ્યું હશે. (પ્રકાશ સાથે કાર્ડ ઉપર અક્ષરો બતાવે છે.)
છેલ્લે ઉપરના લખાણમાં તમને થોડો ‘ક્રિટિકલ સૂર’ લાગ્યો હોય તો મીઠી મીઠી પોઝિટિવ વાતો પણ કરીએ.
ડૉ. એન્થની ફ્લુ નામના નિરીશ્વરવાદીએ દિવાળી, ક્રિસમસ, ન્યૂ યર કે ઈદના રિવાજોને દંભી કહેલા. તેમણે મોડે મોડે સ્વીકાર્યું કે આપણે ઈશ્વરને યાદ કરવા તેમજ તેમના પ્રત્યે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવા, ધાર્મિક તહેવારોને પ્રેમ કરવાનો મોકો સમજવો જોઈએ. ઈસુના દરેક નવા વર્ષ કે ક્રિસમસે, વિક્રમ સંવતના પ્રથમ દિવસે, જન્માષ્ટમીએ, મહાવીર જયંતીના દિવસે, બૌદ્ધ પૂર્ણિમાના દિવસે, શિયા મુસ્લિમોના મોહરમમાં તમારે કોઈ દેખાડો ન કરવો, ‘કાર્ડસ ન લખવાં, પણ તમારે આધ્યાત્મિક અનુભવ કરવા મેડિટેશનમાં બેસવું, મુસ્લિમો રોજા ખોલ્યા પછી ઈદને દિવસે એકબીજાને ગળે લગાવીને દુશ્મનાવટ ભૂલે છે. જૈનો ‘મિચ્છા મિ દુક્કડમ’ કહે છે.
એરિસ્ટોટલે તેમના યોદ્ધા-શિષ્ય સિકંદરને શીખ આપેલી, ‘જો ભાઈ, ઈશ્વરે તને પેદા કરીને મહાન ઉપકાર કર્યો છે. આ સૃષ્ટિનાં સારાં તત્ત્વો ભોગવીને ઓર સારાં તત્ત્વો મેળવીને માનવજાતમાં તારે આપતાં શીખવું જોઈએ.’ તમામ તહેવારો માણસને આપવાનું શીખવે છે. જો કંઈ ભૌતિક ચીજ ન આપી શકો તો માફી આપતાં શીખો. માનવીનું જીવન ક્ષણભંગુર છે. એ તમામ ક્ષણોને પ્રેમની ક્ષણો બનાવો. દા.ત., તમને મળેલું એલ.ઈ.ડી. કાર્ડ ખોલો એટલે લાઈટ થાય અને લખાઈ જાય - આઈ લવ યુ!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર