આ જીવનનો અર્થ શું છે?

11 Feb, 2016
12:00 AM

mamta ashok

PC: khabarchhe.com

મા! તુમને એક હી બાર વેદના મેં મુઝે જના થા
પર મૈં બાર બાર અપને કો જનતા હૂં
ઔર મરતા હૂં, પુનઃ જનતા હૂં ઔર પુનઃ મરતા હૂં
ઔર ફિર જનતા હૂં ક્યોંકી અબ તો
વેદના કી બાતમેં મૈં અપની હી માં હૂં
- અજ્ઞેય (‘નદી કે દ્વી‘પ)

માર્કેન્ડેય પુરાણ
નન્દન્તુ સર્વભુતાનિ સ્નિહ્યન્તુ વિજનેશ્વષિ
મા વ્યાધિ રમસ્તુ ભૂતાનામાધ્યો ન ભવન્તુચ...
હે ઈશ્વર! અમે ઈચ્છીએ છીએ કે જગતમાં સર્વ જીવ પ્રસન્ન રહે. પરસ્પર સ્નેહ રાખે.
નિર્ભય બને. કોઈને માનસિક વ્યથા કોઈ ન પહોંચાડે...

જીવનના અર્થ વિશે ધર્માત્માઓ અને ફિલૉસૉફરોએ ઘણાં સૂત્રો આપ્યાં છે. સૌથી વધુ સૂત્રો કવિ, સાહિત્યકાર અને ફિલૉસૉફર અજ્ઞેયએ આપેલાં છે. જનેતાએ તો આપણને જણ્યા. એ જીવનનો અર્થ શું છે? જીવનનો એ જ અર્થ છે કે હવે માનો રોલ તમારે પોતાને તમને જણવા માટે ભજવવાનો છે. તમને તમારે પોતે જ જણવાના છે. રોજ રોજ તમારે મરીને સવારે ફરી તમને જણવાના છે. આવો અર્થ અજ્ઞેય આપે છે. એ પહેલાં સૌથી સરસ સૂત્ર અને જીવનનો અર્થ કન્ફયુસિયસે આપેલો કે ‘માણસે આ દુનિયામાં સતત કાંઈક મેળવવા માટે અને ખાસ તો જીવનનો અર્થ શોધવા પોતે જ પ્રયાસ કરવો. ભલે તેને ખાતરી હોય કે આ શોધ નકામી જવાની છે છતાં તેને પુરુષાર્થ અને પોતાના ઉદ્ધાર માટેનું ચિંતન કરવાનું છે. - અ પર્સન હેઝ સમ વર્થ હૂ કિપ્સ ટ્રાઈંગ ધો હી નોટ ધેટ ઈટ ઈઝ વેઈન.

એ પહેલાં ‘સાયન્સ એન્ડ હેલ્થ’ નામનું પુસ્તક લખનારી અને ક્રિશ્ચિયન સાયન્સની સ્થાપક મેરી બેકરને કોઈએ આવો જ પ્રશ્ન પૂછેલો કે આ જીવનનો અર્થ શું છે? તો મેરી બેકરે સામેથી પ્રશ્ન કર્યો ‘તમને લાગે છે કે જીવનનો કોઈ અર્થ નથી? નાનામાં નાના સૂક્ષ્મ જીવને જણવામાં ઈશ્વરનો કંઈક અર્થ છે. તમે બુદ્ધિશાળી-અતિ બુદ્ધિશાળી તરીકે જરૂર પૂછશો કે ‘મને કોઈએ પૃથ્વી ઉપર શું કામ પેદા કર્યો? મેં તો કોઈ ફરમાઈશ કરી નહોતી. મારું જીવન તો ગમગીની, દુઃખ, પીડા અને પ્રેમમાં છલના કે પ્રેમના અભાવથી ભરેલું છે...’ ના ના, આવી નિરાશાવાળી વાણી ન બોલો. તમને નાસીપાસી મળે છે ત્યારે જ તમને પોતાને જીવનનો અર્થ મળી જાય છે. જીવનમાં નિરાશાય જરૂરી છે. તે આપણને કાંઈક નવી ચેતના, શક્તિ આપે છે. ત્યારે આપણને ખાતરી થાય છે કે આપણી ભૌતિક તાકાતથી ઉપરવટ એવી કશીક ગુપ્ત શક્તિ છે... જીવનનો અર્થ એટલો જ કે એ અદૃશ્ય શક્તિને જાણવા સતત મથો....’

મને જોસેફ કોનરાડ નામના કવિની આ કાવ્યપંક્તિ અહીં ટાંકવી અર્થવાળી લાગે છે.

Face it, always face it
That is the way to get
Through pain of life.
That is enough and necessary
For men and women.

આફતથી કદી પલાયન ન થવું. આફતની સાથે જ ઊભા રહો. તેની સાથે સંવાદો કરો... ‘બોલ આફત! તું મને શું કરી લેવાની છો? આવી જા.’ સંકટથી ભાગવામાં નહીં પણ તેનો સામનો કરવામાં બહાદુરી છે. સ્ત્રીઓ તો ચુપચાપ જમાનાથી આવું કરે છે!

પૉલ ગોગીન નામના ચિત્રકારે એક સરસ ચિત્ર દોર્યું છે. તેમાં અર્ધનગ્ન અવસ્થાના માનવી ‘એગની’માં છે- મહાપીડામાં છે. તે સૌ આકાશ તરફ આક્રોશ કરીને પૂછે છે, અમે ક્યાંથી આવ્યા? શું કામ આવ્યા? હવે અમે ક્યાં જવાના છીએ. પ્લેટો તો કહેતા કે જીવનનો અર્થ એટલો જ કે તમારે જીવતા સુધી ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સતત મથતાં રહેવું. તેનાથી તુષ્ટ ન થવું. સતત જીવનનો અર્થ શોધતા રહેવાનો ત્યારે કદાચ જવાબ મળે કે જીવનનો હેતુ એટલો જ કે તમારા જીવનનો અર્થ તમારે શોધી કાઢીને પછી જલસા કરીને જીવવું!

આવા જ સ્પિરીટમાં એક ક્રાંતિકારી બૌદ્ધ સાધુએ કહેલું કે ઘણા ફિલૉસૉફરો, અસ્તિત્વવાદીઓ અને ઈવન અમારા બૌદ્ધ સાધુઓ કહે છે અને કહેતા રહેશે કે, ‘લાઈફ ઈઝ કૉન્સ્ટન્ટ પેઈન.’ જીવન સતત પીડા આપતું રહે છે. પરંતુ હું કહું છું કે એ પીડાથી પીડાવું કે જલસાથી જીવવું તે તમારા હાથમાં છે. શાયર મીરની આ નાની એવી શાયરી માનવજાતની આખી 20-21મી સદીએ શોધેલી બાયોલૉજીનો સાર છે.

મત સહલ હમે જાનો
ફિરતા હૈ ફલક બરસો સેં
તબ ખાક કે પર્દે સે ઈન્સાન નિકલતા હૈ

માનવીને જેવો તેવો ન સમજવો. સર્જનકર્તાએ એક માનવ જીવ પેદા કરવા અનેક અખતરા કર્યા હશે. તેની કુદરતી લેબોરેટરીમાંથી ઘણી ઘણી સદીઓ, યુગો કે જમાના પછી ઈન્સાન પેદા થયો છે. એટલે કદી તમારી જાતને નાની ન સમજો. જીવનનો અર્થ એટલો જ કે તમે આ સૃષ્ટિની એક મૂલ્યવાન અને અર્થપૂર્ણ પેદાશ છો અને કુદરતના એ ઉમદા હેતુને તમારે ઉમદા જીવન જીવીને સાર્થક કરવાનો છે.

સર જે. કૃષ્ણામૂર્તિને પણ આવો જ પ્રશ્ન પુછાયેલો કે જીવનનો અર્થ શું છે? તો કૃષ્ણમૂર્તિએ તો તેના સ્વભાવ મુજબ પોતાની રીતે જવાબ આપેલો. તમે તમારા જીવનને તપાસો. શું તમે જીવનનો અર્થ શોધવા લગીરેક વિચાર કર્યો છે? એકાદ મિનિટ પણ એવા વિચારને આપી છે? આપણે બસ યંત્રવત્ બની ગયા છીએ. આપણું શિક્ષણ યંત્રવત્ છે. આપણને મળતું જ્ઞાન કે માહિતી એ પણ યાંત્રિક ઢબે શીખીએ છીએ. બીજો જે કંઈ કહે તેવું માત્ર પુનઃ ઉચ્ચારણ કરીએ છીએ. આપણે વાંચીએ છીએ ઘણું પણ કદીય વાંચીને પુસ્તક નીચે મૂકી તમારા મૌલિક વિચારો ટપકાવ્યા છે. આપણે માત્ર પોપટ બની ગયા છીએ....

જલદીથી હું આ વાતને સેક્સ સાથે જોડું છું. તમારે વિચારોમાંથી સમાજના જંતરડામાંથી મુક્ત થવું છે? એટલે સેક્સ દ્વારા તમે આ મુક્તિ અનુભવો છો. ત્યારે જીવનના અર્થ-બર્થની પરવા કરતા નથી. ખરું? જીવનનો અર્થ શોધવાની માથાકૂટ છોડી દો તે જ જીવનનો અર્થ છે! સેક્સમાં તમે સેકન્ડ, બે સેકન્ડ કે એક મિનિટ માટે તમારી જાતને જ ભૂલી જાઓ છો. પ્રેમમાં પડ્યા પછી તમને અદ્દભુત અનુભવ સેક્સનો છે.

ફિલસૂફ અને સૂફી-સંત શકુરે કવિતા લખેલી કે હું મારા એકાંતમાં ઊંડો જઈને મારા જીવનનો અર્થ શોધું છું. મારા જીવનનો ગોલ (અંતિમ લક્ષ્ય) શોધું છું. પણ હું ત્યાં જ ગોથું ખાઉં છું કે દુનિયા મારી જાતને સ્વીકારે, મારા વિચારોને અનુસરે તેવું ઈચ્છું છું. તમારે તમારી જાતને બિલકુલ સુધારવાની જરૂર નથી. તમે જેવા છો તેવા દુનિયા સ્વીકારે તો ઠીક છે નહીંતર તેલ લેવા જાય!

જ્યોં પૉલ સાર્ત્ર નામના અસ્તિત્વવાદીની વાત મને સૌથી વધુ ગમી છે. તેણે કહેલું કે દરેક સ્ત્રી અને પુરુષ પોતે જ પોતાના જીવનનું એસેન્સ-મીનિંગ-અર્થ શોધવાનો છે. આપણું જીવન કાંઈ કોઈ સુપર નેચરલ ગૉડ કે કોઈ અર્થલી ઑથોરિટી નક્કી કરતું નથી. તમે મુક્ત છો. આઝાદ છો.

જ્યોં પૉલ સાર્ત્ર જેવી જ ફિલસૂફી અનુસરનારા અસ્તિત્વવાદી સોરેન કર્ક ગાર્ડની વાત એક ડગલું આગળ વધીને કહે છે. આ જીવન ઠેર ઠેર એબ્સર્ડિટીથી ભરેલું છે. એબ્સર્ડિટી એટલે જીવન દુર્ગમ છે. જટિલ છે. ગૂઢ છે. કઠિન છે. એ કઠિનતાને સમજવી અને જો સમજાય તો ઠીક છે. નહીંતર જીવનને એબ્સર્ડ જ રહેવા દો! તમારે પોતે જ તમારા જીવનનાં મૂલ્યો નક્કી કરવાનાં છે. આ જગત બિલકુલ તમારાથી ઈનડિફરન્ટ છે. તમે ભલે માનતા હો કે તમને બહારથી દુનિયા ખુશ રાખે છે પણ તમારાથી દુનિયા વિરક્ત છે. તો તમે પણ દુનિયાથી ઈનડિફરન્ટ અને વિરક્ત રહો.

આર્થર શોપનહાયર નામના ફિલસૂફને પુછાયું કે ‘વ્હૉટ ઈઝ મીનિંગ ઑફ લાઈફ?’ તો તેણે જે જવાબ આપ્યો તેનાથી લેખ પૂરો કરીએ. ‘આ જીવન ઈચ્છાઓથી ભરપૂર છે અને ખરેખર આ તમામ ઈચ્છાઓ તદ્દન ઉદ્દેશ્ય વગરની છે. તે એઈમલેસ છે. એટલું જ નહીં, પણ જો અર્થ શોધવા જાઓ તો જીવન પીડાથી ભરપૂર છે. તો? જીવનનો કોઈ જ અર્થ શોધવાની જંજાળમાં પડ્યા વગર જીવન જેવું રોજ સવારે તમારી સામે આવી પડે તેને તમારી રીતે જીવી જાઓ.’ ઓ.કે.!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.