પરીક્ષાનો માનસિક બોજ અને મગજશક્તિ
આજે દરેક કુટુંબનાં મા-બાપ તો માનસિક બોજમાં જીવે છે અને ગૃહિણીએ અનેક મોરચે લડવું પડે છે. પુત્ર-પુત્રીની પરીક્ષાઓનો બોજ કૉલેજિયન કે એસ.એસ.સી.ની પરીક્ષા આપનારાં સંતાનો સાથે સાથે મા-બાપ પણ સંતાપ ભોગવે છે. આ લેખમાં મારે મગજશક્તિ ખીલવવા અને પરીક્ષાની માનસિક અસર વિશે આપ સૌ સાથે વાત કરવી છે, કારણ કે રાજકોટના ડૉ. સુસ્મિતા દવેથી માંડીને મુંબઈનાં કુંજબાલા શાહ સુધીની ગૃહિણી આજે એમ જ કહે છે કે દીકરા-દીકરીની પરીક્ષા પતી જાય તો નિરાંત, એ મા-બાપ કરતાં તેમના સંતાનોને સિંગાપોરથી મુંબઈના માટુંગાના પરા સુધી અને પોરબંદરથી પાર્લા સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય અને ચિંતા એકસરખાં હોય છે.
સિંગાપોરમાં એક ચીની છોકરીએ તેની શાળાની પરીક્ષામાં એકંદરે સારું કર્યું. 93 ટકા માર્ક મેળવ્યા પણ તે ઘરે આવી ત્યારે મા-બાપને 97 ટકાની આશા હતી તો મા-બાપે તેને નેતરની સોટીથી મારવા માંડી હતી. એક જાપાની પ્રવાસીના કહેવા પ્રમાણે આ છોકરી હજી સાતમા ધોરણમાં હતી ત્યાં જ આવું થયું. જાપાનમાં પણ ભણતર પીડાવાળું બન્યું છે.
યુનિવર્સિટીમાં દાખલ થવા માટે તૈયારી થાય છે ત્યારે કોઈપણ જાપાની વિદ્યાર્થી ચાર કલાકથી વધુ ઊંઘતો નથી. આજે મુંબઈ કે અમદાવાદમાં માર્ચના બીજા કે ત્રીજા સપ્તાહમાં કૉલેજની પરીક્ષાઓ આવે છે ત્યારે વર્લ્ડ કપ ક્રિકેટની ડે-નાઈટ મેચોના શોખીન વિદ્યાર્થીઓને જુઓ તો ડબલ ઉજાગરા થાય છે. એક તો ભારત જીતશે કે હારશે તેની પણ ઘણા લોકો મન ઉપર અસર લે છે અને બીજી માનસિક અસર પરીક્ષાના બોજની હોય છે.
મુંબઈ શહેરના માનસ-ચિકિત્સકો પાસે આજકાલ પરીક્ષા પહેલાં કે પરીક્ષા વખતે માનસિક તંગ અવસ્થાથી પીડાતા વિદ્યાર્થી-દર્દીની સંખ્યા વધી ગઈ છે. જાણીતા મનોવિજ્ઞાની અને માનસ-ચિકિત્સક ડૉ. પરેશ લાકડાવાલાના કહેવા પ્રમાણે છેલ્લા દાયકામાં પરીક્ષામાં પાસ થવું તે જાણે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. મા-બાપની ઊંચી અપેક્ષા અને પાડોશીના પુત્ર-પુત્રીની બુદ્ધિપ્રતિભા સાથેની સરખામણીથી વિદ્યાર્થીઓને વધુ બોજ આવે છે.
માનસિક અસર બાર વર્ષની ઉંમરના બાળકને પણ થાય છે. ડૉ. લાકડાવાલા પાસે એક 12 વર્ષના વિદ્યાર્થીને મા-બાપ લાવ્યાં. પરીક્ષા આવે ત્યારે જ તેને તાવ આવે છે. છેલ્લાં 2 વર્ષથી પરીક્ષા વખતે જ આ તાવ વિચિત્ર રીતે આવી ધમકે છે. તાવને માટે શરૂમાં દવાઓ કરી પણ પછી તાવ રિપીટ થતો હતો. આખરે કુટુંબના ડૉક્ટરે એ વિદ્યાર્થીને સાયકીએટ્રીસ્ટની ચિકિત્સા કરાવવા કહ્યું. ડૉ. લાકડાવાલાએ જોયું કે આ છોકરાને પરીક્ષાનો ભય લાગે છે અને તેથી તાવની દવા નકામી છે. માનસોપચાર અને સાયકોસોમેટીક દવાથી તે વિદ્યાર્થીનો ભય ટળ્યો ત્યારે તેના પરીક્ષા વખતના તાવની રફતાર અટકી.
પરીક્ષાની તાણને વધુ પડતી મનમાં લઈને પછી બહુ જ વિચિત્ર વર્તન કરનારા વિદ્યાર્થીની એક વાર્તા જેવી સાચી કથા છે. એક કૉલેજિયન પરીક્ષા આપવામાં લોકલ ટ્રેનમાં ગયો. પછી ખબર પડી કે તે પરીક્ષાના સેન્ટર પર પહોંચ્યો જ નહોતો. મા-બાપે ઘણી તપાસ કરી તો છેક સાંજે ખબર પડી કે તેના કૉલેજીયન પુત્ર વિરારના (મુંબઈથી દૂરનું પરુ) ખેતરમાં ફાટેલાં કપડાં અને વીખરાયેલા વાળ સાથે મળ્યો છે. કૉલેજિયને મા-બાપને કહ્યું કે તે પ્રિલિમિનરી પરીક્ષા આપવા જતો હતો ત્યારે તેને ગુંડા ઉપાડી ગયા અને તેને લૂંટી ગયા તેથી તે પરીક્ષા આપવા ન ગયો.
એ પછી વાર્ષિક પરીક્ષા આવી ત્યારે ફરીવાર આ છોકરાને ગુંડા ઉપાડી ગયા ! મા-બાપને નવાઈ લાગી. આખરે સાયકીએટ્રીસ્ટ ડૉ. લાકડાવાલા પાસે આવ્યા ત્યારે ખબર પડી કે આ છોકરો પોતે જ પરીક્ષાના ભયથી છૂટવા ગુંડાના અપહરણની સ્ટોરી ઉપજાવી કાઢતો હતો. તેની માનસ-ચિકિત્સા પછી તેણે આવાં નાટક બંધ કર્યા અને નિર્ભય થઈ પરીક્ષા આપેલી. એક એન્જિનિયરીંગ કૉલેજમાં એન્ટ્રન્સ ટેસ્ટ આપવા જનારો વિદ્યાર્થી રાત્રે જ ઘર છોડીને અને મુંબઈ છોડીને ભાગી ગયેલો. તે ટેસ્ટથી ડરી ગયો હતો.
ડૉ. કે.પી.દવે અને બીજા માનસ-ચિકિત્સકો પાસે પરીક્ષા વખતે ડઝનબંધ આવા કિસ્સા આવે છે. : 10મા ધોરણની પરીક્ષા આપનારી એક છોકરીને ટર્મીનલ પરીક્ષા વખતે ગાંડપણ આવેલું તે પછી વાર્ષિક પરીક્ષા વખતે પાછું ગાંડપણ આવેલું. ઘણી છોકરીઓને પરીક્ષા આવે ત્યારે જ ઊલટી થવા માંડે છે. પરીક્ષાનું પેનીક (PANIC) ભય એટલો બધો હોય છે કે ઘણાને છાતીમાં દુઃખાવો થાય છે, શ્વાસ રૂંધાઈ જાય છે. મધરાત્રે આવા વિદ્યાર્થી માટે મા-બાપ હાર્ટ સ્પેશિયાલિસ્ટને બોલાવે છે. એક છોકરાએ પરીક્ષા વખતે મા-બાપને કહ્યું, 'મારું હૃદય ફાટી જશે. ડૉક્ટરને બોલાવો!'
આમાં ડૉક્ટર કાંઈ કરી શકતા નથી, કારણ કે તેવા વિદ્યાર્થી માત્ર માનસોપચારના ઘરાક હોય છે. ઘણા વિદ્યાર્થીને ડિપ્રેશન આવે છે અને સૌથી કોમન ફરિયાદ એ હોય છે કે એકાએક મગજ કામ કરતું નથી. સ્મરણશક્તિ માર ખાઈ જાય છે. સવારે વાંચેલું 11 વાગે ભૂલી જવાય છે.
પરીક્ષા વખતે જ ઘણા છોકરા ફરિયાદ કરે છે કે 'અમે કનફ્યુઝ થઈ ગયા છીએ, મગજમાં જબરી ગરબડ પેદા થઈ છે. મગજ સાવ બહેરું થઈ ગયું છે...'
આ ઉપરાંત કેટલાંક મા-બાપ પુત્ર-પુત્રી ઉપર માનસિક બોજ લાવે છે. એક ડૉક્ટરે તેની પુત્રીને કહ્યું, 'બેટા, તારે મેડિકલ કૉલેજમાં દાખલ થઈ ડૉક્ટર થવાનું છે. મારું આ ક્લિનિક તારે જ સંભાળવાનું છે. તને સારા માર્ક નહીં આવે તો મારાં સપનાં ચોપટ થઈ જશે.' મા-બાપે આવું કહ્યા પછી તો દીકરી ઉપર માનસિક બોજ વધી ગયો. આ પુત્રીને કંઈ યાદ જ ન રહે. માતા રોજ બદામવાળું દૂધ પીવરાવે. મગજ માટેની કે યાદશક્તિ માટેની દવા આપે.
મનોવિજ્ઞાનીઓ સાથેની વાતમાંથી એક વાતનો સાર નીકળ્યો કે પરીક્ષાની ચિંતા કરવાથી કે કોઈપણ ચિંતા કરવાથી સ્મરણશક્તિ ઘટે છે. ઘણાં માબાપ પરીક્ષા વખતે ટેલિવિઝન બંધ રાખે છે તે ખોટું છે તેમ લંડનના 'સનડે ટાઈમ્સ' એ ખાસ પ્રગટ કરેલા 'બ્રેઈન-પ્લાન'ના અંકમાં ડૉક્ટરો દ્વારા કહ્યું છે. પરીક્ષામાં સતત વાંચવાને બદલે વચ્ચે થોડીક મિનિટો ટેલિવિઝન કે વીડિયો કે રમૂજી કાર્યક્રમો જોવાથી ઊલટાની સ્મરણશક્તિ ખીલે છે.
યાદ રહે કે આપણા મગજની શક્તિ અગાધ છે. એ શક્તિના ભંડારમાંથી આપણે બહુ ઓછી શક્તિ વાપરીએ છીએ. મગજને હંમેશાં પડકાર ગમે છે. તમારા મગજને પોતાને વિકસવું હોય છે. મગજને પોતાને આશ્ચર્યચકિત થવું હોય છે. મગજને નવીનતા ગમે છે. મગજને અવનવા અનુભવો ગમે છે. શરીરની માફક મગજને વ્યાયામ જરૂરી છે. ગામડાનાં લોકો ઉખાણાં કહેતાં કે મગજનો વ્યાયામ હતો. ટી.વી.ના ક્વીઝ કોન્ટેસ્ટ પણ મગજનો વ્યાયામ છે.
સ્મરણશક્તિ ખીલવવા બદામ ખાવાથી કંઈ જ વળવાનું નથી. મગજની સમસ્યા તો મગજથી જ ઊકલે છે. બદામ ખાવાથી મગજ ખીલતું હોય તો ગરીબ લોકો માટે સ્થિતિ હોપલેસ બને છે. ઉપરાંત મહાત્મા ગાંધીનો પુત્ર વિદ્વાન-સંત બનતો નથી તેમ મગજશક્તિ પણ વારસામાં મળતી નથી. સુપર બ્રેઈનને કેળવી શકાય છે તેમ લંડન સન-ડે ટાઈમ્સના મગજના નિષ્ણાતો કહે છે. 17મી સદીમાં ઈટાલિયન વિદ્વાન એન્ટોનીયો દ' માર્કો મેગ્લિયાબેરી આખા પુસ્તકને કંઠસ્થ કરી શકતા. એમને તો કોમા, વિરામ, અર્ધવિરામ અને પ્રશ્નાર્થ ચિહ્નો પણ યાદ રહેતાં હતાં. શતરંજનો મહાન અમેરિકન ખેલાડી બોબી ફીશર ઈંગ્લેન્ડમાં ચેસ રમવા ગયો. એક જ દિવસમાં આઈસલેન્ડની પદ્ધતિ લીધી. ગાઉ-યાન લિગ નામના 26 વર્ષના ચીની યુવાનને 2000 જેટલા ટેલિફોન નંબર યાદ રહેતા. રશિયાના સોલોમન વેનિયામિનોફ નામના વિદ્વાનની સ્મરણશક્તિ અદ્દભુત હતી. તેમને પ્રયાસ કર્યા વગર બધું યાદ રહેતું. શરીરના તાપમાનને અંકુશમાં રાખતા. મગજને એકાગ્ર કરીને તાવ ઉતારી નાંખતા હતા.
બ્રિટિશ ફિલસૂફ સર આલ્ફ્રેડ આયરે 77 વર્ષની વયે કહેલું, 'હું વૃદ્ધ થતો જઉં છું તેમ તેમ મૌલિક વિચારો ઘણા પ્રયાસ પછી આવે છે. પરંતુ હું પહેલાં કરતાં વધુ ઝડપથી લખી શકું છું. સત્ય તારવવાની શક્તિ વધી છે. પૃથક્કરણની શક્તિ વધી છે... હું ઓછી ચિંતા કરીને, ઓછો દારૂ પીને અને સિગારેટ બિલકુલ નહીં પીને મારા મગજના કોષો જે રોજ મરે છે તેની સંખ્યા ઘટાડું છું. હું મગજનો વ્યાયામ કરું છું.
માત્ર પરીક્ષા વખતે જ નહીં પણ રોજરોજ વિદ્યાર્થીએ અભ્યાસ બહારનાં પુસ્તકો વાંચવા જોઈએ. અઘરા વિષયો, વિજ્ઞાન, કોસ્મોલોજી, બાયોટેકનોલોજી વગેરેને સમજવા કોશિશ કરવી જોઈએ. મગજને કેળવવું હોય તેટલું કેળવી શકાય છે. વિલિયમ શેક્સપિયર કાનૂનની આંટીઘૂંટી જાણતા. સૈનિકો, ખલાસીઓ, ખેડૂતો, મોચીઓ, ખાટકીઓ, વેપારીઓ અને વણકરોના જીવનની સૂક્ષ્મ વાતો જાણતા. શેક્સપિયરનાં 37 નાટકો અને કવિતામાં ઔષધો અને માનસચિકિત્સાની વાતો 700 વખત આવે છે. શેક્સપિયરનું તબીબી શાસ્ત્રનું જ્ઞાન અદ્દભુત હતું. 'ટ્વેલ્ફથ નાઈટ'ના નાટકમાં બે પાત્રો રોજ ખૂબ દારૂ ઢીંચે છે. કાળક્રમે તેમનાં લીવર બગડે છે અને તે બંને મગજ શક્તિ ગુમાવે છે તે વાત નાટકમાં વણી છે.
પરંતુ આ બધી મગજશક્તિની મોટા માણસોની વાત છે. આજના વિદ્યાર્થી જે પરીક્ષા આપે છે કે આપવાના છે તેમણે અને મા-બાપે મગજને કસવા અને સ્મરણશક્તિ વધારવા શું કરવું?
સૌ પ્રથમ જાણી લો કે મગજની સ્મરણશક્તિ શેનાથી નાશ પામે છે?
(1) સ્મરણશક્તિ એક જ ક્ષણમાં ચાલી જાય છે. મસ્તક પર જોરથી ધક્કો લાગે કે આઘાત લાગે તો સ્મરણશક્તિને અસર થાય છે. જગતમાં ઘણા લોકો મળી આવે છે જે ટી.વી.ની સચીન તેંડુલકરની જાહેરખબર માફક પોતાની ઓળખ ભૂલી જાય છે સાચેસાચ. યુરોપનાં રેલવે સ્ટેશનોમાં એવા ઘણા લોકો મળી જાય છે, જેને ક્યાં જવું છે, તેનું નામ શું છે તે ભૂલી જાય છે.
(2) લાંબો સમય - 15 વર્ષ સુધી સતત દારૂ પીવાથી સ્મરણ ઓછું થાય છે.
(3) સિગારેટના કાર્બન ડાયોક્સાઈડથી સ્મરણશક્તિ ઓછી થાય છે. વિદ્યાર્થી જાગવા માટે સિગારેટ ન પીવે - જાગવા માટે દીર્ઘ શ્વાસ (Deep Breakhing) કરે કે પ્રાણાયામ કરી લે. ટ્રાન્કિવલાઈઝર દવાઓ, પીડાનાશક દવા અને બીજી ઘણી દવાઓ સ્મરણ શક્તિને ખરાબ અસર કરે છે. માથાના દુઃખાવાની ટીકડી પણ વિદ્યાર્થી ન લે. તેનાથી સ્મરણશક્તિ પર અસર થાય છે.
હવે મગજને સતેજ કરવા શું કરવું તે જાણી લો :
(1) ડૉ. ડેનિયલ ગૉલમેન કહે છે કે તમારું મગજ બૌદ્ધિક પડકારો આવે ત્યારે વધુ સમૃદ્ધ બને છે. પરીક્ષાથી ગભરાઓ નહીં. તમારા મગજની શક્તિને અન્ડર એસ્ટીમેટ ન કરો. મગજને કસી શકાય છે. તમને ન સમજાય તો પણ રોજ અંગ્રેજી અખબારો વાંચો, ગીતાના સંસ્કૃત શ્લોકો સમજવાની માથાફોડ કરો. અંગ્રેજી ફિલ્મો જોઈ તેના સંવાદ સમજવાની કોશિશ કરો.
(2) યાદ રાખો કે સુપરબ્રેઈન ધરાવનારા લોકો જિંદગીના દરેક વિષયમાં રસ લે છે. ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસની રમતમાં સમજ ન પડે તો પણ સમજ પાડીને રસ લેવો જોઈએ.
(3) તમે તમારી પોતાની જાતથી ખુશ રહેશો તેટલું મગજ સતેજ થશે. રમૂજી પુસ્તકો વાંચો, સુખદ અંતવાળી ફિલ્મો જુઓ, શબ્દ વ્યૂહરચનાના કોઠા ભરો. કવિતા લખવા ટ્રાય કરો, વાર્તા લખવા કોશિશ કરો. તંત્રીને પત્રો લખો, લેખકો સાથે વાતો કરો, સંપર્ક કરો, તમે નાટક કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી શકો છો. તે માટે થોડી ગુસ્તાખી કરો.
(4) તમારાથી વિરોધી વિચાર ધરાવતા લેખકોના લેખો વાંચવાનું બંધ ન કરો. એવા વિરોધવાળા વિચારો વાંચવાથી મગજને પોઝિટિવ ઉત્તેજના મળે છે.
(5) રોજ ડાયરી લખો. ડાયરીમાં તમારી ચિંતાનું લિસ્ટ રાખો. પછી તે ચિંતાના લિસ્ટને નાનું કરતા જાઓ. છેલ્લે લખો કે ઉપરથી આસમાન પડી જાય તો પણ અને ભારત ક્રિકેટનો વર્લ્ડ કપ ન જીતે તો પણ વર્લ્ડ કપ ન જીતે તો પણ અને પરીક્ષામાં નાપાસ થાઉં તો પણ હું ડીપ્રેસ્ડ નહીં થાઉં. પરીક્ષાની લગીરે પણ ચિંતા નહીં કરું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર