માનવીની ગતિ જીવમાંથી શિવ તરફ છે, સતત સંગ રાખીને નિઃસંગ થવાનું છે

24 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

કીડી બિચારી કીડલીને કીડીનાં લગ્ન લેવાય
પંખી પારેવડાને નોતર્યા... કીડીને આપ્યાં સન્માન
હાલો ને કીડીબાઈની જાનમાં
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે ખજૂરો પીરસે ખારેક
ભૂંડે રે ગાયા રૂડાં ગીતડાં... હે પોપટ પીરસે પકવાન
મંકોડાને મોકલ્યો માળવે રે લાવ્યો માંડલિયો ગોળ
મંકોડો કેડેથી પાતળો ગોળ ઊપડ્યો ન જાય
મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવા ગામ
હામા મળ્યા બે કૂતરા... હે બિલાડીના કરડ્યા બે કાન
ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરા રે કાંકીડે બાંધી છે કટાર
ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા... હે ગધેડો ફૂંકે શરણાઈ
ઉંદરમામા હાલ્યા રે રિહામણે ને બેઠા દરિયાને પેટ
દેડકો બેઠો ડગમગે... હે મને કપડાં પહેરાવ
જાવું છે કીડીબાઈની જાનમાં
વાંસડે ચડ્યો વાંદરો રે જુએ જાનની વાટ
આજ તો જાનને લૂંટવી હે લેવા સર્વેનાં પ્રાણ
કઈ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનંતી... હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઈની જાનમાં...

એરિક ફ્રોમ મારો પ્રિય ફિલસૂફ છે જેનું એક સૂત્ર મને-તમને ખૂબ ગમશે. માનવની પ્રથમ ફરજ શું છે? માનવની પ્રથમ ફરજ એ છે કે તેણે પોતાને જાણવો. આજે આપણે આપણને જાણીએ છીએ? કે વેરવિખેર કરીએ છીએ? આજે મારે, તમારી સાથે અમારા સૌરાષ્ટ્રના ભોજા ભગતની ફિલસૂફીને ભેગા મળી જાણવી-માણવી છે. તેનું ઉપરનું લોકગીત માણસને ચોખ્ખી શિખામણ આપે છે કે આ ઈશ્વરના દરબારમાં તારે બીજા જીવો સાથે લગ્નમાં કે લગનીમાં રહેવાનું છે. એલુફનેસમાં (એકલપટુડા) સરકી જવાનું નથી. હિન્દુસ્તાનના માનવોનું મૂલ્ય એ છે કે ગામઠી ભાષામાં આપણે સૌ ‘માણહ ભૂખ્યા’ છીએ. અમેરિકનો અને યુરોપિયનો માણહ-ગંધારા બની ગયા છે. માનવજાતથી અળગા થતા જાય છે. એરિક ફ્રોમ કહે છે : તમારે પીડાથી ભાગવું ન જોઈએ. સમાજથી-સગાથી ટોટલ ડિટેચમેન્ટ સારું નથી.

ગામડામાં લગ્ન લેવાય ત્યારે કેવા કેવા દૂર દૂરનાં સગાંને યાદ કરીને કંકોત્રી લખાય છે તે કદી જોયું છે? કાકા, મામા, ફોઈ, માસી તો ઠીક પણ માસીના જમાઈના કાકા અને એ જમાઈના કાકાની માસીને પણ યાદ કરાય! તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ભોજા ભગતે ઉપરની જે લોકકથા લખી તેમાં કીડીબાઈની જાનમાં કીડીબાઈનાં લગ્ન લેતી વખતે પ્રાણીજગતના તમામે તમામને યાદ કરાય છે. પરસ્પર દુશ્મન હોય તેવા બિલાડી-ઉંદરને પણ યાદ કરાય છે.

ડબલ્યુ સમરસેટ મોમે વર્ષ 1921માં ‘ધ સર્કલ’ નામનું પુસ્તક લખેલું. તેમાં પશ્ચિમી સમાજમાં જે નિઃસંગની અને લગ્નમાં બેવફાઈ આવી ગઈ છે તે વિશે ટકોર કરેલી કે આપણા લોકો ઝટપટ ‘પ્રેમ’ થયો કહી ભાગડ-ભૂતડ રીતે લગ્ન કરી લે છે. ઉતાવળે લગ્ન કરી નિરાંતે પસ્તાય છે. પણ તમે એશિયાના લોકો અને હિન્દુસ્તાનના લોકો જુઓ. એ લોકો ઉતાવળે ઉતાવળે લગ્ન કરતા નથી. ચૂપચાપ લગ્ન કરતા નથી. તમારાં લગ્નોમાં આખું ગામ હિસ્સો લે છે. દૂર દૂરનાં સગાંને બોલાવાય છે. ઘણાં લગ્નોનો ઉત્સવ તો મહિના સુધી ચાલે છે...

માંડવરે રે કાંઈ ઢાળોનો બાજોઠી
કે ફરતી મેલો ને કંકાવટી કે
આજ મારે લખવી છે કંકોતરી

માંડવો બંધાય તેનુંય મુહૂર્ત હોય. કન્યા-વર અગ્નિની સાક્ષીએ લગ્ન કરવાનાં હોય તે લગ્નવેદીની માટી લેવા ગામની કુંવારિકાઓ ગાતી ગાતી માટી લાવે છે. અરે, સુતારને ત્યાંથી માણેકસ્તંભ લાવવાનો હોય તેનું પણ મુહૂર્ત જોવાય. એને બદલે પશ્ચિમને વાદે વાદે આપણે પણ શું કરીએ છીએ? તમે જાણો છો. લગ્ન જિંદગીનો લહાવો છે. તે લહાવો લો અને બીજાને આપો. સમરસેટ મોમે જોકે કહેલું કે હિન્દુસ્તાનના લોકો પણ પ્રેમ કરે છે અને પ્રેમ થયા પછી ઝટપટ લગ્ન કરતા નથી. બંને પક્ષવાળા મંજૂર કરે પછી લગ્ન કરે છે. અને પછી કન્યાનો બાપ ના પાડે તો? તો શું થાય છે? ‘ન પરણેલા લોકો વચ્ચે જે લગ્નમાં બંધન થવાનું હોય છે તેના કરતાં ન પરણે ત્યારે જે સૂક્ષ્મ રીતે આંતરિક બંધન હોય છે તે અમર રહે છે. જે બંધન એકબીજાને પીડતું નથી. પોતે જ પ્રેમથી પીડાતું રહે છે.' સાચું? તમારો શું અનુભવ છે?

હવે આપણે જો ભોજા ભગતના લોકગીતનું ઓશિંગણ લઈને આ અણમોલ વિષયની ચર્ચા ઉપાડી છે તે ભોજા ભગતને જાણીએ અને તે માટે લોકકથા લેખક મનસુખભાઈ સાવલિયાએ ‘ગુજરાતી વિશ્વકોશ’માં અજોડ લેખ લખ્યો છે. તેની દૃષ્ટિથી પણ ભોજા ભગતને જાણીએ.

ભોજા ભગતનાં લોકગીત કે ભક્તિગીત કે તેમનાં વચનોમાં પરમતત્ત્વનું બળ છે કારણ કે ભોજા કરશન સાવલિયા એ ભલે લેઉવા પટેલ હોય પણ કશાક વધુ પડતા ભક્તિ અને ધર્મનાં જીન્સ લઈને 1785માં દેવકીગીલોલ ગામે માતા ગંગાબાઈને પેટે જન્મેલા. બાર વર્ષની ઉંમર સુધી કોણ જાણે તે અનાજ લેતા નહીં. બાજરાના રોટલા સામે જુએ નહીં. તે માત્ર ગાયનું દૂધ જ પીતા. તેથી મનસુખભાઈ સાવલિયાના (જેની સાતમી પેઢીએ ભોજા ભગત સગા થાય છે.) કહેવા મુજબ તે ‘દૂધાધારી બાળયોગી’ કહેવાતા. મારે ગામ ઝાંઝમેરમાં ગિરનાર કે હિમાલય કે ઋષિકેશથી તપસ્વી બાબા આવતા તેમાંના 99 ટકા દૂધ ઉપર જ રહેતા. ગિરનારના બાવાઓ જાણતા કે સૌરાષ્ટ્રના ગામડાના લોકો શ્રદ્ધાળુ હોય છે અને બાવાઓને શ્રદ્ધાથી જુએ છે. પાળે છે, પોષે છે. એટલે જ ગિરનારથી રખડતા રખડતા રામેતવન નામના યોગી ભોજા ભગતના ગામ દેવકીગીલોલ આવ્યા. ભોજાને તેણે આશીર્વાદ આપવા સાથે માથે હાથ મૂકી શક્તિપાત કર્યો.

ખરેખર આ શક્તિપાતની વાત સૌરાષ્ટ્રમાં તો સેંકડો વર્ષથી બાવાઓ કરતા આવ્યા છે. તે પછી જ મુક્તાનંદ સ્વામી મહેશ યોગી, રાજર્ષિ મુનિ અને રજનીશે તે વાટ પકડી છે. રામેતવન મુનિના શક્તિપાત થકી કહેવાય છે કે, ભોજાની કુંડલિની જાગ્રત થઈ. તે પછી જ તેમણે અનાજ લીધું અને રામેતવનબાપુએ ભાવિ ભાખ્યું કે આ બાળક મહાન ભગત, યોગી અને કવિ થશે. આ કથન સાચું પડ્યું. કોણ જાણે ઈશ્વર સતત સૌરાષ્ટ્રના લોકનું ધીંગાપણું ચકાસવા માગે છે. પણ ભગવાનને ભાન નથી કે સૌરાષ્ટ્રના માણહને દુકાળથી ભાંગવો પણ મુશ્કેલ છે. તે દુષ્કાળને ગાંઠતો નથી. દુષ્કાળ પોતે થાકી જાય તેટલી હદે અમે દુષ્કાળને પચાવીએ છીએ. મેં મનસુખ સાવલિયાને પૂછ્યું કે એક બાજુ આ બધા પટેલો પછી તે લેઉવા હોય કે કોઈપણ પેટા જ્ઞાતિના પટેલ હોય તેનામાં ઊંડે ઊંડે આધ્યાત્મિકતાનાં બીજ કેમ હોય છે? અને મોટે ભાગે તે પ્રેમાળ હોય છે. પરગજુ હોય છે. તેનું રહસ્ય શું છે?

તો સાવલિયાએ કહ્યું કે આખરે તો તે ધરતીપુત્ર છે અને ધરતીને માતા ગણીએ તો આ લેઉવા કે કડવા કે મીઠા પટેલો ધરતી ઉર્ફે ભગવાનને સૌથી વહાલા છે. ધરતીપુત્ર એટલે માત્ર કહેવા પૂરતા નથી. મને બરાબર યાદ છે કે મારા ગામમાં સતત બીજો દુષ્કાળ પડ્યો ત્યારે પાંચા પટેલ તેના સૂકા ખેતરમાં આંટા મારતા હતા તે જોઈ મેં પૂછ્યું, ‘દાદા’ કેમ આ કોરા ખેતરમાં આંટા મારો છો?’ તો કહે, ‘બચુડા’ જો આ ખેતરની હું ભાળ કાઢવા ન આવું તો ખેતરને ખોટું લાગે કે ‘મારો બેટો ખેતર લીલુંછમ હોય ત્યારે આવે છે અને સૂકું હોય ત્યારે ભૂલી જાય છે. એટલે હું અહીં આવું છું.’

કીડીબાઈના લોકગીતને છેવાડે ભોજા ભકતે લખ્યું છે કે ‘કઈ કીડીની અને કોની જાન છે રે, સંતો કરજો વિચાર. ભોજા ભગતની વિનંતી... ‘હે સમજો ચતુર સુજાણ.’ તો આપણને ઉપરના લોકગીતમાં ભોજા ભગત શું બોધપાઠ આપવા માગે છે? મનસુખભાઈએ લાંબો જવાબ આપ્યો. પણ સાર એ છે કે કીડીરૂપી જીવાત્મા કે માનવે આખું જીવન પરમાત્મા તરફ જવાનું છે એટલે કે બધા જ મદમોહ ત્યાગીને પોતે ઈશ્વરસ્વરૂપ બનવાનું છે. તે યાત્રામાં તેણે અનેક જીવોને સાથે લેવાના હોય છે. કેટલાક સારા હોય કે નઠારા પણ હોય. એ નઠારાને પોતાના ભોળપણથી સારા કરીને, અહંકાર ત્યજીને, ચંચળતા છોડીને તેણે માનવપ્રેમી બનવાનું છે. જો ભોજા ભગતની ફિલસૂફીને વધુ ઊંચે જાણનાર કોઈ વિદ્વાન વાચક હોય તો છેલ્લે યાદ રાખે કે આખી જિંદગી સગપણોનું આખું સરઘસ છોડીને સંગમાંથી નિઃસંગ થવાનું છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.