નવા વિક્રમ વર્ષે અદૃશ્ય શક્તિનો પરચો કરીએ, નવા સંકલ્પો કરીએ

20 Oct, 2017
12:01 AM

કાન્તિ ભટ્ટ

PC: kinja-img.com

નૈં નૈં નૈં

દેખાતું નૈં તેથી નૈં

એ વાતના સૈ, ના સૈ મારા ભૈ

દેખાતું નૈ તેથી નૈં

દેખી દેખીને તું દેખે શું કેટલું

દેખ્યું તે સમજે શું કૈં?

દેખ્યા દેખ્યામાં બહુ ફેર

આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ

તારાં ઉતારું સહુ ઝેર

- કવિ સુન્દરમ્

2060ના વિક્રમ સંવતના પ્રભાતે આપણે મહર્ષિ અરવિંદની ફિલસૂફીને પચાવનાર કવિ સુંદરમના કાવ્યની ઊંડી ફિલસૂફીને સમજીએ. સમજવાની કોશિશ કરો એટલે ઊંડો અર્થ સમજાશે કે આપણા જીવન-વ્યવહારમાં કે સંબંધોમાં પરસ્પર મીઠાશ અને પ્રેમ રાખીએ તો એ પ્રેમનાં આંજણ થકી એકબીજાની નજરનાં ઝેર ઊતરી જાય છે. પછી જ તેમનું સાચું નજરે પડે છે. કેટલીક વખત આપણને ન દેખાય તેવો સ્નેહ પણ સામી વ્યક્તિમાં આપણે માટે પડ્યો હોય છે. ઈશ્વર પણ ચૂપ રહે છે. તમને કષ્ટ આપી કસોટી કરતો હોય ત્યારે પણ ઈશ્વર કંઈક શુભ છુપાવી રાખતો હોય છે, જેને જોતાં-ઓળખતાં શીખવું જોઈએ તે જ આ કવિતાનો ભાવાર્થ છે.

આપણને જરૂર છે માત્ર આપણી આંખમાં સ્નેહ અને સાચી સમજણનો આંજણ આંજવાની. એવું આંજણ આંજીએ તો પરસ્પરનાં ઝેર ઊતરી જાય છે. આ ઝેરીલા યુગમાં આવા અમૃતની જરૂર છે.

આ નવા વર્ષે ઘણા લોકો બાધા-આખડી લે છે. ખરી રીતે નવા વર્ષે બે દુઃખ છે તેવું માની ન લેવું. આપણા સુખની કદર કરવા ઈશ્વરના આભારી થવું જોઈએ. એકાદવાર પ્રયાસ કર્યો અને નિષ્ફળ ગયા તેથી પ્રયાસ છોડી ન દેવો. બીજું જે. કે. મારલે (J.K.Morley) નામના કવિએ સરસ સૂત્ર આપ્યું છે, "The size of a man can be measured by the size of the thing that makes him angry." આજના જટિલ યુગમાં આપણું જીવન અનેક સંયોગો ઉપર અવલંબન રાખે છે. કશુંક તો તમારી અપેક્ષા વિરુદ્ધ થવાનું જ છે. મનગમતી વાત બનવાની નથી. તે સમયે મિજાજ ગુમાવવો પોષાય નહીં. અમેરિકાના વિદ્વાન રાજકારણી અને ફિલસૂફ થોમસ જેફરસને કહેલું કે બીજા પર જીત મેળવવી હોય તો એ માણસ ગુસ્સો કરે ત્યારે તમારે શાંત રહેવું. નાની વાત ઉપર મોટો ગુસ્સો કરો ત્યારે તમારું માપ નીકળી જાય છે. તમારી લઘુતા પ્રગટ થઈ જાય છે. કશાંક મૂળભૂત મૂલ્યો માટે મોટો રોષ કરો તો ઠીક છે. થોમસ ડેકર તો કહે છે કે 'જે માણસ ગુસ્સે ન થાય તે પુરુષ નથી.' પણ ક્ષુલ્લક બાબતો પર ગુસ્સે થવું તેમાં કોઈ મર્દાનગી નથી. હોટલબોય ઉપર ગુસ્સો કરો તે નક્કામો છે. આ વર્ષે સંકલ્પ કરો કે નજીવી વાતમાં ગુસ્સો નહીં કરું. ઉદાર અને સહિષ્ણુ બનીશ.

જેમ કવિ સુંદરમે કહ્યું કે ન દેખાતી ઘણી ચીજો આપણને બળ અને સ્નેહ દે છે તમે વિખ્યાત માનસશાસ્ત્રી અબ્રાહમ મેસ્લાએ પણ બહુ જ વિશ્વાસપૂર્વક ખાતરી આપી છે કે તમને ન દેખાતી હોય તેવી શક્તિ તમારી અંદર સૂતેલી છે. તમારા સખત પુરૂષાર્થ અને સાથે સાથે યોગ કરો, ચિંતન કરો ત્યારે તમારી અંદરની શક્તિ મજબૂત થાય છે. જગતમાં પડકારોને ઝીલવા બહારની શક્તિઓની મદદ લઈએ તે વખતે આપણી અંદરની શક્તિ પણ વલવલાટ કરીને બહાર આવવા મથે છે. નવા વર્ષે એક હકારાત્મક સંકલ્પ કરો કે ગમે તેવા અવરોધો આવે પણ આરંભેલું કામ છોડી દઈશ નહીં. કેટલાક વેપારી, ખેલાડી, વિદ્યાર્થી કે કલાકાર સતત સંઘર્ષ કરીને જ ટોચે પહોંચે છે. ‘પરફોરમર્સ’ નામનું પુસ્તક ચાર્લ્સ ગેર ફિલ્ડે લખ્યું છે તેની વાત આપણા નવા વર્ષના સંકલ્પ વખતે યાદ રાખવા જેવી છે.

‘ચંદ્રને આંબવા માટે પ્રથમ એપોલો યાન ઊપડેલું તે યાન તેના રસ્તામાં 90 ટકા વખત આડે રસ્તે ગયેલું. એપોલો યાનના ચાલકોએ તેને સંખ્યાબંધ વખત ઠીક રસ્તા પર મૂકવું પડતું હતું. ચંદ્રને પહોંચવા જો અતિ આધુનિક યંત્રણાવાળું યાન 90 ટકા વખત ખોટે માર્ગે જાય તો આપણે તો નાના નાના ઉદ્દેશો પાર પાડવા ખોટે રસ્તે જઈ શકીએ છીએ. સાચો રસ્તો ક્યાં છે તે કાંઈ ભીંત પર ચીતર્યો નથી. સાચો રસ્તો એ જ પૂર્ણતાની નિશાની છે એમ માનવાનું નથી. ઘણી વખત સાચે રસ્તે જવા ઘણા ખરબચડા અને ખોટા દેખાતા રસ્તેથી પસાર થવું પડે છે. મેં ઘણા મહાન લોકોનાં જીવનચરિત્રો વાંચ્યા છે. તે લોકોએ એકરાર કર્યો છે કે સફળતાની ટોચે ચઢતા પહેલાં ખોટી શરૂઆત કરેલી. નિરાશ કે પ્રારંભિક નિષ્ફળતા પણ તમને દૃઢ સંકલ્પવાળા અને ઈશ્વરની કૃપાને લાયક બનાવે છે.’

નવા વર્ષે યોગ વસિષ્ઠનો એક શ્લોક પણ યાદ કરવા જેવો છે :

અમૃતત્વં વિષં યાતિ

સ દૈવામૃત વેદનાત્ ।

શત્રુ મિત્રત્વમાયાતિ

મિત્ર સંવિત્તિ વેદનાત્ ।।

એટલે કે સદાય અમૃતરૂપે ચિંતન કરવાથી વિષ પણ અમૃત બની જાય છે. મિત્રભાવથી જ હંમેશાં ચિંતન કરવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે. પતિ-પત્ની, ભાઈ-ભાઈ કંપનીના ભાગીદારોએ આ નવા વર્ષે સંકલ્પ કરવો કે થોડોક સદ્દભાવ સિલકમાં બચ્યો હોય તો મિત્રભાવે અને પ્રેમભાવે ચિંતન કરીને પરસ્પરની દાનત વિષે શંકા ન કરવી. નવા વર્ષમાં નવા શત્રુ કારણ વગર ઊભા નહીં કરીએ અને જૂના મિત્રોને યાદ કરીને તેને મૂડી ગણીને સાચવીશું. આજના સંયોગોમાં માનવીને દુશ્મનો કરતાં વધુ ને વધુ મિત્રોની જરૂર છે. કેટલાક લોકો સાવ લેવા-દેવા વગર દુશ્મન બનાવી લે છે. મિત્રતાની કસોટી ન કરવી. મિત્ર છે એટલુંય બસ છે.

છેલ્લે આ મૂડીવાદના યુગમાં આપણે અમેરિકન ઢબનો મૂડીવાદ અપનાવવાનો નથી. ભારત અને ગુજરાતની પ્રગતિ માટે મૂડીવાદ એક સાધન છે, સાધ્ય નથી. એટલે મૂડીવાદનાં દૂષણોથી દૂર રહેવાનું છે. મૂડીવાદનું પ્રથમ દૂષણ છે ગમે તેમ કરીને સફળ થવું. સફળ થઈને બીજાને એ સફળતાથી દૂર રાખવા. સફળતાને એટલું બધું મહત્ત્વ અપાયું છે કે ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને એક દિવસમાં આપણે આઉટ ન કરી શકીએ, હરીફને પાડી દેવામાં સફળ ન થઈએ, પરીક્ષામાં પાસ ન થઈએ ને નવા ધંધામાં સફળ ન થઈએ ત્યાં આપણે જ આપણું અવમૂલ્યન કરવા માંડીએ છીએ. જે. કૃષ્ણમૂર્તિને 5-3-1962માં એક પ્રશ્ન પુછાયો : ‘અમને શું કામ નિષ્ફળતાનો ડર લાગે છે?’ કૃષ્ણમૂર્તિએ અતિ સુંદર જવાબ આપ્યો હતો.

કૃષ્ણમૂર્તિએ સામો જવાબ પૂછ્યો ‘તમારે સફળ શું કામ થવું છે? તમે કંઈક પ્રવૃત્તિ કરો છો. તમે કોઈ પ્રયાસ કરો છો કે પુરુષાર્થ કરો છો, તે પુરુષાર્થ કે પ્રવૃત્તિ જ તેના સ્વરૂપે સુંદર છે, તો પછી તમને સફળ થવાની લાગણી શું કામ જોઈએ છે? સફળ થાઓ છો એટલે તમને ગર્વ આવે છે. એ પછી તમે ગુણિયલ થવા માગો છો અને તમારી જાતને કહો છો ‘અરે મારે સફળતાનું અભિમાન કરવું ન જોઈએ.’ એ પછી તમે સફળ થયા હો છો એટલે ગુરુઓ પાસે, ધર્માત્મા પાસે અને અખબારવાળા પાસે જાઓ છો અને તમે હ્યુમિલિટી કલ્ટીવેટ કરો છો – નમ્રતા કેળવો છો. એ પણ એબ્સર્ડ છે – વાહિયાત છે. પરંતુ જો તમે કંઈ પણ કામ કરતા હો, કંઈ પણ પ્રવૃત્તિ કરતા હો અને પછી કહો કે હું ફલાણું કામ કરું છું કારણ કે મને એમાં મઝા પડે છે, અને એ કાર્ય પ્રત્યે પ્રેમ છે. બીજાના પ્રેમ ખાતર હું કામ કરું છું. જો એમ કરતા હો તો પછી સફળતા અને નિષ્ફળતાનો કોઈ સવાલ જ રહેતો નથી. આ નવા વર્ષે સંકલ્પ કરો કે અમેરિકન ઢબનો મૂડીવાદ નહીં પણ સૌનું કલ્યાણ થાય તેવા મૂડીવાદને ઘડવામાં અને અપનાવવામાં તમે ફાળો આપશો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.