લોકોને સારપનું પણ વ્યસન હોય છે

12 May, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC:

અમુક પત્રકારો, લેખકો, રાજકારણીઓ અને તમારા ઘરમાં પત્ની કે સાસુને સતત વઢવાડ કરવાની ટેવ હોય છે. તે લોકો એગ્રી થઈ સકતા નથી. જન્મજાત કંઈક આડું ફાડવાની ટેવ હોય છે. મોહમ્મદ અલી ઝીણાથી માંડીને જનરલ મુશર્રફ સુધીના મુસ્લિમો એની ડાંડો પકડી રાખે છે. મનો વિજ્ઞાનની દૃષ્ટિએ ગોધરાના ઘાંચી કદી અહિંસક બની જ ન શકે.

લગભઘ 100 વર્ષ પહેલાંનો એક અમેરિકન રાજકારણીનો જ દાખલો છે. ફિયારેલો ગાર્ડીયા ન્યૂયોર્કનો મેયર થયો હતો. તે પોતાના બચપણની વાત કરતો ત્યારે કહેતો, 'હું નાનો હતો ત્યારે શેરીમાં રખડતો. તોફાન કરવાની મઝા આવતી. શેરીમાં કોઈનો ઘોડો બાંધ્યો હોય તે છોડીને 1 કલાક સવારી કરીને ઘોડાને દોડાવીને પાછો બાંધીને ભાગી છૂટીએ. આ વાત સાંભળનારા મિત્રે કહ્યું, 'એટલે કે તમે નાના હતા ત્યારે ઘોડાચોર હતા.' મેયરે કહ્યું, ના, હું તમને કહેવા માગું છું કે, હું પણ એક વખત કિશોર હતો, પણ મોટા થયા પછીય ફિયારેલાને મોટર ચોરવાની ટેવ પડેલી. ચોરવું તે તેનું વ્યસન થઈ ગયું. આજે સલમાન ખાનને દર છ મહિને કંઈક ને કંઈક નવો રોમાન્સ કે તોફાન કરવા જોઈએ જ. કવિ ડબલ્યુ. એચ. ઓડેને 'નરક' નામના કાવ્યમાં કહ્યું છે કે, બધાં જ સારાં કાર્યો એક વ્યસન છે અને દરેક પાપ પણ વ્યસન છે. જે માણસ પાપ કરવા કે ખોટું કરવા ટેવાયો હોય તે સાચું કહી જ શકતો નથી. ખોટું જ કરવાની ટેવવાળો વકીલ સાચો થવા જાય તો ભૂખે મરે એમ ઘણા એડવોકેટો કહે છે. મુંબઈમાં એક કાનાણી નામના વકીલ કહે છે કે તે ખોટું કરે તો જ કમાય છે.

કેટલાકની નિષ્ઠા એટલી બધી આદતરૂપ બની ગઈ હોય છે કે તે ખોટું કરે તો પણ તેને લોકો ખોટો માને નહીં. એક વખત સિકંદર ખૂબ બિમાર પડ્યો. મોટા ભાગના તબીબો તેની સારવાર કરતા હતા. કદાચ તે મરી જાય તો? પરંતુ એક ડૉક્ટર ફિલિપ ધ આર્કેનિયને જોખમ ખેડવા ઈચ્છા બતાવી. સિકંદર સાથે તેને દોસ્તી હતી. સિકંદર માટે દવા તૈયાર થઈ રહી હતી ત્યારે ડૉ. ફિલિપના એક દુશ્મને સિકંદરને ચિઠ્ઠી આપી કે પર્શિયન રાજાએ ડૉ. ફિલિપને લાંચ આપીને તમારી દવામાં ઝેર ભેળવવાનું ડૉક્ટરને કહ્યું છે. સિકંદરે ચિઠ્ઠી વાંચી અને ઓશીકા નીચે મૂકીને નિરાંતે સૂઈ ગયા. તે પછી ડૉ. ફિલિપ દવા લઈને આવ્યા. કટોરો ધર્યો ત્યારે સિકંદરે ચિઠ્ઠી ઓશીકા તળેથી કાઢીને ડૉક્ટરને આપી અને દવા ગટગટાવી ગયા. ચિઠ્ઠી વાંચીને ડૉ. ફિલિપ તો સિકંદરને પગે પડી ગયા. ત્રણ દિવસમાં જ સિકંદર પાછા ઘોડા જેવા સાજા થઈ ગયા. સિકંદરે મિત્ર ડૉક્ટરને કહ્યું, 'તમે કેટલા બધા ભલા છો તે તમે જાણતા નથી, હું જાણું છું.'

ઑસ્કાર વાઈલ્ડ જેવા લેખકે લખ્યું છે કે, વધુ પડતી સચ્ચાઈ કે ભલાઈ ખતરનાક છે, પણ અમુક માણસો ભલાઈ છોડી શકતા નથી. ઘણી જાતના એડિકશન હોય છે તેમ માણસને નાઈસીટીનું પણ એડિકશન હોય છે. જરા વધુ યોગ્ય શબ્દ વાપરીએ તો માનવીને મનોવિજ્ઞાનીની ભાષામાં અમુક કમ્પલઝીવ ઈમોશન્સ હોય છે. માણસ જાણે છે કે અમુક સ્વભાવ તેને નુકસાન કરે છે, પણ છતાં એ સ્વભાવ પ્રમાણે વર્તન કર્યા વગર ચાલતું નથી. ઓલિવર જેમ્સ નામના મનોવિજ્ઞાનીએ આ વર્ષની શરૂઆતમાં એક નવી જ જાતનાં વ્યસનોની વાત કરી છે.

આપણે ડ્રગ્ઝના વ્યસન વિશે સાંભળ્યું છે. સિગારેટ કે દારૂના વ્યસનની વાત સાંભળી છે, પરંતુ શું તમે અમુક પ્રકારની લાગણીનાં પણ વ્યસની બની શકો? તમે બીજા સાથેની વર્તણૂકમાં સતત ભલમનસાઈ બતાવ્યા જ કરો? તમારી પર્સનાલિટી ઉપર આ વ્યસનનો આધાર છે. તમારી માનસિક અવસ્થા અને સંયોગો થકી તમારી પર્સનાલિટી ઘડાય છે. કેટલીક વખત તમને ખબર હોય છે કે અમુક વર્તનથી તમને નુકસાન થવાનું છે. પણ વર્તન કર્યા વગર તમે રહી શકતા નથી. ડૉ. ઓલીવર જેમ્સ કહે છે સેક્સની જ વાત લો. તમે અમુક પ્રકારના સ્ત્રી કે પુરુષ પ્રત્યે આકર્ષાઓ છો. બીજી વ્યક્તિનાં કેટલાંક શારીરિક લક્ષણો તમને ગમે છે. તમે અમુક સાથીદાર સાથે સેક્સની પરાષ્ઠાએ પહોંચી શકો છો. આ બાબતમાં ફરબીડન ફ્રુટ એટલે કે જે વાતની ચોખ્ખી મનાઈ હોય તે કરવી વધુ ગમે છે. ઘણાને આડા સંબંધોનું સાહસ ટેવરૂપ બને છે. તેના મગજની અંદર જાણે સી.ડી. (કોમ્પેક્ટ ડિસ્ક) ગોઠવાઈ ગઈ હોય તેવું એકધારું લફરાવાળું વર્તન કરે છે. કેટલીક વખત આત્મઘાતક વર્તન પણ કરે છે.

આપણે જન્મીએ છીએ ત્યારે લાગણીઓની બાબતમાં કોરી સ્લેટ હોય છે. સમાજ અને માબાપ તમારા માનસને અને લાગણીને ઘડે છે. દા.ત. બાળકને માતા-પિતા સતત ઠોક ઠોક કરીને પરીક્ષામાં પાસ થવું જ જોઈએ તેવું દબાણ કરે તે બાળક મોટો થતાં વર્કોહોલિક બને છે. તે કામઢો રહે છે. સતત કામ ન કરે તો તેને ગુનો કરતો હોય તેવું લાગે છે. સિનેમા, મનોરંજન કે પિકનિક ઉપર જાય તો જાણે કંઈક ખોટું કર્યું હોય તેમ તેને લાગે છે. માત્ર કશુંક ઉત્પાદક કામ કરે ત્યારે જ તેને સંતોષ થાય છે.

આ પ્રકારનું એડિકશન કઈ રીતે થાય છે? ડૉ. ઑલીવર જામેસ કહે છે કે ચાર મૂળભૂત પ્રક્રિયાઓ માણસને અમુક લાગણીઓનો વ્યસની બનાવે છે.

(1) ટ્રોમા-આઘાત : આપણને કુમારાવસ્થામાં કોઈએ શારીરિક કે માનસિક જફા કરી હોય, કુમારાવસ્થામાં કોઈ હોમો સેક્સે હુમલો કર્યો હોય. છોકરીનું તેના કાકા, મામા કે પિતરાઈ ભાઈએ સેક્સુઅલી શોષણ કર્યું હોય. અગર તો બચપણમાં મા કે બાપ મરી ગયા હોય. સ્ત્રીઓ તો તેની ઉપર બચપણમાં બળાત્કાર થયા હોય તો એ વાતથી એટલી બધી હેબતાઈ ગઈ હોય છે કે ફરીથી કોઈ તેનું શોષણ કરે (એબ્યુઝ કરે) તેવી વ્યક્તિ સાથે જ તે પરણે છે! આવી સ્ત્રીને ત્રાસયાદી પુરુષો જ ગમે છે. એવા પુરુષોનું જ તેને વ્યસન થઈ જાય છે. તેને સતત અમગમતું આવકારવાનું મન થાય છે.

આ પ્રકારની વિચિત્ર લાગણીનું વ્યસન થાય છે કારણ કે, માનવી પોતાને જે આઘાત લાગ્યો હોય તેનું પછી ફરીથી એકશન રિ-પ્લે ઈચ્છે છે. એવું કરીને પછી પોતે તેનો સામનો કરવા ઈચ્છે છે. પોતે નાનપણમાં પાવરલેસ હતા, પણ હવે નથી તેમ બતાવવા માટે જુલમી વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે. બચપણમાં જેણે મા-બાપ ગુમાવ્યાં હોય તેઓને આવો ભયંકર નુકસાનનો અનુભવ ન થાય તે માટે રક્ષણની દીવાલ બાંધવા માંડે છે. આવી વ્યક્તિ સત્તા મેળવવા મથે છે. અગર તો ધન એકઠું કરવા માંડે છે. આ બધી વસ્તુમાં તેને આનંદ આવે છે કે નહીં તે ગૌણ વાત બની જાય છે. માત્ર તેને ધન, મોભો અને સત્તા મેળવવાનું વ્યસન થઈ જાય છે. રાજકારણ, બિઝનેસ, સાયન્સ કે આર્ટના ક્ષેત્રે ઘણા લોકો આવા બચપણના ટ્રોમોને કારણે મોટી સિદ્ધિ મેળવે છે. એ લોકો માટે હાઈ એચિવમેન્ટ-ઊંચી સિદ્ધિ એક વ્યસન બની જાય છે.

(2) ઈમોશનલ ડિપ્રાયવેશન લાગણીની ભૂખ : છૂટાછેડા લીધેલાં મા-બાપનાં બાળકોને આઘાત (ટ્રોમા) ઉપરાંત તેવા બાળકો લાગણીના અભાવથી પીડાય છે. સતત ઘરમાં કંકાસ હોય તેવા ઘરમાં ઊછરેલું બાળક લાગણીનું ભૂખ્યું હોય છે. (જેમ કે આ લેખક) દા.ત. માતા ભણેલી હોય અને ડિપ્રેશનતી પીડાતી હોય તો બાળકને તેની પાસેથી જોઈએ તેવો પ્રેમ મળતો નથી. આને કારણે આવા બાળકને જિંદગીભર સતત ભય રહે છે કે તે કોઈપણ વ્યક્તિની નિકટ જશે એટલે તે રિજેક્ટ થઈ જશે. તેને જોઈએ તેવી લાગણી નહીં મળે. આવી વ્યક્તિને બીજાને વહાલા થવાનું વ્યસન થઈ જાય છે. તમે અમેરિકન ફિલ્મ અભિનેત્રી મિયા ફેરોનું નામ સાંભળ્યું હશે. તેણે પત્રકારોને કહેલું, 'બચપણમાં મને જે લાગણી જોઈએ તે નહીં મળેલી. તેથી મને જે અભાવો લાગેલો તે બીજા બાળકોને ન લાગે તે માટે મેં ઘણા અનાથ બાળકોને દત્તક લઈ પ્રેમ આપ્યો છે.' સલમાન ખાન પ્રત્યે ખરેખર સહાનુભૂતિ રાખવી જોઈએ. તે બચપણથી લાગણીનો ભૂખ્યો છે, તેથી પ્રેમનાં હવાતિયાં મારે છે.

(3) કુટુંબના સંસ્કારનો બોજ : તમે કુટુંબમાં ઊછરીને હજી તમારી પર્સનાલિટી પોતે ઘડો તે પહેલાં તો તમારે માટેની સ્ક્રીપ્ટ કુટુંબના લોકો ઘડી નાખે છે. 'ભરત તો બહુ ડાહ્યો. કહ્યાગરો. કહેલું કામ તુરંત કરે.' 'મનીષ તો ઠોઠ છે, ત્રણ વખત બોલાવીએ ત્યારે માંડ ઊભો થાય. જ્યાં મોકલીએ ત્યાંથી કોરોધાકોર આવે.' 'પારૂલ તો બહુ હોશિયાર, કામ કઢાવીને જ ઘરે આવે. શાકવાળો પણ તેને છેતરી ન શકે.' આમ આપણા માટેની વર્તણૂકની સ્ક્રીપ્ટ કુટુંબીજન લખી નાખે છે. 'કાન્તિના અક્ષર તો બહુ જ સારા.' આવું મારા શિક્ષકમામાએ કહ્યું ત્યારથી ખરાબ અક્ષર કાઢું તો આજે પણ મને ગુનો કરતો હોઉં તેવું લાગે છે.

(4) ભણતર અને ગણતર : બચપણ કે કુમારાવસ્થામાં આપણી વર્તણૂંક માટે આપણે નજર સામે કેટલાંક મોડેલ રાખીએ છીએ. આમાં મોટાભાગના લોકો માટે મા-બાપ મોડેલ બને છે. પણ કેટલાક લોકો મા કે બાપના પણ બાપ બને તેવા છે. કેટલાક પિતા કહે છે કે ચોરી કરવી એ પાપ છે, પણ બાપને કંઈ કહેતો નથી. તે શીખી લે છે કે ચોરી કરવી એ પાપ નથી પણ ચોરી કરીને પકડાઈ જવું તે પાપ છે!

તો શું ઉપરની બધી લાગણીઓ કે સંસ્કારો આપણને મળે તેનો બોજ જિંદગીભર વેંઢારવો પડે? આપણી પોતાની કોઈ પસંદગી કે બીજું વ્યક્તિત્વ ખરું કે નહીં? મનોવિજ્ઞાનીઓ કહે છે, બચપણમાં જે પેટર્ન મગજ પર પડી હોય તેને બદલાવી શકાય છે તે માટે કેટલીક ચિકિત્સા કે સીરોટોનીન નામના રસાયણનું લેવલ નીચું ગયું હોય તેને દવા લઈને (મનોવિજ્ઞાનીને કન્સલ્ટ કરીને) સારું કરી શકાય છે. જે આત્મઘાતક લાગણીઓ ઊભી થાય તેને ડામી શકાય તેની ખબર હોય છે, તેવા લોકો જિંદગીભર આ લાગણીઓના વ્યસની બની રહે છે.

'બ્રિટન ઑન ધ કાઉચ' નામનું પુસ્તક પણ ડૉ. ઑલીવર જેમ્સે લખ્યું છે. તેમાં પત્રકારોની ચોખ્ખી ટેવ અને અમુક છોકરીઓની ખરાબ ચારિત્રવાળા છોકરા સાથે પ્રેમમાં પડવાની (દા.ત. ઐશ્વર્યા) ટેવ વિશે લખ્યું છે. તેમાં જુદા જુદા લોકોના અનુભવો પણ ટાંક્યા છે. લંડનના સન-ડે ટાઈમ્સના પત્રકાર ફિલિપ નોમર્ને પોતાનો અનુભવ કહ્યો છે. તેઓ લખે છે, 'પત્રકારત્વ એ ટોઈડી એટલે કે ચોખ્ખાઈનો કે વ્યવસ્થાનો આગ્રહ રાખનાર માટેનો ધંધો નથી. પત્રકારનું બધું આડુંઅવળું જ પડ્યું હોય. છાપાંના ઢગલાઓ વચ્ચે તે રહેતો હોય છતાં એક પણ ચબરખી કે કટિંગ આડુંઅવળું થવા ન દે. જાણે તેના દીકરાના દીકરાના દીકરા પત્રકાર થવાના હોય તેમ બધું સાચવે. મારી કચરાની ટોપલી ભરપૂર હોય. કોઈ દિવસ હું ટેબલને ગોઠવું ખરો પણ ચાર કલાકમાં એવું ને એવું ગંદું-ગોબરું થઈ જાય. અમને અધૂરું કામ છોડવાની, ઝટ લેખ લખવાની શરૂઆત ન કરવાની વગેરે ટેવો હોય છે. મારી બાબતમાં મેં જોયું કે મારા પિતા ખલાસી હતા. દારૂડિયા હતા, ગંદી ટેવોવાળા હતા. કપડાં ઉપર તમાકુના ડાઘ પડ્યા જ હોય. મારા અમુક પત્રકારમિત્રો વ્યવસ્થિત, સુઘડ અને ચોખ્ખાચટ છે. ડેડલાઈન પાળવામાં પાવરધા છે, પણ હું એ બધા કરતાં સારું લખું છું, છતાં ચોખ્ખાઈ બાબતમાં રેઢિયાળ છું અને રહેવાનો. હું તેની માનસિક ટ્રીટમેન્ટ પણ નહીં કરાવું!' આ અનુભવો ડૉ. ઑલીવર જેમ્સના છે.

ડૉ. ઑલીવર જેમ્સ એક બીજા પ્રકરણમાં પૂછે છે, 'તમને સતત બીજા સાથે મૈત્રીભવ રાખવાનું કે ખુશમિજાજ રહેવાનું વ્યસન છે? તમે ન ઈચ્છો છતાં બીજા મિત્રોને પૈસા ઉછીના આપો છો? કેટલીક વખત ઈચ્છા ન હોય તેવી છોકરા કે છોકરી સાથે પ્રેમમાં પડો છો? આનો જવાબ 'હા'માં હોય તો આ બધી વાતના તમે વ્સયની છો. તમને 'નાઈસનેસ'નો ડાંડો છે. તમે બહુ સારા છો, ભલા છો, તેમ કહેવરાવવાનો તમને નાદ છે, તે માટે તમે હાથે કરીને દુઃખી થાઓ છો. ડૉ. ઑલીવર જેમ્સ કહે છે કે જ્યારે તમારામાં કમ્પલ્ઝીવ કાઈન્ડનેસ એટલે કે અદમ્ય પ્રકારની માયાળુતા હોય છે ત્યારે ખરેખર તો તમે તમારા સમાજ પ્રત્યેના અને કઠોર વ્યક્તિ પ્રત્યેના ગુસ્સાને દબાવો છો.

તમારે પણ બીજાની માફક શોષક બનવું હોય છે. મેનિપ્યુલેટર બનવું હોય છે, પણ બની શકતા નથી. મોટાભાગની નાઈસનેસ કે માયાળુતા અસલી હોય છે, પણ કેટલીક નકલી હોય છે. નકલી માયાળુતા બતાવનારે જલદીથી મનોવિજ્ઞાની પાસે ઈલાજ કરાવવો જોઈએ. મિત્ર પૈસા ઉછીના માગે તો ના પાડી દેતાં શીખવું જોઈએ, પણ અંદરથી મિત્ર પર ગુસ્સો ન કરવો જોઈએ. તમે એક પ્રેમાળ સ્ત્રી છો. તમારા પ્રેમીને તમે ઊંચામાં ઊંચી ભેટ લાવીને આપો છો. બદલામાં પ્રેમી તમને માત્ર પીડા આપે છે. તમે પ્રેમાળ પત્ની તરીકે પિતાને ઘરેથી પૈસા લાવી લાવીને પતિને ખુશ કરો છો. મારૂતિકાર પણ આપો છો, પરંતુ પતિ બદલામાં પ્રેમ નહીં પણ તેની પૈસાની તૃષ્ણા બતાવે છે. પતિ તમને કહે છે કે સ્ટુપીડ છો, મૂરખ છો, ચરબી ખડકતાં જ આવડે છે. તમે ગુસ્સો કરવાને બદલે જાણે તમે હૃષ્ટપુષ્ટ હોવાનો ગુનો કર્યો હોય તેમ તેની માફી માગો છો. કેટલીક સ્ત્રીઓ ગુંડાઓને જ પરણે છે. બ્રિટનમાં મનોવિજ્ઞાની મહિલા હેનરી લેવેલીન ડેવિસના દર્દીઓમાં 60 ટકા એવી સ્ત્રીઓ છે જેને 'ખરાબ છોકરાઓ'(બેડ બોયઝ) પ્રેમી તરીકે ગમવાનું વ્યસન થઈ ગયું છે. આવી સ્ત્રીઓ ઈન્ટીમેટ રિલેશન એટલે કે ઘનિષ્ઠ સંબંધમાં પડવાને બદલે જ્યાં જટિલતા હોય તેવા સંબંધમાં પડે છે. પતિ સાથે તો જટિલતા વણી હોય, પછી બીજો સંબંધ એવો બાંધે છે, જે વધુ કૉમ્પ્લેક્સ હોય. આવી જટિલતાવાળા સંબંધોનું પણ વ્યસન થાય છે. આની બચપણથી ટેવ હોય છે. તમને ફાંકો હોય છે કે તમે ખરાબ પતિ કે રેઢિયાળ પ્રેમીને સુધારી દેશો પણ એ સુધરી શકતો નથી અને તમે વધુ દુઃખી થાઓ છો, કારણ કે તમે જ અવ્વલ નંબરના દર્દી છો અને તમારા દુશ્મન છો. તમે એડિક્ટેડ-ટુ-બેડ-કેરેક્ટર્સ છો.

સારપનું વ્યસન જેટલું ખરાબ છે તેટલું બીજું એકેય નથી તેમ ડૉ. જેમ્સ કહે છે. તેના એક દર્દીએ કહ્યું કે, મને ઘણા મિત્રો કહે છે. 'મારે સતત થોડો નમ્ર થવાને બદલે ફુંફાડો પણ રાખવો જોઈએ, પણ હું મારું કુદરતી વર્તન છોડી શકતી નથી.' આવી વ્યક્તિને ડૉ. જેમ્સે સર આલ્ફ્રેડ હિચકોકનો દાખલો આપ્યો. બ્રિટનના આ મશહૂર ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકે એક વખત મશહૂર અભિનેત્રી ઈનગ્રીડ બર્ગમેનને એક સીન સમજાવીને સામા હીરોને પ્રેમ કરવાનું દૃશ્ય ભજવવા કહ્યું. ઈનગ્રીડ કહે, 'પણ આલ્ફ્રેડ કે સાહેબ, આઈ કેન નોટ ડુ ધેટ નેચરલી.' (હું તે અભિનય કુદરતી રીતે કરી નહીં શકું) એમ કહીને ઈનગ્રીડ બર્ગમેને ખૂબ લંબાણથી પેલા હીરો અને પોતાની લાગણીઓ વગેરેનું વર્ણન કર્યું. ઈનગ્રીડને લાગ્યું કે, તેણે જાણે આલ્ફ્રેડ હીચકોકને ગળે પોતાની વાત ઉતારીને પ્રતીતિ કરાવી દીધી છે. પરંતુ તે પછી આલ્ફ્રેડ હિચકોકે હળવેકથી બર્ગમેનને કહ્યું, 'મેડમ, ઈટ ઈઝ ઓ.કે. ઈફ યુ કેન નોટ ડુ ઈટ નેચરલી, ધેન ફેઈક ઈટ.' - અર્થાત્, વાંધો નહીં, તું તે દૃશ્યને કુદરતી રીતે ન ભજવી શકે તો કાંઈ નહીં, તું બનાવટી, તદ્દન બનાવટી પ્રેમ તો કરી શકે ને? જિંદગીમાં થોડી બેવફાઈ, થોડી બનાવટ, થોડો ફુંફાડો, થોડું નરસાપણું, થોડી અવ્યવસ્થા પણ સારાં છે એમ આલ્ફ્રેડ હિચકોકે એ અભિનેત્રીને સમજાવ્યું, છતાંય માણસ સારપ છોડી શકતો નથી જ નથી

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.