અભાવોંભરી જિંદગી મેં ભાવભરા મૈં બોલા

22 Jun, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: baylorbarbee.com

એક દરિયા હૈ યહાં પર દૂર તક ફૈલા હુઆ

આજ અપને બાજુઓં કો દેખ પતવારેં ન દેખ.

અબ યકીનન ઠોસ હૈ ધરતી હકીકત આકી તરહ

યે હકીકત દેખ, લેકિન ખૌફ કે મારે ન દેખ.

વે સહારે ભી નહીં અબ, જંગ લડની હૈ તુઝે

કટ ચુકે જો હાથ ઉન હાથોં મેં તલવારેં ન દેખ.

દિલ કો બહલા લે ઈજાઝત હૈ મગર ઈતના ન ઉડ

રોઝ સપને દેખ લેકિન ઈસ કદર પ્યારે ન દેખ.

દુષ્યંતકુમાર

નાનપણમાં અમે એક પ્રેરણાદાયી રમત રમતા : ‘ઈધરઉધર જાઉંગા, દંડા લે કે મારુંગા, યે દરવાજા તોડુંગા, છરા લેકે મારુંગા.’

મહુવા શહેરમાં પાડોશમાં આરબ-ચાઉસના છોકરાઓ રહેતા તેમણે આવી જોમવાળી રમત શિખવાડેલી. ફળિયામાં કોલસાથી આટાપાટા ચીતરીને પછી ચીતરેલા દરવાજા તોડતાં-તોડતાં અવરોધોને હટાવવાની રમત રમતા. પછી... પછી કોણ જાણે જિંદગીભર આવી જ રમત સમાજના દુષ્ટ વાતાવરણમાં લડવી પડશે એની કલ્પના નહોતી.

આપણે રોજ-રોજ ઘરે, ઑફિસમાં, સમાજમાં અને સરકારમાં અવરોધો હટાવવા પડે છે, નાનપણથી રમતમાં તો ‘છરા લે કે મારુંગા’ એવું બોલતા, પણ આપણા હાથમાંથી એક પછી એક શસ્ત્રો ઝૂંટવાઈ જાય છે. માત્ર વાણી રહે છે. એ વાણી, વિપ્લવ અને બળવાખોર સ્વભાવ ઝૂંટવાઈ જવો ન જોઈએ. આપણા હાથમાંથી ‘છરા લે કે મારુંગા’ના બહાદુરિયા બોલનો છરો ઝૂંટવાઈ જાય છે અને ખાલી હાથે લડાઈ લડવી પડે છે.

નાનપણમાં મા-બાપ અમર્યાદ વહાલ કરે છે. એ સમયે લાગે છે કે આપણને સમાજ-સૃષ્ટિનાં પાશવી પરિબળો માટેનું માથું મળ્યું છે. મિત્રો, સગાંવહાલાં બધાં જ પ્રેમ કરે છે, તમને કાખમાં તેડીને ફરે છે, પણ મોટા થઈને એટલે એ લાડકોડ ઝૂંટવાઈ જાય છે. તેડીને ફરનારાઓ તમને ફેંકી દેવામાં આનંદ માને છે.

એક બીજી વાત. સગાંઓ કે મા-બાપનું અમર્યાદિત વહાલ આપણી શક્તિઓને કુંઠિત કરે છે, મર્યાદિત બનાવે છે. આપણને સ્પાર્ટાનાં બાળકોની જેમ નાનપણથી જ કઠિનજીવન આપવું જોઈએ. લાડ કરનારાં મા-બાપ પછી મોટા થઈએ ત્યારે ફરિયાદ કરે છે, ‘બચુડો બગડી ગયો છે, કહ્યું નથી કરતો, ટીવી જોયા કરે છે, નાટક-ચેટક કરે છે, પાડોશીની રૂપાળી છોકરી હોય તો પાડોશીનું કામ કર્યા કરે છે, ઘરનું કામ નથી કરતો.’

આમ જગતમાં વિહરવા માટે નાનપણમાં મા-બાપે જે-જે દરવાજા ખુલ્લા મૂક્યા હોય છે તે એક પછી એક બંધ થવા માંડે છે ત્યારે લાગે છે કે લાડ કરવામાં કશીક મર્યાદા રાખી હોત તો સારું હતું. નાનપણમાં જ સંસારના તોફાની સમુદ્રમાં ફેંકી દીધા હોત તો ખારું પાણી પીને ઘણું-ઘણું શીખી ગયા હોત.

પણ હવે? હવે તો જેટલું અમર્યાદ વહાલ થયું હોય એટલા જ પ્રમાણમાં અમર્યાદ અવરોધો મુકાતા જાય છે. આપણી નાનપણની રમત પછી ઘરના લોકો અને સમાજ સામે જ રમવી પડે છે : ‘યે દરવાજા તોડુંગા, છરા લે કે મારુંગા.’ પરંતુ 95 ટકા બાળકો સમાજ કે વડીલો સામે વિદ્રોહ નથી કરી શકતાં, દરવાજા તોડી નથી શકતાં. પછી વધુ મર્યાદા આવે છે. એ પછી વધુ સગવડદાયી મર્યાદા આવે છે. એ મર્યાદાઓ પણ મીઠી લાગવા માંડે છે. પરાધીનતા જાણે વ્યસન થઈ જાય છે. બંધ દરવાજાની અંદર હવા કોઠે પડે છે. દરવાજો તોડીને મુક્ત હવા માણવા જવાની હિંમત નથી રહેતી.

પરંતુ દરવાજા તોડી શકાય છે ખરા. કોઈ વિરલા જ દરવાજા તોડી શકે છે, પણ ઘરની દીવાલો તોડો ત્યાં સમાજ અને સરકારની દીવાલો આવે છે. જુવાનીમાં આપણે ખૂબ જ લાગણીશીલ, ઉત્સાહી, ભાવનાશીલ અને ‘આ કરી નાખું, તે કરી નાખું’નો અદમ્ય જુસ્સો ધરાવીએ છીએ. એમ લાગે છે કે બધું જ પરિવર્તન કરવા જેવું છે, પરંતુ કેટલીક વખત તોડી-તોડીને થાકી જાઓ છો પછી બંધ દરવાજાની અંદર કોઈ સુંવાળી સેજ આવી હોય એમાં એશ કરીએ છીએ, એક ઘોલકી માંડીને બેસી જઈએ છીએ. સિંગલ રૂમ પછી ડબલ રૂમ પછી એપાર્ટમેન્ટ અને પછી બંગલો. એ જાણે આપણો વિકાસક્રમ બને છે, અંદર કુંઠિત-કુંઠિત અને બહાર બધો જ બનાવટી વૈભવ. પછી તમે પોતે જ તમારી આસપાસ દરવાજા-દીવાલો બાંધો છો. ક્લબ, ફર્નિચર, ઈન્ટીરિયર ડેકોરેશન, મોટરકાર. એ પછી આ બધી સગવડો ટકે અને હોદ્દા કે ખુરસી કે આવક જળવાઈ રહે એટલે તમે એના રક્ષણ માટે દીવાલમાં કેદ થાઓ છો. એ પછી ઝૂંપડપટ્ટીનો યુવાન કે ભાવનાશાળી યુવાન કે ખુદ તમારો પુત્ર વિદ્રોહ કરીને તમારી પાસે આવે છે અને તમારી દીવાલ તોડવાનો પ્રયાસ કરે છે ત્યારે તમે જબ્બર પ્રતિકાર કરો છો. આ વિષચક્ર ચાલ્યું આવે છે. મૂડીવાદ ઝૂંપડા સામે મહેલ રચે છે. જૂના જમાનામાં રાજા-પ્રજા એક પ્રકારના આવાસમાં રહેતા હતા. રાજા ઝૂંપડામાં રહેતો.

આજે તમે દીવાલ તોડનારને બદલે દીવાલ રચનારા બની જાઓ છો. પુત્ર કે પુત્રીના મુક્ત વિહાર આડે દીવાલ રચો છો. અહીં ન જવું, ફલાણા સાથે દોસ્તી ન કરવી વગેરે દીવાલો રચો છો. સંતાનને કહીએ છીએ કે સંતાનો પ્રત્યેના પ્રેમને કારણે આવું બધું બંધન મૂકો છો. એ વળી કઈ જાતનો પ્રેમ જે તમને દીવાલો પાછળ રાખે છે? તમારે દીવાલો તોડીને પ્રેમ કરવો હોય છે. અભાવોના ડુંગરાએ ચઢીને તમે ભાવભર્યા બનવા માગો છો. તમે અભાવવાળા મિત્રોને મદદ કરવા માગો છો અને જ્યારે તમારી અભાવ ભરેલી જિંદગી અસહ્ય બને છે ત્યારે તે દીવાલને તોડવાની ક્ષમતા નથી રહેતી. એટલે માણસે સગવડોની દીવાલમાં પુરાઈ જવાની ટેવ સાથે-સાથે થોડાં અભાવ, અગવડો, બેકારીથી ટેવાવું જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.