ગુજરાતીઓની ધાર્મિકતા અને રાજીવની દુર્ગાપૂજા (3)
ઘણાને વાંચીને આંચકો લાગશે કે એક મોટા બ્રાહ્મણ ગુરુ જે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈમાં બહુ જ પૂજાય છે તેમની ધાર્મિક સંસ્થાને ભક્તો તરફથી ભેટરૂપે મળેલી કુલ રૂ. 40 લાખ જેટલી રકમ તેમણે પોતાની બહેનને નામે ટ્રાન્સફર કરી છે. એક બિનગુજરાતી ઈન્કમટેક્ષ ઑફિસર હતો તેને આ વાતની બાતમી મળી. તે ઉપરથી તેણે તપાસ કરી. ટ્રસ્ટની રકમને અંગત માલિકીની કરવામાં આવી હતી પણ પછી એક નિષ્ણાતની મદદથી ટ્રસ્ટે આ રૂ. 40 લાખના હિસાબો સગેવગે કરી નાખ્યા હતા. આ કિસ્સો બહાર આવત તો ઘણા ભક્તોને આઘાત લાગત. એક હીરાના વેપારીને ત્યાં ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં દરોડા પડ્યા પછી તેણે માનતા માની કે દરોડાનું લફરું પતી જાય તો 100 જૈનોને સમેત શિખરની યાત્રા કરાવશે. લગભગ રૂ. 10થી 12 લાખની રકમ સંડોવાયેલી હતી. આ ભાઈ આવકવેરાના સકંજામાંથી છૂટશે તો એકસો જૈનોના નસીબ ખુલશે અને યાત્રામાં રૂ. દોઢ-બે લાખનો ખર્ચ કરશે.
જૈન મુનિ કીર્તિચંદ્રવિજયજી કહે છે કે, "છેલ્લા ચાર વર્ષથી હું જોઉં છું કે લોકોની ધર્મની વિધિઓ કરવાની પ્રવૃત્તિ વધી છે પણ સાચી ધાર્મિકતા અને નૈતિકતા ઘટી છે." તેમની વાત સાચી છે. પૈસો પરમેશ્વર બન્યો છે અને ધંધામાં સરકાર અને કાનૂનને છેતર્યા વગર એક ડગલું આગળ વધાતું નથી. જમનાદાસ જીવરાજાણી નામના પંચાંગકર્તાએ તેમની ઑફિસમાં બોર્ડ માર્યું છે કે 'જ્યોતિષમાં વિશ્વાસ ધરાવનારાનો આત્મવિશ્વાસ નબળો થાય છે.' આમ છતાં હાલના જટિલ કાયદા-કાનૂન અને સરકારી નિયમોમાં કે કોર્ટના મામલામાં ફસાયેલા વેપારીઓ તેમનો સંપર્ક સાધે છે. જમનાદાસભાઈએ લગ્ન, માંદગી કે સગપણને લગતા જ્યોતિષ જોવાને બદલે એટલે કે ધંધાકીય મૂંઝવણો, સુવર્ણ અંકુશ ધારા હેઠળ કાનૂનનો શિકાર બનેલા, કસ્ટમમાં અટવાયેલા અને વેચાણવેરા કે આવકવેરામાં ફસાયેલા વેપારીઓની જ જન્મકુંડળીઓ જોવાનું રાખ્યું છે. લોકોને ગમે તેમ કરીને આબરૂ ટકાવવા માટે ટકી રહેવું છે. તે માટે ધાર્મિક ક્રિયા અને જ્યોતિષ જ તેમને માટે છેલ્લો તરણોપાય રહે છે. લોકોની આ સિદ્ધિ મેળવવાની ભૂખનો બાંદરાના એક ખ્રિસ્તી આશ્રમવાળા સારો ગેરલાભ ઉઠાવે છે.
આ ખ્રિસ્તી આશ્રમવાળાએ એક ઊંચી કેળવણી પામેલો પબ્લિક રિલેશન્સ ઑફિસર રાખ્યો છે. તે આશ્રમના મરી ગયેલા ખ્રિસ્તી પાદરીના ચમત્કારોની વાતો છાપામાં લખાવે છે. તેને કારણે આ આશ્રમમાં ભીડ જામે છે. આ આશ્રમવાળા ભક્તોની કાયમી આવક ઊભી કરવા માગે છે પણ તે માટે સતત પ્રચાર કરવો પડે છે. એક સિંધીને ફ્લેટ મળતો નહોતો. તેણે ચાર રૂમના બ્લૉકવાળો એક મીણબત્તીનો રમકડાં જેવો ફલેટ બનાવીને આશ્રમમાં ધર્યો અને એ સિંધીને ફ્લેટ મળી ગયો તેવી વાતો ફેલાવીને ભૌતિક સમૃદ્ધિથી વંચિત લોકોને આ અંધશ્રદ્ધામાં નોતરવામાં આવે છે.
જે લોકો માને છે કે અમુક દેવ, દેવી કે બાબાની કૃપાને કારણે કંઈ મળ્યું છે તે મળેલાને ટકાવી રાખવા માટે નિયમિત અમુક ધાર્મિક સ્થાને જાય જ છે. ગુજરાતી નાટકના હીરો નરહરી જાની નાટકમાં બે પાંદડે થયા હોય તો તે નિયમિત સિદ્ધિવનાયકના મંદિરમાં પ્રભાદેવી (દાદર, મુંબઈ) જાય. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શિરડીના સાંઈબાબાની કૃપાથી મુખ્યપ્રધાન થયા છે તેમ માને છે એટલે તે શિરડીના જ નહીં પણ બેંગ્લોરના સત્ય સાંઈબાબાના ભક્ત બની ગયા છે. ભાખરિયા બ્રધર્સ ચા વાળા પ્રધ્યુમન્નભાઈનાં જૈન મિત્રો નિયમિત મહુડીના ઘંટાકર્ણની યાત્રાએ જાય છે. તે રીતે શ્રીનાથજી, પંજાબના શ્રી વૈષ્ણવીદેવી, જ્વાલાદેવી, નેપાળના પથુપતિનાથ, તિરુપતિ, મુંબઈના એક ખ્રિસ્તી આશ્રમ, પારસીનો ભીખા બહેરામનો કૂવો, માઉન્ટ મેરી ચર્ચ વગેરે જગ્યાએ ભાવિકોની ભીડ ઊમટે છે. મુંબઈની સુધરાઈમાં એક ઈજનેરને સીટી ઈજનેરનું સૌથી મલાઈદાર ખાતું હાથમાં આવ્યું એટલે તેમણે મંગળવારે સિદ્ધિવનાયકના દર્શન કરવાનો અતૂટ નિયમ રાખ્યો છે.
'પાઈલટ' બ્રાન્ડના ટીશ્યૂ પેપર અને બીજી ચીજો બજાવતી કંપનીના સેલ્સ ઑફિસર મનહર જોષી શિરડીના સાંઈબાબાના ભક્ત છે. મહિને રૂ. 500નો પગાર હતો ત્યારે તેઓ બસમાં બેસીના જતા હતા. હવે પોતાની મોટર લઈને જાય છે. તેઓ જ્યારે નવી મોટર ખરીદે ત્યારે પ્રથમ શિરડી જઈને મોટર વતી સાંઈબાબાનો અભિષેક કરાવીને પછી ગાડીને બીજે લઈ જાય છે. પ્રવિણ ઠક્કર નામના વેપારી 25મી ઑગસ્ટે નવી ગાડી ખરીદીને સીધા શિરડી દર્શન માટે ગયા. ત્યાર પછી જ તેમણે ગાડીનો બીજો ઉપયોગ શરૂ કર્યો. મુંબઈથી રોજ પાંચ-છ બસ નિયમિત શિરડી જાય છે. શિરડીમાં ગુરૂવારે તો લાખ્ખોની ભેટો ધરાય છે. સાંઈબાબાનાં મંદિરમાં ચાંદીના બે થાંભલા અને બીજા સુશોભન પાછળ રૂ. 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. દશેરાને દિવસે બીજા ચાર થાંભલા ચાંદીના બનાવવા સાંઈબાબા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મુંબઈ આવ્યા હતા અને પોલીસની સિક્યુરિટી હેઠળ રૂ. 9 લાખની ચાંદી લઈ ગયા હતા. સુશિલકુમાર શીંદે, પી.કે. સાવંત અને સ્વ. વસંતરાવ નાયક એ બધા સાંઈબાબાના ભક્ત છે. સવ. રાષ્ટ્રપતિ વી.વી.ગિરી તો ખૂબ ધર્મિષ્ઠ હાત અને જે દેવ કે બાબા મળે તેની ભક્તિમાં પડી જતા. વી.વી.ગિરી પણ શિરડી જઈ આવ્યા છે. મુંબઈમાં સાંતાક્રૂઝ એરપોર્ટના એક ઑફિસર કે.કે.સૂરી, પ્લાઝા હૉટેલના મેનેજર એસ.કે. તુલી શિરડીના બાબાના ભક્ત છે. સેન્ટોર હૉટેલના શ્રી તુલીએ તો તેમની કેબિનમાં સાંઈબાબાની એક મોટી તસવીર રાખી છે. મુખ્યપ્રદાન શંકરરાવ ચૌહાણે પોતાના ઘરમાં સત્ય સાંઈબાબાની આદમ કદની તસવીર રાખેલી. તેનો ફોટો હોશી જાલ નામના પારસી ફોટોગ્રાફરે લઈને છપાવ્યો તે પછી શંકરરાવ તેમના ભવ્ય પૂજાગૃહમાં કોઈ ફોટોગ્રાફરને આવવા દેતા નથી. વિદ્યાબહેન જોષી નામનાં એક ગ્રેજ્યુએટ બહેન દરેક દિવાળીમાં શિરડી જાય છે અને ત્યાં લક્ષ્મીપૂજનમાં શક્તિ પ્રમાણે રૂ. 5થી 100 સુધીનો ચાંદીનો લક્ષ્મીનો સિક્કો ભેટ આપે છે.
દિવાળીના દિવસે શિરડીમાં લક્ષ્મીપૂજનનો ભવ્ય જલસો થાય છે. સાંઈબાબાના ટ્રસ્ટના ચોપડાનું પૂજન વિધિવત્ થાય છે. સાંઈબાબા માટે દોઢ ફૂટનો સોના અને કિંમતી રત્નોનો મુગટ બનાવ્યો છે. મહાલક્ષ્મી દેવીની સોનાની મૂર્તિ છે. તે માટે ખાસ સિક્યુરિટીના માણસો મંદિરમાં બેસાડાય છે. લક્ષ્મીપૂજનને દિવસે અરધો લાખ લોકો આવે છે અને દિવાળીની રાત્રે લાઈનમાં ઊભા રહે તે છેક બીજે દિવસે બેસતા વર્ષે તેમનો લક્ષ્મીપૂજનના દર્શનનો વારો આવે છે. લંડન અને માન્ચેસ્ટરથી ભગુભાઈ ઠક્કર અને દિવાળી બહેન વૈદ્ય રિટર્ન ટિકિટ લઈને મુંબઈ આવે છે. એરપોર્ટથી એરકંડિશન ટેક્સી કરીને શિરડી જાય છે અને દર્શન કરીને વળતા પ્લેનમાં મુંબઈ રોકાયા વગર લંડન પાછા જાય છે. હોંગકોંગ, તાઈવાન અને જાપાનમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ધરાવતા સિંધીઓ દુકાનમાં સાંઈબાબાના ફોટા રાખે છે. મોટવાની નામના સિંધી સાઈબાબાનું પૂજન કરીને હોંગકોંગમાં દુકાન ચાલુ કરે છે. શિરડીમાં વી.આઈ.પી.ને ઊતરવા માટે હેલિકૉપ્ટરનું હેલિપેડ બની રહ્યું છે અને શિરડીને એરપોર્ટ બનાવવા જબરી હિલચાલ ચાલે છે.
કોઈ પણ દેવ-દેવી કે સાંઈબાબામાં શ્રદ્ધા ધરાવવી તે ખોટું નથી પણ શંકરરાવ ચૌહાણ સત્ય સાંઈબાબાના પૂજા ગૃહવાળો ફોટો પડાવતા શરમાય છે તે ખોટું છે. 13 વર્ષ પહેલાં શંકરરાવ ચૌહાણ મુખ્યપ્રધાન થવા માટે તલપાપડ હતા ત્યારે તેઓ તેમની પત્ની કુસુમતાઈને લઈને લખનઉમાં કામાખ્યાદેવીના ભક્ત અને તાંત્રિક ભૂતનાથબાબા પાસે ગયા હતા. ગોવાના એક કોંગ્રેસી શ્રી પાટિલે તેમની ઓળખાણ ભૂતનાથબાબા સાથે કરાવેલી. શંકરરાવ ચૌહાણ આશ્રમમાં સારું એવું રોકાયા હતા. ભૂતનાથ બાબાએ તેમને દર્શન આપીને મુખ્યપ્રધાન થવાના આશીર્વાદ આપ્યા હતા. શંકરરાવ ચૌહાણ મુખ્યપ્રધાન બન્યા ત્યારે મુંબઈમાં ભૂતનાથબાબાના આશ્રમ માટે જમીન આપવા તેમણે વચન આપેલું. તે વચન પછી ભૂલાઈ ગયેલું. ઈમરજન્સી પછી ઈન્દિરા ગાંથીના કોઈ સાથીદારે ઈન્દિરાજીના કાન ભંભેર્યા કે ભૂતનાથબાબા તેમના વિનાશ માટે તંત્રવિદ્યા અજમાવે છે એટલે મુંબઈમાં ભૂતનાથબાબા આસપાસ છૂપી પોલીસ રખાઈ હતી. શંકરરાવ ચૌહાણ પછી ઈન્દિરાને ખુશ કરવા પાટલી બદલીને ભૂતનાથબાબાને બદલે સત્ય સાંઈબાબાનું શરણ લીધું હતું. એક મઝેદાર વાત એ બની કે ભૂતનાથબાબાની પર નજર રાખનારા પોલીસ ઑફિસરની પત્ની બીમાર હતી તે ભૂતનાથબાબાના પ્રસાદ અને આશીર્વાદથી સાજી થઈ ગઈ. આથી પોલીસ ઑફિસરે ભૂતનાથ બાબા પરનો ચોકી પહેરા માટેન નરમ વલણ અપનાવ્યું હતું.
સિદ્ધિ માટે કે તકલીફોના નિવારણ માટે ઈષ્ટદેવતાને ભજવામાં કોઈ સંકોચની જરૂર નથી કારણ કે ભારતીય લોકો જ નહીં પણ વિદેશમાં પણ આ પ્રકારે દેવતાઓને રીઝવીને સિદ્ધિ મેળવવાની કોશિશ થાય છે. પૂનામાં શ્રીમંત દગડૂ શેઠ હલવાઈ ગણપતિ ટ્રસ્ટ તરફથી એક મહાગણેશ યજ્ઞ થઈ રહ્યો છે. તેમાં એક લાખ લાડુ ગણેશને ધરવાના હતા. મહાયજ્ઞમાં હજારો કિલો (રૂ. 75ના ભાવવાળું દુર્લભ ઘી) ઘી હોમાય છે. આ યજ્ઞ માટે દ્વારકાના શંકરાચાર્યના આશીર્વાદ મળ્યા છે. આ યજ્ઞમાં આટલા બધા લાડુ હોમાશે તો સાંભળીને મરાઠી દૈનિક 'લોકસત્તા'ના તંત્રી માધવ ગડકરીએ 22-8-87ના રોજ એક તંત્રી લેખ લખ્યો. તેના આકરા પ્રત્યાઘાત પડવાને કારણે હવે લાખ લાડુ હોમવાની વિધિને મુલતવી રખાઈ છે. પૂનામાં લોકો વાતો કરે છે કે યજ્ઞમાં આવી રીતે વિઘ્ન નાખવાથી માધવ ગડકરી અને તેના અખબાર પર આફત ઊતરશે. આ યજ્ઞ મહારાષ્ટ્રનો દુષ્કાળ નિવારવા માટે કરાયો હતો.
યજ્ઞની ટીકા કરનારે જાણવું જોઈએ કે નાની મોટી સિદ્ધિઓ મેળવવા માટે પરદેશમાં પણ આ પ્રકારનું ઘણું થાય છે. પૂર્વ આફ્રિકામાં નૈરોબીની ફૂટબૉલની ટીમની જીત માટે શરીફ અબ્દુલ્લા નામના મુસ્લિમ ઑઈલયા બંદગી કરતા હતા. એ માટે શરીફ અબ્દુલ્લાને નૈરોબીની ફૂટબૉલ ટીમ તરફથી નિયમિત પગાર મળતો હતો. આ હમણાની જ વાત છે. ઈશ્વરને કોઈ જીત માટે પ્રાર્થના કરવી તે પણ ખોટું નથી. 1973માં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ માટેની મેચ ચાલતી હતી ત્યારે ટેનિસ કોર્ટમાં અમેરિકન ટેનિસ ખેલાડી સ્ટાન સ્મિથ શરૂની રમતમાં હારવા લાગ્યો. તે ટેનિસ કોર્ટમાં જ ઘૂંટણિયે બેસી ગયો. રેફરી અને પ્રેક્ષકો જોતાં રહ્યાં. ચાલુ રમતે સમાધિસ્થ થઈને તેણે પ્રાર્થના કરી. તેણે રૂમાનિયન ખેલાડી નાસ્તાસે સામે જીત મેળવી હતી. એ પછી 1975માં ઈંગ્લેન્ડના થેમ્સ ટેલિવિઝન ઉપર ગોલ્ફની રમતનો અહેવાલ બતાવાયો તેમાં ગોલ્ફ ચેમ્પિયન હેન્રી કોટનનો ઈન્ટરવ્યૂ લેવાયો હતો. આ ખેલાડીએ ધર્મપરિવર્તન કર્યું હતું. તેણે ટી.વી. ઉપર કહ્યું, "ગૉલ્ફમાં જીતવા માટે જ તેણે ધર્મપરિવર્તન કર્યું છે."
યુરોપમાં તો રમતગમતમાં જીતવું એ જીવનમરણનો ખેલ છે. હવે એમાં ઈશ્વરશક્તિએ વચ્ચે આવવું જ પડે છે. જર્મન અખબાર "ફ્રેન્કફર્ટર એલ્જિમન ઝેઈતુંગ"ના 15મી જાન્યુઆરી 1976ના અંકમાં લખ્યું છે કે જર્મનીના કેથોલિક ચર્ચ રમતવીરો માટે એક ખાસ પ્રાર્થના બુક પ્રગટ કરી છે. આમાં ખેલાડીની બન્ને ટીમો જીત માટે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરે ત્યારે ઈસુની મૂંઝવણ કેટલી વધતી હશે તેની કલ્પના કરો!
1970ના દાયકામાં એપોલો-13 યાનમાં ચંદ્રયાત્રી જતા હતા ત્યારે યાનને ટેકનિકલ તકલીફ નડી ત્યારે નામદાર પોપે ચંદ્રયાત્રીની સલામત યાત્રા માટે પ્રાર્થના કરી હતી. યુરોપના રાજાઓ અને પાદરીના પુત્રોના દીર્ઘાયુ માટે સામાન્ય જનતા પ્રાર્થના કરે તેવો રિવાજ હતો. અંગ્રેજ નૃવંશશાસ્ત્રી (એન્થ્રોપોલોજિસ્ટ) સર ફ્રાન્સિસ ગેસ્ટને આવી પ્રાર્થનાની અસરનો 25-30 વર્ષ સુધી અભ્યાસ કર્યો. આ અભ્યાસ કર્યા બાદ માલૂમ પડ્યું કે જે રાજાઓ પાદરીઓના સંતાનો માટે પ્રાર્થના થયેલી તે બીજા આમ માનવી કરતાં ઓછું જીવ્યા હતા ! જોકે તેથી લોકો બીમાર માણસ માટે પ્રાર્થના કરતા અટક્યા નથી. અમિતાભ બચ્ચનને સાજો કરવા માટે ઘણી પ્રાર્થનાઓ થઈ હતી.
1976માં યુરોપ અને ઈંગ્લેન્ડમાં લાંબા સમય સુદ9ી વરસાદ ન આવ્યો. ભારતમાં બબ્બે દુષ્કાળ ઉપરાઉપરી પડે પછી લોકો યજ્ઞ કરે તેવું યુરોપમાં નથી. યુરોપમાં ત્રણ મહિના વરસાદ ન પડ્યો ત્યાં લોકો ગભરાઈ ગયા. યોર્કના આર્કબિશપ સ્ટુઅર્ટ બ્લાન્ચે રૉયલ એગ્રીકલ્ચર શૉમાં જાહેર પ્રાર્થનાયજ્ઞ રાખ્યો. તે સમયે જ ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને જર્મનીના દેવળોમાં વરસાદ માટે પ્રાર્થના થઈ હતી. જો કે ત્રણ-ચાર અઠવાડિયા પછી વરસાદ આવ્યો ખરો! કેથોલિક ધર્મીઓનું પંચાંગ પણ પ્રગટ થાય છે. તેમાં અમુક સંતને ભગવાનના વચેટિયા માનવામાં આવ્યા છે. ભૌતિક સુખ માટે આ સંત આપણા વતી પ્રાર્થના કરે છે. તે દરેકને સ્પેશ્યલ ખાતા સોંપાયા છે. દા.ત. એડવર્ટાઈઝિંગના ધંધાવાળા માટે સેન્ટ બર્નનાર્ડાનો છે. એર હૉસ્ટેસોની તકલીફો માટે સેન્ટ બોના (પીસા) છે. વગેરે. યુરોપમાં તે ભૌતિકવાદ એટલો બધો છે કે મરણ વખતે ઘણા લોકો વતી પ્રાર્થના કરાય છે. છતાં એ લોકો ખૂબ દુઃખી દુઃખી હાલતમાં મરે છે. સ્વિત્ઝરલેન્ડના સ્વીસ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનના રેડિયો પર 1976માં આ વર્ષે હૉસ્પિટલના ડૉક્ટરોની ચર્ચા રખાઈ હતી. મોટાભાગના ડૉક્ટરોએ કહ્યું કે મરવાની અણી પર આવેલા કરોડપતિઓ મરણ વખતે એટલા ભયભીત હોય છે કે તેમને માટે ગમે તેવી પ્રાર્થનાઓ કે દુવાઓ અસર કરતી નથી. અમદાવાદની સદ્દવિચાર પરિવારની સંસ્થાવાળા હરિભાઈ પંચાલ સ્વિત્ઝર્લેન્ડમાં કરોડપતિઓની અવદશા કરતાં તદ્દન વિરુદ્ધની અને પ્રેરણાદાયી વાત કરે છે.
અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસીની સજા પામેલા કેદી પાસે આગલી રાત્રે જવાની હરિભાઈ પંચાલને છૂટ હોય છે. ફાંસીની આગલી રાત્રે હરિભાઈએ આઠ જેટલા કેદીની મુલાકાત લીધી છે. કેદીઓને ધર્મવૃત્તિવાળા બનાવવા માટે આવી મુલાકાત લેવાય છે. હરિભાઈ આખી રાત કેદી સાથે રહ્યા છે. મહેરામ અર્જુન નામના કેદીને સૌરાષ્ટ્રના દામનગર નામના નાના શહેરમાં એક જણનું ખૂન કરવા બદલ ફાંસીની સજા થવાની હતી. મહેરામને પૂછવામાં આવ્યું કે, 'તારે મરતાં પહેલાં કોઈ સગાવહાલાંને મળવું છે?' તો મહેરામે ગુસ્સે થઈને ના પાડી દીધી કે મારે કોઈને મળવું નથી... હા, મને એક બહેને રક્ષાબંધનને દિવસે રાખડી બાંધી હતી તેને મળવું છે. અહીં એ નોંધવું જોઈએ. સદ્દવિચાર પરિવારના હરિભાઈએ ભારતભરની 962 જેલોમાં ક્રમવાર જઈને કેદીઓના રાખડીઓ બાંધવાનું મોટું અભિયાન (ઝૂંબેશ) શરૂ કર્યું હતું. તે ઝૂંબેશના ભાગરૂપે મહેરામ અર્જુને જેનું ખૂન કર્યું હતું. તેની પત્નીને જ ખૂબ સમજાવીને ખૂનીને ભાઈ માનીને રાખડી બંધાવી હતી. ફાંસીને આગલે દહાડે મહેરામે પોતે જેની હત્યા કરી હતી તે માણસની પત્નીને બહેન તરીકે યાદ કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ફાંસીના આગલા ત્રણ દિવસ સુધી મહેરામને હરિભાઈએ ભજનો સંભળાવ્યા. સોમવારના રોજ ફાંસી હતી. મહેરામ રામદેવપીરનો ભક્ત હતો એટલે રામદેવપીરના ભજન ગાનારા ભજનિક રતિભાઈ દવેને જેલમાં બોલાવવામાં આવ્યા. હારમોનિયમ, તબલા અને મંજીરા લવાયા. વહેલી સવારે છ વાગે રામદેવપીરનો હેલો રતિભાઈએ ગાયો અને મહેરામ ખૂની પણ સાથે ભક્તિભાવપૂર્વક હેલો ગાતો હતો એ ડોલતો હતો. સોમવારે 11 વાગે ફાંસી હતી. સવારના સાડા દસ વાગ્યા સુધી અને પાછલી આખી રાત તેણે ભજનો ગાયા અને સાંભળ્યા.
મહેરામ હસતો હસતો અને પાપથી મુક્ત થયો છે તેવા હળવા મન સાથે ફાંસીને માંચડે ગયો. એ પહેલાં હરિભાઈ પંચાલને લાગ્યું કે હજી એક સમસ્યા બાકી છે. મહેરામને કોર્ટમાં સજા થઈ ત્યારે તેણે ગુસ્સામાં તેના સગાવહાલા કોર્ટમાં હતા તેને સંભળાય તેમ કહેલું કે મારા મૃત્યુદંડ માટે જે લોકોએ સાક્ષી આપી હોય તેને ખતમ કરજો. હરિભાઈ પંચાલને આ વાત યાદ હતી. હરિભાઈએ રવિવારની રાત્રે મહેરામને કહ્યું, 'તેં બહેનને મળવા બોલાવી પણ રાખડીના બદલામાં કંઈક આપવું જોઈએ. તું તારા સગાવહાલાને સંદેશો આપ કે તારા મરણ પછી વેરઝેર ભૂલી જાય. મહેરામ તુરંત કબૂલ થયો અને ટેપરેકોર્ડર ઉપર સંદેશો બોલી ગયો.'
તે પછી મહેરામ ફાંસીને માંચડે ચઢ્યો. જેલોમાં રિવાજ છે કે ફાંસીએ ચઢવાનો સમય થાય ત્યારે જેલના ઘંટ વાગે છે અને જોરજોરથી લાઉડસ્પીકરમાં બોલાય છે કે 'બુરા કામ કરવાવાળાનો બુરો અંજામ આવે છે. આજે એક ખૂનીને ફાંસી થાય છે... સાવધાન.' હરિભાઈને લાગ્યું કે આ પ્રકારનાં ઘંટનાદને અટકાવી શકાય તો સારું. મહેરામના સગાવહાલાં મહેરામના શબને લેવા સવારથી જ જેલ બહાર ઊભા હતા. એ લોકો આવો મૃત્યુનો કપરો ઘંટનાદ સાંભળે તો ફરી પાછું વેર જાગૃત થાય. ખુન્નસ વધે એટલે જેલ બહાર એક મહાદેવનું મંદિર છે. ત્યાં હરિભાઈ સગાવહાલાંને લઈ ગયા અને મંદિરમાં મહેરામની ટેપ સંભળાવીને રામધૂન લેવડાવી. સાથે વાજીંત્રો વગાડ્યા. તે રામધૂનમાં જેલનો પેલો મૃત્યુનો ઘંટનાદ ડૂબી ગયો! ફાંસી વખતે માત્ર બહારના લોકોમાં એક હાજર રહે છે. તે ડૉક્ટરે કહ્યું, 'ભક્તિથી તરબોળ બનેલા મહેરામ જેવી શાંતિ મેં કોઈ મૃત્યુ દંડના કેદીના ચહેરા પર જોઈ નથી.' હરિભાઈએ પોતે અમદાવાદના પુનિત મહારાજનું મૃત્યુ જોયું હતું. ફાંસી પછી તેમણે મહેરામને મૃત ચહેરા પર જે શાંતિની રેખા હતી તેવી જ રેખાઓ મહેરામને ચહેરા પર હતી. સ્વિત્ઝર્લેન્ડના ડૉક્ટરો પશ્ચિમના છે. તેમનો અનુભવ ગમે તેવો હોય. પૂર્વનો માનવ એ પૂર્વનો છે. પશ્ચિમનો માનવ એ પશ્ચિમનો ભૌતિકવાદી છે. એ કહેવતને (ઈસ્ટ ઈઝ ઈસ્ટ એન્ડ વેસ્ટ ઈઝ વેસ્ટ) મહેરામે સાર્થક કરી હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર