ગુજરાતીઓની ધાર્મિકતા અને રાજીવની દુર્ગાપૂજા (2)

10 Nov, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: photodivision.gov.in

ભારતના તમામ રાજા-મહારાજા પોતપોતાની રીતે ધાર્મિક હતા. લંડનના અંગ્રેજી સાપ્તાહિક 'સ્પેક્ટેટર'ના તંત્રી જોન એવલિન રેંચ ભારતમા આવ્યા ત્યારે 1946માં તે સમયના મૈસૂરના મહારાજા પાસે ગયેલાં. મહારાજાએ કહેલું, 'જે સરકાર ધર્મ પ્રત્યે બેદરકારી સેવે છે તે સરકાર ચાલી શકે નહીં. કોઈ પણ રાજકીય બાબતમાં ધાર્મિકતા અને નૈતિકતા હોવી જ જોઈએ. રોજ રાજાએ પ્રાર્થના કરવી જોઈએ.' મહારાજા રોમના નામદાર પોપને મળ્યા હતા ત્યારે પોપ સાથે તેમણે વેદાંતની ચર્ચા કરી હતી. ભારતમાં મેં ઘણા લોકો જોયા પણ મૈસૂરના રાજા મને સાચા ધર્મનિષ્ઠ લાગ્યા.'

'સ્પેક્ટેટર'ના તંત્રી તે પછી ત્રાવણકોર કોચિન નામના રાજ્યમાં ગયા હતા. 1946ના તે સમયનાં ત્રાવણકોરના રાજાએ તંત્રીને કહ્યું, 'અમારું રાજ્ય તો ઈશ્વરને અર્પણ થયેલું છે. ઈ.સ. 1750માં જે રાજા હતા. તેમણે ભગવાન વિષ્ણુને આ રાજ અર્પણ કર્યું છે અને પોતે વિષ્ણુના સેવક તરીકે રાજ કરતા હતા.' ત્રાવણકોરના શાસક તરીકે મહારાણી સેતુલક્ષ્મી પણ રાજ્ય કરી ચૂક્યા હતા. ત્રાવણકોરના રાજવીકુળના તમામ બાળકોનાં નામ તારા-ચંદ્ર-સૂર્ય ઉપરથી પડાતા હતા. જો કે સ્વતંત્રતા આવી ત્યારે ત્રાવણકોરના રાજાએ સરદાર વલ્લભભાઈને કહેલું કે, 'અમારું રાજ્ય તો વિષ્ણુ ભગવાનનું છે. અમે એને ભારત સાથે શી રીતે જોડી શકીએ?' પણ તે પછી ત્રાવણકોરના દિવાન પર એ સમયના કૉંગ્રેસીઓએ હુમલો કર્યો ત્યારે ત્રાવણકોર રાજ્ય ભારતમાં ભળી ગયું હતું.

મૈસૂરના રાજાનાં પોતાની માલિકીના મંદિરો હતા. તેમાં ભગવાનને ધરાવેલો પ્રસાદ મૈસૂરના રાજા ચાખતા પછી જ તમામ લોકોને અપાતો. ત્રાવણકોરના રાજ્યમાં પેલેસનું પોતાનું મંદિર હતું. મંદિરના પૂજારીઓ રસોઈ કરતા. મહારાણી માટે બ્રાહ્મણ સ્ત્રી રસોઈ કરતી. મહારાણી પ્રસાદને સ્પર્શી લે પણ નાય્યરકુળની સ્ત્રીને પ્રસાદ અપાતો. ત્યાર પછી જ બધાને પ્રસાદ મળતો. ત્રાવણકોર કોચિનના ત્રિવેન્દ્રમ ખાતેના રાજાના માલિકીના મંદિરમાં દર દિવાળીએ એક લાખ દીવા પ્રગટતા. રાજા પોતે સફેદ ધોતિયું પહેરીને ઉઘાડે શરીરે પૂજા કરવા જતા. રાજાએ ત્યારે દરેક મંદિરમાં બબ્બે હાથી આપવાનો નિયમ રાખ્યો હતો. કેરળમાં આજે પણ ઘણાં મંદિરોમાં હાથીઓ હોય છે.

મૈસૂરના મહારાજાએ અંગ્રેજ પત્રકારને કહેલું કે ધાર્મિકતા કે નૈતિકતા વગર રાજ્ય કારભાર ચાલે નહીં. ભારતના વડાપ્રધાન મોડે મોડે જાણી આ વાત વાંચી ગયા એટલે પોતે કમ્પ્યૂટરને બદલે છતરપુરના દુર્ગામાતાના દર રવિવારે દર્શન કરે છે તે પણ ઘણું છે. નિયમિત દર્શન કરશે તો રાજકીય નૈતિકતા આવશે જ. ઘણા વાચકોએ હમણાં જ કહેલી રાજીવ ગાંધીની વાત સાંભળી હશે.

ઉપરાષ્ટ્રપતિપદ માટે પસંદ કરવાની દરખાસ્ત આવી ત્યારે ડાબેરી પક્ષોએ નુરૂલ હસનનું નામ સૂચવ્યું હતું. રાજીવ ગાંધીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે, 'નુરૂલ હસન પોતાને નાસ્તિક (એથેઈસ્ટ, ઈશ્વરમાં ન માનનારા) ગણાવે છે. ભારતમાં કોઈ નાસ્તિક વ્યક્તિ ઉચ્ચ સ્થાને રહી શકે નહીં.' નુરૂલ હસનને બદલે શંકર દયાળ શર્મા પસંદ થયા છે. શર્માજી એક મોટાં દેવીભક્ત છે.

રાજીવ ગાંધીની ધાર્મિકતા બે વર્ષથી વધી છે. દિલ્હી ખાતેના અમારા પ્રતિનિધિ રાજીવ શુકલ લખે છે કે દર રવિવારે સવારે 8 વાગે મોટરકારોનો એક કાફલો વડાપ્રધાનના 7, રેસકોર્સ રોડના નિવાસેથી નીકળીને દક્ષિણ દિલ્હીના મેહરૌલી માર્ગ પર જાય છે. ત્યારે આ માર્ગનો તમામ ટ્રાફિક બંધ થઈ જાય છે. રાજીવની મોટરોનો કાફલો પસાર થઈ ગયા પછી જ ટ્રાફિક શરૂ થાય છે. રાજીવ ગાંધી પોતાની કાર જાતે ચલાવે છે. બાજુની બેઠકમાં સોનિયા ગાંધી બેઠા હોય છે. મેહરૌલીની પાસે કુતુબમિનારથી પાંચ કિ.મી. દૂર છેતરપુરમાં દુર્ગાદેવીનું મંદિર છે, ત્યાં વડાપ્રધાન પહોંચે છે. દુર્ગાદેવીના દર્શન કરીને પછી આખો પરિવાર નજીકના ફાર્મ હાઉસમાં ચાલ્યો જાય છે. આખો દિવસ ત્યાં કુટુંબ સાથે રજા ગાળીને પછી રાજીવ ગાંધી ઘરે આવે છે.

જન્માષ્ટમીને દિવસે રાજીવ દુર્ગામંદિરે દર્શન કરવા ગયા ત્યારે ઘણાને લાગ્યું કે તેઓ માત્ર ધાર્મિક તહેવારને કારણે ગયા છે. ઈન્દિરા ગાંધીના ખૂનની ઘટના પછી અને અનેક રાજકીય તકલીફો તેમજ ત્રાસવાદીઓની ધમકી મળ્યા પછી રાજીવ દુર્ગામંદિરે જાય છે. એવું મનાય છે કે દુર્ગાદેવીનું તેમને રક્ષણ મળે છે. સિક્યુરિટીના ઑફિસરોએ ઘણી વખત રાજીવને મંદિરની મુલાકાતે જવાની ના પાડી છે પણ તેઓ માન્યા નથી. હવે તો વડાપ્રધાન બીજા દેવી દેવતાના દર્શન અને પૂજા માટે પણ જાય છે. સોનિયા ગાંધી પણ નિયમિત પૂજા કરવા જાય છે. વડાપ્રધાન સાથે તેમના મિત્ર કેપ્ટન સતીશ શર્મા પણ આ દુર્ગામાતાના દર્શને જાય છે.

રાજીવ ગાંધીના કહેવાથી જ સતીશ શર્મા અને અરુણસિંહે પોતાના નાના ભાઈઓના લગ્ન આ મંદિરમાં જ કરાવ્યા હતા અને પછી લગ્નની કોઈ અલગ વિધિ રાખી નહોતી.

છતરપુરનું આ મંદિર પહેલાં ઘણું નાનું હતું પરંતુ રાજીવ આ મંદિરે દર્શન કરવા આવવા લાગ્યા ત્યાર પછી દર્શનાર્થીની ભીડ વધી. હવે મંદિર ભવ્ય અને મોટું થઈ ગયું છે. પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી જન્માષ્ટમીના અવસર વખતે બિરલા મંદિરમાં જતા હતા. તે વખતે ભગવાન કૃષ્ણની ભવ્ય ઝાંખી બનાવવામાં આવતી હતી. જો કે રાજીવ ત્યાં જતા નથી.

વડાપ્રધાન મંત્રી મંડળમાં ઘણા કૉંગ્રેસીઓ પણ 'ધર્મપ્રેમી' છે. એમાં પંડિત કમલાપતિ ત્રિપાઠી, અર્જુનસિંહ, પી.વી.નરસિંહરાવ, વસંત સાઠે, સુશિલા રોહતગી, શ્રીમતી કૃષ્ણા અને કે.સી.પંતનો પણ સમાવેશ થાય છે. કમલાપતિ ત્રિપાઠી તો રોજ પાંચ કલાક પૂજામાં બેસે છે. એ દરમિયાન તેઓ કોઈને મળતા નથી. જ્યારે રાજીવ ગાંધી કૉંગ્રેસના સંસ્થાકીય મહાસચિવ હતા ત્યારે એકવાર કમલાપતિ પૂજામાં બેઠા હતા. કમલાપતિ પૂજામાંથી ઊઠ્યા નહીં અને રાજીવે કચવાઈને પાછું ફરવું પડ્યું હતું. કમલાપતિ ત્રિપાઠીના પુત્ર લોકપતિ ત્રિપાઠી ઉત્તરપ્રદેશના આરોગ્યપ્રધાન છે. તેઓ રોજ બે કલાક પૂજા કરે છે. મધ્યપ્રદેશના અર્જુન સિંહ ગાયત્રીભક્ત છે. તેમની પત્નીએ ગાયત્રી યજ્ઞો કરાવ્યા છે.

રાજીવના પ્રધાનમંડળના પી.વી. નરસિંહરાવ તો ખૂબ ધર્મપ્રેમી છે. તેઓ કુખ્યાત ચંદ્રાસ્વામીના ભક્ત છે. ચંદ્રસ્વામીનો આશ્રમ સફદરજંગ ડેવલપમેન્ટ એરિયામાં છે. ત્યાં જ્યારે પણ હવન હોમ થાય ત્યારે નરસિંહરાવ અચૂક જાય છે. અધ્યક્ષ ચંદ્રશેખર, મહામંત્રી ઈન્દુભાઈ પટેલ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ, રોમેશ ભંડારી અને હાલના વિદેશપ્રધાન કે.નટવરસિંહ પણ ચંદ્રસ્વામીમાં શ્રદ્ધા ધરાવે છે. ઉપરાંત કૉંગીના અસંતુષ્ટ નેતા અરીફ મોહમ્મદ ખાન પણ ચંદ્રસ્વામી પાસે અવારનવાર જાય છે અને યજ્ઞ પ્રસંગે હાજરી પણ આપે છે. સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન અર્જુન સિંહની ધાર્મિકતા તો પ્રખ્યાત છે. આમ તો તેઓ દરેક હિંદુધર્મના દેવતા-દેવીને માને છે પણ મધ્ય પ્રદેશના મૌનીબાબાના તેઓ ખાસ શિષ્ય છે. દરેક બે-ત્રણ મહિને અર્જુનસિંહ મૌનીબાબા પાસે જાય અને ઘણી વખત તાંત્રિકોને મળતા રહે છે. બિહારના સ્વ. રાજનારાયણ તો પોતે જ તંત્રવિદ્યા અજમાવતા તે સૌ જાણે છે. જગન્નાથ મિશ્રા મુખ્યપ્રધાન હતા ત્યારે પોતાની ખુરશી બચાવવા માટે તેમણે એક તાંત્રિકની મદદ લીધી હતી. બિહારના તમામ લોકો જાણે છે કે તાંત્રિકની વિધિ પૂરી થયા પછી મિશ્રાજી બકરાના લોહીથી નહાયા હતા અને કાલીદેવીની પૂજા કરી હતી. વી.પી. સિંહ ઉપર પ્રહાર કરવા માટે જાણીતા બનેલા અને પ્રધાનપદેથી હટાવાયેલા કે.કે.તિવારી તો કાલીદેવીના ઉપાસક છે તે જાણીતું છે. અરુણ નહેરુ આજકાલ પૂજાપાઠમાં સારો સમય આપે છે. શ્રીનગરમાં પોતાના પરિવાર સાથે મંદિરમાં એક વખત તેઓ પૂજા કરવા ગયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રદાન વીર બહાદૂર સિંહ કટ્ટર હિંદુ છે અને રામભક્ત છે. તેમની રામભક્તિ એટલી પ્રબળ છે કે દર રવિવારે ટી.વી. પર 'રામાયણ'ની સિરિયલ જુએ છે અને સામાન્ય માનવીની જેમ કરુણ દૃશ્યો વખતે આંસુ પણ પાડે છે.

મહાભારતમાં એક સૂત્ર છે કે દેશની પ્રજા તે જ રાજાને વફાદાર રહે છે જે રાજા પ્રજાની મિલકતનું રક્ષણ કરે છે. રાજા પોતે ઉદાર હોય છે. રાજા પોતાની માન્યતાઓમાં સ્થિર અને ન્યાયી તેમ જ જાગૃત હોય છે. રાજા વાસનાવૃત્તિ અને ધિક્કારવૃત્તિથી મુક્ત હોવો જોઈએ. રાજાઓ વિશેના પુસ્તક લખતી વખતે ચાર્લ્સ એલન નામના લેખકે મહાભારતનું આ સૂત્ર ટાંકીને પછી ભારતના રાજા-મહારાજાઓની પાપ-પુણ્ય વિશેની માન્યતાઓ અને ધાર્મિક વૃત્તિ-પ્રવૃત્તિનું વર્ણન કર્યું છે.

રાજા વાસનામુક્ત હોવો જોઈએ તેમ મહાભારતમાં કહ્યું છે પણ જૂનાગઢના નવાબ વિકૃત વાસનાવાળા હતા. શરાબખોર અને સ્ત્રીઓના શોખીન હતા. કાઠિયાવાડના ઘણા રાજાઓ તેમના જન્મદિવસે 4000 બ્રાહ્મણોને જમાડતા હતા. રામપુરના નવાબ સંગીતના શોખીન હતા અને એક વખત નમાઝ પઢતા હતા. ઉસ્તાદ વિલાયત ખાનના સંગીતના જલસા રાખતા હતા. રામપુરના છેલ્લા નવાબ સૈયદ રાજા અલીખાન પોતે શાસ્ત્રીય સંગીતકાર હતા અને રાજ્યમાં મોહરમના 40 દિવસ શોક પળાતો અને તાજિયા નીકળતા. હાલના પ્રિન્સેસ શાહવર સુલતાને કહ્યું કે 'ખંભાતમાં તાજિયા નીકળતા ત્યારે મુસ્લિમો ઝનૂનપૂર્વક પીઠમાં સાંકળો મારીને લોહી કાઢતા.'

નાગી તલવારો સાથે તાજિયામાં સાચી સોનાચાંદીની જરી વપરાતી. સુરતના ઝવેરી-જૈનો આ જરી પૂરી પાડતા હતા.

મોહરમના દસમા દિવસે દરબાર હૉલની બહાર ખંભાતમાં સવારે નવ વાગે તાજિયો બેસાડાતો તે વખતે હિંદુઓ પણ આવતા હતા. એ પછી તાજિયાને ઊંચકીને શહેરમાં ફેરવીને કરબલા પાસે લઈ જવાતો હતો. વડોદરામાં ગાયકવાડના મહેલમાં ગણેશ ઉત્સવ ઊજવાતો હતો.

મૈસૂરના રાજાની બહેન રાણી વિજ્યાદેવી ભૂતકાળના દિવસો યાદ કરતા કહે છે કે, 'મૈસૂર રાજ્યના દશેરાના ઉત્સવ વિશે ખૂબ લખાયું છે. દશેરાના ઉત્સવ દરમિયાન મારા કાકા-કાકી દસેદસ દિવસ નિયમિત રીતે પૂજામાં બેસતા. હાથે લાલ રંગની રાખડી બાંધતા. રાજા દસ દિવસ દરમિયાન દાઢી ન કરતા. રોજ ચામુંડેશ્વરીને પ્રાર્થના કરતા. તે માટે સવારે પાંચ વાગે ઊઠી જતાં. પૂજા કર્યા પછી દરબાર ભરતા. દરબારમાંથી ઊઠીને જનાનખાનામાં જતા. ત્યાં રાણી તેમની આરતી ઉતારીને રાજાને ફૂલોથી વધાવતા. મૈસૂરનો દરબાર નવમા દિવસે બ્રિટિશ ઑફિસરો માટે અનામત રખાતો હતો. દસમા દિવસે દશેરાનો મોટો વરઘોડો નીકળતો. ઑસ્ટ્રેલિયાથી આયાત કરેલા ઘોડા, હાથી, ઊંટ વગેરે આગળ ચાલતા. 

ભરતપૂરના રાજા બ્રિજેન્દ્રસિંઘ હોળીનો તહેવાર ધાર્મિકનિષ્ઠાથી ઊજવતા હતા. ભરતપુરમાં તો એક સપ્તાહ સુધી હોળી દરબાર ભરાતો. રાજા પોતે દિવાન અને અમલદારો સાથે કંકુ ગુલાલે રમતા. છેલ્લે દિવસે હોળી પ્રગટાવીને રાજા પાછા ફરે ત્યારે તેમની પાછળ એક હાથી ચાલતો. હાથી તેની સૂંઢ વડે લોકો ઉપર રંગવાળું પાણી ઉડાડતો. રાજસ્થાનમાં પણ હોળી પછી ગણગોરનો ઉત્સવ મનાવાતો હતો. મેવાડના છેલ્લા રાજા ભુપાલસિંઘ દરબાર ભરીને સ્ત્રીઓને અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપતા. ઉદયપુર અને ડુંગરપુરમાં પણ ગણગોરનો ઉત્સવ રખાતો હતો. જોધપુરના રાજાની કુળદેવી તરીકે હીંગળાજી અને શીંગળાજી માતા હતા. મેવાડના મુખ્ય દેવતા તરીકે એકલીંગજી એટલે કે શિવ હતા. શિવના પત્ની પાર્વતીના માનમાં ગણગોરના ઉત્સવ ઊજવીને ખુશ કરવામાં આવતા.

લોકો જગદંબા માતાજીને ખુશ કરવા કેટલું દાન આપે છે તે જોયું હોત તો અંબાજી માતાના ટ્રસ્ટના ચોપડો જોવો જોઈએ. મૂળજી જેઠા માર્કેટમાં કાપડના વેપારમાં અઢળક કમાણી હતી ત્યારે આડતિયાઓ લાખ્ખોની રોકડ અને સોનું ચાંદી લઈને આવતા હતા. ઘણા ખોટે નામે રસીદ લેતા હતા. અમે અંબાજી માતાનો ચોપડો જોયો તો રૂ. અઢી લાખની રોકડ રકમ મુંબઈના "દાનવીર શેઠ શંકરલાલ ભગવાનદાસ શોભાણી" (રસીદ નં. 310)ના નામે નોંધાઈ હતી. એક જ દિવસમાં રૂ. 7 લાખ દાનમાં આવ્યા હતા. તે અંબાજી માતાના ટ્રસ્ટવાળાએ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયાની શાખામાં ફિકસ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા હતા. વેપારીઓને ભીડ પડે ત્યારે અંબાજી, શિરડીના સાંઈબાબા કે નાથદ્વારા તરફ ઉપડે છે. તાજેતરમાં ઑગસ્ટના બીજા સપ્તાહમાં એક હીરાના વેપારીને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા હતા. પર્યુષણના તહેવારોમાં જૈન દાનવીરોને તો આવકવેરા ખાતું ખાસ ઝડપે છે. આ હીરાના વેપારીઓ આવકવેરાના દરોડા વખતે પણ ધાર્મિક આસ્થા કે જ્યોતિષીને વચ્ચે લાવે છે. આ વેપારીઓ પર્યુષણમાં આઠમ અને ચૌદશને દિવસે કાંદા-બટાટા ખાતા નથી. હીરાના વેપારીએ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કહી દીધું કે, અમુક દિવસે અમાસ આવે છે ત્યારે જપ્ત કરેલા ચોપડા માટે આવકવેરા ઑફિસરો પાસે જવું નહીં. સારું મુહૂર્ત જોઈને જ જવું. એક એવા વેપારી પાસે આવકવેરાના ઈન્ટેલિજન્સ ખાતાના આસિસ્ટન્ટ ડિરેક્ટરોની જન્મકુંડળીઓ છે. દરોડા પાડે કે એસેસમેન્ટ થવાનું હોય તો આવકવેરા ખાતાના ઑફિસરોના ગ્રહો સાથે મેળ બેસે તે સમયે ચોપડા લઈને જાય છે. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે :

'અમારી પાસે જે રીતે ધંધામાં આડાઅવળાં કરનારા વેપારીઓ આવે છે તે ઉપરથી વિમાસણ થાય છે કે ધાર્મિક કોને કહેવો?'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.