ગુજરાતીઓની ધાર્મિકતા અને રાજીવની દુર્ગાપૂજા
મુંબઈમાં "વિરાટ" નામનું વિમાનવાહક જહાજ આવ્યું ત્યારે નૌકાદળના વડા એડમિરલ રાધાકૃષ્ણ હરિરામ તેહલાનીને અમે જહાજમાં યોજાયેલી કૉકટેલ પાર્ટીમાં પૂછ્યું, 'આપ ધાર્મિક છો?' જવાબમાં તેહલાનીએ કહ્યું, 'હું ઈશ્વરમાં માનું છું પણ પૂજા કરતો નથી. મારી પત્ની રોજ એક કલાક પૂજાપાઠ અને ધ્યાનમાં બેસે છે.' અણુશક્તિથી ચાલતા 'નિમિત્ઝ' જેવા અમેરિકન વિમાનવાહક જહાજમાં વિનાશક અણુ મિસાઈલો રખાય છે, પણ દરેક ખ્રિસ્તી ખલાસીને ધાર્મિક રાખવા માટે જહાજમાં ત્રણ પાદરી રખાય છે. 'વિરાટ'માં નૌકાદળ માટે મનોરંજનનો કાર્યક્રમ પીરસતા કેપ્ટન ભાસ્કરે કહ્યું કે, 'ભૂમિદળની માફક આ જહાજમાં મસ્જિદ, મંદિર કે ગુરુદ્વારા નથી પણ રોજ સવારે અમે જહાજમાં ભજનો અને ધાર્મિક ગીતોનું પ્રસારણ કરીએ છીએ.' મુસ્લિમો ક્યાંક હુમલો કરવો હોય તો 'અલ્લાહો અકબર' બોલીને જાય છે. પાઈલટ હતા ત્યાં સુધી ધર્મની કોઈ વિધિ ન કરનારા તેમજ કોઈ મંદિરમાં ન જનારા પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધી તેમની ઈટાલિયન પત્ની સોનિયા ગાંધી સાથે અને કોઈ વખત બાળકો સાથે દર રવિવારે અચૂક દિલ્હીથી થોડે દૂર છતરપુર ગામે દુર્ગામાતાનાં દર્શને જતા છે. જન્માષ્ટમીને દિવસે રાજીવ ગાંધી છતરપુર ગયા ત્યારે જ લોકોને ખબર પડી કે રાજીવ ગાંધી મંદિરમાં જાય છે. ચાર વર્ષ પહેલાં કલકત્તામાં પાઈલટ તરીકે જતા ત્યારે મુસ્લિમ મિત્રને ત્યાં સોનિયા ગાંધી અને રાજીવ જમવા જતા હતા અને ગાયનું માંસ પણ ખાતા તેમ લંડન ટાઈમ્સના એક પત્રકારે લખ્યું હતું.
માનવી ક્યારે ધર્મકર્મ તરફ ધકેલાય છે તે ખબર પડતી નથી. નાનાં કે મોટાં માણસની ધાર્મિક બનવાની વ્યાખ્યા જુદી જુદી હોય છે. એક જૈન ઉદ્યોગપતિ રોજ સાંજે પોતાના ઈષ્ટ દેવતા સમક્ષ અગરબત્તી અને દીવો કરીને વ્હિસ્કીની બે બૉટલો મિત્રો સાથે ખલાસ કરે છે. પર્યુષણ આવે ત્યારે તેઓ એક સપ્તાહ માટે દારૂ છોડી દે છે. તેમનાં એક મિત્ર 35 વર્ષના છે અને જૈન છે. છેલ્લાં પાંચ વર્ષથી આ જૈન મિત્ર માંસાહાર કરવા માંડ્યા. માંસાહાર તો કરતા એટલું જ નહિ પણ પછી જાતે માંસ કાપે ત્યારે અને કપાવે ત્યારે તેમને ખૂબ મજા પડતી. ધીરે ધીરે તેમણે પોતાના નિકટના સગાને પણ માંસ ખાતા કરી દીધા. માત્ર બંધુત્રિપુટી તરીકે ઓળખાતા જૈન સાધુઓ પૈકી જિનચંદ્ર વિજયજીનું વ્યાખ્યાન સાંભળીને આ જૈન ભાઈ પ્રભાવિત થઈ ગયા. ધાર્મિક વ્યાખ્યાનની એવી અસર થઈ કે એ ભાઈએ હવે માંસાહાર હંમેશ માટે છોડી દીધો.
રજનીશજીના ચુસ્ત અનુયાયી એવા એક જૈન ભાઈને રૂપાળી યુવતીઓની આસક્તિ હતી. વાસનાના ગુલામ એવા એ ભાઈએ બંધુત્રિપુટી પૈકીના કીર્તિવિજયજી મહારાજનું પ્રવચન સાંભળ્યા પછી અને તીથલમાં ધર્મ સાધના કર્યા પછી પોતાની વિષય વૃત્તિમાંથી મુક્તિ મેળવી છે અને તે ધાર્મિક બન્યા છે. ધાર્મિક હોવાનો સંતોષ સૌ પોતપોતાની રીતે લે છે. મુંબઈની સિટી સિવિલ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.એમ. શંભુ (જેમણે બે બહેનોએ તેમની બે ભાભીના ખૂન કર્યા તે બદલ મૃત્યુદંડની સજા આપી તે જજસાહેબ) નિયમિત શ્રીનાથજીના દર્શન કરવા નાથદ્વારા જાય છે. જજ તરીકે નિયુક્ત થયા તે પછી તેઓ ખાસ નાથદ્વારા ગયા હતા.
અમેરિકાના પ્રમુખે એક વખત તેમના મિત્રને કહ્યું, 'હું જ્યારે સારું કામ કરું છું, ત્યારે મને એકદમ સારું લાગે છે અને જ્યારે ખરાબ કર્મ કરું છું, ત્યારે દિવસભર બહુ જ ખરાબ લાગ્યા કરે છે... અને આ જ મારો ધર્મ છે.' બે લાખ રૂપિયામાં 'સુપારી' ખાનારો એટલે ભાડૂતી બનીને ખૂન કરનારો ડોંગરીનો એક દાદો ખૂન કરવા જાય છે ત્યારે ડોંગરીના એક પીરની માનતા માનીને જાય છે. દરેકની ધર્મની આસ્તા વિચિત્ર છે. આફ્રિકાના જંગલમાં ખોવાઈ ગયેલા વિજ્ઞાની ડૉ. લિવિંગ્સ્ટનને શોધનારા તેના લેખક મિત્ર હેન્રી એમ. સ્ટેનલી એક વખત વાયરલેસ ટેલિગ્રાફી શોધનારા વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનની લેબોરેટરીમાં ગયા. તેમણે એડિસનને ખૂબ જ ધાર્મિક ભાવથી પૂછ્યું, 'સાહેબ, તમે આ ટેલિગ્રાફ અને ટેલિફોનની શોધ કરી છે તો તમે પ્રથમ અવાજ કોનો સાંભળવા મળશે?' કોઈ પણ ખચકાટ વગર એડિસને કહ્યું, 'હું નેપોલિયનનો અવાજ સાંભળવાનું પસંદ કરું.' તો સ્ટેનલીએ વળી પાછું પૂછ્યું, 'શું તમે આપણા જગતનિયંતા-ઈશ્વરનો અવાજ સાંભળવાનું પસંદ ન કરો?' તો એડિસને કહ્યું, 'એ તો ઠીક છે, પણ મને નેપોલિયન એટલા માટે ગમે છે કે તે ચકોર માણસ ગમે તેવી કપરી પરિસ્થિતિનો પડકાર ઝીલી લઈને વિજય મેળવતો હતો. મને પરાક્રમી માણસો ગમે છે. નબળા લોકોને સહન કરી લેનારાં નહીં.'
વિજ્ઞાની એડિસન તેમના જવાબમાં ઘણા પ્રમાણિક અને સ્પષ્ટ હતા. આપણે જુદા જુદા ધર્મોની વાત સાંભળીએ તો ઘડીભર મતિ મૂંઝાઈ જાય. ચુસ્ત ખ્રિસ્તી ધર્મી જો બે પત્ની કરે તો એ પાપ ગણાય છે. જગતમાં એક જ ઈશ્વર છે અને એ અલ્લાહ છે તેવો સંદેશ આપનારા મોહમ્મદ પયગંબરને નવ પત્નીઓ હતી અને ઈસ્લામ ધર્મમાં ચાર પત્ની કરવામાં પાપ નથી. ખ્રિસ્તી ધર્મના છઠ્ઠા ધાર્મિક ઉપદેશમાં કોઈનું ખૂન કરવાની છૂટ નથી, પરંતુ અમુક સંયોગોમાં ખૂન કરવાની છૂટ છે. પાદરીઓના આશીર્વાદ લઈને યુદ્ધમાં જનારો ખ્રિસ્તી સૈનિક કોઈને (દુશ્મન પક્ષમાં) મારી શકે છે. હિન્દુધર્મમાં અને જૈન ધર્મમાં અહિંસા આચરવાનો ઉપદેશ છે અને નાના જીવ કે પ્રાણીને પણ મારી શકાતું નથી. ખ્રિસ્તી પાદરીઓ હોમોસેક્સ્યુઅલ હોવું (સજાતિય) તેને પાપ સમજે છે, જ્યારે જૂના સમય પ્રમાણે સજાતિય સંબંધ ધરાવનારા કોઈ પાપ કરતા નથી તેમ કહેવાતું હતું. ગર્ભપાત કરવો કે કરાવવો તેને ખ્રિસ્તી અને હિંદુધર્મી ડૉક્ટરો 30 વર્ષ પહેલાં પાપ ગણતા હતા. આજે વધુમાં વધુ ખ્રિસ્તી અને હિન્દુ ડૉક્ટરો ગર્ભપાત કરાવે છે.
યહૂદીઓના ધાર્મિક ગ્રંથોમાં 613 જેટલાં નાનાં નાનાં કર્મો સામે નિષેધનો ઉલ્લેખ છે પણ ઈઝરાયલમાં રહેતાં યહૂદીઓમાંથી ઘણા સાંજે પથારીમાં પિસ્તોલ લઈને સૂવે છે. યહૂદી અમુક દિવસે કંઈ લખી શકતો નથી, મુસાફરી કરી શકતો નથી, પાણી પી શકતો નથી. એ યહૂદીધર્મી શાસનની 'મોસાદ' નામની જાસૂસી સંસ્થાના જાસૂસો દુશ્મનીની જરા ગંધ આવે તો તેને બંદુકથી ઠાર કરે છે. હિન્દુઓ અનેક દેવી દેવતાને માને છે, પણ ચીનાઓ કોઈપણ પ્રકારની મૂર્તિપૂજામાં માનતા નથી.
યહૂદીઓ તેમના પ્રાયશ્ચિતને દિવસે એક બકરાને ઘરમાં બાંધીને પછી પોતાના તમામ પાપને યાદ કરે છે. પછી તે બકરા ઉપર બધા જ પાપો ટ્રાન્સફર કરીને એ બકરાને જંગલમાં ધકેલી દે છે. દક્ષિણ ભારતમાં આજે પણ બડાગા ગામની કોમ તેમના વર્ષભરના પાપ એક પાડા ઉપર રેડી દે છે અને પછી લાંબી વિધિ કરીને પાડાને વધેરે છે. મલબારના બ્રાહ્મણો ગાયને પવિત્ર માને છે. બ્રાહ્મણોએ કે યજમાનોએ જે પાપ કર્યા હોય તે ગાયમાં ટ્રાન્સફર કરીને પછી ધામધૂમથી તે ગાયને ઉત્તમ ચારો નીરવામાં આવે છે. ત્રાવણકોરના રાજા જ્યારે મરવા પડ્યા હતા ત્યારે ગાયનું પૂજન કરનાર બ્રાહ્મણને બોલાવવામાં આવ્યો હતો. રાજાએ તેમના જિંદગીભરના પાપ આ બ્રાહ્મણને અર્પણ કરીને તેને રૂ. 10,000ની દક્ષિણા આપી હતી. સુપરસ્ટિશન નામના પુસ્તકના લેખક એફ.ઈ.પ્લેનર કહે છે બ્રાહ્મણને દક્ષિણા આપ્યા પછી એ બ્રાહ્મણ રાજાને આશીર્વાદ આપે છે કે "મહારાજને ઘણી ખમ્મા! મહારાજ ઘણું જીવો." એ પછી આ બ્રાહ્મણને દેશપાર (રાજ્યબહાર) કરાયો હતો. જ્યાં અત્યારે સામ્યવાદી શાસન છે તે અલ્બાનિયા નામના દેસમાં પહેલાં ભારે ધાર્મિક અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી. અલ્બાનિયામાં એક ગુલામને આખું વર્ષ જાહોજલાલીમાં રાખવામાં આવતો. તે પછી પુરોહિત તેને મંત્રદીક્ષા આપતા. તે પછી ગુલામના માલિકનાં પાપો તેનાં પર ઢોળી દેવાતા અને તે ગુલામના હૃદયમાં તીક્ષ્ણ હથિયાર ભોંકવામાં આવતું.
(ક્રમશઃ)
(લેખ વર્ષો પહેલા પ્રકાશિત થયો હતો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર