પ્રેમમાં પ્રેમના રોગની રામાયણ

05 Oct, 2017
12:01 AM

કાન્તિ ભટ્ટ

PC:

પ્રેમ કરવાની ઋતુ કઈ? કોલેજ ખૂલે ત્યારે હળવામળવાની સગવડો વધે એટલે મુંબઈ હોય કે રાજકોટ પ્રેમની મોસમ શરૂ થઈ જાય છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થિનીઓનો શિકાર શોધે છે. કવિઓની દૃષ્ટિએ તો વસંત ઋતુ એ પ્રેમની ઋતુ છે. મુંબઈનું ચોમાસું આડા સંબંધોની ઋતુ જેવું છે. બોરીવલીના નેશનલ પાર્કમાં ગાંધીદર્શનની ટેકરીએ જાઓ તો મારુતિ કારમાં સવારે 10 વાગે કોઈ પ્રેમી કપલ આલિંગનમાં બેઠું હોય તો માનવું કે ચોમાસું આવી ગયું છે, કારણકે પગે ચાલીને ચોમાસામાં ટેકરી ઉપર કોઈ આવે નહિ. મારુતિ કાર એ નેશનલ પાર્ક અને આરે કૉલોનીનાં ચોમાસામાં મોબાઈલ પ્રેમઘરો બને છે. કૉલેજિયનો કે ભણેલા લોકો જ પ્રેમ કરે છે તેવું નથી. ઝૂંપડપટ્ટીથી માંડીને લિફ્ટમેન પણ પ્રેમમાં પડે છે. એક ગુજરાતી સામયિકનો પટાવાળો તેની ઓફિસની ક્લાર્ક ઉપર પ્રેમકાવ્યો લખતો. પરણેલી ક્લાર્કને તે નેશનલ પાર્કમાં ફરવા લઈ જતો.ડૉ. જેરોમ નામના તબિબ જેઓ લેખક પણ હતા તે કહે છે કે પ્રેમ એ ગાલપચોળિયા જેવો રોગ છે. તે રોગ જિંદગીમાં એક વખત બધાને થાય જ છે, પરંતુ ઘણી વખત આ ગાલપચોળિયાં વકરે ત્યારે મરણ પણ થાય છે. કાં પોતાનું, કાં બેવફા પ્રેમીનું. પ્રેમને ઘણા લોકો બીમારી સમજે છે પણ મુંબઈમાં સાઈક્રિયેટ્રિસ્ટ ડૉ. આશિત શેઠ રેકોર્ડ ઉપર કહી ગયા છે કે પ્રેમ કાંઈ બીમારી નથી. પ્રેમ એ તો એક કુદરતી લાગણી છે પણ પ્રેમ જો પઝેસિવ બને તો ખતરનાક નીવડે છે.

મુંબઈના છૂટાછેડાના નિષ્ણાત વકીલ વસંતકુમાર પારેખ પાસે એક કિસ્સો આવ્યો છે. એક આર્કિટેક્ટે અતિસુંદર યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા. પત્ની ખૂબ પ્રેમ કરતી. પછી વધુ પડતો પ્રેમ કરવા માંડી અને આર્કિટેક્ટને હવે ઘરની બહાર જ જવા દેતી નથી. તેને પઝેસ કરવા માગે છે. આર્કિટેક્ટ બહાનું કરીને ઑફિસમાં જાય તો પત્ની પાછળ પાછળ મોટર લઈને આવે. આર્કિટેક્ટની ઑફિસમાં તો હવે ઈન્ટિરિયર ડેકોરેશનનું કામ ઘણી રૂપાળી છોકરીઓ કરે છે. તેવી છોકરીઓ આવી હોય. પ્રેમના છલોછલ ઝેરથી ભરેલી પત્ની આ જોઈ ન શકે. એક વખતે તો એક મહિલા ઈન્ટિરિયરને પત્ની કહે, તું મારા વરની રખાત છો. આવું વારંવાર થતાં આર્કિટેક્ટને ત્યાં કોઈ મહિલા કામ કરવા આવતી નથી. તેનો ધંધો પડી ભાંગ્યો છે. આર્કિટેક્ટ આ પ્રેમના પઝેશનમાંથી છૂટવા માગે છે પણ પત્ની છૂટાછેડા આપવા તૈયાર નથી. પત્ની મહિને રૂ. 40,000 અને મોટરકાર વગેરે લઈને માત્ર અલગ રહે તેવી ઑફરનેય માનતી નથી. ઘણી વખત પ્રેમ આવો દારુણ પણ નીકળે છે. જૂના જમાનામાં મા-બાપ જ્યારે મુરતિયાને જેવી-તેવી કન્યા વળગાડે ત્યારે દીકરા ફરિયાદ કરતા કે જુઓને માબાપે ઝાડે (ભૂત) વળગાડ્યુંપણ હવે તો દીકરાઓ પોતે જ પ્રેમના ઝાડે જાતે વળગીને પસ્તાય છે.

ડૉ. આશિત શેઠનો અનુભવ છે, જેમ ભૂત વળગે તેમ અમુક માનસિક રોગમાં ફસાયેલી સ્ત્રી કે પુરૂષને પ્રેમનો વળગાડ થાય છે. ડૉ. શેઠ પાસે એક યુવતી આવેલી, તેને એક સાધુ સાથે પ્રેમ થયો હતો. હવે આ સાધુને તે છોકરી પરણવા માગે છે. મોરારિબાપુ ઉપર પ્રેમપત્રોની આખી નોટબુક ભરાઈ ગઈ હોય તેટલા પત્ર લખનારી છોકરીઓ અમે જોઈ છે. મોરારિબાપુ વચ્ચે લગ્નો પણ ગોઠવી આપતા હતા. મુંબઈમાં એક છોકરી તેના પ્રેમીની રાહ જોતી પાંચ પાંચ કલાક બસસ્ટેન્ડ ઉપર ઊભી રહે છે. એક સ્ત્રી પંદર વર્ષથી માનસિક રીતે બીમાર હતી. તેની ઉંમર પણ મોનોપોઝની થઈ ગયેલી. તે એક સાધુના પ્રેમમાં પડી અને રૂ. ત્રણ લાખનું ઝવેરાત સાધુને લૂંટાવી દીધું. મહોબ્બત મેં લૂંટ ગયે હમએવી ફરિયાદને બદલે આ બાઈએ સ્વેચ્છાએ જ બધું લૂંટાવી દીધું હતું. એક આધેડ વયની ગુજરાતણે ગુરુના પ્રેમમાં પડીને (એટલે કે અધ્યાત્મપ્રેમ કે વાસનારહિત પ્રેમ નહિ, ચોખ્ખો પેશનેટ લવ) પોતાનો બંગલો, જરઝવેરાત વેચીને ગુરુને પૈસા આપી દીધેલા. ડૉ. શેઠ માને છે કે ઘણી છોકરી અપરિપક્વ માનસિક હાલતમાં હોય તે જ નહિ પણ પરિપક્વ હાલતની સ્ત્રીને પણ આવી કાચા વ્યક્તિત્વવાળી સ્ત્રીઓ કે છોકરીઓને લેખકો, સાધુઓ, ડૉક્ટરો, તંત્રીઓ કે કલાકારો તરફ આકર્ષણ થાય છે. કેટલીક વખત શારીરિક રોગ પણ પ્રમને ઉશ્કેરે છે. એક આધેડ વયની મહિલાને ડાયાલિસિસ છે. તેના મગજને હાનિ થઈ હશે એટલે આ સ્ત્રીને એકાએક યુવાન છોકરાઓનું આકર્ષણ થવા લાગ્યું છે. કોઈ પણ આકર્ષક યુવાનના થોડા જ સંપર્કમાં આવે ત્યાં તેને લાગવા માંડે છે કે છોકરો તેને પ્રેમ કરે છે. પછી એ છોકરાને તે સારા સારા ફેશનેબલ ડ્રેસ અપાવી દે છે. આ બાઈને યુવાન છોકરાઓ પાછળ એક વર્ષમાં રૂ. બે-ત્રણ લાખ ખર્ચી નાખ્યા છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.