ભયનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

25 May, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: dailymail.co.uk

લોઈડ ડગલાસ નામના વિદ્વાને કહ્યું છે કે કોઈ વ્યક્તિને જ્યારે અમુક જાતનો ડર લાગે છે ત્યારે તે ભય તેના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. તેની વિચારશક્તિ કુંઠિત થાય છે. તેની પર્સનાલિટીને ડેમેજ થાય છે અને તે જાણે કોઈ ભૂતનાં ઘરનો લેન્ડલોર્ડ હોય તેવો બની જાય છે. મુંબઈ શહેર જ નહીં પણ બેંગ્લોર સુધી કચ્છ ગુજરાતનાં ભૂકંપે લોકોના કાળજા કંપાવી નાખ્યા છે. મારા ક્ષિતિજ બિલ્ડિંગના સાતમાં માળે રહેતા એક કુટુંબે તો 26મી જાન્યુઆરી પછી ત્રણ દિવસે એક સૂટકેસ તૈયાર કરી છે અને સહેજ ભૂકંપનો ડર લાગતાં સૂટકેસ લઈને સાત દાદરા ઉતરી જાય છે. સંખ્યાબંધ કુટુંબોનાં સભ્યો એ મુંબઈના ઘણા બહુમાળી મકાનોને છોડી દીધાં છે.

હવામાન અને કુદરતી આફતો માનવીની પર્સનાલિટીને અસ્તવ્યસ્ત કરી નાંખે છે. અમેરિકામાં પેન્સીલવેનીયા હૉસ્પિટલમાં અનુભવ થયો કે સખત બરફ પડતાં બેરોમીટર અસાધારણ નીચું જતાં ત્યાં આપઘાતના કિસ્સા વધી ગયા હતા. જર્મનીના મ્યૂનિક શહેરમાં ખરાબ હવામાન અને પરદેશથી ભૂકંપની સમાચાર સાંભળતા કામદારો ફેક્ટરીમાં ભૂલો કરતા હતા. ખરાબ હવામાનથી રસ્તાના અકસ્માતો વધીને 43,000 અકસ્માતો થયેલા. જ્યારે અમેરિકામાં થંડર સ્ટોર્સ થાય છે ત્યારે ઘણાને આધાશીશી થાય છે. આધાશીશી સારી થયા પછી તેને સતત વીજળીના કડાકાનો ડર લાગે છે.

અમેરિકાના ડૉ. રિચાર્ડ એમ રેસ્ટાક (એમ.ડી.) કહે છે કે ભૂકંપમાં જેમને મસ્તકને ઈજા થઈ હશે અને લાંબો સમય હૉસ્પિટલમાં રહેવું પડ્યું હશે કે જેને નિઅર ડેથ એક્સપીરીયન્સ – (Near Death Experience) મોતને નજર સામે જોવાનો અનુભવ થયો હશે. તેની વર્તણૂંક વિચિત્ર થઈ જશે. ઘણાને લાગશે કે પાડોશમાં તેના જેવો જ બીજો માણસ રહે છે.

જે લોકો ભૂકંપમાંથી બચી ગયા છે તેમના મનમાં અવનવા અનુભવો થશે તેમ ડૉ. શેરવીન વી. નુલાન્ડ કહે છે. જેણે હોરર કે ભયંકર જાતનાં મલબા નીચે દટાઈને અનુભવી છે તેને સતત આની યાદ આવ્યા પછી તેની સામે એવો સાયકોલૉજિકલ ડિફેન્સ બાંધવા કોશિષ કરશે કે ઉલટાનું તેમને દુઃસ્વપ્નો આવશે અને તે પોતાના મનગઢંત અનુભવો જ કહેવા માંડશે.

પરંતુ આવા ભૂકંપના ભયાનક દૃશ્યો ટી.વી.માં જોનારા અને ભૂકંપથી ડરનારાની સમસ્યા મોટી છે. લોકો ડરે છે તે ખોટું નથી. તેમાં કોઈ બડાઈ મારી શકે નહીં. જાણીતા ફિલસૂફીનાં એ લેક્ચરરે મુંબઈમાં કબૂલ કરેલું કે તેમને ભૂકંપ થયો ત્યારે ઉપનિષદ કે ગીતા યાદ ન આવ્યા પણ મોતનો ભય જ સામે ઊભો રહ્યો. કવિ બાયરને પણ કહ્યું છે :

All is to be feared where all is to be lost.

જ્યારે સર્વસ્વ ગુમાવવાનું હોય ત્યારે બધી જ ચીજોથી ડરવા જેવું છે. મુંબઈ શહેરના બે માનસ ચિકિત્સકો ડૉ. પુલીન લાકડાવાલા અને ડૉ. એસ.એન.શાહને ભુકંપના ડર વિશે અને હવે જે 10 લાખ લોકોએ આ ભૂકંપની ભૂતાવળો અનુભવી છે કે તેના સગાને મરતા જોયા છે. તેમની માનસિક હાલત શું થશે તે પૂછ્યું. ડૉ. પ્રકાશ કોઠારી નામના સેક્સોલૉજિસ્ટને આ યાતનામાંથી બહાર આવનારાની સેક્સ લાઈફ પર શું અસર થશે તે પણ પૂછ્યું તેમના જવાબો જાણતા પહેલાં માનવીના ડરની વાત કરીએ.

ભયની બાબતમાં માનવી બીજા પ્રાણી જેવી જ વર્તણૂંક કરે છે પરંતુ સામૂહિક ભય આવે ત્યારે માનવી કરતા પ્રાણીઓ વધુ સહકારથી વર્તે છે તેવો અનુભવ છે. વહેલમાછલી કે હાથીનાં ટોળામાં કોઈ ઘવાય તો એ ઘવાયેલી માછલી કે હાથી સાથે જ બધા રહે છે. એકબીજાને છોડીને ડરના માર્યા ભાગી જતા નથી. માનવી તો સામૂહિક ભયમાં આવી પડે ત્યારે એકબીજા ઉપરથી કૂદીને પોતાની જાન બચાવવા કોશિષ કરે છે. લશ્કરમાં આતંક ફેલાય ત્યારે સમૂહમાં સૈનિકો એક સાથે ઢીલા થઈ જઈને હથિયારો મૂકી દે છે :

મુંબઈ શહેરમાં 25 વર્ષ પહેલા વીજળીનો અકસ્માત થતાં ટ્રેનના ડબ્બા બળી ગયેલા તે પછી પણ સહેજ અવાજ થતા લોકો કૂદી પડતા હતા. ભૂતકાળનો ભયજનક બનાવ માનવીનાં આખા ચારિત્ર્ય અને ભવિષ્યની વર્તણૂકને ઘડે છે. એડૉલ્ફ હિટલર જેવો મહાન પુરુષ, કીયર કરગો જેવો ફ્રેંચ ફિલસૂફ અને હૈદરાબાદનાં નિઝામ જેવો ધનિક રાજા પણ ભયથી પીડાતા હતા તો પછી ભૂકંપના ઝટકાથી પોતે દટાઈ મરશે તેવો મુંબઈગરાને કે અમદાવાદીને કે ભૂજના કચ્છીને ડર લાગે તેમાં નવાઈ નથી.

પરંતુ માનસ શાસ્ત્રના આ નિયમનું એક વખત ઉલ્લંઘન થયું તેમાં માનવોએ પ્રાણીની સહકારભાવથી કામ કર્યું. ટાઈટેનિક સ્ટીમર ડૂબતી હતી ત્યારે લાઈફ બોટ ઓછી હતી. કેટલાક પુરૂષોએ હિંમત બતાવીને થોડીક લાઈફ બોટમાં સ્ત્રીઓ અને બાળકોને પ્રથમ જવા દીધા હતા. બીજા ધનિકો એવા પણ હતા જે લાંચ આપીને લાઈફબોટ પકડતા હતા.

દક્ષિણ વિયેતનામમાં સૈનિકોની હાર થઈ અને વિયેતકોંગ ગેરીલાઓનો ડર લાગ્યો ત્યારે 25 વર્ષ પહેલાં અમેરિકન સૈનિકો ભાગતા હતા. તેમાં વિમાનમાં જલદી પહોંચવા અને ચઢવા સૈનિકો એકબીજાનાં ગળા પકડીને બીજા સૈનિકોને બહાર ફેંકતા હતા. મહાન મનોવિજ્ઞાની ડૉ. ફ્રોઈડના કહેવા મુજબ બાળક માતાનો પ્રેમ ગુમાવે છે કે કોઈ અનુયાયી તેના નેતાનો વિશ્વાસ કે પ્રેમ ગુમાવે ત્યારે તેની વર્તણૂંક ભયગ્રસ્ત બને છે : ભૂકંપના ડરથી તમારા પડોશીઓ જરાક ખળભળાટ થતાં ભાગે તો તેની મજાક કરવી ન જોઈએ. ભયમાં માણસ ભાગે જ. બીજા વિશ્વયુદ્ધમાં લંડન શહેરમાં બોંબમારો થતો ત્યારે હવાઈ હુમલાની ચેતવણીન સાયરન વાગતી. એવી સાયરન વાગે એટલે મરવાના ભયથી ઘણાના છાતીના ધબકારા વધી જતા. ઘણાની ઊંઘ ઊડી જતી અને ઘણાને ઝાડા થઈ જતા. જો કે પછી જર્મન વિમાનોના હુમલા વધવા માંડ્યા તેમ તેમ લોકો એ ભયથી ટેવાઈ ગયા.

બ્રિટન, જાપાન અને જર્મનીમાં યુદ્ધ દરમિયાન લોકોને કેવી બીક લાગતી તેનું સર્વેક્ષણ કર્યું. મોટાભાગના લોકોને ફિયર કોમ્પ્લેક્સ આવી ગયો. ઘણાને થાક લાગતો હતો. કેટલાકને બોસ ઠપકો આપે તો પરસેવો વળી જતો. બ્રિટનમાં છત્રીદળના સૈનિકોને તાલીમ અપાય છે. ત્યાં 34 ફૂટ ઊંચે ટાવરથી ભૂસકો મારવાની તાલીમ અપાય છે. ઘણાને 34 ફૂટની ઊંચાઈ જોઈને ડર લાગતો પણ વીસેક વખત ભૂસકો માર્યા પછી ડર ભાગી જતો હતો.

મુંબઈના ડૉ. પરેશ લાકડાવાલા નામનાં માનસચિકિત્સક કહે છે, ભૂકંપ પછી તેમના પાસે તેનાં અગાઉના ત્રણ જૂના દર્દીઓ ભયથી લાગણીની ફરિયાદ કરતા આવેલા. ડૉ. લાકડાવાલાએ કહ્યું કે તમે સાંભળ્યું હશે કે મુંબઈ નજીક મીરારોડના રસ્તા ઉપર ઘણા લોક 26-27 જાન્યુઆરીની રાત્રે સૂઈ રહ્યા હતા. તેમને ભૂકંપનો ડર લાગતો નથી. એક 27 વર્ષના યુવક છે તે કેમિકલ્સનો વેપાર કરે છે. છેલ્લા 3 દિવસથી (27-28-29) તેનો ફોન આવ્યા કરે છે. ભૂકંપના ઝટકા અનુભવ્યા પછી અને ભૂજના કારમા દૃશ્યો જોયા પછી મને ડર લાગે છે કે મારું ભેજું હલી રહ્યું છે. મને કામમાં રસ રહેતો નથી. આ દર્દી અગાઉ માનસ ચિકિત્સા લઈ ગયેલ અને સ્ટેબલ થઈ ગયેલા પણ ભૂકંપે તેમને પાછા અસ્થિર કરી નાંખ્યા છે અન તેમને સતત ભૂકંપનો ડર લાગે છે. બીજા એક 45 વર્ષના ભાઈએ ભયગ્રંથી પીડતી હતી. તેઓ સતત કહ્યા કરતા કે તેમને આશંકા છે કે આ દુનિયામાં પ્રલય થશે. તેમની પત્નીને રોજ હેરાન કરે. પત્નીએ તેન કહેવું પડ્યું કે દુનિયામાં પ્રલય થતો હશે પણ તમે અત્યારે જ ઘરમાં પ્રલય લાવો છો. આ ભાઈને ડૉ. લાકડાવાલાએ ટ્રીટ કરીને સારા કર્યા પણ ભૂકંપના સતત સમાચાર પછી પાછું તેનું દર્દ ઊભું છે અને પ્રલય, ભૂકંપ અને વાવાઝોડાની વાત કરે છે. ડૉ. લાકડાવાળાએ બીજા ઘણા અનુભવો કહ્યા. લાતુરના ભૂકંપ પછી કે.ઈ.એમ. અને નાયર હૉસ્પિટલમાં ઘણા માનસિક દર્દી આવતા હતા. જસલોકના મનોવિજ્ઞાની ડૉ. રાજેશ પરીખ અને બીજા માનસચિકિત્સક ડૉ. પ્રકાશ પ્રધાને લાતુરના ભૂકંપ પછી ત્યાંના અસરગ્રસ્તો જીવી ગયા તેમનું સર્વેક્ષણ કરેલું. તે લોકોને પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ એટલે કે ભૂકંપ પછી ડિપ્રેશન આવવું ઊંઘ ન આવવી, માનસિક શક્તિ કુંઠિત થવી વગેરે અનુભવ થતા હતા. બાબરી મસ્જિદ તૂટ્યા પછી મુંબઈમાં હુલ્લડો થયા તે પછી આખા વર્ષ સુધી ઘણા બાળકોને ધાક પેસી ગયેલી પણ ડૉ. લાકડાવાલા કહે છે કે એ ધાક કરતાં આ ભૂકંપની ધાક ભયંકર રીતે વ્યાપક જોવા મળશે.

(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.