આવકવેરાની અધધધ ધાડ

23 Feb, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: intoday.in

માર્ચ મહિનાની શરૂમાં ચૂંટણી અધિકારીઓ તમામ મતપત્રકો ગણીને પછી ખાલી મતપેટીઓ ગણતા હતા. ત્યાર પછી 7મી માર્ચે મુંબઈના આવકવેરા ખાતાના અધિકારીઓ સાયનના એક કાઠિયાવાડી ગુજરાતી વેપારી જે રસાયણોમાંથી કરોડો રૂ. કમાયા હતા. તેમને ત્યાં ધાડ પાડીને ખાસ્સી રૂ. 1 કરોડ ઉપરની નગદ નોટો ગણી રહ્યા હતા. આટલી બધી રોકડી નોટો આવકવેરો ખાતાના ઈતિહાસમાં કોઈએ હજી સુધી ગણી નથી.

ઈન્કમટેક્ષના ઈન્ટેલિજન્સ ખાતાના અધિકારીઓએ પણ અડધી નોટોનાં બંડલો ગણ્યાં ત્યાં થાકી ગયા. તેમણે નોટોનાં બંડલો ઉપર આંકડા લખ્યા હતા. તેના પર વિશ્વાસ મૂકીને ભારત સરકારનું રેવન્યુ ખાતું સંભાળતી બેંકમાં એક કરોડ અને સાત લાખ રૂપિયા જમા કરાવી દીધા. તે પછી આ લેખ 13મી માર્ચે લખાય છે ત્યારે સ્ટેટ બેંકના ત્રણ ઑફિસરો નોટો ગણતા હતા અને હજી રૂ. 80 લાખની નોટો ગણી શક્યા હતા.

ઈન્ટેલિજન્સ વિભાગના યુનિટ નં.4ના વડા અધિકારી ગોપાલકૃષ્ણ બંસલને ધાડ પાડ્યાના પાંચમા દિવસે માત્ર એટલા ખબર મળ્યા કે એક નોટના બંડલને ઊધઈ ખાઈ ગઈ હતી અને બીજું રૂ. દસ હજારનું બંડલ પલળી ગયેલું હતું.

છેલ્લે શ્રીમતી પ્રમિલા શ્રીવાસ્તવ નામના મહિલા અધિકારીએ રૂ. 10 કરોડના હીરા જપ્ત કર્યા ત્યારે એ સૌથી મોટી ધાડ ગણાતી હતી પરંતુ હીરાના એ ખમતીધર વેપારી પાસેથી કોઈ મોટી કાળી રોકડ રકમ મળી નહોતી. કેમિકલના એક જ કાઠિયાવાડી વેપારીએ આટલી જંગી રકમનું જોખમ તેના સાયનના પહેલા માળના ત્રણ હજાર ચોરસફૂટના વિશાળ ફ્લેટમાં રાખ્યું હતું. આ વેપારીએ એક આરબ શેખની માફક તેના બેડરૂમની દિવાલના લાકડાના કબાટમાં અને બે સ્ટીલના કબાટ રૂ. 1 કરોડ અને સાત લાખ રાખ્યા હતા.

વી.પી.સિંહની સરકારે સત્તા પર આવ્યા પછી ડઝનબંધ વખત કહ્યું છે કે સરકારી તિજોરી ખાલી છે ખાલી જ હોય ને! સાયન અને મુંબઈનાં બીજાં પરાંઓમાં રહેતા કેમિકલના, હીરાના અને બીજા વેપારીઓએ પોતાના બેડરૂમમાં કરોડો રૂપિયાનાં કાળાં નાણાં રાજીવ ગાંધીના પાંચ વર્ષના રાજમાં સંઘરી રાખ્યા હોય તે સરકારી તિજોરીમાં ક્યાંથી આવે? જોકે ગોપાલકૃષ્ણ બંસલ વી.પી.સિંહ નસીબદાર છે કે કેમિકલના એક જ વેપારીએ આ અભૂતપૂર્વ ગણાય તેવા દરોડામાં રૂ. 1,07 કરોડ મળ્યા એટલે તુરંત આવકવેરા ખાતામાં આવીને પોતાની રૂ. બે કરોડની કાળી આવક જાહેર કરી દીધી.

આ જંગી દરોડાની ખબર 9મી માર્ચના મુંબઈનાં થોડાંક અખબારોમાં માત્ર ત્રણ ઈંચના નાના ફકરામાં છપાઈ પણ મુંબઈની કેમિકલબજાર, દવાબજાર અને ઉદ્યોગપતિઓમાં સનસનાટી મચી ગઈ. આ વેપારી કોણ હશે તેની અટકળો થવા માંડી. કેમિકલના એક જૂના વેપારીએ મને કહ્યું કે, સાયનના વેપારી તેના ઘરઘાટીને બહુ ઓછો પગાર આપતા હતા. તેને કારણે ઘાટીએ જ આ ખબર આવકવેરા ખાતાને આપ્યા છે પણ આવકવેરા ખાતા અધિકારીઓને હું મળી ત્યારે જુદી જ વાત જાણવા મળી.

ભારતભરના વેપારીઓ આઝાદી પછી ભ્રષ્ટાચારી અને શિથિલ રાજમાં કાળા નાણાં ઊસડવા માંડ્યાં છે. આવકવેરા ખાતાના દરોડા ખાતાને દરોડા પાડવામાં રસ નહોતો. દરોડા પાડે અને વેપારી રાજીવનો ગોઠિયો નીકળે તો પોતાની ટ્રાન્સફર થઈ જાય. અધૂરામાં પૂરું ઉત્તરપ્રદેશમાં આવકવેરાના દરોડા પાડવા ગયેલા અધિકારીઓને માર ખાવો પડ્યો એટલે છ મહિના સુધી દરોડા પડતા નહોતા અને દરોડા પડે તો કચુંબર જેટલો માલ મળતો હતો. આવા વખતમાં મુંબઈના ઈન્ટેલિજન્સ વિભાગના ચાર નંબરના યુનિટના વડા કે.જી.બંસલ ફાઈલો પતાવતા હતા. સહાયકોના અભાવે મોટી મોટી કંપનીને સ્પર્શી શકાતું નહોતું. માત્ર સાવધાન રહીને સર્વે કરતા હતા. આવી જખ મારીને બેઠેલા અધિકારી પૈકી એક અધિકારી સાયનની એક બેંકમાં ગયા. ત્યાં બેંકના લેજરનાં પાનાં કંટાળા સાથે ફેરવતાં હતાં ત્યારે તેમની નજર એકાએક ચાર ખાતાંઓ પર પડી.

આ ખાતાઓમાં ચિક્કાર રોકડ કે ચેકની રકમ જમા થતી હતી અને ચિક્કાર પ્રમાણમાં રકમોનો ઉપાડ થતો હતો. નિયમિત તારીખ પ્રમાણે આ ડિપોઝિટ કે ઉપાડ થતા હતા. એ પછી આ ખાતાઓના આસામીનાં નામ-સરનામાં લીધાં તો ખબર પડી કે આવા કોઈ આસામી જ નહોતા. ચારેય બોગસ ખાતાં હતાં પરંતુ તે પછી આ ખાતામાં ડિપોઝીટ કે ઉપાડ કરનારા પર નજર કરી તો કે.જી. બંસલને રાજીવનો હીરો અને વિશ્વનાથ પ્રતાપનો વિલમ પ્રભુપ્રતાપે મળી ગયો. આવકવેરા ખાતાની દરોડા પહેલાંની તપાસમાં તો અપેક્ષા હતી કે વધુમાં વધુ રૂ. 25 લાખનાં કાળાં નાણાં મળી જશે પરંતુ એક કરોડ પરની રોકડી રકમ, દાગીના, કેમિકલ્સનો જાહેર ન કરાયેલો અઢળક માલ વગેરે મળી આવ્યું. કેમિકલ બજારનાં સેંકડો વેપારીઓ તેમ જ આ દલ્લો સંતાડનારા વેપારીને ડોશી મરી ગઈ તેનો અફસોસ નથી પણ આવકવેરા ખાતાના યમરાજો કેમિકલ બજારની કમાણીનો ક્યાસ મેળવી ગયા છે.

કેટલાંક વેપારી જે સાયનના કાઠિયાવાડી વેપારીને મહાકંજૂસ અને કોઈના પર વિશ્વાસ ન રાખનારા અવિશ્વાસુ વ્યક્તિ કહેતા હતા. તેઓ આ સમાચાર સાંભળીને ઘડીભર ખુશ થયા. આ વેપારી રોજ માત્ર સાંજે 7થી રાત્રના 11 વાગ્યા સુધી તેની એકમાત્ર મહિલા સેક્રેટરી સાથે બેસતો. તે વાતમાં કંઈ મસાલો ભભરાવીને અન્ય વેપારીઓ ખુશ થાય છે પરંતુ કેમિકલ બજારમાં ગંભીરતાભર્યો સન્નાટો હતો. દરોડા પડ્યા તે દિવસે જાણે શોક પાળ્યો હોય તેમ દવાની એક મોટી દુકાન એના માલિક વેપારીએ બંધ રાખી હતી. દવાબજાર અને કેમિકલ્સને શું લાગેવળગે તેવો પ્રશ્ન સામાન્ય વાચકને થાય.

દવાબજારના એક ગુજરાતી વેપારીને મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું કે, એક જ વેપારી પાસે રૂ. બે કરોડના નાણાં અને તેમાંય રૂ. 1 કરોડ રોકડા કઈ રીતે ભેગા થાય? તો તે વેપારીએ કહ્યું, 'તમે બધાં પત્રકારો મિડલક્લાસ મેન્ટાલિટીમાં જીવો છો. હવે લાખ રૂપિયાની કિંમત નથી. અહીં તો હવે કરોડો રૂપિયામાં વાત થાય છે.  કાળાં નાણાની રોજની રૂ. અડધા લાખની આવક કરનારા કેમિકલ્સના વેપારીઓ છે. એ લોકો પોતાનાં નાણાં સોનામાં રોકે, ફ્લેટમાં રોકે, હીરામાં રોકે, શેરો ખરીદે અને પછીય રૂ. એક કરોડના કાળા નાણાં પડ્યાં રહે તો શું કરે? ઘરમાં જ રાખેને?' આ વેપારીની વાત સાચી હતી. પત્રકારો મિડલક્લાસ મેન્ટાલિટીના છે તે વાત પણ કબૂલ કરવી પડે. નહીંતર એક મોટા અખબારના તંત્રીને રાજીવના સમયમાં રૂ. 7 લાખની લોન રિલાયન્સના શેરો ખરીદવા મળે એટલે વી.પી. સિંહને તેના તંત્રીલેખમાં ભાંડતો કેમ થઈ જાય?

આ વેપારીએ આખા કેમિકલબજારના કલ્પવૃક્ષની વાત સમજાવી. જગતભરમાં રોજિંદા વપરાશમાં 75,000 જેટલી કેમિકલ્સ વપરાય છે. ખેતીવાડી, ગૃહિણીઓને ઉપયોગમાં આવતી રોજિંદી ચીજવસ્તુઓ, દવાઉદ્યોગ અને રંગઉદ્યોગ વગેરેમાં કેમિકલ્સ વપરાય છે. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જે હજારો ચીજો ખડકી છે તે બધામાં સિન્થેટિક કેમિકલ્સ છે. કેમિકલ્સની ચાર કેટેગરી છે. સ્ટ્રક્ચરલ કેમિકલ્સ, પ્રોસેસ કેમિકલ્સ, જંતુઘ્ન દવાના કેમિકલ્સ અને મેડિસિનલ ડ્રગ્ઝ અર્થાત્ દવા ઉદ્યોગ. આ આ કેમિકલ્સમાં સૌથી મોટો દલ્લો એરોમેટિક્સ સોલવન્ટ નામના રસાયણ તેમ જ જીવનરક્ષક દવાઓ માટેના કેમિકલ્સના વેપારમાં છે. જે વેપારી પાસેથી બે કરોડના નાણાં મળ્યાં તે એરોમેટિક્સ નામની દવા અને બીજા એન્ટીબાયોટિક્સ દવાના કેમિકલ્સનો જંગી વેપારી હતો.

1947 પહેલા કેમિકલ્સનો તમામ ધંધો આઈ.સી.આઈ. નામની અંગ્રેજ કંપની અને અંગ્રેજો પાસે હતો. 90 ટકા કેમિકલ્સ આયાત થતાં હતાં. વેપારીઓને ત્યારે ડિલર્સ કહેવામાં આવતા. આવા ડિલર્સને કેમિકલ્સના આયાત પરવાના અપાતા હતા. તે ડિલર્સમાં જે માલદાર થયા છે તે મોટા ભાગના સૌરાષ્ટ્રના જૈન હતા.

સાયનવાળા શેઠે આ કલ્પવૃક્ષ જેવા કેમિકલ્સના ધંધામાં તેમનો કાઠિયાવાડી હાથ નાખ્યો અને હાથમાં પછી સોનું જ સોનું આવવા માંડ્યું. આ શેઠનો વેપાર શરૂમાં કલકત્તાની પેઢીમાં ખીલ્યો. તેમની બીજી ઑફિસ મુંબઈમાં તેમની સેક્રેટરી અને પોતે સંભાળે છે. તેમનો વેપાર કલકત્તા અને મુંબઈમાં હતો પણ ઈન્કમટેક્ષનો નંબર પટણામાં હતો. આનું રહસ્ય તમને કોઈ પણ નાનો ઈન્કમટેક્ષ પ્રેક્ટિશનર કહી શકે. આ શેઠે કલકત્તાના લાંચિયા તંત્રને રાજી કરીને 1966માં કલકત્તાના બંદરમાં યુદ્ધ પછી એક જહાજ પકડાયેલું તે જહાજનો માલ વેચવાનો કૉન્ટ્રાક્ટ લઈ લીધો. બસ આ જહાજ તેમને માટે પ્રથમ દૂઝણી ભગરી ભેંસ જેવું પુરવાર થયું.

આ જહાજમાં ક્લોરોમાઈસેટિન અને બીજી જીવનરક્ષક દવા બનાવવા માટેનો કાચો માલ-રસાયણ વગેરે હતું. આખા જહાજનો માલ તેમણે કાળાં બજારમાં અઢળક નફાથી વેચ્યો. રાતોરાત તેઓ રૂ. બે-ત્રણ કરોડના આસામી બની ગયા હતા પણ આ તો તેમને લક્ષ્મીરૂપી ગંગાનો સ્ત્રોત જ મળ્યો. કેમિકલ્સ નામનો કોઈ ગ્રહ હોય તો તેમને ફળ્યો. હવે તો તેઓ ખાનદાની શ્રીમંત બની ગયા છે. કલકત્તામાં રસાયણો વેચે અને પટણામાં તેની આવકનું એસેસમેન્ટ કરાવે. આપણે મધ્યમ વર્ગના માણસો મુંબઈમાં મજૂરી કરીએ અને મુંબઈમાં જ એ જ સ્થિતિમાં ટીંચાઈએ, ભારતના વેપારીઓ એવા મૂરખ નથી. આ શેઠ કેમિકલ્સ બજારમાં ‘ફેમસ’ છે. સ્ટાફમાં પણ તેમણે ઓછી ભણેલી પણ દેખાવડી મહિલા રાખી છે. કોઈના ઉપર વિશ્વાસ ન રાખે. એક કેમિકલ્સના વેપારીએ કહ્યું, ‘છેલ્લી સરકારે ઘણા પાસે એટલાં એટલાં કાળા નાણાં કરી દીધાં કે એક વેપારી તો સવારે તેની ગાડીમાં ઊપડે તેમાં કાળા નાણાંની બેગ મૂકી દે. ડ્રાઈવર પણ ન રાખે.

પત્ની પર પણ વિશ્વાસ નહીં. દરોડાનો સમય સવારનો સાડા આઠનો કે નવનો હોય છે એટલે આ ભાઈ આખો દિવસ લાખ્ખોની રૂપિયા ભરેલી પેટીઓ લઈને કારમાં રખડ્યા કરે છે અને રાત્રે ઘરભેગા થાય.

પરંતુ સાયનવાળા શેઠ ગજબની હિંમતના હતા. તે તો કબાટમાં જ નોટો ખડકે જતા હતા. બે મલ્ટીનેશનલ કંપનીઓ સાથેનો એરોમેટિક સોલવન્ટ નામના કેમિકલ્સનો એકહથ્થુ ગણી શકાય તેવો વેપાર મુંબઈના બે વેપારીઓ પાસે છે. તેમાંનો આ એક વેપારી હતો. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીના પરચેઝ ઑફિસરો તે બન્નેનાં ખિસ્સામાં છે તેમ કહેવાય છે. ઍરોમેટિક્સનું રસાયણ ઊનના કપડાંના પ્રોસેસિંગમાં, સાબુમાં, ડ્રાઈક્લિનિંગમાં, પૉલિશિંગમાં અમુક ખેતીવાડીના પાકમાં, ઈમલ્સન પેઈન્ટમાં દવાઓમાં અને ટૂથપેસ્ટમાં વપરાય છે. ટૂથપેસ્ટમાં તમને રોજ સવારે જે ખુશ્બૂ આવે છે તે આ સાયનના શેઠિયાએ લાંચ ખવડાવીને પૂરા પાડેલા ઍરોમેટિક્સમાંથી આવે છે. એક કિલોના રૂ. 30 આસપાસનો આ રસાયણનો સત્તાવાર ભાવ છે. તેમાંય ઘણો નફો છે, પરંતુ આ સાયનના શેઠિયાનો ઍરોમેટિક્સ પર કંટ્રોલ હોઈને તે ત્રણ ગણા ભાવથી તેને વેચે. ઑઈલ પિપરમેન્ટ અને ઑઈલ સ્પિયરમેન નામના સુગંધ ઉમેરનારાં બે રસાયણો જે ટૂથપેસ્ટ વગેરેમાં વપરાય તે તો ઓર મોંઘાં છે. તેના સાડા ત્રણ ગણા ભાવ વેપારીને મળે છે તેમાં ચોક્કસપણે વર્ષે રૂ. 10 કરોડના કાળા નાણાં પેદા થઈ શકે.  જેમાં મલ્ટીનેશનલ કંપનીના ડિરેક્ટરો અને ગુજરાતી કેમિકલ્સના સપ્લાયરો ભાગીદાર છે.

કેમિકલના વેપારીઓ આટલા બધાં કાળા નાણાં કઈ રીતે વાપરે? આવા પ્રશ્નના જવાબમાં આ વેપારીએ કહ્યું ‘ટૂથપેસ્ટ કે બીજી ચીજો માટે સુગંધ ઉમેરનારાં રસાયણો ખરીદનારી ભારતની પ્રતિષ્ઠિત કંપનીઓના પરચેઝ ઑફિસરોને પમ આમાં જબરો હિસ્સો મળે. પરચેઝ ઑફિસરોમાટે તાજ હૉટેલ કે ઑબેરોય હૉટેલમાં મોંઘાં ખર્ચે મનોરંજન થાય. પરચેઝ ઑફિસરો છોકરીઓ માગે તો પૂરા પાડવામાં આવે. કેમિકલ્સમાં અઢળક કમાણી જોઈને અવનવા વેપારીઓ આ બજારમાં આવી ગયા છે. ફાર્માસ્યૂટિકલ કંપની માટે જોઈતાં રસાયણોમાં સૌથી મોટો મલીદો છે. દવા બનાવતાં કારખાનાંને નામે બોગસ બિલ બનાવીને મોટી કંપનીઓને માલ પૂરો પડાય. સાયનના શેઠિયા જેવા વેપારી એ માલ પોતાના ગોદામમાં બીજાને નામે રાખે છે. જેથી આવકવેરાના સકંજામાં ન આવી જવાય. સાયનના શેઠિયાને આ પ્રકારે લાખ્ખો રૂપિયાનાં બેનામી કેમિકલ્સ ગોદામમાં રાખ્યાં છે તે પકડાયાં છે. આ સાયનના વેપારીને બે પુત્રી અને એક પુત્રી છે. પુત્રો પર વિશ્વાસ નહીં હોઈને તેમણે તેને હજી ભાગીદાર બનાવ્યો નથી. કેમિકલ બજારમાં ઘણા વેપારી માને છે કે આ સાયનના શેઠ ટૂથપેસ્ટ બનાવીને વેચનાર વતી તેમ જ પ્રિન્સેસ સ્ટ્રીટના એક દવાના વેપારી વતી પણ પોતાની પાસે ઉપલી કમાણીની રકમ સાચવવા રાખી છે.

આવકવેરાના એક અધિકારીને દરોડાની પ્રાથમિક કાર્યવાહી કર્યા પછી હું મળી. મેં પૂછ્યું, ‘આવી જંગી રકમ એકાએક મળી જવાથી તમને ભારે પોરસ ચઢ્યો હશે અને ઉત્તેજના થઈ હશે ખરું ને? ત્યારે અધિકારીએ કહ્યું, ‘ના, ઘણી વખત સફળતા માણસને નર્વસનેસ અને એકલતાનો અનુભવ કરાવે છે.’ આટલી હદે કરવેરાની ચોરી થાય છે તેના વ્યાપથી ખરેખર આવકવેરાના અધિકારીઓ પણ સ્તબ્ધ બનીને ફિલસૂફ જેવી વાતો કરે છે. તે અધિકારીએ તો એમ પણ કહી દીધું કે, ‘આ બધી ગંદકી જોઈને હતાશા થાય છે. હું વિજ્ઞાનના વિષયનો નિષ્ણાત છું. ફિલસૂફીમાં મને રસ છે. એમ થાય છે ફરી વિજ્ઞાનના વિષયના સંશોધનમાં પડી જઉં...’

એકાદ રડ્યાખડ્યા પ્રામાણિક ઑફિસરની આ મનોવેદના સમજી શકાય તેવી છે. કાળા નાણાંનું જાણે આભા ફાટ્યું છે. ઈન્વેસ્ટિગેટિવ ઑફિસરો સામે કાળા નાણાંનો વિરાટ સમુદ્ર ઘુઘવાટા કરી રહ્યો છે. તેમાં તરે તો ઠીક, નહીંતર બધાએ જ ખારાં પાણી પીવાં પડે કે તણાઈ જવું પડે.

મુંબઈના ઈન્કમટેક્સ ખાતાની ઈમારતના ચોથા માળે અનેક વેપારી-ઉદ્યોગપતિઓના હિસાબ કિતાબના ચોપડા અને ફાઈલો તપાસાઈને તૈયાર પડ્યાં છે. તેમના ચોપડાના આધારે કાળા નાણાંની મહત્વની માહિતી ઈન્વેસ્ટિગેશન કરનારા ઑફિસરો પાસે તૈયાર થઈ ગઈ છે પરંતુ તેમને ધાડ પાડવામાં મદદ કરવા માટે કોઈ ઈન્સ્પેક્ટરો કે પૂરતો સ્ટાફ મળે તેમ નથી! ગયા વર્ષથી દરેક પ્રકારના ધંધા-ઉદ્યોગો માટે ફરજિયાત 31મી માર્ચનો દિવસ હિસાબ-કિતાબનો છેલ્લો દિવસ ગણાયો છે, તેથી મુંબઈના બધા વેપારીઓ, પ્રોફેશનલો હિસાબ તૈયાર કરવામાં ખૂબ વ્યસ્ત છે. 15મી માર્ચ પહેલાં જો એડવાન્સ ટેક્સ ન ભરે તો બે ટકાના વ્યાજે પાછલા આખા વર્ષના વેરા ઉપર દંડ ભરવો પડે તેમ છે. એક બાજુ દરોડા પાડનારા અધિકારીઓની છ મહિનાની હડતાળને કારણે આવકવેરા ખાતા પાસે કાળાં નાણાંને જપ્ત કરવાનો અને રેવન્યૂ મેળવવાનો આંકડો ઊંચો નથી ગયો અને બીજી બાજુ સ્ટાફના અભાવે સચોટ માહિતી હોવા છતાં સિનિયર ‘ઈન્વેસ્ટિગેશન ઑફિસરો’ હાથ જોડીને બેઠા છે. સ્ટાફના તંગીના કારણે કૃષ્ણ ગોપાલ બંસલે મામૂલી ગણાય તેવી ધાડ પાડવાનું નક્કી કર્યું. માત્ર બે જગ્યાએ માંડ ત્રણ ત્રણ ઑફિસરો અને 10 જુનિયર ઈન્સ્પેક્ટરોની મદદથી મંગળવાર છઠ્ઠી માર્ચે સાયનમાં ધાડ પાડી તે અનેક અગવડો સાથે પાડી હતી.

સવારે નવેક વાગ્યે તેમના ઘરની ઝડતી લેવાનું શરૂ થયું. વેપારીને ઘરે સુશીલકુમાર અગ્રવાલ નામના આસિસ્ટન્ટ ડિરેક્ટરે પ્રિલિમનરી સ્ટેટમેન્ટ (કાયદાની જરૂર મુજબ) લેવાની શરૂઆત કરી. જ્યારે પણ કોઈના ઘરે ધાડ પડે છે ત્યારે ઘરમાં શોધખોળ કરતાં પહેલાં જેના ઘરે ધાડ પડે છે તેને પોતાના ઘરમાં શું શું છે તે પુછાય છે. આ સ્ટેટમેન્ટ દેવામાં કેમિકલના વેપારીએ સંપૂર્ણ અસહકાર બતાવ્યો. તેમણે બપોર સુધી એમ કહ્યે રાખ્યું કે તેમની તબિયત સારી નથી. તે પછી તેમણે કહ્યું કે, ‘આઈ ડોન્ટ નૉ... મને ખબર નથી... મને ખબર નથી...’  એમ દરેક પ્રશ્નના જવાબમાં કહ્યે રાખ્યું. સુશીલકુમાર અગ્રવાલે ઈન્કમટેક્સ ઑફિસરોની રીતિ મુજબ પહેલાં ઘરમાં તમામ બિનમહત્વની ચીજવસ્તુઓ તપાસવી શરૂ કરી. ધાડ પાડનારાઓ હંમેશાં ઘરમાલિકના બેડરૂમને સૌથી છેલ્લે તપાસે છે, જેથી તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત થાય.

દિવસભર જ્યારે સાયનના ગુજરાતીના ફ્લેટમાં શોધખોળ ચાલતી હતી ત્યારે તે વેપારી ખાસ નર્વસ દેખાવાને બદલે કશીક અપેક્ષામાં કશીક આશા ધરાવતા બેઠા હતા. જાણે કોઈક તેમની મદદે આવશે જ એવી ખાતરી હોય તેમ તેઓ આવકવેરા ઑફિસરોને અસહકાર આપતા હતા. તેમના બેડરૂમના બે લોખંડના કબાટ અને એક લાકડાંના કબાટની ચાવી અધિકારીઓએ માગી પરંતુ અઠ્ઠાવન વર્ષના વેપારીભાઈએ કહી દીધું કે તેમને ચાવી મળતી નથી. સાંજે સુશીલકુમાર અગ્રવાલે ડેપ્યુટી ડિરેક્ટરને ફોનમાં જણાવ્યું કે, તેમને કબાટની ચાવી મળી રહી નથી. ધાડ શરૂ થયાના 14 કલાક પછી કબાટ તોડવામાં આવ્યા. સૌથી પહેલા લાકડાનું કબાટ તોડવામાં વ્યું તેમાંથી દૈનિક અખબારના પાનાંથી વીંટો વાળેલા પડીકાં હતાં. તે સુશીલકુમારે જરા ફાડીને તપાસ્યા તો તેમાંથી રોકડા રૂપિયાની નોટો મળી. તેવાં બંડલો મળતાં જ અગ્રવાલને ખાતરી થી કે હવે લોખંડના કબાટમાંથી પૈસા મળશે. લોખંડના કબાટને તોડવામાં આવતાં તેમાંથી હવાઈ સફર માટે વપરાતી એરબેગ મળી. જેમાંથી ચિક્કાર નોટો મળી. આખા બેડરૂમની ફરી જડતી લેવામાં આવી. પૈસાની ગણતરી શરૂ થઈ. દરોડાના સ્થળે જ નોટોની સતત ગણતરી શરૂ થઈ. દરોડાના સ્થળે જ નોટોની સતત ગણતરીમાં 26 કલાક પસાર થયા. કુલ 1 કરોડ, સાત લાખની નોટોનું પંચનામું થયું. એકાદ લાખ રૂપિયાથી વધુની નોટો વેપારીના દૈનિક વપરાશ માટે રહેવા દેવાઈ. જ્યારે આ રીતે નોટના બંડલો મળ્યા ત્યારે વેપારીની પત્ની તો હેબતાઈ ગઈ. તેને ખ્યાલ હતો કે ઘરમાં રોકડ નાણાં છે પણ તેની કિંમત રૂ. એક કરોડથી વધુ છે તેને ખરેખર ખબર નહોતી.

આવકવેરા ખાતાના અધિકારીઓ આ ધાડના પરિણામને મહેનતનું પરિણામ નહીં પણ સારા નસીબને જવાબદાર ગમે છે. સાયનના વેપારીએ આ લેખ લખાય છે ત્યાં સુધીમાં રૂ. બે કરોડની બેહિસાબી આવક જાહેર કરી દીધી છે. તે સિવાય તેની પાસે રસાયણનો મોટા પ્રમાણમાં બેહિસાબી જથ્થો પડ્યો છે તેનું મૂલ્યાંકન થશે. જો તેના બિલ બરોબર નહીં લાગે તો તે પણ બેનંબરી માલ ગણાશે. રૂ. બે કરોડની રકમ ઉપર તેણે 1.08 કરોડનો આવકવેરો ભરવો પડશે તે નક્કી છે.

 

(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો.)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.