મગજને આરામ આપવો જરૂરી છે
આજે ઝૂંપડાના મજૂરથી માંડીને એરકન્ડિશનમાં બેઠેલા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ કે શેરદલાલ એકસરખી રીતે મગજ પાસેથી વધુ ને વધુ કામ લે છે. "કૌન બનેગા કરોડપતિ"ના કાર્યક્રમમાં 99,999 ટકા પ્રેક્ષકો કરોડપતિ થવાનાં નથી, પણ એક કલાક આ કાર્યક્રમને મનોરંજન માનીને ખોટી મગજમારી કરે છે, મગજ વધુ પડતું વપરાય છે, તેથી જ સૌના મિજાજ તેજ રહે છે. સૌરવ ગાંગુલીને આઉટ કરવો હોય તો દક્ષિણ આફ્રિકાના બોલરો તેના મગજની એકાગ્રતા ગુમાવવા તેને ચીઢવે છે. "મારું મગજ ખા મા" એવું વારંવાર આપણે બોલીએ છીએ. વહુ સાસુનું મગજ 'ખાય' છે અને સાસુનું મગજ વહુ 'ખાતી' હોય છે. ખરેખર તો આપણે જ આપણું મગજ ખાઈએ છીએ. કારણ કે મનોરંજન, રમતગમત, સમાજ સેવા, શેરદલાલી કે અખબારો વાંચીને પછી સાવ નાહકની મગજમારી કરીએ છીએ અને એ મગજમારીનાં કારણો વધતાં જાય છે.
ભગવાનની એક અદ્દભુત બક્ષિસ મગજ છે. તે બક્ષિસનો આપણે ભારોભાર દુરૂપયોગ કરીએ છીએ. હવેનો યુગ એ જ્ઞાનનો યુગ ગણાય છે. નોલેજ બેઈઝ્ડ ઈન્ડસ્ટ્રી આવી છે. દરેક જણે મગજ તો વાપરવું પડશે જ. ઈશ્વરે આપણું મગજ એવું અદ્દભુત બનાવ્યું છે કે તેની તોલે જગતનું કોઈ કમ્પ્યુટર ન આવે. મગજમાં 900 કરોડ જ્ઞાનતંતુના કોષો છે. સરેરાશ તેનું કામ કરવા તે માત્ર 25 વોટ વીજળી વાપરે છે, તેથી જ આપણે મગજ, જે વીજળી વાપરે છે તેની સરખામણીમાં માનવે બનાવેલું કમ્પ્યુટર જટિલ ગણતરી કરવા માટે એક લાખ વૉટ વીજળી વાપરી નાંખે છે. મગજમાં દસ અબજથી 100 અબજ જેટલી જુદી જુદી માહિતી સંઘરાય છે. તેને બહુ વધુ પડતું વાપર્યું હોય ત્યારે રોનાલ્ડ રેગનથી માંડીને ઘણાને એલ્ઝેમીયરનો ભૂલકણો રોગ થાય છે. મગજનો એક કોષ એકસાથે એક લાખ કોષો સાથે સંકળાયેલો છે. આવા મગજમાં ટ્યુમર થાય કે ખરાબી થાય ત્યારે ન્યુરોસર્જને તેની સાથે 'ચાળો' કરતી વખતે કેટલું બધું હોશિયાર રહેવું પડે તેની કલ્પના કરી શકો છો.
તેથી જ અમેરિકાના એક ન્યુરોસર્જન મગજનું રિપેર કામ કરે છે, તેને ડૉ. ચાર્લી વિલ્સન સફળ ન્યુરોસર્જન તરીકે એક ફિઝિકલ જિનિયસ કહે છે. ઓપરેશનમાં તેની એક નાનકડી ભૂલથી દર્દી કાયમ માટે અપંગ થાય કે જાનથી જાય છે... જેને પેરેલિસિસ થાય છે કે પાર્કિન્સન ડિઝીઝ થાય છે (સ્થિર રીતે ચાલી શકતા નથી) તેઓમાં ન્યુરોલોજિકલ ખામી આવી હોય છે.
મગજના જ્ઞાનતંતુની ખામી હોય છે. પરંતુ ઘણા તંદુરસ્ત માણસોમાં પણ જ્ઞાનતંતુની ખામી હોય છે. સૌરવ ગાંગુલીને બે-ચાર બમ્પર બોલ ફેંકી ફાસ્ટ બોલર તેના મગજના તારને અસ્તવ્યસ્ત કરવા માગતો હોય છે. સૌરવે, સચીન જેવા થવા માટે મેડિટેશન અને ઠંડા દિમાગની પ્રેક્ટિસ કરવી જોઈએ. તમે ઘરે પત્ની સાથે ઝઘડીને આવ્યા હોય ત્યારે શેરના સોદા કરવામાં મગજને સારી કસરત કરવી પડે છે.
જગતમાં લોકોને ભાત ભાતની તકલીફો થાય છે. એક 60 વર્ષનાં દર્દીની આંતઃસ્ત્રાવી ગ્રંથિની 18 મિલીમીટર જેવી ગાંઠ થયેલી. તેને કારણે તેને આંખમાં ઝાંખપ આવી એટલું જ નહીં પણ તેને નપુંસકતા આવી ગઈ. તેને સાનફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં પરાણે લઈ ગયા. તેને ખબર જ નહોતી કે આ નપુંસકતા કે આંખની ઝાંખપ તેની ગ્રંથિની ગરબડ થકી જાય છે. ડૉ. ચાર્લી વિલ્સન આ પ્રકારના ઓપરેશનના નિષ્ણાત છે.
આવી ગાંઠને ટ્રાન્સ ફ્રેનોઈડલ કક્ષાની ખામી કહે છે. ન્યુરોસર્જરીથી તેનું સમારકામ થાય છે. માઈક્રોસ્કોપમાં તેને આ ગાંઠ સ્પષ્ટ દેખાય છે. તેને અમુક જગ્યાએથી જ કાપવી પડે. તે માટે ઋષિ જેવી એકાગ્રતા જોઈએ. આ માણસને તેણે ન્યુરોસર્જરીથી દેખતો કર્યો અને નપુંસકતા ટળી ગઈ છે.
ડૉ. ચાર્લી વિલ્સન એક સુપર હીરો છે. તેનું નામ તમે ભલે જાણતા નથી પણ મહત્ત્વની વાત એ છે કે કોઈપણ નાજુક કામમાં ક્રિકેટમાં કે વેપારી સોદામાં તમારામાં એકાગ્રતા હોવી જોઈએ. તેવી એકાગ્રતા ન્યુરોસર્જન રાખે છે. ભટકેલું મન કંઈ સાધી શકતું નથી. સર્જનો તો હજારો છે. અમુક સર્જનોને આવી એકાગ્રતા ભગવાને બક્ષી છે. ડૉક્ટરો ઈન્જેકશન આપે છે ત્યારે તમે ઘણા ડૉક્ટરને કહો છો કે 'સાહેબ, તમારો હાથ હળવો છે.' ઈન્જેકશન વખતે દુઃખતું જ નથી. ડેન્ટીસ્ટોમાં આવું છે.
એક અંગ્રેજી વાક્ય છે. Whak Seks Physical Geniuses Apark from Okher People, Is Nok Merely Able ko Do Somekhing Buk Knowing Whak To Do... એટલે કે નિષ્ણાત તો ઘણા હોય છે પણ એ લોકો જ જિનીયસ છે. જે માત્ર કામગીરી પાર પાડતા નથી. પણ તેઓને પૂરી સૂઝ છે કે એક્ઝેક્ટલી તેણે શું કરવું છે. એ લોકો કોણ જાણે કુદરતી રીતે સૂઝ મેળવી લે છે. એથલિટ, ક્રિકેટર અને સ્પીન બોલરને અને સર્જનને એક જાતની 'ફીલ' (Feel) હોય છે, તેઓ પૂર્ણતાની નજરથી જોઈ શકે છે. તીક્ષ્ણતાથી જોઈ શકે છે. તેને મનમાં સૂઝ છે કે ક્યાં સ્પીન બોલથી બેટ્સમેનને આઉટ કરવો, સર્જને બરાબર કયા ભાગને કાપો મારવો તેની ફિલ હોય છે. બેસ્ટ ન્યુરોસર્જન જ્યારે ઓપરેશન કરે છે ત્યારે તે જાણે છે કે તેઓ કેવી જોખમી ભૂમિએ જાય છે. એમનામાં સ્પેશ્યલ 'ફીલ' હોય છે.
સચીન આવી 'ફીલ' ગુમાવે ત્યારે આઉટ થઈ જાય છે. સર્જનને ઓપરેશન કરતાં કરતાં નજર સામે અનેક વિકલ્પો આવે છે. આડા ફંટાવાની શક્યતા હોય છે. પણ તેની 'ફીલ' હોય છે, ત્યારે તે ચોક્કસ જગ્યાએ કાપો મૂકે છે.
સચીન ગમે તેવા બોલને 'ફીલ' કરે તો ચોક્કો મારી શકે છે. આ જે 'ફીલ' છે તે ઈશ્વર કોઈ કોઈને બક્ષે છે અને તે જ ફિઝિકલ જિનિયસ થાય છે. સર્જન ઓપરેશન કરે ત્યારે તે વિકલ્પોને ફીલ કરતો હોય છે. તેથી જ માનવીને માટે સાધના, એકાગ્રતા અને મેડિટેશન અનિવાર્ય છે.
ડૉ. ચાર્લી વિલ્સન કહે છે કે 'મને પણ ખબર નથી કે હું કેમ સફળ ઓપરેશન કરું છું. કશોક ઈનવીઝીબલ હેન્ડ - અદૃશ્ય હાથ મદદ કરે છે. જાણે વધુ મિસ્ટીકલ લાગે છે.' એટલે કે દરેક કુશળ ખેલાડી, કુશળ વેપારી અને કુશળ સર્જન એક સાધક છે. સતત સાધના કરે છે. ઈશ્વરની તેને બક્ષિસ પણ આપે છે. પત્રકાર માલ્કમ ગ્લેડવેલ કહે છે કે ઘણા ડૉક્ટરો જે ટેનીસ કે બીજી રમત રમે છે તે તેના વ્યવસાયને પાકો કરવા ખાતર રમે છે.
ઘણા ટોચના ન્યુરોસર્જન 'મ્યુઝિકલ' પણ હોય છે. ઘણા ડૉક્ટરો શાસ્ત્રીય સંગીત શીખે છે. ન્યુરોસર્જન ચાર્લી વિલ્સનના ગુરુ રોબર્ટ સ્પેટઝલર પિયાનોવાક હતા. ડૉ. વિલ્સન પણ સંગીતકાર છે. સર્જરી અને મ્યુઝિકની એકાગ્રતામાં કોઈ તકલીફ નથી તેમ ડૉ. વિલ્સન કહે છે.
ઈશ્વરે મગજ આપ્યું છે તેને એકાગ્રતાથી વાપરવાની જરૂર છે. એકાગ્રતા વગર મગજ તમને સફળતા આપતું નથી. શ્રીલંકાનો સ્પીન બોલર મુરલીધરન, શેન વૉન, સચીન તેંડુલકર, જસલોકના એક સમયના વિદ્વાન સર્જન ડૉ. શાંતિ મહેતા, કેન્સર સર્જન ડૉ. દીપક શેઠ (જે હિમાલયમાં 9 વર્ષ સાધના કરી આવ્યા છે.) અને અમેરિકાના વિખ્યાત બ્રેઈન સર્જન અગર ન્યુરો સર્જનમાં શું સામ્ય છે? આ બધા જ મગજના કોન્સન્ટ્રેશનના ચેમ્પિયન છે. તેમના કાર્યમાં અર્જુન જેવી એકાગ્રતા રાખે છે.
માત્ર મેડિકલ જ્ઞાન કે 'ધન કેમ કમાવું?' તેનાં પુસ્તકો વાંચવાથી સારા ડૉક્ટર કે ધનવાન થવાતું નથી. બધી જ પ્રવૃત્તિમાં ઋષિ જેવી સાધના અને એકાગ્રતા જરૂરી છે. સચિનને આઉટ તો જ કરી શકાય જો બોલર તેને ખીજવીને તેનો મિજાજ ગુમાવે. જ્ઞાન એકલું જ કામનું નથી. આપસૂઝ, એકાગ્રતા અને વ્યવસાયમાં તન્મયતા જરૂરી છે. સારો સર્જન તેની વધુ કમાણીના પૈસા શેરોમાં રોકે અને શેરબજારની ઊથલપાથલ મનને ડિસ્ટર્બ કરે તો તેના દર્દીના જાનનું જોખમ છે. કેટલાક વૈદ્ય અને અમુક ડૉક્ટરોથી જ તમને સારું થાય છે. અમુક સર્જનનાં ઓપરેશનો ભાગ્યે જ નિષ્ફળ જાય છે. તેમાંય જગતમાં નાજુકમાં નાજુક સર્જરી હો તો ન્યુરોસર્જરી છે. માનવીના મગજ અને બીજા તંતુ અને ખાસ કરીને મગજના જ્ઞાનતંતુનું સમારકામ ગજબની ઋષિ જેવી એકાગ્રતા અને સાધનાનું કામ છે.
આજકાલ મગજમાં ટ્યુમર ગાંઠ થવાના રોગ વધ્યા છે. તેના ઑપરેશન ફેઈલ જાય તો માણસ કામથી જાય છે. સી.એન.એન.ના રિપોર્ટર જેક લેવીનને 56 વર્ષની વયે બ્રેઈન ટ્યુમર થયેલું! તેણે સાધનો અને સર્જરીથી સારું કર્યું છે. આપણા શરીરનું આ સાડા ત્રણ રતલ વજનનું મગજ ગજબનું છે.
સાન ફ્રાન્સિસ્કોના ન્યુરોસર્જનનો ઈન્ટરવ્યુ લેવા એક પત્રકાર ગયો તો ન્યુરોસર્જને પત્રકારને વિખ્યાત ક્રિકેટરો, શેન વૉન અને બેઝબોલના ખેલાડીની વાત કરી. શેન વૉન સ્પીન બોલિંગ કરતાં પહેલાં એક ક્ષણ માટે અટકી જાય છે. શેન વૉન તેનું ધ્યાન તેની સ્પીનમાં એકાગ્ર કરે છે. ક્રિકેટ કે બેઝબોલની રમતનો બોલ ઘણી સ્પીડથી જાય છે. બેઝબોલનો દડો કલાકના 88 માઈલની ઝડપે ઉડે છે. બોલરના હાથમાંથી બેટ્સમેન (પીચર)ના હાથ સુધી જતાં તેને 460 મિલી સેકન્ડ જેટલો સમય લાગે છે. એ બોલને કઈ રીતે ફટકો મારવો તેનો નિર્ણય બેટ્સમેને 160 મિલી સેકન્ડમાં લેવાનો હોય છે. આમાં પ્રીસિશન જોઈએ. ચોકસાઈ જોઈએ. કોન્સન્ટ્રેશન જોઈએ. આવું જ સર્જરીમાં છે. બહુ જ થોડી પળોમાં દર્દીના કોમળમાં કોમળ અંગને કઈ રીતે છેદીને સુધારવું તે સેકન્ડોના સેંકડોમાં ભાગમાં સર્જન નક્કી કરે છે. ન્યુરોસર્જનને તેથી જ તેના ઓપરેશન રૂમમાં અદ્દભુત શાંતિ મળે છે.
જેફ લેવીન જેવા પત્રકારને બ્રેઈન ટ્યુમર થયા પછી તેના મગજના એક જ મિલીમીટરનું ટ્યુમર (ગાંઠ) જાણે મોટું આડસર (થાંભલો) પડ્યો હોય તેટલો ભાર કરતું હતું. બાલ્ટીમોરની જ્હોન હોપ કીન્સની હોસ્પિટલ અને જસલોકના ન્યુરો સર્જન બ્રેઈન સર્જનના ઉસ્તાદ છે. ન્યુરો સર્જરીના ચેમ્પિયન ચાર્લી વિલ્સન યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાની સાન ફ્રાન્સિસ્કો ખાતેની મોફીટ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી કરે છે. કેટલાક અપાહિજ અને અચેતન થયેલા લોકોની ન્યુરો સર્જરી કરીને સારા કર્યા છે. આજ સુધીમાં બે હજાર નવસો અને 87 ઓપરેશનો કર્યા છે. ડૉક્ટર કહે છે કે ઘણા લોકોને હું અમુક સમય તેના મગજને તદ્દન નવરા કરી નાંખવા કહું છું ત્યારે તે ટી.વી. જુએ છે કે ક્રિકેટ મેચ કે બેઝબોલની રમત જુએ છે. ઊલટાનું આમાં તમારું મગજ વધુ કામ કરે છે.
મગજ વધુ ઉત્તેજત થાય છે. તમારો માનીતો ખેલાડી આઉટ થાય ત્યાં તમારો મગજનો પારો ઊતરી જાય છે. મગજને આરામ આપવો એટલે તદ્દન આરામ આપવો. બધી જ મેન્ટલ એક્ટિવિટીને અભરાઈએ ચઢાવી દેવી. જૂના જનાનાના ધોતીવાળા શેરદલાલો પૂજાપાઠ અને મંત્રજાપ કરીને શેરબજારમાં જતા અને સટ્ટામાં કમાતા. માત્ર સર્જરી જ નહીં, શેરના સોદા, રાજકીય નિર્ણયો, ક્રિકેટનું મેદાન, ઓપરેશન થિયેટર એ બધામાં મનની અને મગજની એકાગ્રતા જરૂરી છે. મિજાજ ગુમાવે તે બધુ ગુમાવે છે. સર્જન તેનું કોન્સન્ટ્રેશન ગુમાવે તે દર્દીનો જાન ગુમાવે છે. તેથી જ ઘણા સર્જનો મેડિટેશનનો કોર્સ કરે છે.
'બ્રેઈન પાવર' નામના પુસ્તકના લેખક ડૉ. વર્નોન એચ. માર્ક નામના મગજના નિષ્ણાત પોતે ન્યુરો સર્જન છે. તે લખે છે - વખતોવખત ડૉક્ટરો, સર્જનો, ઈજનેરો, શેરદલાલો, લેખકો અને બુદ્ધિમંતોએ, બ્રેઈન રેસ્ટ લેવાની જરૂર છે. મનોરંજનમાં પણ મગજ વપરાય છે. એટલે મગજની અમુક કામગીરીને સાવ મારી દેવી તે મગજનો આરામ છે. ઝેન બુદ્ધિઝમ, ધ્યાન, યોગ અને બીજી પદ્ધતિના યોગ મગજને 'વેકેશન' આપે છે. અમેરિકામાં ફિલ્મસ્ટારો, સ્પોર્ટસમેન અને ન્યાયાધીશો શું કામ યોગ શીખે છે? બે કરોડ ડૉલરની ફિલ્મ દીઠ ફી લેનારા એક્ટરો યોગ શીખવા જાય છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના જજ સાન્ડ્રા કે કુન્નુર અને ટી.વી. સ્ટાર ઓપ્રાહ વીન ફ્રે યોગ શીખે છે. ન્યુરો સર્જનો યોગ કરે કે ન કરે તેમણે તો મનની એકાગ્રતા સાધવી જ પડે. ઘણા સર્જનોને તે જન્મજાત મળે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર