યાદ રાખો કે જીવન-મૃત્યુ વચ્ચે કોઈ તફાવત નથી
અમેરિકાના મશહૂર હાસ્યનેતા વુડી એલને એક વખત કહેલું કે જિંદગી અને મોત વચ્ચે લાંબો તફાવત નથી. માનવે જો લાંબુ જીવવું હોય તો આ તફાવતને સ્વીકારવો જોઈએ. લી બો નામના એક મશહૂર ચીની કવિ થઈ ગયા. તેમણે પોતાના જ જીવલેણ દાખલાથી આ ઉક્તિને સમજાવી દીધી છે.
એક પૂનમની રાત્રે ચીની કવિ નૌકાવિહાર કરવા માટે ત્યાંની વિરાટ નદીમાં ગયા. વિરાટ નદીના સ્થિર વહેતાં પાણીમાં પૂનમનો ચાંદ પ્રતિબિંબ રૂપે અધિક રૂપાળો દેખાતો હતો. એ ચાંદને ભેટવાની લાલચને કવિ રોકી ન શક્યા. માનવી હંમેશાં આભાસી વસ્તુને પકડવા માટે પોતાનું આયુષ્ય ટૂંકાવે છે. કવિએ નદીમાં કૂદકો માર્યો. પાણીના પ્રતિબિંબનો ચાંદ હાથ ન લાગ્યો પણ મોતને ભેટ્યા. અતિ સુખને પ્રાપ્ત કરવા અતિગતિ કરવી તે તો તરવા બરાબર મોતી છે. જીવનમાં માની લીધેલા સુખને થોડાં થોડાં જતાં કરીએ તો જિંદગીની મજા આવે છે.
આ વર્ષની શરૂમાં ડૉ. આડમ્સ ફિલિપ્સનું પુસ્તક 'ડાર્વિન વોર્મ્સ' યાદ આવે છે. આ આખું પુસ્તક જિંદગી અને મોતને એકસરખી રીતે સ્વીકારવા વિશેનું છે. જિંદગી કે મોતને અલગ પાડી ન શકાય.' એમ છતાં હું ગ્રીક ફિલસૂફ થેલ્સની 2600 વર્ષ પહેલાં કહેલી વાતને માનું છું. થેલ્સએ લખેલું - 'ખરેખર તો જીવન અને મૃત્યુ વચ્ચે કોઈ તફાવત નથી. પરંતુ મને કોઈ પસંદગી કરવાનું કહે તો હું જીવન જ પસંદ કરીશ.' એક વખત ફ્રેન્ચ ફિલસૂફ અને લેખક બરનાર્ડ ફોન્ટેનેલ સાથે એક જૂનો વૃદ્ધ મિત્ર વાત કરતો હતો. બોલ્યો, 'આપણા ઘણા મિત્રો સિધાવી ગયા પરંતુ મૃત્યુ આપણને ભૂલી ગયું જણાય છે. તે વખતે ફ્રેન્ચ ફિલસૂફે તુરંત નાકે આંગળી અડાડીને ઈશારો કર્યો.' 'ચૂપ' મતલબ કે મોત આજુબાજુ ભટકતું જ હોય છે. તમે તેને દૂર રાખવાની તમામ તરકીબો કરી શકો છો. ભૂલચૂકે તમે તેને યાદ કરી કંકોતરી લખી રહ્યા છો તેની વાત તેણે જણાવા દેવી ન જોઈએ. 'એક શાયરની પ્રેમિકા તેના પ્રેમી શાયરના શબ પાસે બેઠી છે. ચૂપચાપ બેઠી છે. ત્યારે કવિનો કોઈ ઘોંઘાટિયો મિત્ર આવીને આશ્વાસન આપે છે, માશૂકા તુરંત કવિના મિત્રને ઈશારો કરવા આંગળીને નાકે અડાડીને ચૂપ રહેવા કહે છે. 'મારો માશૂક હજી હમણાં જ સૂતો છે. અવાજ ન કર. તે જાગી જશે. એ શાયરીનો અર્થ બીજા જે કરે તે પણ હું માનું છું કે કેટલાંક માનવી જિંદગીમાં દર્દથી, પીડાઓથી, એટલા બધા થાકી જાય છે કે મૃત્યુ જ તેને આખરી વિસામો આપે છે. 'ઓપિયમ' નાટકમાં ફ્રેન્ચ લેખક જિન કોકટુએ એક પાત્રના મોઢે સંવાદ આપ્યો છે. 'લાઈફ ઈઝ એ હોરીઝેન્ટલ ફોલ...' અને મૃત્યુ? મૃત્યુ એ વર્ટિકલ ફોલ છે. મુંબઈની લોકલ ટ્રેનના અકસ્માતમાં એકસાથે 20 યુવતી જે રોજ સવારે 7થી રાત્રીના 9 સુધીની નોકરી કરવા લોકલ ટ્રેનમાં ભીંસાતી જતી હતી તે મૃત્યુ પામેલી. તે 20 યુવતીનાં શબ જોતાં જિંદગીના ઢસરડાના છૂટકારાની અદ્દભુત શાંતિ દેખાતી હતી.
ઉપર આડમ ફિલિપ્સના પુસ્તક ડાર્વિન્સ વોર્મ્સનો ઉલ્લેખ કર્યો છે. તે એવો મઝેદાર લેખક છે કે તે પોતે હંમેશાં ઈચ્છે કે તેનો વાચક તે જે કાંઈ લખે તેની સાથે સંમત ન થાય. થોડો અસંમત થઈ તેને ઝટકા પણ આપતો રહે, કારણ કે સતત સંમતિ અને સતત સફળતા એ મોતની બરાબર છે.
આડમ ફિલીપ્સ પોતે મનોવિજ્ઞાની લેખક છે. તેની પાસે ઘણા માનસિક દર્દીઓ આવતા. એક વખત એક દર્દી આવ્યો. તે મોતની જ વાતો કરતો હતો. આડમે પૂછ્યું 'હું તને સારો કરી દઉં તો તું શું કરીશ?' તુરંત દર્દીએ કહ્યું 'તમે મને સારો કરી દેશો તો, હું ફલાણું કરીશ. ફલાણી રીતે લાઈફને એન્જોય કરીશ. તુરંત ડૉ. આડમે કહ્યું 'જો, તું સારો જ છે, એન્જોય કર.' આપણે જિંદગીને આવે તેવી માણતા નથી એટલે અજાણતાં મોત આપણને પકડી પાડે છે. ઘણા પાતળા દેહવાળા યુવાનો ઉરૂલીકાંચનમાં ગાંધી આશ્રમમાં આવતા અને શરીરનું વજન ન વધે તેનાથી દુઃખી દુઃખી થતા. હું તેમને મારા 80 રતલ વજનનું ક્લેવર બતાવું છું. આજે પણ હું કદી શરીરનું વજન કરતો નથી પણ 70થી 80 રતલ વજન ધરાવતો સુકલકડી છું. ડૉ. આડમ્સ આવા લોકો જે વજન ઓછું છે કે વધુ છે તેના થકી દુઃખી હોય તેમને કહે છે કે, જો તમે દૂબળાપાતળા છો તેનું દુઃખ હોય તો જાઓ તમે દૂબળા સારા છે. માનવીનાં માનસિક દુઃખોનો કોઈ રામબાણ ત્વરિત ઈલાજ નથી, કારણ કે માનવીના જીવનમાં થોડાંક દુઃખો હોવાં કે તકલીફ હોવી તે પણ જીવનનો એક ભાગ છે. ડૉ. આડમ્સ તો અંતિમે જઈને કહેતા ઈશ્વર વગર અને ધર્મ વગર પણ જીવન વધુ સુખી હોત. આપણે બધાએ ભેગા મળીને નક્કી કરવું જોઈએ કે સાથે મળીને સુખી થવા માટે આપણે શું કરવું જોઈએ? ઈશ્વરને ખુશ કરવા નહીં પણ જીવતા જાગતા માનવીને ખુશ રાખીને જાતને ખુશ કરવા શું કરવું જોઈએ? આપણે જીવનના આનંદ આડે જ્યાં ત્યાં ડાટા મૂકી દીધા છે. એ ડાટાને ખુલ્લા કરી દેવા જોઈએ. સેક્સને લોકો શું કામ ધિક્કારે છે તે મને સમજાતું નથી. લોકો ફિલસૂફીના થોથાં શું કામ વાંચે છે તે પણ મને સમજાતું નથી. હું તો મનોરંજન માટે પ્રેમ, સેક્સ અને નવલકથાનું વાચન કરું છું.
જે લોકોને અંગ્રેજી આવડે છે તેમણે જીવન અને મૃત્યુ વિશે જલસાદાર વાતો અને ટુચકા સાંભળવા હોય તેમણે ડૉ. આડમ ફિલિપ્સનું 'ડાર્વિન્સ વોર્મ્સ' વાંચવું જોઈએ. ડૉ. આડમ કહે છે કે આપણને મોકળે મને હસતાં તો નથી આવડતું પણ મોકળે મને રડતાં પણ આવડતું નથી. REFUSAL TO MOURN IS REFUSAL TO LIVE IF WE PERFER OUR HABITS TO OUR LIVES - IF WE LOVE OUR ROUFINES MORE THAN OUR FUTURES - THEN WE ARE FATAELY ADDICFED TO ME MAST.
આજના યુગમાં ફાસ્ટ લાઈફ જીવતો માણસ મરેલા કરતાં પણ વધુ કેમ ખરાબ દેખાય છે. 10-05ની ટ્રેન ચૂકી જાય તે રૂટીન ચૂકી જાય ત્યાં એટલો બધો ધમપછાડા કરે છે કે ખરેખર તે જિંદગી જીવવાનું પણ ચૂકી જાય છે. ટેવોનો ગુલામ માનવી કરુણા કે વિરહ વખતે પરિણીત જીવનમાં પત્નીની સતત ફરિયાદ કરતો હોય તેને 'દર્દી' ગણીને ડૉ. આડમ્સ ચિકિત્સા કરતા નથી. તેને એક સાચો ટુકડો કહે છે.
રોમાનિયામાં આજકાલ રૂપજીવિનીઓએ પોતાના દેહ ભોગવવા દેવાની સર્વિસમાં બે નવી સર્વિસ ઉમેરી છે. હવે રોમાનિયન શહેરોમાં એકલિયો પુરુષ રહેતો હોય તેણે રાત્રે રૂપજીવિની પાસે જવાનું રાખ્યું નથી. હવે રૂપજીવિની તેમને ઘરે આવી જાય છે. પછી શરીર ભોગવાવીને ચાલી જાય છે. સોફિસ્ટિકેટેડ લોકો નાકનું ટેરવું ચઢાવે તેવી આ મીઠી વાત ડૉક્ટર ઘણા ફરિયાદ કરનારને કહે છે. આખરે પુરુષને જોઈએ છે શું તે રોમાનિયાની રૂપજીવિની જાણી ગઈ છે. તેમને સેક્સ, સાફ ઘર અને રસોઈ કરનારી જોઈએ છે! પત્ની વિશે ફરિયાદ કરનારાને ધબકતા જીવ અને લાગણી વાળી પ્રેમાળ પત્ની જોઈતી નથી, તેને રૂપજીવિનીની જરૂર છે તે કટુ સત્ય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર