ગુજરાતના રાજકારણીઓની ધાર્મિકતા
* ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નટવરલાલ શાહની કેબિન બહાર 'કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહિ, કામ કરતો જા, હાક મારતો જા, વિશ્વસ ગુમાવતો નહિ, મદદ તૈયાર છે' એવો ગીતાનો સંદેશ વાંચવા મળે છે. નટવરભાઈ કહે છે, 'હું ભગવાનમાં પહેલા માનતો નહોતો પરંતુ છેલ્લા થોડા સમયથી ઈશ્વર છે એમ લાગવા માંડ્યું છે. મોટા પ્રવાસે જાઉં ત્યારે મારી બહેન હાથમાં શ્રીફળ આપે તો સ્વીકારી લઉં છું.
* માધવસિંહ સોલંકીએ રજનીશના 500 પુસ્તકો લખ્યા છે. માધવસિંહભાઈએ તેમના હસ્તાક્ષરમાં જ સરસ વાત કરી છે. "માનવી પૂર્ણ નથી અને તેથી પૂર્ણ થવાની સતત ઝંખના રહે છે, તેમાંથી ધર્મની જરૂરિયાત ઊભી થાય છે."
માધવસિંહભાઈ પત્રકાર હતા એટલે કંપોઝિટર દુખણા લે તેવા તેમના અક્ષર છે. તેઓ દિવસને અંતે પ્રાર્થના કરે છે. માધવસિંહની લાઈબ્રેરીમાં બર્ટ્રાન્ડ રસેલથી માંડીને કૃષ્ણમૂર્તિના પુસ્તકોનો ભંડાર છે. મોરારીબાપુની અને રજનીશના પ્રવચનોની કેસેટો પણ રાખે છે. તેમના પત્ની વિમળા નિયમિત પૂજાના રૂમમાં ભક્તિ કરે છે. માધવસિંહભાઈએ કૉલેજકાળમાં કિશોરભાઈ મશરૂવાળાને પત્ર લખેલો. કિશોરલાલ મશરૂવાળાએ જવાબરૂપે જાતે સાત પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં ધર્મને લગતી ચર્ચા કરી હતી. શિક્ષણ ખાતાના પ્રધાન હસમુખ પટેલ માનવ સેવાને ધર્મ માને છે અને પૂજા કે ધાર્મિક વિધિ કરતા નથી. તેઓ માને છે કે ધાર્મિક પુસ્તકો તો વાંચવા જ જોઈએ.
કે. બાલકૃષ્ણ નામના ગુજરાત સરકારના સચિવ સ્વામિનારાયણના પ્રમુખસ્વામી પાસે આશિષ લેવા જાય છે. ગાંધીનગરમાં નોકરી કરતા નાનાલાલ ભટ્ટની બદલી થતા તે કોર્ટે ચઢ્યા. પ્રમુખ સ્વામીએ કોર્ટે જવાની મંજૂરી આપી.
નાનાલાલ કેસ જીતી ગયા હતા. પૂ. આફ્રિકાના કેન્યાના પ્રધાને પ્રમુખસ્વામીથી પ્રભાવિત થઈને દારૂ-માંસ છોડેલા. એમ કહેવાય છે કે અનામત આંદોલન વખતે પ્રમુખસ્વામીએ માધવસિંહને કહેલું કે, જીદ છોડો નહીંતર ગાદી ગુમાવશો. અહમદ પટેલ ચૂંટણી વખતે સ્વામીજીના આશીર્વાદ લેવા ગયા હતા. વી.પી.સિંહે પણ સ્વામીજીના આશીર્વાદ માંગ્યા છે તેમ એક ભક્ત કહે છે.
* મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી અંગે લોકો માને છે કે તેમને કોઈ ગુરુએ શનિવારે અને ગુરુવારે ઉપવાસ રાખવાનું કહેલું. ગજરાબહેન આ બાબત ધ્યાન રાખે છે. અમરસિંહ આંગળીમાં અમુક નંગની વીંટી પહેરે છે. પ્રબોધ રાવળ પણ ગ્રહોની વીંટીઓ પહેરે છે.
* બાંધકામના પ્રધાન દોલત પરમાર કૃષ્ણની પૂજા કર્યા પછી જ મુલાકાતીઓને મળે છે. ઘણી વખત તે કહેતા સંભળાય છે, "મારો કનૈયો કહેશે તેમ કરીશ." શિક્ષણખાતાના એક સચિવ "ૐ ઐ હ્રીંમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે" નો મંત્ર જપે છે. સચિવાલયમાં એક તાંત્રિક અધિકારી છે તેમને ઘણા લોકો માને છે. તે કર્ણપિશાચ વિદ્યા જાણે છે.
* અમદાવાદમાં સરખેજ નજીક મસ્તાનબાબાની દરગાહે હિન્દુ-મુસ્લિમો જાય છે. દરગાહના પીર બાબા કાગળમાં કંઈક લખીને એ ચિઠ્ઠી રાખી મૂકવાનું કહે છે. તેનાથી ભાવિકની માનતા ફળે છે. શાહીબાગમાં એક ડોશીમા તાંત્રિક વિદ્યાથી કમળો મટાડે છે. સચિવાલયમાં વ્યાસભાઈ નામના અધિકારી ચંડીપાઠ કરી બીજાની તકલીફો દૂર કરાવે છે. શિક્ષણખાતાના એક કર્મચારી નોટબુકમાં 101 શ્લોકો લખીને પછી જ તેનું કામ આરંભ કરે છે. નોટબુક સરકારની હોય છે. બાંધકામ ખાતામાં દવેભાઈ નામના કર્મચારી તાંત્રિક વિદ્યા જાણે છે તેની પાસે ઘણા ઑફિસરો આવે છે. પંકજ તેલવાળા કનુભાઈ રવજી કહે છે, "ઈમાનદારી, નિષ્ઠા, પરિશ્રમ એ અમારા કુટુંબનો ધર્મ છે. હું કોઈ છબી રાખતો નથી કે પૂજા કરતો નથી." આરોગ્ય પ્રધાન વલ્લભભાઈ પટેલના પત્ની સુશીલાબેન દેવ-દેવી કે મંત્રતંત્રમાં માનતા નથી. વલ્લભભાઈ કોઈ કોઈ વાર મૌન પાળે છે.
(આ લેખ સાંપ્રતમાં લખાયો નથી.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર