જનતાની અપેક્ષા સંતોષો!
રશિયાના બે અવકાશવીરો રશિયન - અવકાશકેન્દ્રમાં પાંચ મહિના રહીને હમણાં મોસ્કોની ધરતી પર પાછા ફર્યા છે. પાંચ મહિના પછી આ બે અવકાશવિજ્ઞાનીઓને જગતમાં ઘણા હેરતભર્યા ફેરફારો જોવા મળે છે. બે જર્મની વચ્ચેની બર્લિન દીવાલ તૂટી ગઈ છે. બે જર્મની એક થવામાં છે. રુમાનિયાના જુલમી શાસક કાઉસેસ્કુનું પતન થયું છે. કેદી બનીને રહેલા વાકલાવ હેવલ પ્રમુખ બન્યા છે. રશિયામાં ચૂંટણીઓ થઈ છે. પંદર રાજ્યો પૈકીનું લિથુએનિયા પોતાને રશિયાથી સ્વતંત્ર ઘોષિત કરવાની ગુસ્તાખી કરે છે. નિકારાગુઆના સેન્ડિનેસ્ટા નેતાના પતન પછી એક મહિલા પ્રમુખ બની રહી છે. ભારતના રાજકારણ સાથે જો રશિયન અવકાશયાત્રીને લેવાદેવા હોય તો તે જાણી લે. રાજીવ ગાંધીનું ભારતમાં પતન થયું છે. રશિયામાં હવે મિકાયેલ ગોર્બાચેવ ક્રેમલિનમાં મળેલી કોંગ્રેસમાં તેમને પ્રમુખ બનાવવાના ઠરાવમાં થતી જબરી ટીકાઓનો લોકશાહી ઢબે સામનો કરે છે. પ્રથમવાર 72 વર્ષના ઈતિહાસમાં રશિયન નેતા સામે કોઈ દલીલ કરી શકે છે. ગોર્બાચેવની અંગત ટીકા સાંભળીને સંસદગૃહમાં બેઠેલા ગોર્બાચેવના દેખાવડા પત્ની રેઈસા ગોર્બાચેવ એકદમ ગુસ્સે થાય છે ત્યારે ગોર્બાચેવ નાકે આંગળી દઈને રેઈસાને ચૂપ કરી દે છે.
રશિયા અને ભારતભરમાં આવા લોકશાહીના ચમત્કારી ફેરફારો થયા છે, પણ રાજીવ ગાંધી તેમની સંસ્થા કોંગ્રેસની ચૂંટણી કરાવી શક્યા નથી. તેમને વિરોધ પક્ષની પાટલી ઉપર બેસતા કે બહાર બોલતા આવડતું નથી. રાજીવ સત્તા પર નથી છતાં રશિયાના વિરોધી નેતાઓ જેટલું પાણી બતાવીને પાણી વગરના કોંગ્રેસીઓ રાજીવને સંસ્થાની ચૂંટણી વિના વિલંબે કરવાનું કહી શક્યા નથી. ગોર્બાચેવ, રાજીવ, વી.પી.સિંહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ચીમનભાઈ સૌ પોતપોતાની સત્તા કેમ ટકાવવી તેની ચિંતામાં પડ્યા છે. ગોર્બાચેવ અને રાજીવ વચ્ચે ફરક એટલો છે કે એકહથ્થુ સત્તાને બદલે ગોર્બાચેવ હાથે કરી ભોરિંગના ભોંયરામાં લોકશાહીનો ઉંદર કાઢવા હાથ ઘાલે છે ત્યારે રાજીવ ઘેર બેઠાં બેઠાં વી.પી.સિંહનું પતન થાય તેનાં સપનાં જુએ છે.
વી.પી.સિંહ અને ગોર્બાચેવ વચ્ચે વિરોધાભાસ નથી પણ સામ્ય છે. વી.પી.સિંહને સત્તા ટકાવવા ઉપરાંત લોકોની અપેક્ષા પ્રમાણે મોંઘવારી ટાળવી છે. આમમાનવીની મુશ્કેલીઓ ઓછી કરવી છે અને એ ઝૂંબેશમાં સમય આપવાને બદલે તેઓ પંજાબ અને ખાસ કરીને કાશ્મીરને અલગ થતું રોકવાની સમસ્યામાં પડ્યા છે. ગોર્બાચેવ હજી પ્રમુખ બની રહ્યા છે તે ટાંકણે જ લિથુએનિયા નામનું દોઢ કરોડની વસ્તીવાળું એક રાજ્ય રશિયાથી સ્વતંત્ર થવા માગે છે. ગોર્બાચેવ જે રીતે રશિયામાં લોકશાહીના થોડા ચમકારા લાવવા માગે છે તેમની પાસેથી થોડા પાઠ શીખવા જોઈએ.
ક્રેમલિનમાં 13મી માર્ચની રાત્રે લોકશાહીનાં પ્રથમવાર દર્શન થયાં. ગોર્બાચેવે રશિયાના ઑલ પાવરફુલ પ્રેસિડન્ટ બનવાનો ઠરાવ મૂક્યો હતો. તેમને રશિયાની પીપલ્સ કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો આપ્યો પણ ઘણી ચર્ચાઓ પછી તેમણે મૂકેલી ઘણી દરખાસ્તો મોળી પાડવી પડી છે. ક્રેમલિનમાં ઐતિહાસિક દૃશ્યો જોવા મળ્યાં છે. પીપલ્સ કોંગ્રેસના ઘણા હિંમતવાન સામ્યવાદીઓએ તેમના દાંતની ધાર પ્રથમ વાર બતાવી છે. પૂર્ણ સત્તાવાળો ઠરાવ પસાર કરવા માટે મતદાન લેવાનું હતું ત્યારે જ ગોર્બાચેવ પામી ગયા કે ઠરાવ પસાર નહીં થાય. ભયંકર વિરોધ થયો. એક મહિલાએ ટોણો માર્યો, 'આ તમારું પેરેસ્ત્રોઈકા (સુધારાઓ) પાંચ પાંચ વર્ષથી છે. પણ હજી બજારમાં કોઈ ચીજ મળતી નથી. એ પછી ઘણા લોકોએ ટીકા કરી. 'તમે માત્ર હથેળીમાં ચાંદ બતાવો છો.' એવી વાતો થઈ. આખરે ગોર્બાચેવના કાનૂની સલાહકાર વ્લાડીમિર કુદરાત્વે પ્રમુખની અબાધિત સત્તાઓમાં જાતે જ ત્રણ સુધારા મૂકીને સત્તામાં કાપ સ્વીકાર્યો તે પ્રમાણે -
(1) ગોર્બાચેવ રશિયામાં ઈમરજન્સી જાહેર કરી શકશે પરંતુ પંદર જેટલાં રાજ્યોની પરવાનગી માગીને જ ત્યાં ઈમરજન્સી જાહેર કરી શકે અગર તો સુપ્રીમ સોવિયેટ નામના સંસદગૃહમાં બે તૃતીયાંશ બહુમતીથી ઈમરજન્સી માટે ટેકો મેળવવો પડે. હવે કોઈ રાજ્યમાં તોફાનો થાય તો ત્યાં રણગાડીઓ નહીં મોકલાય.
(2) પ્રમુખ પોતાના ભેજામાંથી કાઢેલો કોઈ હુકમ નહીં કરી શકે. માત્ર વર્તમાન કાનૂનના આધારે હુકમ કાઢી શકે.
(3) પ્રમુખ તરીકે તેમને ડબલ વિટોપાવર નહીં મળે એટલે કે સંસદે પસાર કરેલો ઠરાવ બે તૃતીયાંશ બહમતીવાળો હોય તો પ્રમુખ વિટો વાપરીને ઉડાવી નહીં શકે.
આમ રશિયન પ્રમુખ અમેરિકન સિસ્ટમથી કામ કરી શકશે. પ્રમુખના વિટોને સુપ્રીમ સોવિયેટ બે તૃતીયાંશ બહુમતીથી ઉડાવી શકશે.
ઉપરના સુધારા છતાં પ્રમુખ બની રહેલા ગોર્બાચેવને ઘણી સત્તા મળે છે. બંધારણમાં ગોર્બાચેવે જે સુધારા કર્યા છે તે પ્રમાણે હવે બિનસામ્યવાદી પક્ષોનું એટલે કે વિરોધ પક્ષોનું અસ્તિત્વ સ્વીકારશે. જો કે સામ્યવાદી પક્ષનું નામ બદલવાનો ઠરાવ ઊડી ગયો છે. 906 વિરુદ્ધ 1067 મતોથી ઠરાવ ઊડ્યો છે પણ 906 સભ્યો સામ્યવાદી પક્ષનું જૂનું નામ ધોઈ નાખવા માગે છે તેવી વાત પ્રગટ થવાથી ઘણા ચોંકી ગયા છે. રાજીવ ગાંધીએ રશિયન કોંગ્રેસની આ કાર્યવાહીની વીડિયો જોવી જોઈએ કે તેનો સવિસ્તાર અહેવાલ વાંચવો જોઈએ. રાજીવે સંસ્થા કોંગ્રેસના પ્રમુખ રહેવું કે નહીં અગર તો વસંત સાઠે બે બીજાને પ્રમુખ બનાવવા કે નહીં તેવો ઠરાવ પેશ કરવાની તેમનામાં ગોર્બાચેવ જેવી હિંમત આવવી જોઈએ. નહીંતર વી.પી.સિંહના પતનના સપનાં જોનારા રાજીવ જૂના સામ્યવાદી કાતિલો કરતાં વધુ સરમુખત્યાર બનવા માગે છે તેવું પ્રતીત થશે.
વી.પી.સિંહ અને ચીમનભાઈ પટેલને સત્તા આપનારા મતદારો આ ચાર નેતાઓ કરતાં ય વધુ વિમાસણમાં છે. રાજીવનું ભૂત કાઢતાં અને માધવસિંહ કે અમરસિંહનું પાપ કાઢતાં વી.પી. સિંહની નિષ્ક્રિય સરકારનું પલિત આવ્યું છે અને ચીમનભાઈ પટેલ જેવા વગોવાયેલા નેતાનું પલિત આવ્યું છે તેવો એક ધ્રાસ્કો બેસવા માંડ્યો છે. ચીમનભાઈ પટેલની આજુબાજુ પાછા વગવાળા કૉન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માખીની માફક બણબણવા માંડ્યા છે. રેલવેપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસ પાસેથી સેકન્ડ ક્લાસનાં રેલભાડાં આટલી ઝડપે વધારવાની કોઈને સપનેય કલ્પના નહોતી. દેશમાં રૂ. 40,000 કરોડનાં કાળા નાણાં છે. હજીય સરાકરી અમલદારો લાંચ લે છે, ઊલટાની મેગા ઈસ્યુ દ્વારા પાંચ મોટી કંપનીઓ લૂંટ્યા છે તે ઉદ્યોગપતિઓ હવે તેનો અબજો રૂપિયઆનો શિકાર આરામથી આરોગે છે. તેમને કંઈ જ થયું નથી. ટી.વી. રેડિયોને સ્વાયત્તતા આપવાની વાતથી માત્ર અંગ્રેજી ભણેલા અને અંગ્રેજી છાપાં વાંચનારા ખુશ થયા છે. આમ માનવીને ઘેરતેની અસર પડી નથી. ટી.વી.માં એટલો ફેરફાર થયો છે કે પંજાબ અને કાશ્મીર વિશે જ 95 ટકા સમય ખાઈ જતા સમાચારો આવે છે. વી.પી.સિંહને સત્તા પર બેસાડનારા માટે 5 ટકાના ચોખ્ખા સમાચાર કે રાહતના સમાચાર નથી. સવારની ચા કે ખાંડ સસ્તાં થયાં નથી. ટૂથપેસ્ટમાં એક વિદેશી કંપની બમણા ભાવ પડાવીને હવે આમમાનવી માટે અનિવાર્ય બનેલા ટૂથપેસ્ટમાં લૂંટે છે. ઉદ્યોગપતિઓ જે ધોવાના સાબુના પાઉડરનો કાચો માલ બનાવે છે તે સરકારી કોર્પોરેશનો પાસેથી ખરીદેલા માલમાં વજનની ચોરી કરે છે તે અટક્યું નથી. તે ચોરીને કારણે સાબુ સસ્તો બન્યો નથી. હેન્ડલૂમના કારીગરો બેકાર છે. લોકોને રોજગારી મેળવવાનો હક્ક છે તેવી વાત કાનૂનને ચોપડે લખવા માટે વી.પી.સિંહ તૈયાર થયા છે. લોકોને હવે ચોપડે લખેલા કાનૂનોમાં વિશ્વાસ રહ્યો નથી. ચીમનબાઈ પટેલ સૌરાષ્ટ્રય, કચ્છ કે ગુજરાતના યુવાનને પોલીસમાં ભરતી થવું હોય તો રૂ. પંદર હજારની લાંચ આપવી ન પડે તેવાં પગલાં આજે જ ભરે તેમાં લોકોને રસ છે. એપ્રિલ મહિનામાં હાયર સેકન્ડરીની પરીક્ષા આપનારા બે લાખ વિદ્યાર્થીઓ પછીથી ગ્રેજ્યુએટ થશે ત્યારે સારી નોકરી મળશે કે પટાવાળાની નોકરી માટે રૂ. 5,000 આપવા પડશે તેની ચિંતામાં છે.
ગોર્બાચોવે તો 72 વર્ષની સજ્જડ સામ્યવાદી પદ્ધતિને દૂર કરવાનો હરક્યુલીઅન કે ભગીરથ પ્રયાસ કર્યો છે.
મિખાયેલ ગોર્બાચોવે 'મેગાટ્રેન્ડઝ 2000' નામના મેગેઝિનમાં ઈન્ટરવ્યૂ આપતી વખતે કહેલું,
'અમારી સફળતાના ચાન્સ કેટલા છે તે કહેવું શક્ય નથી કે તે વિચારી શકાય તેવું નથી, કારણ કે અમારી પાસે સુધારાઓ કર્યાં વગરનો બીજો કોઈ વિકલ્પ નથી.'
ચીમનભાઈ પટેલ અને વી.પી.સિંહે ગોર્બાચેવનાં આ વાક્યો નોંધી લેવા જેવાં છે. વી.પીસિંહે પંજાબીઓની સભામાં રડવાનો અભિનય કરવાનું હવે ટાળવું જોઈએ. કાશ્મીર અને પંજાબ સિવાયના બીજા કરોડો લોકોએ તમને સિંહાસને ચઢાવ્યા છે. તમે દાણચોરોને પકડો, કરચોરોને સજા કરો, રૂ. 40,000 કરોડનાં કાળા નાણાં નાથીને નવા રહેણાંકોમાં એ નાણાં રોકાય તેવું કરો, ચંદ્રશેખર જેવા શેખી કરતા હોય અને ચંદ્રાસ્વામી કે મુંબઈના ઉદ્યોગપતિ સાથે દોસ્તી રાખતા હોય તો તેમને ફેંકી દો. મોંઘવારી ટાળો. આમ માનવીની રોજબરોજની તકલીફો થોડીક ઓછી કરો. ચીમનભાઈ પટેલ પણ ગોર્બાચેવની વાત જાણી લે. હવે કોંગ્રેસી મુક્ય પ્રધાનની જેમ ન વર્તે. લાગવગિયાથી દૂર રહે. પેધી ગયેલા સચિવોને પાંસરા કરે. આવું કર્યા વગર બીજો વિકલ્પ નથી. જનતા પાસે પાંચ વર્ષે એક જ વખત વિકલ્પ આવે છે પરંતુ વચ્ચેના ગાળામાં ખેતરમાં છીંડે સંતાયેલો રાજીવ ગાંધી નામનો માણસ ફરી સત્તા પર ન આવે તે વિકલ્પ પાંચ વર્ષ માટે મતદારોના હાથમાંથી છૂટી ગયો છે. જનતાને કોંગ્રેસના રાજીવ સિવાયનાં કોઈ નિષ્ઠાવાન નેતા આવીને ગોર્બાચેવની માફક બોલે અને વર્તે તો આવકાર્ય છે. મતદારોએ પાંચ વર્ષ માટે કાંડાં કાપી આપેલાં તેનો રાજીવે ગેરલાભ લીધો અને તેમણે થપ્પડ ખાધી તેવી થપ્પડ અંગે ચીમનભાઈ પટેલ અને વી.પી.સિંહ સતત જાગ્રત રહે.
(આ લેખ સાંપ્રત નથી.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર