તમારા શરીરની સિક્રેટ લાઈફ
તમારા શરીરની અંદર એક સિક્રેટ લાઈફ પણ છે. તમારા અજાણતાં એક સમાંતર જીવન ચાલી રહ્યું છે. લંડનના મેડિકલ લેખક પિટર સિલ્વરટન લખે છે કે આ સિક્રેટ લાઈફનું કારણ તમારા હોર્મોન્સ, હોર્મોન્સ અને હોર્મોન્સ છે. આજે રોજ આપણી સવારની સમસ્યા અફઘાન યુદ્ધ કે કાશ્મીરની હિંસા કે બેકારી કે મોંઘવારી જ નથી, આપણા સૌના શરીરને દુરસ્ત રાખવાની સવારથી ચિંતા હોય છે. મોટા ભાગના લોકોના ઘરમાં દવાના ટીકડાના ટીકડા ખડકાય છે. પિટર સિલ્વરટનની વાત જલદીથી લખીને આપણા જીવનનો અત્યારે જે રિયલ પ્રશ્ન - હેલ્થ છે તેનો વિચાર કરીએ. પિટર સિલ્વરટન લખે છે -
'શું તમે અમારાથી બેઠા છો? જેને કમ્ફર્ટેબલી કહેવાય તે રીતે તમે તણાવ વગર બેઠા છો? નથી બેઠા તો ભાઈસાહેબ રિલેક્સ થઈને બેસો. રિલેક્સ થઈ લખો - વાંચો. રિલેક્સ થઈ (બૂટમોજાં કાઢીને) જમો. આવું તમે કરો પછી હું શરૂઆત કરીશ. પ્રથમ હું તમને થોડા પ્રશ્નો પૂછીશ. તમે કમ્ફર્ટેબલી બેઠા હો પછી પૂછો કે તમે ઠંડીને થોડી થોડી સહન કરો છો કે પૂરતાં ગરમ કપડાં પહેરીને બેઠા છો? આળસમાં સ્વેટર પહેરવા ઊભા થયા નથી, અગર તો ઠંડીથી ઠરીને વધુ પડતાં કપડાં પહેરી લીધાં છે? તમારો મૂડ કેમ છે? મિજાજ બરાબર છે? એલર્ટ છો? આજે કોઈ કંઈક કહે કે તુરંત નાહકના ચિઢાઈ જવાની જ મિજાજની સ્થિતિ છે. તમને કંઈક ખાવાનું કે મનમાં ચાવવાનું મન થાય છે? ખરેખર ભૂખ લાગી છે કે બસ એમ જ ખા ખા કરો છો અને તમને એકાએક અમુક ઈચ્છા થઈ આવે છે? કોઈ રૂપાળી છોકરી જોઈ અને તેનો પરિચય વધારવાનું મન થાય છે?'
ઉપરનું બધું શું છે? તમને એકલાને જ આવું થાય છે, તેવું નથી. બધાને વત્તે-ઓછે અંશે આવું થાય છે તેનું કારણ છે - હોર્મોન્સ. તમને જે મહેસૂસ થાય છે, લાગણી થાય છે, તમે જે ફીલ કરો છો તે માટે અંદરના હોર્મોન્સ પણ જવાબદાર છે. જે રીતે તમે ફીલ કરો છો તે રીતે જ ફીલ કરવા માટે હોર્મોન્સ જવાબદાર છે. હોર્મોન્સ શું છે? કેમ્બ્રિજ યુનિ.ના પ્રો. જો હર્બર્ટ તેનો જવાબ આપે છે. તેઓ જગતના વિખ્યાત એન્ડોક્રિનોલોજીસ્ટ છે. તેઓ કહે છે, હોર્મોન એ એક મેસેજ છે. સંદેશાવાહક છે. શરીર દ્વારા તે આપણને સંદેશ આપે છે. આપણા રક્તાભિસરણ દ્વારા આ સંદેશ આપે છે. બીજા પણ રસ્તા છે. 11 સેકન્ડમાં આપણું લોહી આખા શરીરમાં ભ્રમણ કરે છે. તેથી જ વડવા કહેતા કે ભાઈ, 'લોહીઉકાળા' ન કર. ઠંડું દિમાગ રાખ. રક્ત દ્વારા હોર્મોન્સ જુદી જુદી લાગણીનો અનુભવ કરાવે છે. તેથી જ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થાય તો ડરની લાગણી કે આઘાતની લાગણી થાય છે. વિરુદ્ધમાં તમે પોપ મ્યુઝિકના મેળાવડામાં જાઓ તો રક્ત દ્વારા તમને ખુશીનો અનુભવ થાય છે. શ્વાસ લાંબા-ટૂંકા થવામાં તેનો ભાગ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ આ રીતે પોતાનું કામ કરે છે.
એડ્રેનલીન (ગ્રંથિ)ને તમારા મિજાજ પ્રમાણે તમારા સ્નાયુને જરૂર પડે તે રીતે લોહીનો પુરવઠો વધારવો પડે છે. આ એડ્રેનલીનના સર્જન માટે ઈશ્વરની યોજના એટલી હતી કે માનવીને અતિ ઈમરજન્સી આવે, જંગલમાં વાઘ મળે કે જબ્બર સંકટ આવે ત્યારે માનવીના ભયની લાગણી મુજબ તેને લોહીનો પુરવઠો એડજેસ્ટ કરે, પણ હવે તો તમે એસ્સેલ વર્લ્ડ કે થીમપાર્કમાં ફજેત ફાળકામાં ઊંધા-નીંચા થાઓ કે ડિસ્કોના જંગલી નૃત્યમાં ચિચિયારી પાડો છો ત્યારે પણ તમારા એડ્રેનલીનનું કામ વધી પડે છે. હોર્મોન્સનું કામ વધે છે. તમે શરીરના હોર્મોન્સનો ઉડાઉડ ઉપયોગ કરો છો.
પણ આ માત્ર હોર્મોન્સ પૂરતી વાત થઈ. જીવનનાં આ પુરાણાં તત્ત્વો છે. સ્ટીરોઈડ અને પેપટાઈટ નામનાં હોર્મોન્સ દરેક માનવમાં હોય છે. જંતુમાં પણ હોય છે. તેનું રાસાયણિક બંધારણ બધે જ સમાન છે, પણ તેનો ઉપયોગ માનવો જુદી જુદી રીતે કરે છે. કોઈ માણસને કોઈ લાગણી થતી નથી કે ખરાખોટાની અસર થતી નથી ત્યારે કહીએ છીએ કે જાનવર જેવો છે. જનાવરને હોર્મોન્સ છે, પણ માનવીમાં જે બાયોકેમિકલ અને મનના તાણાવાણા છે તે જંતુ-જનાવરમાં નથી. હોર્મોન્સ બદલાતા નથી. તેનો ઉપયોગ બદલાય છે.
1849માં પ્રથમ વાર ફ્રેન્ચ સાયન્ટીસ્ટ બરથોલ્ડે એ હોર્મોન્સના અસ્તિત્વની વાત કરી હતી. તે પછી ગ્રીક શબ્દ એરાઉઝ અગર એક્સાઈટ ઉપરથી હોર્મોન્સ શબ્દ આવ્યો છે. સીબા નામની ફાર્માસ્યુટિકલ કંપનીએ 1913માં હોર્મોન સપ્લીમેન્ટ બહાર પડી ગર્ભજળમાંથી બનાવેલા આ કૃત્રિમ હોર્મોન હતા તેના સ્ટીરોઈડમાં ટેસ્ટોસ્ટરોન અને પ્રોજેસ્ટરોન છે. સ્ટીરોઈડ હોર્મોન્સ બહુ નાની સંખ્યામાં છે.
હોર્મોનનું લેવલ રાતે અને દિવસે ઘટે છે. જાગ્યા પછીની 20 મિનિટે તેનું લેવલ ટોચે હોય છે અને સૂતા પહેલાંની 20 મિનિટે ટોચે હોય છે. અમુક સમયે તે તમારું બ્લડપ્રેશર વધારે છે. આપણી ગ્રંથિઓ હોર્મોન પેદા કરે છે. તમે બરફનો એક ટુકડો મોંમાં મૂકી તળાવે રાખો. તમને તુરંત ઠંડી લાગવા માંડે છે. તમારા વિજ્ઞાનના ટીચર કહેશે કે આપણા મગજનો એક ભાગ ભય, સંઘર્ષ અને ભાગવાની કે સેક્સુઅલ વર્તણૂકને કારણે કંટ્રોલ કરે છે. અંગ્રેજીમાં તેને ફિયર, ફાઈટ, ફ્લાઈટ અને સેક્સુઅલ બિહેવીયર કહે છે. આમાં તમે આ વાત પણ ઉમેરી શકો કે તમે જે ખાઓ-પીઓ છો, તેને પણ કંટ્રોલ કરે છે. એ તમને કહે છે કે તમને સેક્સની ઈચ્છા થાય છે. તમને સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું મન થાય છે. તરસ લાગે છે ત્યારે ઠંડું પીણું ગમે છે. ઘણી વખત બીજાની સુંદર પત્ની જોઈને તેને મળવાની અદમ્ય ઈચ્છા થાય છે, વગરે. અગર તો તમે આ વૃત્તિને દાબી દો છો. સેક્સુઅલ વિચારો વધુ આવે તેને કુમાર વયથી વાળ વધે છે. તેથી શરીરના ઉપરના વધુ વાળવાળો સેક્સી ગણાય છે. મતલબ ટેસ્ટોસ્ટરોનનું વધુ પ્રમાણ હોય તો આવું થાય છે. પરંતુ આ બધાંને તમે કંટ્રોલ કરી શકો છો. સ્ત્રીઓમાં પણ ટેસ્ટોસ્ટરોનનું વધુ પ્રમાણ હોય તો સેક્સુઅલ ઈચ્છા થાય છે. ટોસ્ટોસ્ટરોનના પેચ પહેરીને ડો. મેન્ડિરાઈસ-ડેવીસે આ પ્રયોગ કરેલા ટૂંકમાં, ટેસ્ટોસ્ટરોન ન હોય તો સેક્સની ઈચ્છા પણ થતી નથી.
ટેસ્ટોસ્ટરોનથી પુરુષની આક્રમકતા વધે છે. પુરુષો સ્ત્રી કરતાં વધુ આક્રમક છે, પણ હવે ઘણીબધી ગરબડ જોવા મળે છે. વધુ ટેસ્ટોસ્ટરોનવાળી સ્ત્રી જાલિમ બની શકે છે. આ માટીડો મોળો છે તેમ આપણે કહીએ છીએ. મેડિકલ ભાષામાં તેને ટેસ્ટોસ્ટરોન નીચા છે. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે, ટેસ્ટોસ્ટરોનનું નીચું પ્રમાણ સારું છે. તેનાથી સેક્સની ઈચ્છા ઓછી રહે છે. જો કે આમાં મતભેદ છે. વિજ્ઞાનીઓનો આ મતભેદ કે તમારી ફેવરની વાત છે.
ઉપભોગની ચીજો, મનોરંજનના મીડિયા, રોજિંદા રાજકીય હિંસક બનાવો આ બધું ખૂબ ખૂબ વધ્યું છે. તમારા આહાર વિષમ થતા જાય છે. સાધુ મહાત્માઓએ તેમના આહારવિહાર બગાડી નાંખ્યા છે. આપણે આપણા શરીરની અંદરનો કંટ્રોલ પૂરેપૂરો હોર્મોન્સને આપી દીધો છે. હોર્મોન્સ આપણને શું કામ કંટ્રોલ કરે? શું કામ ટેસ્ટસ્ટરોન વધે અને તમને સેક્સની ઈચ્છા વધે? તમને ભૂખ ન હોય તો પણ શું કામ ખા ખા કરો છો? સતત 7-8-9 કલાક ટી.વી. કે ફિલ્મ શું કામ જુઓ છો? ક્રિકેટ મેચોના સતત રોમાંચ શું કામ જોઈએ છે? તમને સતત ઉત્તેજિત રહેવું છે કે મસ્તીમાં રહેવું છે તેથી સુપારી, પાન કે ગુટકાની સતત ઈચ્છાને કંટ્રોલમાં રાખવાને બદલે તેને વશ થાઓ છો.
એટલે યાદ રાખો કે તમારે શિયાળામાં સ્વાસ્થ્ય મેળવવું હોય તો અડદિયો પાક, ગુંદર પાક કે ચ્યવનપ્રાશ કરતાં તમારા હોર્મોન લેવલને સરખું રાખવાનું છે. તેમાં સમજ ન પડે તો દરેક વખતે જાગતી અવનવી વૃત્તિને તાબે ન થવાનો સંકલ્પ કરવાનો છે. ઠંડાં પીણાંની જાહેરખબર તમારા સ્વાસ્થ્ય માટે અને મેન્ટાલિટી માટે ખાસ ખરાબ છે. બધું જ લેસ એન્ડ લેસ એટલે કે માફકસરની જરૂર છે. આ બહુ જ સાદી વાત છે. તમે પોતે સમજો છો છતાં, ભૂલી જાઓ છો. તેથી જ તમે રિલેક્સ થઈને બેસતા નથી. તમારો નોકર કે ક્લાર્ક કે આસિસ્ટન્ટ મોડો આવે તો મિજાજ ગુમાવી બેસો છો. તમે ભૂલ કરો તો બીજા માફ કરે તેમ ઈચ્છો છો પણ બીજાની ભૂલ માફ કરવા તૈયાર નથી. એટલે સૌ પ્રથમ તો તમારા જીવનની ગતિને ધીમી કરો. દરેક નેગેટીવ નિર્ણયને (નિષેધાત્મક નિર્ણય) 24 કલાક માટે મુલતવી રાખો. રાજીનામું આપવાનું મન થાય તો 48 કલાક વિચારો, છૂટાછેડા લેવાનું મન થાય તો 48 મહિના કે 96 મહિના વિચારી જુઓ, કારણ કે તમે કદાચ તમારા આંતરિક, રાસાયણિક પરિવર્તનનો ભોગ બન્યા છો.
21 સદીમાં અનેક સગવડો અને ઉપભોગનાં સાધનો વધવાનાં છે, પણ તે ભોગનાં સાધનો તમે ભોગવશો તો પછી 50ની ઉંમરે કંઈ પણ ભોગવવાની શરીરની શક્તિ નહીં રહે. 21મી સદીની સગવડો સુંદર રીતે ભોગવવાનો શ્રેષ્ઠ માર્ગ બૌદ્ધ માર્ગ છે. ભોગવો જરૂર, તારને બહુ તાણી ન રાખો અને તારને બહુ ઢીલા ન રાખો. મધ્યમ સૂરમાં જીવો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર