સ્વામી મદનાનંદની ચોંકાવનારી આગાહીઓ
* ઈન્દિરા ગાંધીનાં સ્વાસ્થ્ય માટે આ વર્ષ પ્રતિકૂળ નીવડશે!
* છ મહિનામાં ભૂત્તોનું પતન ટિક્કાખાનને હાથે થશે!
* કાશ્મીરને કારણે. 1974માં વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનો ભય...
* એક વર્ષમાં તામિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન?
* યશવંતરાવ ચવ્હાણ, વી.પી. નાઈક ્ને મોરારજીભાઈનું ભાવિ કેવું હશે?
* બાંગલાદેશ સાથેના આપણા સંબંધમાં કટોકટી ઊભી થશે!
આવકવેરા ખાતાના અધિકારીની દાઢ ગળે તેવી આવક ધરાવતા સ્વામી મદનાનંદને દિલ્હીમાં મળવું હોય તો એકાદ લીલી નોટ ખીસ્સામાંથી પડી જાય છે. રાજકીય ભવિષ્ય ભાખીને અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં શ્રીમતિ ઈન્દિરા ગાંધીની ઝળહળતી ફતેહ તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની આગાહી સાચી પાડીને સ્વામી મદનાનંદ દિલ્હીમાં સારી ખ્યાતિ પામ્યા છે. રૂ. પંચાવનથી માંડીને રૂ. પચીસ હજાર સુધીની ગ્રાહક-ફી મેળવતા સ્વામી મદનાનંદને અમારે મુંબઈની બોમ્બે ઈન્ટરનેશનલ હૉટલમાં મળવાનું થયું ત્યારે માન્યું હતું કે સ્વામીજી ભગવાં વસ્ત્ર ધારણ કરીને કઠણ આસન ઉપર બેઠા હશે પણ તેમને નજરે જોયા ત્યારે લાગ્યું કે આ સ્વામી પૂરેપૂરા ગૃહસ્થી છે. જેને અંગ્રેજીમાં ચેઈન-સ્મોકર કહે છે, લગભગ તે પ્રકારે યુરોપની બનાવટની 'ડન-હીલ' સિગારેટ તે પીતા હતા અને કોઈ રાજપૂત કુળના કુંવર પહેરે તે પ્રકારનો પહેરવેશ પહેર્યો હતો. હાથની બન્ને આંગળીમાં હીરાજડીત વીંટીઓ અને ગળામાં નેપાળના રાજા મહેન્દ્રે ભેટ આપેલી રૂદ્રાક્ષની અત્યંત મૂલ્યવાન માળા ધારણ કરેલા સ્વામી મદનાનંદ ખરેખર મદનના પૂતલા જેવા ગણાયા.
ઈન્દિરા ગાંધીની સાથે તેમનું દૂરનું સગપણ છે. પોતે નહેરુ કુળના છે પણ પ્રભાવ પાડવા માટે અગર કહો કે તંત્રવિદ્યાના જ્ઞાન સાથે સુસંગત રહેવા માટે તેમણે નહેરુ અટક ઉડાવી દઈને માત્ર સ્વામી મદનાનંદ નામ રાખ્યું છે. સ્વામીએ કહ્યું કે "ઈન્દિરા મારી દૂરની ભત્રીજી થાય છે."
'શ્રીમતી ઈન્દિરા ગાંધીને હું જીવતો રહીશ ત્યાં સુધી તેને હું જોઈશ નહિ.' એવો સંકલ્પ જાહેર કરીને સ્વામી મદનાનંદે કહ્યું કે 1972ની સાલમાં ઈન્દિરાની ગ્રહદશામાં બુધનો પ્રવેશ થાય છે એટલે તેમની તબિયત બગડશે. એ હુમલામાંથી શ્રીમતી ગાંધી જીવી જશે તો 1982 સુધી વડાપ્રધાન તરીકે રહેશે.
ઈન્દિરા ગાંધી ઉપર કોઈ ઘાતકી હુમલો થવાની શક્યતા નથી. તેમના બે પુત્રોમાંથી એક વડાપ્રધાન બનશે કે નહિ તેવા પ્રશ્નના જવાબમાં સ્વામી મદનાનંદ હસ્યા હતા. તેમના કહેવા મુજબ રાજીવ બેટો ઘણો સીધો-સાદો છે. તેને રાજકારણની કોઈ ગતાગમ નથી. સંજય ગાંધી વડાપ્રધાન બનવાના સપના જરૂર જોશે પણ તેના નસીબમાં રાજયોગ નથી. 'શ્રીમતી ગાંધી પછી તેની ખાનદાની જાળવે તેવો કોઈ વારસદાર નથી એમ હું છાતી ઠોકીને કહું છું.'
પાકિસ્તાન વિશેની સ્વામી મદનાનંદની આગાહી ઘણી જ વિસ્મયકારી લાગે તેવી છે.
ઝુલ્ફીકાર અલી ભુત્તોની ધરપકડ થશે, કદાચ ટિક્કાખાન તેનું ખૂન કરાવવા માટે કાવતરું કરશે. ગમે તે થાય પણ ભુત્તો છ મહિનામાં ગાદી ઉપરથી ઉથલી પડશે જ. 30મી મે, 1972 અગર તો ડિસેમ્બર 1972 એ ગાળા દરમિયાન ચીન પાકિસ્તાન કબજાના આઝાદ કાશ્મીરને હડપ કરી જશે. સ્વામીએ ચીન વિશેની આગાહી કરતાં વધુમાં જણાવ્યું કે ટિક્કાખાન પાસે આઝાદ કાશ્મીરની માગણી ચીન કરશે અને ટિક્કાખાન જો નહિ આપે તો ઝૂંટવી લેવામાં આવશે. ટિક્કાખાન માની જશે તો પછી તેને હોળીનું નાળિયેર બનાવીને ચીન ભારત સાથે ગંદી રમત રમશે અને પીઠ પાછળથી હુમલો કરશે. એ સમયે એટલે કે 1974માં વિશ્વયુદ્ધ થવાનો ભય ઊભો થશે પણ ગમે તે પ્રસંગો બને પરંતુ 1975માં ભારતનો સિતારો ચમકતો હશે.
અમેરિકા પાસેથી તાયવાન મળી ગયા પછી ચીનનું જોર ઘણું વધી જશે. અમેરિકા તરફથી સહેલાઈથી તાયવાન મળી જતાં ચીનને ભારતનું નાક દબાવવાની ઈચ્છા થશે. મે 1972 પછી ભારત માટે સારો સમય નથી એટલે ચીનને સાહસ કરવાનું મન થશે. શનિની નીચ દશામાંથી પસાર થતો ભારત દેશ 1975માં બધી બુરી ગ્રહદશામાંથી મુક્ત થઈ જશે તેવી આગાહી સ્વામીજીએ કરી છે પરંતુ ચીન ભારત ઉપર સાહસ કરવા જતાં ત્યાં હાલના સામ્યવાદી સત્તાધીશોનો ખુરદો નીકળી જશે. ચીનમાં પ્રતિક્રાંતિ થતાં ત્યાં સામ્યવાદ ખતમ થશે તેવું ભવિષ્ય સ્વામી મદનાનંદે કહી બતાવ્યું છે.
ઈન્દિરા ગાંધીના સ્વાસ્થ્ય ઉપરના કામચલાઉ તકલીફને બાદ કરતાં તેમના ગ્રહો એટલા સુંદર છે કે સંપૂર્ણ ભારતમાં તે કૉંગ્રેસી શાસન સ્થાપી શકશે. તામિલનાડુમાં દ્રાવિડ મુનેત્ર કળગમની સરકાર 1972માં જ ઉથલી પડશે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન સ્થપાશે તેમ સ્વામીએ મક્કમપણે કહ્યું હતં.
પ્રમુખ નિકસન બીજા પાંચ વર્ષ માટે પ્રમુખ બનવા ચૂંટણી લડશે અને છેવટ સુધી તેમને લાગશે કે તેમની જીત થશે પણ પ્રમુખ તરીકે ચૂંટાશે નહીં. સેનેટર કેનેડી તાજેતરમાં ભારત આવ્યા ત્યારે સ્વામી મદનાનંદને મળ્યા હતા. સેનેટર કેનેડીએ સ્વામીજીને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે ચૂંટણી લડશે નહિ પરંતુ સ્વામીજીએ સેનેટર કેનેડીને કહેલું કે જો તે ચૂંટણીમાં ઊભા રહે તો અવશ્ય પ્રમુખ થશે. એવી આગાહી સાથે એમ પણ ચેતવણી ઉચ્ચારી છે કે ચૂંટણીમાં ઊભા રહેવાની જાહેરાત સાથે જ સેનેટર કેનેડીનું ખૂન કરવાનો પ્રયાસ થશે.
નાણાપ્રધાન યશવંતરાય ચૌહાણ માટે સ્વામીજીએ ભેદી મૌન સેવ્યું છે પણ તેમના હાથમાંથી નાણાખાતું આંચકી લેવામાં આવશે તેવા આગાહી સ્વામીજીએ કરી છે. પછી તેમને કન્નડ પંચાયતના સરપંચ બનાવી દેવામાં આવશે? એવા પ્રશ્નનો જવાબ સ્વામીજીએ માત્ર મલકાટ દ્વારા આપ્યો હતો. નાણા ખાતાના પ્રધાન તરીકે માત્ર આજથી દોઢ માસના ગાળામાં જ લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રી ટી.એ.પાઈ છે તે આવી જશે. શ્રી પાઈની કુંડળી સ્વામીજીએ જોઈ અને ઉચ્ચ સ્થાનના યોગ જલદી આવી રહ્યા છે તેમ સ્વામીજીએ દૃઢતાપૂર્વક કહ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનશ્રી વી.પી.નાઈકને જમણા હાથે ઈજા થશે તેવી ચેતવણી સ્વામીજીએ શ્રી નાઈકને આપી હતી. વિધાનસભાની ચૂંટણી આવે દસ દિવસ બાકી હતા ત્યારે આ ચેતવણી તેમણે ઉચ્ચારી હતી. શ્રી નાઈકનો સિતારો બે વરસ પછી ચમકશે અને ત્યારે શ્રી નાઈક શ્રીમતિ ઈન્દિરા ગાંધી પછીનું ઉચ્ચાસન દિલ્હીમાં પ્રાપ્ત કરશે.
સ્વામીજીએ માન્યામાં ન આવે તેવી આગાહી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો અંગે આપી છે. તેમણે ખૂબ જ મંદ સ્વરે કહ્યું કે ચાર વરસ પછી બાંગ્લાદેશ સાથેના સંબંધો કાચા પડશે પણ અંતે 1975માં જેમ પાકિસ્તાનના ભુક્કા બોલીને તે ભારતનું એક અંગ બની જશે તેમ બાંગ્લાદેશ પણ ભારતનો ભાગ બની જશે.
પશ્ચિમ બંગાળમાં હાલમાં કૉંગ્રેસનું શાસન આવતાં ત્યાં કાયમી સ્થિરતા જળવાશે? તેવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી મદનાનંદે કહ્યું કે, પશ્ચિમ બંગાળની શાંતિ છેતરામણી અને ઉપરછલ્લી નીવડશે. બે વરસમાં જ ત્યાં ચરૂ ઉકળશે પણ તેનું અને બાંગ્લાદેશનું સાથે નિરાકરણ થઈ જશે.
શ્રી વી.પી. ગીરીના સ્વાસ્થ્ય અંગે પૂછતાં માત્ર એટલો નિર્દેશ કર્યો કે 1972માં ભારતને બે મહાન સપુતો ગુમાવવા પડશે.
શ્રી જગજીવનરામ સ્વામીજીના અંગત મિત્ર છે અને અવારનવાર તેમને મળે છે. શ્રી મોરારજી દેસાઈનું ભવિષ્ય શું છે? તેના જવાબમાં સ્વામીજીએ કહ્યું કે તેમનું કોઈ ભવિષ્ય જ નથી. અટલ બિહારી વાજપેયી વિશે સ્વામીજીને અત્યંત માન હોવાનું જણાયું. સ્વામીજીએ કહ્યું કે, તેની કુંડળીમાં રાજયોગ છે. જો તે કૉંગ્રેસમાં ભળી જાય તો તુરત જ પ્રધાન બની જાય પરંતુ તેવી શક્યતા ઓછી છે. આવતા પચીસ વર્ષ સુધી જનસંઘને સત્તા મળવાની શક્યતા નથી તેવી આગાહી સ્વામીજીએ કરી હતી.
સ્વામીજી કુંડલી જોઈને જ ભવિષ્ય બતાવતા નથી. માત્ર મનુષ્યનો ચહેરો જોઈને તેના પ્રશ્ન અને ઉત્તર બન્ને કહી આપે છે. તંત્રવિદ્યામાં પારંગત થવાથી તેમને આ શક્તિ પ્રાપ્ત છે. તંત્રવિદ્યા શીખવા માટે તેમણે શિવ અને કાલિમાતાની ઉપાસના કરી હતી.
તેમાં (1) બ્રહ્મચર્ય (2) પંચમકારને ત્યાગ (એટલે કે મદિરા, માનૂની, માયા, મરણ અને મોહનો ત્યાગ) (3) કુંડલીની શક્તિને જાગ્રત કરવી (4) બાર વરસનાં એક એવાં બે જાગરણ કરવા અને તે દરમિયાન રાત્રે બીજમંત્રનો જાપ કરવો.
આટલી સાધના 24 વર્ષ કર્યા પછી તેને તંત્રવિદ્યાનો સાક્ષાત્કાર થયો હતો. અત્યાર સુધી તેમણે 98 આગાહીઓ કરી છે અને તે તમામ સાચી પડી હોવાનો તેમનો દાવો છે. વિધાનસભાની ચૂંટણીમાં નવી કૉંગ્રેસની ઘણી જગ્યાએ સખત હાર થશે તેવી આગાહી તમે કરી હતી. તે ખોટી પડી તેનું શું? તેવા પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું કે એ આગાહી કરવા માટે મને એક રાજકીયપક્ષે ફરજ પાડી હતી. મારી મરજી વિરુદ્ધ ઉતાવળે અખબારોને આગાહીનો અહેવાલ એ પક્ષે આપ્યો હતો. સ્વામીજીએ કહ્યું કે મને કૉંગ્રેસની વિરુદ્ધની આગાહી કરવા માટે રૂ. 35000ની ઑફર એક પક્ષ તરફથી થઈ હતી.
સાધારણ ભવિષ્ય બતાવવા માટે અને ત્રણ પ્રશ્નો પુછવા માટે સ્વામીએ રૂ. 55ની ફી રાખી છે. કોઈ મોટી આગાહી કરવા માટે તેમને. દસ દિવસની મહેનતની જરૂર પડે છે. રોજના 40થી 50 માણસો સ્વામીજી પાસે દિલ્હીના તેમના પેલેસ જેવા નિવાસસ્થાને આવે છે. સતત સિગારેટ પીતા આ સ્વામીજી હવે બે આગાહી કર્યા પછી નિવૃત્તિ લેનાર છે.
(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર