ચેલેન્જ : ચમત્કાર બતાવીને એક લાખ ડોલર જીતો!

19 Jan, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: freeimages.com

અમેરિકન ટેલિવિઝન તેમ બ્રિટનનાં ઇન્ડિપેન્ડન્ટ ટી.વી. ઉપર ગઈ 17મી જુલાઈની રાત્રેવાગ્યે જગતભરનાં ભૂવાઓ સત્ય સાંઈબાબાઓ અને ચમત્કાર કરનારાઓને પડકાર ફેંકાયો હતો. જે કોઈ વ્યક્તિ ટી.વી. ઉપર આવીને જેમ્સ રેન્ડી નામના 64 વર્ષના સત્યશોધકને સંતોષ થાય તેવો ચમત્કાર કરી બતાવી શકેતેને માટે 1 લાખ ડૉલરનું ઈનામ જાહેર થયું હતું. કોઈ ભારતીય બાબા જાય તો મનમોહન સિંઘના બજેટ પછીના ડૉલરના ભાવ પ્રમાણે રૂપિયા 30 લાખથી 32 લાખ જેવી રકમ મળે.

પડકારના જવાબમાં ટેલિવિઝનના સ્ટુડિયો પર આધ્યાત્મિક શક્તિ ધરાવતી ત્રણ મહિલાઓ અને એક ગોરો ભૂવો પોતાના ચમત્કાર બતાવવા આવ્યાં. પ્રેક્ષકો પણ ચમત્કારો જોવા ટી.વી.ના સ્ટુડિયોમાં આવ્યા હતા. કોઈ ભારતીય યોગીએ પડકાર ઝીલ્યો નહીં. અમેરિકા જેવા ભણેલાગણેલા દેશમાં ચમત્કારો, જાદુટોણાં, મંત્રતંત્ર અને મરેલા માણસને બોલાવી આપનારા ઘણાં લોકોનાં તૂત ચાલે છે.

બ્રિટનમાં સ્કૉટલેન્ડ યાર્ડને ખૂનીનું પગેરું જડે ત્યારે તે નેલ્લા નામની એક ડાકણનો સંપર્ક સાધે છે. અમેરિકન ટી.વી. ઉપર નેલ્લા અને મોરીન નામની આધ્યાત્મિક શક્તિ ધરાવતી મહિલાઓએ એક પ્રેક્ષકને સંબોધીને કહ્યું, ‘તમારે તમારા મૃત પિતા સાથે વાત કરવી છે? પ્રેક્ષકે હા પાડી.

તુરંત મોરીને પ્રેક્ષકને કહ્યું, “તેનું નામ ટેયલર છે? સાંભળીને અન્ય પ્રેક્ષકો ચોંકી ગયા. તે પ્રેક્ષકની અટક ટેયલર હતી ! તુરંત હાજર રહેલા સત્યસાધક જેમ્સ રેન્ડીએ કહ્યું, “ટેયલર અટક તો બહુ સામાન્ય છે. તમે પ્રથમ નામ આપો, ડેવિડ? ના. ડુરીન? – ના. ડોરોથી? ના. ડેસમન્ડ? – હા. આમ ત્રણ નામ ખોટાં પડ્યાં અને ચોથું નામ સાચું પડ્યું.

જેમ્સ રેન્ડીએ કહ્યું, “ બધાં અનુમાનો છે. પ્રથમ ધડાકે નામ સાચું પડવું જોઈએ. મેં સ્કૉટલેન્ડ યાર્ડને પૂછાવ્યું છે અને તેણે કહ્યું છે કે અમે કશા ભૂતપ્રેતમાં માનતા નથી અને ખૂનીનું પગેરું જડે તો નેલ્લા ને મોરીનને બોલાવતા નથી.”

પછી બીજાં આધ્યાત્મિક પરચો બતાવનારાઓની કસોટી ટી.વી. પર કરવામાં આવી પરંતુ કોઈ ભૂવો કસોટીમાં પાર ઊતર્યો નહીં.

જેમ્સ રેન્ડી કોણ છે? જેમ્સ રેન્ડી અમેરિકાનો એક મહાન નીવડેલો જાદૂર છે. 4 વર્ષની વયે 1976માં તેને હાથ સલવાઈ જાય તેવું જેકેટ પહેરાવીને નાયગરાના ધોધમાં ફેંકવામાં આવ્યો હતો. નાયગરાના પાણીમાંથી તે બહાર આવ્યો ત્યારે તેના હાથપગ છૂટા હતા. પછી જેમ્સ રેન્ડી અમેરિકા અને યુરોપની ટોચ સિક્યુરિટીવાળા 27 જેલોના સળિયામાંથી છટકીને બહાર આવી ગયો હતો.

અમેરિકામાં યુરી ગેલર જે ચમચા વાળવાના ચત્કાર કરતો હતો. તેને પડકાર ફેંકીને તેની પોલ બહાર પાડનાર જેમ્સ રેન્ડી હતો. જોરાવરનગર અને સુરતમાં જમનાદાસ કોટેચા જેવા લોકો ચમત્કાર કરનારાની પોલ બહાર પાડે છે તે રીતે અમેરિકામાં ‘કમિટી ફૉર સાયન્ટિફિક ઈન્વેસ્ટિગેશન ઑફ ક્લેઈમ્સ ઑફ ધ પૅરાનોર્મલ’ નામની સંસ્થા છે. કોઈપણ વ્યક્તિ ચમત્કારની કે આધ્યાત્મિક શક્તિની વાત કરે તો તેને વખોડી કઢાતી નથી પરંતુ તેને જાહેરમાં બોલાવીને તેની કસોટી કરીને તેને ખુલ્લી પડાય છે.

(આ લેખ વર્ષો પહેલા લખાયો હતો)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.