પ્રેમમાં તમે કદી ન જાણી હોય તેવી રહસ્યમય અને વૈજ્ઞાનિક વાત

19 May, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC:

આજે એકસાથે 21મી સદીના ત્રણ પ્રશ્નોને ચર્ચવા છે. આપણે શું કામ બીજાને પ્રેમ કરીએ છીએ? બીજો પ્રશ્ન છે કે શું 'પ્રેમ' એટલે માત્ર સેક્સની ઈચ્છા જ છે? જો એવું હોય તો પ્રેમ ન મળે ત્યારે મગજ ઉપર શી અસર થાય છે? સૌપ્રથમ તો તમને મુરિયલ સ્પાર્ક નામની પ્રબુદ્ધ લેખિકાનું સૂત્ર કહી દઉં. કદી જ કોઈને પ્રેમ કર્યાનો અફસોસ કરતા નહીં. પ્રેમ એ કોઈ પાપ નથી. તમે પ્રેમ કર્યે જાઓ, પ્રત્યુત્તરમાં પ્રેમ મળે કે ન મળે. અમેરિકામાં હેર્વિલ હેન્ડ્રિક્સ જેવા લેખકને ઘણા પ્રશ્નો પૂછે છે તેમ પ્રેમ પ્રેમ અને પ્રેમના વિષય ઉપર કેમ આદું ખાઈને પડ્યા છો? જવાબમાં હેન્ડ્રિરક્સે એક પુસ્તક લખ્યું છે : 'ગેટિંગ ધ લવ - યુ વોન્ટ એ ગાઈડ ફોર કપલ્સ (લવર્સ).'

આપણને સતત પ્રેમની ઝંખના શું કામ રહે છે. કોઈક ચાહનારું હોવું જ જોઈએ તેવી ભૂખ કેમ રહે છે. આજના જમાનામાં તેનો જવાબ ધાર્યા કરતાં ઘણો જટિલ છે. આજે રેડિયો કે ટીવી ઉપરનાં 90 ટકા ગીતો કે ફિલ્મોનાં 95 ટકા ગીતો શું કામ પ્રેમ વિશે જ હોય છે? આપણે પરણીએ છીએ શું કામ? સમજણાં યુવક-યુવતી પ્રેમ માટે પરણે છે. બીજાં પુસ્તકો કરતાં રોમાન્સને લગતાં પુસ્તકો શું કામ વધુ મળે છે, કારણ કે આપણી જાણ વગર આપણે રોમાન્સ અને પ્રેમના વ્યસની થઈ ગયા છીએ. સાથે સાથે એ પણ જાણીએ છીએ કે સાચો પ્રેમ હાથમાંથી છટકી જાય છે.

તમને પણ નવાઈ લાગતી હશે કે પ્રેમ કે સ્નેહની આટલી બધી ડિમાન્ડ છતાં કેમ આજે પ્રેમનો પુરવઠો તંગીમાં રહે છે? પ્રેમની ભૂખ કે તરસ છિપાતી નથી, ઘણી વખત તેનું વ્યસન થઈ જાય છે, લંડનના 'ઓબ્ઝર્વર' નામના સાપ્તાહિકની એક લેખિકા લખી ગઈ છે કે લવ ઈઝ એ ડ્રગ. મોર લાઈક એ પોઈઝન, પ્રેમ એક નશો આપનારી દવા છે. ખરેખર તો પ્રેમ એક ઝેર છે! બીજા ઘણા રોગ માટેના વેક્સિન શોધાયાં છે. પ્રેમના રોગ માટેની કોઈ રસી હોતી નથી. પ્રેમ એ જ રોગ છે અને એ રોગનો ઈલાજ પણ પ્રેમ છે. બ્રિટનમાં ડેટિંગ એજન્સીઓ છે, તે બ્રિટનના 56 લાખ એકલાં રહેતાં યુવક-યુવતીઓને તેમની પસંદગી પ્રમાણેના પ્રેમનાં પાત્રો મેળવી આપે છે. એમ છતાં આખરે છપ્પન લાખ જેટલા પ્રેમીઓ તો પ્રેમરોગી તરીકે જ બહાર આવે છે. (છૂટાછેડા).

એ પછી યુવક-યુવતી એરિક ફ્રોમનું પુસ્તક 'આર્ટ ઑફ લવિંગ' પ્રેમ કરવાની કળા વાંચે છે. એરિક ફ્રોમ પૂછે છે કે શું પ્રેમ એક કળા છે? હા, પ્રેમ પણ કળા છે. લોકો પ્રેમમાં નિષ્ફળતા અનુભવે છે. પ્રેમ આખરે ભ્રામક નીવડવા માટે જ સર્જાયો છે. 21મી સદીમાં તો ખાસ. જે એક્સક્લુઝિવ લવ કે તમારું પ્રેમીપાત્ર માત્ર તમને જ ચાહે છે તે મોટી ભ્રમણા છે અને તેથી ભ્રમણા ન રાખનારો જ સાચો પ્રેમી છે તે મોટી ભ્રમણા છે. હેન્ડ્રિક્સ કહે છે, પ્રેમ ભ્રામક છે તે વાત થકી જ પ્રેમની શક્તિ મળે છે. તેમાંથી જ પ્રેમનો અર્થ મળે છે. આજની દુનિયામાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવું તે મુશ્કેલ છે અને જટિલ પણ છે. આધુનિક જીવનના તમામ અવરોધો, ગૂંચવણો, વ્યાપારી વૃત્તિઓ સાથે આપણે એક શિકારી દુનિયામાં જીવીએ છીએ અને જ્યારે આ બધી જટિલતામાંથી બહાર નીકળી જઈને આપણને કોઈની સાથે પ્રેમસંબંધી જોડાયાનો અનુભવ થાય છે ત્યારે કેટલું વન્ડરફુલ-વન્ડરફુલ લાગે છે! એટલે જ તમારે જાણી લેવું જોઈએ કે પ્રેમના મૂળમાં એક જાદૂ છે. એ જાદૂનો અનુભવ કરવા તેમાં તમારે પડવું જોઈએ.

હવે આજના જમાનામાં નવો પ્રશ્ન આવ્યો છે. તમે સતત સાંભળો છો કે પુરુષને માત્ર સેક્સ જોઈએ છે. પ્રેમને નામે તે હાલી નીકળે છે. પશ્ચિમમાં તો આવી દરેક વાતનું રિસર્ચ થાય છે. 'સાયન્સ' મેગેઝિન વતી 4 વર્ષ સુધી આ બાબતમાં 30 વર્ષની એવી સ્ત્રીઓનો અભિપ્રાય કે અનુભવ લેવાયેલો. તેમાં નવાઈની વાત જાણવા મળી કે ઊલટાનું 30 વર્ષની સ્ત્રીઓમાંથી 50 ટકાને રેગ્યુલર સેક્સની જરૂર છે અને પુરુષો શરૂમાં સેક્સનો આનંદ લેવા લાગણી બતાવતા હતા તે જલદીથી વરાળ થઈ જાય છે. સંશોધકો એ કહી શક્યાં નહીં કે પુરુષોએ જેણે પ્રેમલગ્ન કર્યા હોય તેને એકાએક તેની પ્રેમિકામાંથી રસ ઊડી જાય છે? શું કામ પહેલાં જેવો સ્નેહ રહેતો નથી? પરંતુ માત્ર પુરુષો જ નહીં.

સંશોધકોએ પછી એક અઘરું ક્ષેત્ર હાથમાં લીધું. સેક્સની માનવીના મગજ ઉપર શી અસર થાય છે, ખૂબ પ્રેમ હોય અને પ્રેમ થકી અતિ સંતુષ્ટિવાળું સેક્સ મળતું હોય ત્યારે ન્યુરોમેડિકલ્સ વધુ ઝરે છે અને સ્ત્રી કે પુરૂષ વધુ સર્જનશીલ બનવા જોઈએ અને બની શકે છે. કદાચ તેથી જ ઓશો રજનીશ સેક્સ દ્વારા સમાધિની વાત કરતા હતા. આજે ન્યુરોસાયન્ટિસ્ટ તેમની વાતને ટેકો આપે છે. વિજ્ઞાનીઓ તો એમ પણ કહે છે કે સેક્સની મગજ ઉપરની અસર તમે બીજા નશામાં લાવનારા (અફીણ, ગાંજો હેરોઈન, ચરસ) દ્રવ્યો છે. એરિક ફ્રોમ પૂછે છે કે શું પ્રેમ એક કળા છે? હા, પ્રેમ પણ કળા છે. લોકો પ્રેમમાં નિષ્ફળતા અનુભવે છે, કારણ કે તે પ્રેમની કળા સમજતા નથી. જેમ બીજી બાજુ કળામાં જ્ઞાન અને સતત પ્રયાસ કે અથાગ પરિશ્રમની જરૂર પડે છે, તેવું પ્રેમની બાબતમાં પણ છે. આપણે નોકરી કે તે પહેલાં કૉલેજમાં કઈ શાખા પસંદ કરવી તે બાબતમાં ખૂબ વિચાર કરીએ છીએ પણ પ્રેમમાં પડવાની કળા શીખતા નથી. તમારી એક વાત સાચી કે વિચારી વિચારીને પ્રેમ થતો નથી. પ્રેમ તો થઈ જાય છે (રિપીટ પ્રેમ તો થઈ જાય છે), પરંતુ તે પછી કે પહેલાં પ્રેમમાં ધીરજ, શિસ્ત, મંથન અને એક જ વ્યક્તિમાં કેન્દ્રિકરણ કરવું જોઈએ. આ પ્રેમના સંબંધને દૃઢ કરવાની તમારી દૃઢ મનોકામના હોવી જોઈએ. ટેમ્પલ યુનિવર્સિટીમાં અમેરિકામાં 'આર્ટ ઑફ ધ લવ'નો ખાસ કોર્સ છે, જેમ બાળક પ્રત્યેનો માનો પ્રેમ અનકન્ડિશનલ હોય છે, બિનશરતી હોય છે તેમ પ્રેમ પણ બિનશરતી હોવો જોઈએ. બંને પ્રેમી પાત્રોએ ભેગાં મળી સંકલ્પ કરવો જોઈએ કે આ પ્રેમસંબંધને ટકાવવો જોઈએ અને તેમાં બિલકુલ કૃત્રિમતા ન રાખવી.

તમે ઈતિહાસમાં કે આજે જોશો કે ઘણી સ્ત્રીઓ તેનો પ્રેમી ગમે તેટલો રેઢિયાળ થઈ જાય તો પણ તેને છોડશે નહીં. બની શકે કે તેને પ્રેમનું એડિકશન થઈ ગયું હોય અને સિગારેટ પીનારો એક બ્રાન્ડને વળગી રહે તેમ સ્ત્રી પ્રેમ બાબતમાં તેની અસલ 'બ્રાન્ડને વળગી રહેવા માગે છે! પરંતુ આપણે હેર્વિલ હેન્ડ્રિક્સની પ્રેમની ગાઈડનો ઉલ્લેખ કર્યો છે તે શું કહે છે? હેન્ડ્રિક્સ કહે છે કે આપણે પોતે પ્રેમની બાબતમાં કેટલીક ખામીવાળા હોઈએ છીએ તે ખામી સામા પ્રેમીપાત્રમાં હોય તો પણ તેની ખામી સહન કરવા આપણે તૈયાર નથી. આપણને પરફેક્ટ પ્રેમિકા કે પરફેક્ટ પ્રેમી જોઈએ પણ ખાટલે મોટી ખોટ કે આપણે પોતે કાંઈ તે બાબતમાં પૂર્ણ હોતા નથી. પૂર્ણતા જરૂરી જ નથી. તેની અપેક્ષા ભ્રામક છે. આપણે કૌમાર્યાવસ્થા કે યુવાનીના રોમાન્સ કરીએ ત્યારે જ ઘર્ષણોનો સામનો કરવો પડે છે. તેનાં મૂળ કેટલીક વખત આપણા બચપણના અનુભવોમાં પડ્યા હોય છે. તમે જ્યારે આ જગતમાં સંબંધોની જટિલતામાં આવો છો ત્યારે તમને માતાને બિનશરતી પ્રેમ યાદ આવે છે. તમે તોફાની હો. માતાને સતાવતા હો તોય માતા માફ કરે છે. આવું તમે યુવાનીમાં પણ ઈચ્છો છો. તમે રડો છો ત્યારે માતા દોડીને તમને મદદ કરી દે તે ટેવ પ્રમાણે યુવાનીમાં તમે રડો છો. પ્રેમીનું ધ્યાન દોરવા આ રડવાની ટ્રિક સામાન્ય છે. ઘણી વખત સામી વ્યક્તિનો પ્રેમ મેળવવા આપણે રોદણાં રડીએ છીએ. પ્રેમ આખરે શું છે? એનો જવાબ શોધવા જતાં લાગશે કે આપણે જ એકલા નથી. તમામ લોકોને ઈમોશનલ લેવલે પ્રેમને જરૂર પડે છે. સૌથી કડવો અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણે મિત્ર કે કુટુંબથી વિખૂટા પડીએ છીએ. આપણને અર્થયુકતસંબંધની જરૂર પડે છે.

જોકે, 21મી સદીમાં તો હવે માત્ર આનંદ, આનંદ અને રોમાંચ માટે જ 'સંબંધ' જોઈએ છે અને તેને પ્રેમ કરીએ છીએ. સાચા પ્રેમમાં વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે કે 'મારે કબૂલ કરવું જોઈએ કે તું મારા જીવનમાં ખૂબ મહત્ત્વની વ્યક્તિ છો અને કદાચ અનિવાર્ય પણ છો. કારણ કે મને લાગે છે કે મારી અપૂર્ણતા તારા થકી પૂરી થશે.'' પરંતુ આવો સંવાદ આપણે કરીએ છીએ? જો એવો સંવાદ કરીને એકબીજાને માટે આપણે અનિવાર્ય બનીએ ત્યારે પ્રેમ સંબંધ દૃઢ બને છે.

લેખકો કહે છે અને આપણો અનુભવ પણ કહે છે કે પ્રેમનું અસ્તિત્વ જ તેની ભ્રમણા કે ભ્રામકતાને એમ પણ કહે છે કે સેક્સની મગજ ઉપરની અસર તમે બીજા નશામાં લાવનારા (અફીણ, ગાંજો, હેરોઈન, ચરસ) દ્રવ્યો વાપરો છો તેની કક્ષાની હોય છે. ઘણા પુરુષો ધીરે ધીરે તેને તેની કારકિર્દી, ધન અને મોભામાંથી કેફ મળવા માંડે છે ત્યારે તે સેક્સમાં ઠંડો થતો જાય છે. તેનો લિબિડો માર ખાઈ જાય છે પણ ત્યારે તે તેની પત્ની-પ્રેમિકા કે સ્ત્રીમિત્રને અન્યાય કરે છે. સ્ત્રીના સેક્સના કેફને યાદ કરતો નથી અને પછી શું થાય છે? તમે સ્ત્રી હો તો જાણો છો.

સાયન્ટિસ્ટોની દૃષ્ટિએ સ્ત્રી-પુરૂષના સેક્સ સંબંધમાં જે રસાયણ (ન્યુરોકેમિકલ) કામ કરે છે, તેનું નામ ડોપામાઈન છે. તમારામાં મોડરેટ લેવલમાં ડોપામાઈન હોય ત્યારે તમને ટેસડો પડે છે. (એ ફિલિંગ ઑફ વેલબીઈંગ) તમને પ્રફુલ્લિત આશાવંત અને આકાંક્ષાવાળા રાખે છે. નવી નવી ચીજો કે સાહસ માટે પ્રેરે છે. ડોપેમાઈન થકી જ તમે તમારા જીવનના ધ્યેય પ્રતિ કેન્દ્રિત રહો છો અને તે પ્રમાણે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા સાહસ કરો છો અને સ્ત્રી અને પુરુષે જે તમને જૂના કે નવા પ્રેમીરૂપે મળે છે તે જ તમારા ડોપેમાઈનના પુરવઠાને તાજો રાખે છે. શરત એ કે પ્રેમી પાત્રો રંગીલા અને પરસ્પર વળગેલાં હોવાં જોઈએ.

ડોપેમાઈનનું લેવલ નીચું પડે ત્યારે પ્રેમીપાત્ર પ્રત્યેની નિષ્કાળજી, વારંવાર ગુસ્સે થવું. મૂડી બની જવું વગેરે લાગણી થાય છે અને બની શકે કે ત્યારે નવી વ્યક્તિનો 'પ્રેમ' તમને એ તત્ત્વ પૂરું પાડે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યાં સ્ત્રીનો લિબિડો (પ્રેમનો ધખારો કે વાસાનાનો કીડો) મજબૂત હોય ત્યારે સામા પુરુષને સેક્સમાંથી રસ ઊડી જતો હોય છે. આ વિચિત્ર કટુસત્ય છે! 'સાયન્સ' મેગેઝિન તારણ કાઢે છે કે જગતમાં ભલે વફાદાર યુગલો હોય કે પોતે એકબીજાને વળગી રહેલાં છે તેવો દાવો કરતાં હોય પણ જગત ઉપરના 95 ટકા જીવો એકપ્રેમી પાત્રને વળગી રહેતા નથી. ક્યાંકને ક્યાંક તો આડોઅવળો કૂંડાળામાં પગ પડી જ જાય છે. તનથી અગર મનથી. ચીનાઓએ જૂના જમાનામાં ઉપાય શોધેલો. પત્ની કે પતિ સાથે બની શકે તેટલો વધુ ને વધુ અને સતત સેક્સનો આનંદ લો. ભલે પરાકાષ્ઠા (ઓર્ગેજમ) ન આવે. જોકે આ વાત 21મી સદીમાં તદ્દન બોગસ પુરવાર થઈ છે. જ્યારે પરાકાષ્ઠાનું સુખ મળતું નથી ત્યારે બીજા પાત્રમાં નજર જાય છે. છેલ્લે 'પેશનેટ માઈન્ડ' અર્થાત્ જેનું મન નશામાં પાગલ છે તે કેવી ભ્રામક કવિતા તમને મોકલે છે તે જુઓ :

Why did you only
reach me so late
what happened to my life before
I hunted for love
but found only mirages
but you are a delight
you are tender. What pleasure
I find in your arms.

આવી કવિતા પ્રેમી કે પ્રેમિકા બોલે છે તેના શબ્દો કેટલા નશીલા અને અસરકારક હોય છે, "અરે વહાલા (કે હવાલી) તમે કેમ આટલાં મોડાં મળ્યાં? આ પહેલાની મારી જિંદગી કેવી લુખ્ખીસુક્કી હતી! હું પ્રેમનો સતત શિકાર કરતો હતો. (કે કરતી હતી), પણ મને મૃગજળ જ મળ્યાં. પણ જ્યારે તને મળ્યો (કે મળી) ત્યારે જ મને લાગ્યું કે, તારી સાથે મને કેવો આહલાદક અને કોમળ પ્રેમ તારી બાંહોમાં મળે છે?... અને... અને સમય પાકવા દો. સ્ત્રી કે પુરુષ એકબીજાથી થાક્યા પછી આવી કવિતા નવા પાત્રને કહેતાં ફરતાં રહેશે...!!"

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.