લગ્ન વગર સાથે રહેવું તે હવે ફેશન બની રહેશે

23 Nov, 2017
07:00 AM

કાન્તિ ભટ્ટ

PC: youthincmag.com

મહાન ફ્રેન્ચ લેખક જ્યાં લ સાર્ત્ર અને તેમની ગર્લફ્રેન્ડ અને તેટલી જ મહાન ફિલસૂફ અને લેખિકા સિમોન દ બિવિયર લગ્ન વગર સાથે રહેતાં હતાં. મુંબઈના એક ગુજરાતી સંગીતકાર પરણેલા છે પણ એક બીજી પ્રેમિકાને વર્ષોથી સફળ રીતે પોતાની સાથે રાખે છે. હાસ્યલેખક અને અમદાવાદના મશહૂર ઈન્કમ ટેક્સ પ્રેક્ટિશનર વિનોદ ભટ્ટને બે પત્ની છે. ચંદુલાલ સેલારકાને બે પત્ની છે. તેમાંથી એક લગ્ન વગર જ રહેતાં હશે. લૉરેન્સ ઑલિવર નામના મહાન નાટકના કલાકાર હૉલિવુડની મશહૂર નટી વિવિયન લેને પરણ્યા હતા. છતાંય વિવિયન લે લૉરેન્સ ઑલિવરના મિત્ર ડેની કેના પ્રેમમાં હતી અને કહેતી કે પ્રેમી સાથે જે મજા આવે છે તે પતિ સાથે નથી આવતી. એક જાણીતા હાસ્યલેખક જેણે બે લગ્ન કર્યા છે તે એક નાટકની ગુજરાતી અભિનેત્રીના પ્રેમમાં હતા. મને એ હાસ્યલેખક કહે, "આ નાટકની અભિનેત્રીનું સેક્સ બહુ જ ચંચળ હતું. બસ એક કે અડધી મિનિટ મારી સાથે ભોગવે, પણ જે અડધી મિનિટના સંવનન-સંભોગમાં મજા આવે છે તે પાંચ-પંદર મિનિટની પત્ની સાથેની "કસરત"માં મજા આવતી નથી." આ હકીકત છે. પણ સમાજને જીવતો રાખવા, સંતાનોને પોષવા માટે હંમેશાં ભાંગ્યું-તૂટ્યું તોય લગ્ન જ હંમેશાં નિભાવવા માટેની કાયમ સંસ્થા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, મહાન અમેરિકન સેનાપતિ જેના નામ ઉપરથી ટેન્કનું નામ પડ્યું છે, તે જ્યોર્જ એસ. પેટ્ટન મર્લીન ડિટ્રિચના પ્રેમી હતા. જનરલ પેટ્ટન, ડિટ્રિચના પ્રેમમાં હતા ત્યારે જ તેને મિલિટરીના ઉત્તમ વ્યૂહો સ્ફુરતા હતા. બાર્બરા વૉલ્ટર્સ અમેરિકાના રૉય કોહન નામના રાજકારણીના પ્રેમમાં હતી. રૉય કોહને પરણવાની ઘણી દરખાસ્ત મૂકી પણ બાર્બરા વૉલ્ટર્સે કહ્યે જ રાખ્યું કે પરણીશું એટલે પ્રેમ મરી જશે.

પંડિત જવાહરલાલ નેહરુ સાથે ભારતના પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટનની પત્ની એડવિનાને પ્રેમ થયો. માઉન્ટબેટનને એડવિનાનો પ્રેમ ળ્યો તેનાં કરતાં નેહરુને વધુ મળ્યો. કમલા નેહરુને તો જવાહર ક્યાંય ભૂલી ગયા. સ્વતંત્રતા પછી એવો તબક્કો આવ્યો કે માઉન્ટબેટન અને ડવિના સાથે લંડનમાં રહેવા અને ભારતનું સુકાન સરદાર પટેલને સોંપવા નેહરુ તૈયાર થઈ ગયેલા. મેરિલિન મેનરોનો પ્રેમી મહાન સ્પોર્ટસમેન ડિ-મેગિયો હતો. મહાન અમેરિકન લેખિકા સ્કોટ ફિટઝીરાલ્ડે લખેલું કે, "શો મી એ હીરો એન્ડ આઈ વિલ રાઈટ યુ એ ટ્રેજેડી." મને કોઈ હીરો બતાવો. હું તમને એક કરુણ કથા લખી આપીશ. મેરિલિનના પ્રેમમાં નિષ્ફળ જનારો ખેલાડી પ્રેમમાં પડીને ખૂબ દુઃખી થયો પણ તેણે મેરિલિન સાથે લગ્ન ન કર્યા હોત તો દુઃખી ન થાત. મેરિલિન સાથેનું લગ્ન 9 મહિના ટક્યું. બન્નેની આવરદા લગ્ને ઓછી કરી હતી. મેરિલિન સાથેના પ્રેમના શરૂના દિવસો ઉત્તમ ગયા. લગ્ન પછીના કનિષ્ઠ.

બ્રિટનના "ધ સ્ટેટ્સમેન" નામના સાપ્તાહિકના પત્રકાર ટૉબી યંગ 4-11-2000ના અંકમાં લખે છે કે "21 જુલાઈ, 2001ના રોજ હું બહુ જ અનફેશનેબલ કૃત્ય કરવાનો છું... હું લગ્ન કરીશ..." અર્થાત્ બ્રિટનમાં અને અમેરિકામાં લગ્ન કરવા તે અનફેશનેબલ ગણાય છે. આંકડા પ્રમાણે 1988થી 1998 સુધીમાં લગ્નની સંખ્યા 25 ટકા ઓછી થઈ છે. 50 વર્ષમાં આ પ્રથમ વાર બન્યું છે. ટૉબી યંગ લખે છે કે 2025 પછીથી બ્રિટન અને પશ્ચિમના દેશોમાં છુટાછેડાની સંખ્યા લગ્નોની સંખ્યા કરતાં વધુ હશે. ટૉબી યંગની કેરોલીન નામની પ્રેમિકાએ ટૉબીને અડધો ડઝન વખત પરણવાની ના પાડેલી. પછી માંડ માંડ પરણવા તૈયાર થઈ. ભારતના રૂઢિચુસ્ત સમાજને સંબંધોનાં છાનગપતિયાં પોષાય છે. લગ્ન વગર સાથે રહેનારાં પ્રત્યે સમાજના કાન સરવા થઈ જાય છે. બ્રિટનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પુરુષોને કહે છે કે ટેસ્ બેનિફિટની દ્રષ્ટિએ પરણવામાં કોઈ લાભ રહ્યો નથી! બ્રિટનની 2001ની મંદીમાં લગ્નમાં લઘુત્તમ ખર્ચ 20,000 પૌંડ એટલે કે 13 લાખ તોઆવે જ છે. એ આંકડો હવે પરણનારને આકરો લાગે છે. લગ્ન હવે માનસિક કે ઈમોશનલ દ્રષ્ટિએ જ નહીં, આર્થિક દ્રષ્ટિએ હાનિકારક છે.

ડૉક્ટરો તો કહે છે કે અમેરિકામાં પ્રગટ થયેલાં પુસ્તક "ધ કેઈસ ફોર મેરેજ" પ્રમાણે 90 ટકા પરણેલા પુરુષો 65 વર્ષનું આયુષ્ય તો ભોગવશે જ, પણ એકલા રહેનારા 48 વર્ષે નિવૃત્તિ લેતા થઈ જશે. સિંગલ પુરૂષો વધુ આપઘાત કરે છે. લગ્નની ફેવર કરનારા માટે આ આંકડો ફેવરેબલ છે, પણ સાથે સાથે કહેવામાં આવ્યું છે કે પ્રેમમાં પડીને એકલાં એકલાં મસ્ત રહીને ટૂંકું જીવવું વધુ સારું છે. લાંબા "લગ્ન"માં "લાંબા" થઈ જવાય છે. શેક્સપિયરે તેની સ્ટાઈલથી લખેલું કે, Marriage binds you together with hoops of steel. અર્થાત્ લગ્ન તમને લોખંડી ખીલા કે લટકણિયા સાથે જકડી રાખે છે. ઓછી રોમેન્ટિક ભાષામાં લખીએ તો એ એક્ઝિટ માટેનો મોટો અવરોધ છે. સ્ત્રી એટલા માટે લગ્ન ઈચ્છે છે કે તે પુરુષને સહેલાઈથી એક્ઝિટ આપવા માગતી નથી.

મહારાષ્ટ્રના ગવર્નર અને પંડિત જવાહરનાં બહેન વિજ્યાલક્ષ્મી પંડિતનાં પુત્રી નયનતારા ગૌતમ સહગલને પરણી હતી. પણ પછી કાશ્મીર સરકારના સચિવ ઈ.એન. મંગતરાય સાથે જ તેનો પ્રેમ, રોમાન્સ અને સેક્સ ચાલ્યાં હતાં. એ સંબંધ એટલો બધો ઉઘાડો હતો કે નયનતારા સહગલે "રિલેશનશિપ" નામનું પુસ્તક લખીને પોતાના પ્રેમી સાથેના રોમેન્ટિક પ્રેમપત્રોનું જ પુસ્તક પ્રગટ કર્યું છે.

2001ના નવા વર્ષમાં "લગ્ન" એ પુસ્તકો માટેનો ફેશનેબલ વિષય હતો. "એ હિસ્ટરી ઑફ વાઈફ" નામનું પુસ્તક મેરિલિન યાલોમ નામની સ્ત્રીએ લખેલું. "એ હિસ્ટરી ઑફ મેરેજ" નામનું પુસ્તક નાન્સી એફ. કોટે લખેલું, કારણકે 2000ના રેકોર્ડ પ્રમાણમાં છૂટાછેડા થયેલા, એટલે લીડા જે. વેઈટે પુસ્તક લખવું પડ્યું તેનું નામ હતું "ધ કેઈસ ફોર મેરેજ : વ્હાય મેરીડ પિપલ આઈ હેપ્પિયર એન્ડ બેટર ઑફ ફાઈનેન્સિયલી" એટલે કે પરણેલો પુરૂષ વધુ સુખી, વધુ તંદુરસ્ત અને વધુ ધનવાળો થાય છે. છતાં લંડનનું "ધ ઈકોનોમિસ્ટ" લખે છે કે છેલ્લાં 50 વર્ષમાં લગ્ન કરીને સાથે રહેવા કરતાં લગ્ન વગર સાથે રહેનારાંની સંખ્યા વધી છે. લગ્ન એ મરણપર્યંતનો સંબંધ છે તે આઈડિયા જ પશ્ચિમમાં અદ્રશ્ય થઈ ગયો છે. અમેરિકાનાં બે-પંચમાંશ લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. મેં લગ્ન અંગે ગુજરાતી પુસ્તકોનો કેમ ઉલ્લેખ કર્યો નથી. એકાદ લેખક હિંમત કરીને લગ્નની સંસ્થાની ઝાટકણી કાઢે તો ને?

ઘર બહાર કામ કરનારી સ્ત્રીઓની સંખ્યા વધી ગઈ છે, એક જમાનામાં સ્ત્રીને પુરૂષના નાણાકીય ટેકાની જરૂર હતી તે રહી નથી. મારા સહિતના ઘણા ભારતીય પુરૂષોની પત્નીઓ પતિ કરતાં પશ્ચિમને ધોરણે વધુ કમાય છે, તેથી સ્ત્રીઓને પુરુષની દ્રષ્ટિએ ઓછી જરૂર રહી છે. લગ્નમાં કે લગ્ન વગર સ્ત્રી પુરૂષ કરતાં વધુ સહનશીલ રહી શકે છે. મેરિલિન યાલોમ "ધ હિસ્ટરી ઑફ વાઈફ"માં લખે છે આપઘાત, ડિપ્રેશન અને નર્વસ બ્રેકડાઉનનો રોગ એકલા રહેતા પુરૂષને વધુ ઘેરી લે છે, પરંતુ સ્ત્રી જો એકલી રહેતી હોય તો તેની પરણેલી બહેનપણી કરતાં વધુ સારી રીતે રહી શકે છે. ઓછામાં ઓછું તે પોતે નિંદાથી દૂર રહે છે અને બીજાને નિંદા કરવાનું વધુ સુખ બક્ષે છે.

આજે, ન પરણવું તે સ્ત્રીનો નિર્ણય છે. મોડું પરણવું તે પણ સ્ત્રીનો નિર્ધાર છે. ક્રાંતિકારી લેખકો કહે છે કે "સદીઓથી લગ્ન એ એક સામાજિક ડિપ્રેશન માટેનું મોટું શસ્ત્ર છે, જેમાં સ્ત્રી અને પુરૂષ બન્ને દબાયેલાં રહે છે. લગ્નથી વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઓછું થાય છે, માનવીનો વિકાસ અટકે છે! અને અભિવ્યક્તિ ઉપર બંધન આવે છે." બીજા ઘણા લેખકો દલીલ કરે છે કે મોનોગમી ઈઝ મોનોટોની, અર્થાત્ એક પત્નીત્વ કે એક પતિત્વ એ કંટાળાભરેલી વ્યવસ્થા છે, કારણકે એક પત્નીત્વમાં કુદરતી ભૂખ ઉપર બ્રેક આવે છે. જોકે ઑપન-મેરેજમાં પણ એ ભૂખ તો વણબૂઝેલી જ રહે છે. એલિઝાબેથ બુગેનટલ નામની લગ્નની નિષ્ણાત લેખિકા "ચેલેન્જ ઑફ હાર્ટ" નામના પુસ્તકના એક પ્રકરણમાં લખે છે કે "લગ્નનો પેરેડોક્સ – વિરોધાભાસ એ છે કે જેમ જેમ એક વ્યક્તિ બીજા પાત્રને વધુ ને વધુ પ્રેમ કરે છે તેમ તેમ તેણે ઘણું જતું કરવું પડે છે."

Love and death are always intimately related.

અર્થાત્ પ્રેમ અને મૃત્યુ બન્ને પરસ્પર સાથે ઊંડી ગાંઠથી જોડાયેલાં છે. એક જણે કે બન્ને જણે અહમનો નાશ કરવો પડે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.