બાળકનું મા સાથે નાળથી જોડાણ
મસ્તિસ્કને આધારે જે મનુષ્યનું નિર્માણ થયું છે તેની જીવનદશા અને ધારા ખોટી ચાલી ગઈ છે. છેલ્લા પાંચ હજાર વર્ષમાં આપણે માત્ર મસ્તિષ્કને જ, બુદ્ધિને દીક્ષિત અને શિક્ષિત કર્યા છે. પરિણામ ખૂબ જ ઘાતક આવ્યું છે. લગભગ આખી દુનિયા કોઈ વિક્ષિપ્તતાને કિનારે આવી ઊભી છે, જરાક જ ધક્કો લાગી જાય અને કોઈ પણ માણસ પાગલ થઈ શકે છે. મસ્તિષ્ક બિલકુલ તૂટવાના છેડા પર ઊભું છે. જરાક ધક્કો લાગે અને મસ્તિષ્ક જવાબ દઈ દે છે, અને એ આશ્ચર્યની વાત છે કે છેલ્લી અડધી સદીમાં, પચાસ વર્ષમાં દુનિયાના શ્રેષ્ઠતમ બધા પાગલ જોવામાં આવ્યા છે. પશ્ચિમમાં તો છેલ્લાં પચાસ વર્ષમાં એક પણ મોટો વિચારક નથી થયો. જેણે માનસિક રીતે વિક્ષિપ્તતાનો અનુભવ ન કર્યો હોય. મોટા કવિ, મોટા ચિત્રકાર, મોટા વિચારક, મોટા દાર્શનિક, મોટા વૈજ્ઞાનિક અનિવાર્ય રીતે મનની વિકૃતિઓથી પીડાતા જોવામાં આવે છે. અને ધીમે ધીમે જેમ-જેમ મનુષ્યજાતિ વધારે અંશે શિક્ષિત થઈ રહી છે. તેમ તેમ આ ગાંડપણનો પ્રભાવ સામાન્ય માનવ સુધી પણ પહોંચી રહ્યો છે. એક નવો માનવી પેદા કરવો હોય તો, માનવીના જીવનનું કેન્દ્ર બદલી નાખવું અત્યંત આવશ્યક છે અને તે કેન્દ્ર મસ્તિષ્કને બદલે નાભિથી જેટલું નજીક હશે તેટલું જ જીવનધારાની પાસે પહોંચી જશે.
આ હું શું કામ કહું છું? આ બાબતમાં બે ચાર વાત સમજી લેવી જરૂરી છે. માના પેટમાં જે બાળક નિર્મિત થાય છે, તે નાભિથી જ મા સાથે સંયુક્ત હોય છે. માની જીવનધારા નાભિ મારફત તે બાળકમાં પ્રવાહિત થાય છે. માની જીવનધારા એક અત્યંત અજ્ઞાત, એક અજાણી વિદ્યુતધારા છે, જે જીવનધારા નાભિ મારફત સંપૂર્ણ વ્યક્તિત્વને પોષે છે. પછી બાળક તેમાંથી છૂટું પડે છે. એનો જન્મ થાય છે. જન્મ થતાં જ નાળ કાપી નાખવી પડે છે. માથી છૂટા પડવાની શરૂઆત થઈ જાય છે. માથી છૂટા પડવું અત્યંત જરૂરી છે, નહીં તો બાળકનું પોતાનું કોઈ જીવન ન હોઈ શકે. જે માના શરીરની સાથે એકરૂપ થઈને બાળક મોટું થાય છે એ જ માથી એક છેડા પર એણે છૂટા થઈ જવું પડે છે અને આ જુદા થઈ જવાની ઘટના મા સાથે એની નાભિનો જે સંબંધ હતો. તેના વિચ્છેદથી થાય છે. આ સંબંધ તોડી નાખવામાં આવે છે. જે જીવનધારા એને નાભિથી મળે છે. તે એકદમ બંધ થઈ જાય છે, એના સમસ્ત પ્રાણ એને કાલ સુધી મળી હતી. તે ધારાની માંગ કરવા માંડે છે પરંતુ આજે અચાનક આખી ધારા તૂટી ગઈ. જન્મ પછી બાળક જે રડવાનું શરૂ કરે છે, જે પીડાનો અનુભવ કરે છે, તે પીડા ભૂખની પીડા નથી. એ પીડા જીવનધારા તૂટી જવાની અને વિચ્છિન્ન થઈ જવાની પીડા છે, સમસ્ત જીવનધારાથી એનો સંબંધ તૂટી ગયો છે. જેનાથી ગઈકાલ સુધી એણે જીવન મેળવ્યું હતું તે બધું તૂટી ગયું છે. તે બાળક તરફડે અને રડે છે. જો બાળક નથી રડતું તો જાણકાર લોક કહેસે કે કોઈ બાબતની ગરબડ થઈ હશે. એ બાળક નહીં રડતું હોય તો એનો અર્થ એ થયો કે બાળક જીવી શકશે નહીં. જીવનધારાથી વિચ્છિન્ન થઈ જવાની એને કાંઈ ખબર પડી નથી. એનો અર્થ એ થયો કે એનું મૃત્યુ લગભગ નજીક છે, એ બાળક જીવી નહીં શકે. આથી બાળકોને રડાવવાની બધી રીતે કોશિશ કરવામાં આવે છે, એનું રડવું ખૂબ જરૂરી છે, કારણ કે જીવનધારાથી તૂટેલા સંબંધોની એને જાણ થવી જોઈએ. જો એ જીવે છે, અને એને ખબર નથી પડતી, તો તે ખૂબ ખતરનાક વાત છે.
બાળક નવા રૂપમાં પોતાની જીવનધારાને ફરીથી જોડવાની કોશિશ કરે છે. માના દૂધની સાથે એની જીવનધારા ફરીથી સંયુક્ત થાય છે. આથી બાળકોનો બીજો સંબંધ હૃદય સાથે બંધાય છે. માના હૃદયની સાથે તેના પોતાના હૃદયનું કેન્દ્ર પણ ધીમે ધીમે વિકસિત થાય છે અને નાભિનું કેન્દ્ર ભૂલી જાય છે. નાભિનું કેન્દ્ર ભૂલવું જરૂરી છે, કારણ કે તે એનાથી છૂટી ગયું છે. એનો સંબંધ એનાથી બંધ થઈ ગયો છે. જે વિદ્યુતધારા નાભિથી મળતી હતી તે ઓઠે લેવાનું બાળક શરૂ કરી દે છે. તે મા સાથે ફરી પાછું જોડાઈ જાય છે. એક બીજું ચક્ર, એક બીજું વિદ્યાતવૃત્ત ઊભું થઈ જાય છે, અને તે તેનાથી સંયુક્ત થઈ જાય છે. એ જાણીને આશ્ચર્ય થશે કે જો બાળકને માના દૂધથી જીવન નહીં મળે, તો બાળકની જીવનધારા હંમેશ માટે ક્ષીણ થઈ જાય છે! તેને બીજી રીતે પણ દૂધ પીવરાવી શકાય છે પણ માના હૃદયનો જો તેને નિરંતર સ્પર્શ ન મળે, તો તેનું જીવન હંમેશ માટે કુંઠિત થઈ જાય છે અને હંમેશા માટે એના જીવનની સંભાવના ક્ષીણ થઈ જાય છે.
જે બાળકો માના દૂધથી નથી ઉછરતાં, તે બાળકો કદી પણ જીવનમાં ખૂબ આનંદ અને શાંતિ નથી મેળવી શકતાં. પશ્ચિમના બાળકો માના દૂધથી ઊછરતાં જ નથી. જીવન તરફ એની આસ્થા અને જીવન તરફ એનો સંબંધ પ્રીતિપૂર્ણ નથી. નાનપણથી એની જીવનધારાને ધક્કા લાગ્યા છે અને તે અપ્રીતિપૂર્ણ થઈ ગઈ છે. આ ધક્કાથી તે માથી વિચ્છિન્ન થવામાં જીવનથી પણ વિચ્છિન્ન થઈ ગયાં છે કારણ કે બાળક માટે પ્રાથમિક અવસ્થામાં માથી ઉપરવટ કોઈ જીવન નથી હોતું. આખી દુનિયામાં ક્યાંય પણ સ્ત્રીઓ શિક્ષિત થઈ રહી છે તે બાળકને પોતાની પાસે ઉછેરવાનું પસંદ નથી કરતી અને તેનાં પરિણામ ઘાતક આવવા માંડ્યાં છે. આદિવાસી સમાજમાં બાળકો ખૂબ વખત સુધી માના દૂધ ઉપર ઉછરે છે. જેટલો સમાજ શિક્ષિત થતો જાય છે તેટલાં જ જલ્દી બાળકોને માના દૂધથી વિખૂટાં કરવામાં આવશે તે બાળકો પોતાના જીવનમાં તેટલી કઠિનાઈથી શાંતિનો અનુભવ કરી શકશે. એના જીવનમાં એક ઊંડી અશાંતિ હંમેશ માટે આરંભથી જ શરૂ થઈ જશે અને એ અશાંતિનો બદલો કોની પાસે લેશે? એનો બદલો મા-બાપ પાસે જ લેશે અને આખી દુનિયામાં બાળકો મા-બાપ પાસે બદલો લઈ રહ્યાં છે.
એમને પણ ખબર નથી કે એમનામાં આ કઈ પ્રતિક્રિયા પેદા થઈ રહી છે. એમની અંદર કયો વિદ્રોહ પેદા થઈ રહ્યો છે, આ કઈ આગ પેદા થઈ રહી છે? પરંતુ અજાણતાં, બહુ ઊંડાણમાં એમનું મન જાણે છે કે આ વિદ્રોહમાંથી ખૂબ જલદી છોડાવી લેવાનું પરિણામ છે. એની જીવન-ચેતના આ વાત જાણે છે, જ્યારે એની બુદ્ધિ જાણતી નથી, એનું પરિણામ એ આવશે કે તે મા સાથે પિતા સાથે સૌથી પહેલાં બદલો લેશે. જે બાળક માતા-પિતાનો વિરોધી છે તે બાળક પરમાત્માની તરફેણમાં પણ નહીં હોઈ શકે. એ પરમાત્માની તરફેણમાં થઈ જાય એવી કોઈ સંભાવના નથી, કારણ કે પરમાત્મા પ્રત્યે જે સૌથી પહેલી ભાવના થવાની શરૂ થાય છે. તે માતા-પિતા પ્રતિ અતિભાવના જ છે. આખી દુનિયામાં પરમાત્માને પિતા કહેવું અકારણ નથી. પરમાત્માને પિતાની સિકલમાં જોવા અકારણ નથી. બાળકોનો પહેલો અનુભવ મા-બાપ તરફ કૃતજ્ઞતાનો છે, ધન્યતાનો અને શ્રદ્ધાનો છે, તો જ તે અનુભવ પરમાત્મા પ્રત્યે વિકસિત થશે. નહીં તો નહીં થઈ શકે પરંતુ બાળકોને તો છીનવી લેવામાં આવે છે. એની જીવનધારા બીજીવાર 'મા'ના હૃદય સાથે સંબંધિત થાય છે, પરંતુ એક છેડે આવીને બાળકને માના દૂધથી પણ અલગ થવું પડે છે પરંતુ તેનો યોગ્ય સમય ક્યારે આવે છે? આપણે વિચારીએ છીએ તેટલો જલદી એ સમય આવતો નથી.
એના જીવનમાં પ્રેમ અને હૃદયનો પૂરો વિકાસ કરવો હોય તો બાળક હજી થોડા વધારે સમય સુધી માના હૃદય પાસે હોવાં જોઈએ. એને ખૂબ જલદી ખૂંચવી ખેંચીને અલગ કરવામાં આવે છે. માએ તેને અલગ નહીં કરવા જોઈએ. એને આપોઆપ અલગ થવા દેવાં જોઈએ, અંતે જાતે જ અલગ થશે. એને પ્રયત્ન કરીને અલગ કરવાં એ તો એના જેવું જ થયું કે કોઈ માતા બે-ચાર મહિનાના બાળકને જલદી પેટમાંથી બહાર કાઢી લેવાનું ઈચ્છે છે. આ એટલું જ ખતરનાક છે. એનાથી જરાયે ઓછું ખતરનાક નથી કે કોઈ માતા બાળક પોતે એનું દૂધ છોડે, એથી પહેલાં એને પોતાનાથી અલગ કરવાનું ઈચ્છે. માનો આ પ્રયત્ન ખતરનાક છે અને આ પ્રયત્નથી બાળકના હૃદયનું બીજું કેન્દ્ર યોગ્ય રીતે વિકાસ નથી પામતું અને આપને આશ્ચર્ય થશે. જો કે આ વાત નીકળી એટલે આપને કહેવાનું ઉચિત સમજીશ અને આપને આશ્ચર્ય થશે કે આખી દુનિયામાં સ્ત્રીઓ પ્રત્યે પુરૂષોનું સૌથી વધુ આકર્ષક કેન્દ્ર સ્ત્રીઓનું હૃદય કેમ બન્યું છે? આ બધાં બાળકો માના દૂધથી ખૂબ જલદી અલગ કરવામાં આવ્યા છે.
આખી દુનિયામાં સ્ત્રીઓ પ્રત્યે પુરૂષોનું જે આકર્ષણ છે તે તેનાં હૃદય પ્રત્યે જ કેમ છે? તે તેના સ્તન પ્રત્યે જ કેમ છે? એ બધા બાળકોમાંથી ખૂબ જલદી છૂટા કરવામાં આવ્યા છે. એની જીવન ચેતનામાં ઊંડાણમાં સ્ત્રીઓના સ્તનની નજીક રહેવાની કામના બાકી રહી ગઈ છે પૂરી થઈ નથી. નહીં તો કોઈ કારણ નથી. આદિવાસી સમાજોનાં જ્યાં બાળકો માના સ્તન પાસે પૂરતા સમય સુધી રહે છે. ત્યાં સ્તન પ્રત્યે પુરૂષોનું કોઈ આકર્ષણ નથી પરંતુ આપણી કવિતાઓ, આપણી નવલકથાઓ, આપણાં ચલચિત્રો, આપણા નાટક, આપણા ચિત્ર-બધુ સ્ત્રીઓના સ્તનની આસપાસ કેન્દ્રિત કેમ છે? જે પુરૂષો પોતાના બાળપણમાં માના સ્તન સાથે પૂરો સમય નથી રહી શક્યા તે પુરૂષો દ્વારા થયેલું જે સર્જન છે. આ કામના હવે નવાં રૂપમાં પ્રગટ થવા માંડી છે, અને પછી કહે છે કે અશ્લીલ ચિત્ર બને છે, અશ્લીલ ચોપડીઓ લખાય છે, અશ્લીલ ગીતો રચાય છે. પછી આપણે કહીશું કે બાળકો રસ્તા ઉપર સ્ત્રીઓને ધક્કા મારે છે, પથ્થર મારે છે. આ બધી બેવકૂફી આપણે પેદા કરાવીએ છીએ અને પછી એની પાસે રડીએ છીએ અને દૂર કરવાના ઉપાય કરીએ છીએ.
બાળકોનું માતાના સ્તન પાસે ઘણા સમય સુધી રહેવું અત્યંત અનિવાર્ય છે. એના માનસિક વિકાસમાં, એના શારીરિક વિકાસમાં, એના ચિત્તના વિકાસમાં, એના હૃદયના કેન્દ્રમાં યોગ્ય રીતે વિકાસ થતો નથી. તે અધૂરો રહી જાય છે. તે રોકાયેલો રહી જાય છે અને જ્યારે હૃદયનું કેન્દ્ર અવરુદ્ધ રહી જાય છે, ત્યારે એક અઘટિત ઘટના બનવાની શરૂ થાય છે. અને તે એ કે જે કામ હૃદય પૂરું નહીં કરી શકે, જે કામ નાભિ પૂરું નહીં કરી શકે તે કામ પોતાના મસ્તિષ્કથી પૂરું કરવાનો મનુષ્ય પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન બીજો જ ઉપદ્રવ લાવે છે કારણ કે દરેક કેન્દ્રનું પોતાનું કામ છે, કોઈ બીજા કેન્દ્રનું કામ પૂરું કરી શકતું નથી. નથી તો હૃદય કામ કરી શકતું, નથી તો હૃદયનું કામ મસ્તિષક કરી શકતું. પરંતુ માથી જેવું બાળકને વિખૂટું કરવામાં આવે છે, એની પાસે હવે એક જ કેન્દ્ર રહી જાય છે, જેની ઉપર બધો ભાર પડે છે. તે મસ્તિષ્કનું કેન્દ્ર હોય છે. પછી શિક્ષણ પણ એનું ઉપદેશ પણ એનો, નિશાળ પણ એની, વિદ્યાલય પણ એનું, જીવનમાં પ્રયત્ન પણ એના જ વિકાસનો.
જેનું મસ્તિષ્ક વધારે વિકસિત અને વધારે સંપન્ન હોય એક સત્તા સ્થાપિત થાય છે અને જીવનનું બધું કામ મસ્તિષ્ક પાસે લેવાનું શરૂ થઈ જાય છે. જે માનવી મસ્તિષ્ક દ્વારા પ્રેમ કરશે, એનો પ્રેમ જૂઠો છે કારણ કે મસ્તિષ્કનો પ્રેમ સાથે કોઈ સંબંધ નથી. પ્રેમ તો હૃદયથી થઈ શકે છે. મસ્તિષ્કથી થઈ શકતો નથી. પરંતુ આપણા હૃદયનું કેન્દ્ર યોગ્ય રીતે વિકસિત નથી. આથી આપણે મસ્તિષ્ક પાસે કામ લેવા માંડીએ છીએ એટલે પ્રેમ પણ આપણે વિચારીએ છીએ. પ્રેમનો વિચારવા સાથે કોઈ સંબંધ નથી. પ્રેમ પણ આપણામાં માનસિક રીતે વિચારની માફક પ્રગટ થાય છે. આથી આખી દુનિયામાં આટલી કામુકતા (Sexuality) વ્યાપી ગઈ છે. કામુકતાનો એક જ અર્થ છે : સેક્સનું કેન્દ્ર અને સેક્સના કેન્દ્રનું કામ મસ્તિષ્ક પાસે લેવામાં આવે છે, બુદ્ધિ પાસે લેવામાં આવે છે અને બુદ્ધિમાં જ્યારે કામ પ્રવેશ પામે ત્યારે જીવન નષ્ટ થઈ જાય છે અને આપણી બુદ્ધિમાં કામ પ્રવેશ પામી ગયો છે.
કામનું, સેક્સનું જે કેન્દ્ર છે તે નાભિ જ છે કારણ કે જીવનની સૌથી મોટી ઊર્જા સેક્સ છે, સૌથી મોટી ઊર્જા કામ છે. એનાથી જ જન્મ છે, એનાથી જીવનનો વિકાસ છે પરંતુ આપણું નાભિનું કેન્દ્ર અવિકસિત છે એટલે આપણે બીજા કેન્દ્ર પાસે એનું કામ લેવાનું શરૂ કરીએ છીએ. પશુઓમાં કામ છે પણ કામુકતા નથી. આથી પશુઓનું કામ પણ એક સૌંદર્ય છે, એક અભિનવ આનંદ છે અને મનુષ્યની કામુકતા એક કરુપતા (Ugliness) છે કારણ કે તે કામ પણ એના મનનમાં જઈને ચિંતન બની ગયો છે. તે કામનું પણ ચિંતન કર્યા કરે છે. એક માણસ ભોજન કરે છે, ભોજન કરવું ખૂબ સારું છે, પણ એક માણસ ચોવીસે કલાક ભોજનની બાબતમાં ચિંતન કરતો હોય, તો તે પાગલ છે.
ભોજન કરવું બિલકુલ બરાબર છે અને ભોજન ખૂબ જરૂરી છે, અને ભોજન કરવું જ જોઈએ. પરંતુ ભોજનની બાબતમાં કોઈ ચોવીસ કલાક ચિંતન કરતું હોય, તો સમજવું જોઈએ કે એ માણસના કેન્દ્ર ડામાડોળ થઈ ગયાં છે. જે કામ એણે પેટ પાસેથી લેવાનું છે, એ કામ બુદ્ધિથી લે છે અને બુદ્ધિ કંઈ ભોજન પચાવી શકતી નથી અને બુદ્ધિ સુધી ભોજન પહોંચાડી શકાતું નથી. બુદ્દિ માત્ર વિચાર કરી શકે છે અને બુદ્ધિ જેટલો ભોજન બાબતમાં વિચાર કરશે એટલું જ પેટનું કામ છિનવાઈ જશે અને પેટ અસ્તવ્યસ્ત થઈ જશે. આપ કદી વિચારી જુઓ. આપ ભોજન કરો છો પછી આપ વિચાર નથી કરતા. તે આપોઆપ પચી જાય છે. પેટ પચાવવાનું કામ કરે છે. એ અચેતન (Unconscious centre) છે. એ પોતાનું કામ કરે છે. તમારે વિચારવું પડતું નથી પરંતુ કોઈ વખત જાગૃત થઈને વિચાર કરો કે હવે પેટમાં ભોજન પહોંચી ગયું હશે. પચી રહ્યું હશે. તેવું થઈ રહ્યું હશે અને તમે જાણશો કે એ દિવસે તમારું ભોજન પચવું અશક્ય થઈ ગયું છે. જેટલું ચિંતન પ્રવેશ પામશે એટલી પેટની જે અચેતન પ્રક્રિયા છે. એમાં મુશ્કેલી પડી જશે. માત્ર ઉપવાસવાદીઓને બાદ કરતાં ભોજનની સાથે આવી દુર્ઘટના ઓછી બને છે.
કોઈ માણસ ઉપવાસ કરે તો ધીરે ધીરે ભોજન એના ચિંતનમાં પ્રવેશ પામે છે. એ ભોજન તો નહીંકરશે. ઉપવાસ કરશે પણ પછી ભોજનનું ચિંતન કરશે અને આ ચિંતન ખૂબ ખતરનાક છે. ભોજન કરવું એ તો જીવન માટે અત્યંત જરૂરી છે પણ ભોજનનું ચિંતન રોગ છે અને જે માનવી ભોજનનું ચિંતન કરવા લાગશે એના જીવનમાં બધી રીતે વિકાસ થવો બંધ થઈ જશે. આ નકામી વાતમાં જ એનું ચિંતન પૂરું થશે.
સેક્સની સાથે, યૌવનની સાથે, કામની સાથે આવું જ થઈ ગયું છે. તેને આપણે કેન્દ્રથી આંચકીને ઝૂંટવી લીધા છે અને તેનું ચિંતન કરીરહ્યા છીએ. આથી આપણા આખા જીવનમાં જે ત્રણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે, તે બધાનું કામ ધીરે ધીરે બુદ્ધિના હાથમાં સોંપી દીધું છે. કોઈ માણસ આંખ વડે સાંભળવાની કોશિશ કરે અથવા ચાખવાની કોશિશ કરે એના જેવું જ આ છે પણ આપણે એ માણસને ગાંડો કહીશું કારણ કે આંખ એ જોવાનું યંત્ર છે, કાન સાંભળવાનું યંત્ર છે, કાન આંખ નથી થઈ શકતાં. આંખ સાંભળી નથી શકતી અને આપણે જો એવા પ્રયત્ન કરીશું તો એના આખરી પરિણામમાં વ્યક્તિત્વમાં એક અરાજકતા જ થઈ શકે છે.
આવા જ મનુષ્યનાં ત્રણ કેન્દ્રો છે. જીવનનું કેન્દ્ર નાભિ છે. ભાવનું કેન્દ્ર હૃદય છે. વિચારનું કેન્દ્ર મસ્તિષ્ક છે. વિચાર આ ત્રણે કેન્દ્રોમાં સૌથી ઉપરનું કેન્દ્ર છે. એનાથી ઊંડાણનું કેન્દ્ર ભાવનું છે. એનાથી પણ ઊંડાણનું કેન્દ્ર પ્રાણનું છે. કદાચ તમે વિચારતા હશો કે હૃદય બંધ પડવાથી જીવનધારા બંધ થઈ જાય છે પણ હવે વૈજ્ઞાનિકો એ તારણ પર સહેજે જ પહોંચી ગયા છે કે હૃદનયી ગતિ બંધ થઈ ગયા પછી છ મિનિટમાં હૃદય ફરીથી ચલાવી શકાય તો માણસ પુનઃજીવિત થઈ શકે છે. હૃદયનો સંબંધ સમાપ્ત થઈ ગયા પછી છ મિનિટ સુધી નાભિનું જીવનકેન્દ્ર સક્રિય રહે છે. છ મિનિટમાં જો હૃદયને ફરીથી ચલાવી શકાય અથવા નવું હૃદય દાખલ કરી શકાય તો માણસ પુનઃજીવિત થઈ જાય. તો પછી માણસને મરવાની જરૂર નથી પણ નાભિકેન્દ્રથી જો જીવન ઘટી ગયું હોય તો પછી ગમે તે હૃદય બદલવાથી પણ કાંઈ જ નહીં થઈ શકે.
આપણી અંદર સૌથી ઊંડું અને પાયાનું કેન્દ્ર નાભિ છે. આ નાભિકેન્દ્ર અંગે સવારે મેં થોડી વાત કરી. હવે આપણે જે માણસ બનાવ્યો છેતે શિરના બળ ઉપર ઊભેલો છે. જેવી રીતે એક માણસ શીર્ષાસન કરે છે. શીર્ષાસન કરવાવાળો શિરને જ આધાર બનાવી લે છે. શિરની જગ્યાએ પગને ઊંચા કરી દે છે. જો એક મામસ ચોવાસી કલાક શીર્,ાસન કરતો રહે તો તેની શી સ્થિતિ થશે તે આપ સમજી શકો છો. એ માણસ નક્કી જ ગાંડો થઈ જસે. એ ગાંડો થઈ ગયો છે. નહીં તો ચોવીસ કાલક એવીરીતે ઊભો જ નહીં રહે, બીજું કોઈ કારણ જ ન હતું પરંતુ આપણે જીવનને આવું જ ઊલટું કરી નાખીએ છીએ.
આપણે બધા શિરના બળ ઉપર જ ઊભા છીએ. આપણે જીવનનો આધાર શિરને બનાવ્યું છે. વિચારવું એ આપણા જીવનનો આધાર થઈ ગયો છે. ધર્મ કહે છે કે વિચારવું એ જીવનનો આધાર નથી પણ વિચારમાંથી મુક્ત થઈ જવું, નિર્વિચાર થઈ જવું એ જીવનનો આધાર છે. આપણે તો વિચારથી જ જીવીએ છીએ અને વિચારથી જ આખો જીવનમાર્ગ દોરવાની કોશિશ કરીએ છીે. આથી આખો માર્ગ રઝડી ગયો છે. વિચારવાથી કદી કોઈ માર્ગ પ્રાપ્ત થતો નથી કારણ કે આપણા વિચારવાથી નથી તો નાડીઓમાં લોહી વહેતું, આપણા વિચારવાથી નથી આપણો શ્વાસ ચાલતો. કદી આપે વિચાર્યું છે કે, જીવનની કોઈ પણ મહત્ત્વપૂર્ણ ક્રિયા આપણા વિચારવા સાથે સંબંધિત નથી. ઊલટું જીવનની બધી ક્રિયાઓ અતિ વિચારવાથી કુંઠિત થઈ જાય છે, અને મુશ્કેલી પડે છે. આથી રોજ રાત્રે આપનું ઊંડી નિંદ્રામાં ખોવાઈ જવું જરૂરી છે, જેથી આપની બધી ક્રિયાઓ યોગ્ય રીતે ચાલી શકે. જેથી આપને મુશ્કેલી ન પડે અને સવારે આપ તાજગીનો અનુભવ કરી શકો. જે માણસની ઊંઘ ઊડી જાય છે તે માણસનું પછી બચવું મુશ્કેલ થઈ પડે છે, કારણ કે વિચાર એ જીવનની પાયાની ક્રિયાઓમાં આખો વખત મુશ્કેલી નાખે છે. આથી થોડો સમય કુદરત આપને ઊંડી નિંદ્રામાં ડૂબાડી દે છે. તે એક મૂર્છામાં લઈ જાય છે. બધા વિચાર બંધ થઈ જાય છે અને આપનું વાસ્તવિક કેન્દ્ર સક્રિય થઈ જાય છે. આપણા વાસ્તવિક કેન્દ્રોનો પણ એક સંબંધ છે, હું આપને બુદ્ધિથી જોઈ શકું છું.
મારા વિચાર આપને યોગ્ય લાગે તો મારો અને આપનો બુદ્ધિમત સંબંધ થશે. આ ઓછામાં ઓછો સંબંધ છે. આસ્તેથી ઓછો સંબંધ થશે. બુદ્ધિનો સંબંધ ઊંડો નહીં હશે. એનાથી ઊંડો સંબંધ હૃદયનો હોય છે, પ્રેમનો હોય છે, પરંતુ પ્રેમનો સંબંધ તમારા વિચારવાથી નહીં બંધાય. પ્રેમનો સંબંધ બિલકુલ અજાણતામાં વિચાર્યા વગર બંધાય છે. એનાથી પણ ઊંડા જીવનના સંબંધ હોય છે. જેવી રીતે જે નાભિથી પ્રભાવિત ઊંડા જીવનના સંબંધ હોય છે, જેવી રીતે જે નાભિથી પ્રભાવિત થાય છે, હૃદયથી પણ પ્રભાવિત નથી થતા, તે તો એથી પણ ઊંડા અને ગૂઢ હોય છે. માનો સંબંધ છે એની તો વ્યાખ્યા જ કરવી મુશ્કેલ હોય છે, કારણ કે આપણને ખબર જ નથી હોતી પરંતુ મેં આપને કહ્યું તેમ માની જીવનધારા બાળકની નાભિને પ્રભાવિત કરતી રહે છે. એક વિદ્યુત, માની નાભિથી બાળકની નાભિ સુધી વહેતી રહે છે. આ બાળક જીવમાં જ્યારે પણ કોઈ એવી સ્ત્રીની નજીક પહોંચશે જેના તરફથી એની મા તરફથી વહેતી હતી એવી જ વિદ્યુતધારા પ્રવાહિત થઈ રહી હોય, તો બિલકુલ અજાણપણે તે તેના સંબંધમાં સરી પડશે.
એને સમજાશે નહીં કે આ કયો સંબંધ બંધાવવા માંડ્યો છે. આ અજાણ્યા સંબંધને આપણે પ્રેમ કહીએ છીએ. એ આપણને ઓળખતો નથી એટલે આપણે તેને આંધળો કહીએ છીએ. નક્કી પ્રેમ આંધળો છે કારણ કે તે એટલા બધા ઊંડાણના સ્તર ઉપરથી થાય છે કે જેની આપણને કાંઈ ખબર નથી પણ આ પ્રેમ થવાનું શું કારણ તે સમજવું આપણે માટે મુશ્કેલ થઈ જાય છે.
કેટલાક લોકો પાસેથી આપણને અચાનક તીવ્ર રીતે દૂર ભાગવાનું અપાકર્ષણ પેદા તાય છે. એમનાથી આપણે કેમ દૂર ભાગવા માગીએ છીએ તેનું કોઈ કારણ સમજાતું નથી. જો આપની વિદ્યુતધારા જે નાભિઓમાંથી પ્રવાહિત થાય છે, તે વિરોધી હોય તો સમજાશે નહીં પણ આપે દૂર હટવું પડશે.
આપને એવું લાગશે કે કોઈ ચીજ દૂર કરી રહી છે અને કોઈ વ્યક્તિ પાસે અચાનક ખેંચાઈ જવાનું ઈચ્છો. આપને સમજાશે નહીં. કોઈ કારણ દેખાતું નથી. આપની વિદ્યુતધારા અને તેની વિદ્યુતધારા નજીક છે, સજાતીય છે, પાસે છે, આથી એકબીજાની સાથે સંબંધિત થઈ રહી છે. આથી આપને એવી પ્રતીતિ થાય છે.
માણસના જીવનમાં ત્રણ પ્રકારના સંબંધ હોય છે : બુદ્ધિનો સંબંધ જે બહુ ઊંડો ન હોઈ શકે. ગુરુ-શિષ્ય વચ્ચે આવો બુદ્ધિનો સંબંધ હોય છે. પ્રેમના સંબંધ, જે બુદ્ધિ કરતાં વધારે ઊંડા હોય છે. હૃદયના સંબંધ મા-દીકરા વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે આ પ્રકારના સંબંધ હોય છે. જે નાભિથી ઉદ્દભવે છે.
નાભિથી જ સંબંધ ઉદ્દભવે છે. તેને જ આપણે મિત્રતા કહીએ છીએ. તે પ્રેમ કરતાં પણ વધુ ઊંડા હોય છે. પ્રેમ તૂટી શકે છે. મિત્રતા કદી પણ તૂટતી નથી. આપણે પ્રેમ કરીએ છીએ તેને કાલે ધૃણા પણ કરી શકીએ છીએ પરંતુ જે મિત્ર છે તે કદી પણ શત્રુ નહીં થઈ શકે અને થઈ જાય તો જાણવું જોઈએ કે મિત્રતા ન હતી. મિત્રતાનો સંબંધ નાભિનો સંબંધ છે એટલે બુદ્ધે લોકોને એમ નહોતું કહ્યું કે, તમે એકબીજાને પ્રેમ કરો. બુદ્ધે કહ્યું - - તે અકારણ ન હતું. બુદ્ધે કહ્યું કે આપણા જીવનમાં મૈત્રી હોવી જોઈએ. કોઈએ બુદ્ધને પૂછ્યું કે આપ પ્રેમ નથી કરતા? બુદ્ધે કહ્યું, મૈત્રી પ્રેમ કરતાં વધારે ઊંડી વાત છે. પ્રેમ તૂટી પણ શકે છે. મૈત્રી તૂટતી નથી અને પ્રેમ બાંધે છે. મૈત્રી મુક્ત કરે છે. પ્રેમ પોતાનાથી કોઈને બાંધી શકે છે, કોઈનો માલિક બની શકે છે પણ મિત્રતા કોઈની માલિક નથી બનતી, કોઈને રોકતી નથી, બાંધતી નથી, ઉલટી મુક્ત કરે છે અને પ્રેમ એ કારણે પણ બંધન થઈ જાય છે કે પ્રેમીઓને આગ્રહ હોય છે : "અમારામાંથી વધુ બીજા કોઈ સાથે પ્રેમ નથી." પણ મિત્રતાનો કોઈ આગ્રહ નથી હોતો. એક માણસના હજારો મિત્ર હોઈ શકે, લાખો મિત્રો હોઈ શકે છે, કારણ કે મિત્રતા મોટી વ્યાપક ઊંડી અનુભૂતિ છે. જીવનના સૌથી ઊંડા કેન્દ્રમાંથી તે ઉત્પન્ન થાય છે.
આથી મિત્રતા આખરે પરમાત્મા તરફ જવાવાળો સૌથી મોટો માર્ગ બની જાય છે. જે સૌનો મિત્ર છે. તે આજે નહીં તો કાલે પરમાત્માની નજીક પહોંચી જશે કારણ કે બધાના નાભિકેન્દ્રો સાથે તેનો સંબંધ સ્થાપિત થઈ રહ્યો છે અને એક દિવસ તે વિશ્વનાભિકેન્દ્ર સાથે પણ સંબંધિત થઈ જવાનો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર