મુંબઈની ડાયનાઓની કથા
પ્રિન્સેસ ડાયનાના ડાયવૉર્સની વાત ચમકી ત્યારે એક વકીલે ટીખળમાં કહ્યું કે મુંબઈ શહેરમાં પણ ડાયનાઓ વધતી જાય છે. આજનાં યુવક-યુવતી લગ્નને બહુ જ લાઈટલી લે છે. નાની સરખી વાતમાં વાંકું પડે એટલે અંતિમ પગલું લઈને છૂટાછેડા માટે કોર્ટનાં પગથિયાં ચઢે છે. મલાડ ઈસ્ટમાં રહેતા એક ભાઈ જેમણે સરકારી કંપનીમાં 50 વર્ષની ઉંરરે વૉલન્ટરી રિયાટરમેન્ટ લીધું છે તેમની પત્ની તેમના બે પુત્રોને લઈને અલગ થઈ ગઈ છે. આવા નહિ કમાતા પતિના મકાનને વેચાવીને પતિ પાસેથી રૂ. પાંચ લાખ માગે છે. આ ભાઈ કહે છે કે મારી પત્નીએ ત્રણ વખત ડાયવૉર્સ લીધા છે, એટલે, ઇંગ્લેન્ડની એક્ટ્રેસોને પહોંચી વળવાની હરીફાઈ કરનારી ગુજરાતી સ્ત્રીઓ મુંબઈમાં છે.
દુબઈમાં પરજિયા સોનીની વસતિ વધી ગઈ છે એટલે ત્યાં જ હવે કન્યાને મુરતિયા મળી જાય છે. દુબઈની કન્યાઓ મુંબઈ જેટલી જ ફોરવર્ડ અને આત્મવિશ્વાસવાળી તેમજ ઝી ટીવીની અંતાક્ષરીમાં હોંશે હોંશે ભાગ લેનારી બની ગઈ છે. પરજિયા સોનીમાં કન્યા અને મુરતિયાનું સગપણ થયું તે પછી બન્ને ફરવા ગયાં ત્યારે મુરતિયાએ ખિસ્સામાંથી માવાનું પડીકું કાઢ્યું. તે જોઈને કન્યા ભડકી ગઈ. તેણે બીજે દિવસે પિતાપાસે જીદ કરાવીને સગપણ તોડાવી નાખ્યું છે.
મુંબઈ શહેરમાં ફેમિલી કોર્ટમાં આ પ્રકારનાં નાનાં કારણોસર લગ્ન તૂટવાના કેસો પણ વધી ગયા છે. માત્ર ડાયવૉર્સના નહિ પણ મેટ્રોમોનિયલ એટલે લગ્નને લગતા રોજના 20 કેસોબાંદરાની કોર્ટમાં આવે છે. 1994ને અંતે 6195 કેસો પેન્ડિંગ હતા. 1995ને અંતે 10,000થી વધુ કેસો પેન્ડિંગ છે તેવો અંદાજ છુટાછેડાના નિષ્ણાત વકીલ વસંત પારેખ કાઢે છે. બોરીવલીમાં રહેતા એડવોકેટ હરેન્દ્ર શ્યામાણી પણ ફેમિલી કોર્ટના નિષ્ણાત છે. તેમણે બીજી એક વાત કહી કે મુંબઈમાં પ્રેમલગ્નો અને ભાગેડુ લગ્નો કે તરતિયાં લગ્નો વધી ગયાં છે. બાંદરા પૂર્વમાં મેરેજ શૉપ કહે છે. આમાંની ઘણી લગ્નની ‘દુકાનો’ ‘કહેવાતા લગ્ન’ કરાવી આપે છે. હિન્દુ વિધિથી લગ્ન કર્યા પચી વર, કન્યા અને ગોર મહારાજ ફોર્મમાં સહી કરે છે અને પછી તે લગ્નને રજિસ્ટર કરાવવું પડે છે. બીજી પદ્ધતિ સિવિલ મેરેજની છે. તે સ્પેશિયલ મેરેજ ધારા પ્રમાણે થાય છે. તેમાં રજિસ્ટ્રારને 1 મહિના અગાઉ લગ્નની નોટિસ આપવી જોઈએ.
પરંતુ ભાગેડુ લગ્નોવાળાં યુવાન હૈયાઓ આવી નોટિસ મુકાવતાં ડરે છે. તેનો વિવાહમંડળોએ ઈલાજ શોધ્યો છે. રૂ. 1,000થી રૂ. 1,500 લઈને નોટિસની ઐસીતૈસી કરાવી શકે છે. ઘણી વખત આ ભાગેડુ લગ્નો 1 વર્ષ પચી તૂટે ત્યારે ચાલાક વકીલ ઊંચી ફી લઈને છૂટાછેડાને બદલે આ લગ્ન કાનૂનવાળું જ નહિ અને લગ્ન થયું જ નથી તેવું પુરવાર કરાવી આપે છે.
બાંદરા પૂર્વમાં આવાં ખોટેખોટાં હાલીમળેલાં લગભગ ઘણાં વિવાહમંડલો છે. તેમાં ભાગ્યે જ કોઈ ગંભીરતાથી કાનૂની વિધિ કરાવે છે. હરેન્દ્ર શ્યામાણી કહે છે કે ફેમિલી કોર્ટમાં હવે આડા સંબંધોની આપત્તિ ઉઠાવતી સ્ત્રીઓ જ નહિ, પણ પુરૂષો પણ આવે છે, જેની સંખ્યા વધુ છે અને પત્ની આડા સંબંધોમાં પકડાઈ જતાં સીધા કોર્ટમાં આવે છે.
એડવોકેટ વસંત પારેખ, ‘સમકાલીન’માં છૂટાછેડાના અજીબોગરીબ કિસ્સા લખે છે તે, અમારા મહુવાના સ્કૂલના લંગોટિયા મિત્ર છે, તેમણે કેટલાક અજીબોગરીબ કિસ્સા કહ્યા છે તે સાંભળવા જેવા છે.
એક ભણેલું મહારાષ્ટ્રિયન યુગલ મુંબઈમાં રહે છે. પતિ-પત્ની બન્ને નોકરી કરે છે. પતિને સરકારી નોકરી છે. પત્નીને બેન્કની સારા પગારની નોકરી છે. પતિની ટ્રાન્સફર ઉલ્હાસનગર થાય છે. પતિએ ત્યાં રૂમ લેવી પડી છે. તેનો પતિ શનિ-રવિ રજામાં પત્નીને મળવા આવે છે, પણ પત્ની કહે છે કે ગમે તેમ કરીને ઉલ્હાસનગરની ટ્રાન્સફર કેન્સલ કરાવીને મુંબઈ જ આવો. હું ઉલ્હાસનગર આવવા તૈયાર નથી. પતિ માટે આ અશક્ય છે, તેથી પત્નીએ ડાયવૉર્સ માટે અરજી કરી છે, પણ વસંત પારેખ બન્નેને સમજાવીને આ લગ્ન તૂટતા અટકાવવા પ્રયાસ કરે છે.
મુંબઈ શહેરમાં છોકરીઓ એટલી આઝાદ થઈ ગઈ છે કે એક વખત આ એડવોકેટ લહેર ખાતર ડલબ ડેકર બસમાં પહેલે માળે ચઢ્યા તો બે છોકરા અને છોકરી અંદરઅંદર જે વાત કરતાં હતાં તેનો સાર એ હતો કે છોકરો હિંમત કરતો નથી. છોકરી કહેતી હતી કે ‘હવે તું હિંમત નહિ તો હું તારું કિડનેપ કરાવી દઈશ અને તને પરણી જઈશ.’ મારી પાસે આવેલા બીજા દાખલામાં કોલેજ કન્યાને તેનો બૉયફ્રેન્ડ કહેતો હોય છે કે, ‘તારા પિતા લગ્ન માટે ઉતાવળ કરે છે ને? તો પછી પરણી જા, લગ્ન પછી આપણું ચાલુ રહેશે.’
એક કેસમાં ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની આવ્યાં. આધુનિક પત્ની તેના સાદાઈવાળા પતિને સહન કરી શકતી નથી. એડવોકેટ પારેખ ડનહિલ સિગારેટ 30 વર્ષથી પીએ છે, પણ પત્નીએ તેના પતિને કહ્યું, ‘જો, વસંતભાઈ કેવા ટેસથી પુરૂષની માફક સિગારેટ પીએ છે, તારામાં તો વેતા નથી.’
એક કપોળની છોકરીએ સગપણ પછી મુરતિયાને ફરવા બોલાવ્યો. છોકરાએ જે પેન્ટ પહેરેલું તે જૂની ફેશનનું હતું. તેણે ફેશન પ્રમાણે કપડાં પહેર્યાં નહોતાં એટલે કન્યા પાસે રિજેક્ટ થઈ ગયો. આવું જ ઘણી વખત છોકરી માટે પણ થાય છે. છોકરી ફેશન પ્રમાણે કપડાં પહેરતી નથી તે મુરતિયાને ગમતું નથી.
એક ભાઈને એવો શોખ હતો કે તેની પત્ની એક્ટ્રેસ જેવી લાગવી જોઈએ. તે રીતે તેને મેક-અપ, શણગાર કરીને ફરવા લઈ જાય. પછી નાટકના શૉમાં બધા પત્ની સામે જુએ ત્યારે પત્નીથી પણ નજર નાખનારા પરપુરુષ સામે જોવાઈ જાય. એ પછી પત્ની ઘરે આવે ત્યારે પતિને તેને ઝૂડી કાઢે, ‘તું શું કામ બીજા ઉપર નજર નાખતી હતી? તારી સામે બધા કેમ જોયા કરે છે?’
એક કેસમાં દારૂ પીનારા પતિને ઈચ્છા થયા કરે કે તેની પત્ની એટલિસ્ટ બિયર પીએ. પત્ની નાછૂટકે બિયરના બે-ત્રણ ઘૂંટડા લે. પતિ પછી છેતરીને બિયરમાં વ્હિસ્કી ભેળવી દે. એક વખત પત્નીએ આ તિકડમ જોઈ લીધું. પતિની આ ગુસ્તાખી બદલ જ કોર્ટમાં છૂટાછેડાનો કેસ આવ્યો છે. એક છેલ્લા વિચિત્ર કેસમાં પતિ દારૂ પીતો નથી અને પત્ની તેને પરાણે કંપની આપવા વ્હિસ્કી પીવાનું કહે છે. પત્નીની આ દરખાસ્ત પતિ માનતો નથી તેથી છૂટાછેડાની નોબત વાગી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર