સફળતામાં નિષ્ફળતા અને નિષ્ફળતામાં સફળતા

29 Dec, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: licdn.com

અધૂરો

રે જીવ!

શાને ઓછું આણે?

ખાલી ભલે તું હોય અધૂરો

ચિંતા તેની શાને?

ઘડો ભરેલો ડૂબે વહેણે

અધૂરો મોજે માણે !

તીરે રઝળતો ઘડૂલો ખાલી

તેને કોણ વખાણે?

તેનું મૂલ્ય તરનારા પ્રીછે

કે કો ડૂબિયા જાણે.

ખોલી નભ આ પોલું પોલું,

ભર્યું એને કો માને?

કોટિક દુનિયા એમાં વિલસે,

વિરલ કો પરમાણે

ખાલી ખાલી બંસી પોલી

ગાજે અવિરત ગાને,

ખાલી ભલે તું હોય સુભાગી

હરિની બંસી થાને !

રે જીવ ! શાને ઓછું આણે ?

ગાણું તારું હોંશે ગાને !

- સ્નેહરશ્મિ

કવિ સ્નેહરશ્મિના કાવ્ય અને કવિ વિલિયમ કાઉપરના કાવ્યને એક સાથે મૂકવાની મેં હિંમત કરી છે. શું કામ? હું પણ લંડનના થાકોડા પછી ધીરે ધીરે તમારી સાથે આ પ્રશ્નને સમજીશ. લંડનથી હું 600 કલાકની વર્લ્ડ કપ ક્રિકેટની વાતોનો મસાલો મગજમાં ભરીને આવ્યો છું. કેટલાક વિફળ ક્રિકેટરોની નિરાશા, ડિપ્રેશન અને હતાશા જોયાં છે. ફૂટબૉલની રમતમાં 'ઓન ગોલ' ની વાત આવે છે. ગોલકીપર પ્રતિસ્પર્ધી ટીમ સાથે મુકાબલો કરવા જતાં પોતાના હાથે જ ગોલ કરીને દુશ્મનને જિતાડે તેને ઓન ગોલ કહે છે. ફૂટબૉલમાં કે ક્રિકેટમાં એવું ઘણું બને છે કે તમારો પુરૂષાર્થ બીજાને કામ લાગે છે. લંડનમાં જ્યાં જાઉં ત્યાં મને મારા સ્થાપેલા સાપ્તાહિક હાથમાંથી છટકી ગયા અંગે વારંવાર પૂછતા હતા. મારા વિષાદને ઢાંકીને બેઠેલો તે ઊખળતો હતો પણ મને ક્રિકેટમાંથી સાંત્વના મળતી હતી. કાંદિવલીથી મુંબઈ જતો નથી પણ ઠેબાં ખાતો ખાતો શારજાહ કે લંડન કે બર્મિગહામ કે લેસ્ટર ક્રિકેટના રિપોર્ટિંગ માટે જાઉં છું. તેમાંથી બહુ જ સાંત્વના મળે છે.

ક્રિકેટ ઉપર તો મહિલાઓ પણ લખવા માંડી છે. પ્રેસ બૉક્સમાં કવયિત્રી કે ફિલૉસોફર પ્રકારની ક્રિકેટ લેખિકા મળી જાય છે. લીન ટ્રસ નામની લંડન ટાઈમ્સની સ્પોર્ટસ કોલમની લેખિકા મને કહે કે 'ક્રિકેટના વર્લ્ડ કપમાંથી હું એક વાત શીખી છું. કદાચ તમારા હિન્દુધર્મમાં એ વાત છે. સ્કોરબોર્ડ જોયું છે? મેચ શરૂ થાય ત્યારે શું હોય છે? હોટલ 0, ઑવર 0 રન 0. આ પ્રકારની બ્લેન્ક જગ્યામાં કેટલી પ્યોરિટી હોય છે."

થોડી જ પળોમાં આ શૂન્યનું સામ્રાજ્ય છટકી જાય છે અને આંકડાઓની સરખામણી શરૂ થાય છે. આ શૂન્યના આંકડા કેટલા રિલેક્સિંગ હોય છે! ઉપનિષદમાં પણ આવું કંઈક છે. શૂન્યમાંથી સર્જન થાય છે અને પાછું શૂન્ય થઈ જાય છે. શૂન્યમાંથી શૂન્ય કાઢી લઈએ તો પણ શૂન્ય જ રહે છે.

શું વર્લ્ડકપ ક્રિકેટમાં કે પત્રકારત્વમાં કે રાજકારણમાં કે બિઝનેસમાં કે ફૂટબૉલમાં શ્રેષ્ઠ વ્યક્તિ છે? પુરુષાર્થ જીતે છે કે અપુરુષાર્થ જીતે છે. બીજા એક ક્રિકેટ લેખક કહે કે ક્રિકેટને હું તેની મિસ્ટરીઝ માટે જોઉં ચું. મિસ્ટરી શું છે?

તારીખ 30 મે 1999 યાદ છે? બર્મિગહામના આકાશ પર વાદળાં ઘેરાયાં હતાં યાદ છે? રાહુલ દ્રવિડે ઈંગ્લેન્ડના બોલર એલ્હામના બૉલને સીધો ફટકાર્યો. એલ્હમ કેચ કરવા ગયો. કેચ કરવામાં તે નિષ્ફળ ગયો. તેની એક આંગલી બૉલને અડી ગઈ. બૉલ થોડો ડિફલેક્ટ થઈને સ્ટમ્પને અડ્યો. સામે ગાંગુલી ક્રીઝ છોડી ચૂક્યો હતો. ગાંગુલી રન આઉટ થયો. સ્કોર બોર્ડમાં લખાયું, ગાંગુલી રનઆઉટ બાય એલ્મહ! લીન ટ્રસ કહે છે 'આ વાતને તમે કેમ રનઆઉટ કહો?' તમે ક્રિકેટના જગતમાં સફળ હો છો ત્યારે નિષ્ફળ જાઓ છો અને નિષ્ફળ હો તો સફળ જાઓ છો. એ જ દિવસે વરસાદ પડ્યો. બીજા દિવસે રવિવાર હતો. ઈંગ્લેન્ડે અધૂરો દાવ લેવાનો હતો. જો વરસાદ પડે અને ઈંગ્લેન્ડ રમી ન શકે તો સુપરસિક્સમાં આવી જાય. ન રમવાથી સફળ થઈ જાય અને રમીને નિષ્ફળ જાય! એલ્હમે કેચ છોડ્યો, નિષ્ફળ ગયો. તેણે રન આઉટ કરવા તણખલુંય તોડ્યું નહોતું છતાં ગાંગુલી આઉટ થયો.

તમારી કે બીજાની જિંદગીમાં તમે આવું જોયું હશે. તમે કંઈ ન કરો તો ખોળામાં ફળ મળે છે અને ખૂબ પુરૂષાર્થ કરો ત્યારે તમારી પુરૂષાર્થની સફળતા નિષ્ફળતામાં ખપે છે. જ્યારે જ્યારે તમને મફતનું ગમે ત્યારે યાદ રાખજો કે તમારે કોઈ વખત આવી રીતે મફતિયા માટે લૂંટાઈ જવાનું હોય છે. કુદરત હિસાબ કિતાબ રાખે છે. કુદરતની જે મિસ્ટરી છે તે ક્રિકેટની છે.

એન્ડ્રુ કાર્નેગી અમેરિકાના સ્ટીલ મેગ્નેટ હતા. બીજા કાર્નેગી એ ડેલ કાર્નેગી. એ વિચારોમાંથી કમાયા. એન્ડ્રુ કાર્નેગી ધંધાનું તિકડમ અને અંબાણીગીરી કરીને કમાયા. એન્ડ્રુ કાર્નેગી લોકની મફતિયા વૃત્તિને બચપણથી પારખી ગયેલા. સ્કૉટલેન્ડમાં હજી બાળક તરીકે મોટા થતા હતા ત્યારે તેને સસલાં પાળવાનો શોખ જાગ્યો. સસલી ગર્ભવતી થાય તેને લઈ આવે. સસલાં પેદા થાય તેને ઉછેરીને રમે પણ આ ધંધો મોંઘો પડે. બચ્ચાંઓને અને ગર્ભવતી સસલીને ખવરાવવું શું? બચપણમાં જ તે તિકડમ શીખી ગયા. તેમણે 'શેરીનાં' બાળકોને ભેગાં કરીને એક સસલાનું બચ્ચું જોવા-પંપાળવા આપ્યું. પછી પ્રસ્તાવ કર્યો. જે મિત્ર સસલા અને સસલી માટે ખોરાક લાવે તેના નામ ઉપરથી સસલાનું નામ પાડવું. બસ બાળકોને ગમ્યું. બૉલ, ડૉલ, વિલિયમ, હેન્ડી વગેરે નામો પાડીને સૌ સસલાંને બોલાવે. બાળકો ખુશ થાય અને એન્ડ્રુનો સસલાંનો શોખ મફતમાં પૂરો થાય. બહુ સસ્તામાં પોતાનાં નામ ઉપરથી સસલાનું નામ પડે.

એન્ડ્રુકાર્નેગીને મોટા થયા પછી પસ્તાવો થયો કે તે બાળકોને એક્સ્પલોઈટ કરતા હતા પરંતુ તેણે સંતોષ માન્યો કે તેના બદલામાં કંઈ આપતા પણ હતા, એ સિદ્ધાંત તેણે ધંધામાં પણ અપનાવ્યો. અમેરિકામાં નવી નવી રેલવે બંધાતી હતી. પેન્સિલ્વેનિયા રેલવેલાઈનને તેઓ પોતાનું સ્ટીલ વેચવા માગતા હતા. પોતે નજીકમાં પિટ્સબર્ગમાં સ્ટીલ મિલ ખોલી તેનું નામ કાર્નેગી મિલ નહીં પણ 'જે. એડગર થોમસન સ્ટીલ મિલ' પાડ્યું. એ વખતે જે. એડગર થોમસન પેન્સિલ્વેનિયા રેલવેલાઈનના પ્રેસિડન્ટ હતા તે ખુશ થયા અને આ રેલલાઈન માટેનું તમામ પોલાદ તેઓ એન્ડ્રુ કાર્નેગી પાસેથી ખરીદવા માંડ્યા.

માણસને મફતમાં નામ મળે છે તે ગમે છે. પુરુષાર્થ વગર પદ મળે છે કે સફળતા પણ મળે છે, પણ તેની કિંમત કુદરત ક્યારે વસૂલી લે છે તે ખબર પડતી નથી.

ઉપરની અંગ્રેજી કવિતા મને એજબેસ્ટનના સ્ટેડિયમમાં પ્રેસ બૉક્સમાં એક મહિલા પત્રકાર લંડનનું ટેલિગ્રાફ વાંચતી હતી તેમાંથી મળી. 'લંડન ટેલિગ્રાફ' અને બીજા દૈનિક 'ઈન્ડિપેડન્ડન્ટ'માં રોજ કવિતા છપાય છે. ઉપરની કવિતાનો સાર અંગ્રેજી ન જાણનારા માટે લખું છું.

બ્રિટન અને દરિયાઈ સત્તાવાળો મહાન દેશ હતો ત્યારે આ કવિતા લખાઈ હતી. રૉયલ જ્યૉર્જ નામનું બ્રિટનનું લડાયક જહાજ યુદ્ધમાં અનેક હુમલા છતાં બચી ગયું. તેના આઠસો નાવિકો અને બહાદુર કપ્તાન કેમ્પનફેલ્ટ યુદ્ધ પછી આરામથી શાંતિના સમયમાં સફર કરતા હતા. તોપગોળાઓથી પોતે કેવી રીતે જહાજને બચાવ્યું તેની દિલધડક કહાની લખવા કપ્તાન કેમ્પનફેલ્ટે કલમ ઉપાડી. એ વખતે જહાજ પર દુશ્મને કોઈ હુમલો નહોતો કર્યો. જહાજમાં ક્યાંય લીક થયું નહોતું. કોઈ ખડક સાથે જહાજ અથડાયું નહોતું. એન્જિનમાં આગ લાગી નહોતી. કપ્તાનની કમરે હજી કમાનમાં જ તલવાર હતી પણ હાથમાં કલમ હતી. એ શાંતિના સમયમાં જહાજ કપ્તાન અને તેની તમામ યુદ્ધગાથાનો ઈતિહાસ લઈને ડૂબી ગયું! કશીક મિસ્ટરી સાથે ડૂબી ગયું!

ક્રિકેટની રમત જોવા જતાં કોઈ બોલર મેઈડન ઓવર ફેંકે ત્યારે ઘણાં કુંવારા વિચારો પણ મગજમાં ફેંકાતા હોય છે. કવિ દુષ્યંતકુમારની વાત અચાનક યાદ આવે છે.

હર તરફ એતરાજ હોતા હૈ

મૈં અગર રોશની મેં આતા હૂં.

માણસ સફળ થાય કે થોડો રોશનીમાં આવે ત્યારે ઘણાને એતરાજ થાય છે, પણ નિષ્ફળ થાય તો આનંદ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.