સર્વત્ર ‘હરામ’નું લેવાની વૃત્તિ
‘આર્ટ ઑવ્ લવ’ નામના પુસ્તકમાં ઓવિડ નામના રોમન ધર્માત્માએ લખેલું કે મફતિયા ભેટસોગાદ માનવી અને ઈશ્વરને પણ શું ખુશ કરે છે. ખુશામત ખુદાને પ્યારી છે પણ 21મી સદીમાં તો ખુદાને, પત્રકારોને, રાજકારણીઓએ, સંસદ સભ્યોને દરેક દેશમાં માત્ર ખુશામત નહીં. તેને કંઈક મફતિયું પણ જોઈએ છે. માર્શલ નામના ઇટાલિયને લખ્યું કે જ્યારે તમને કોઈ મફત આપે કે ગિફ્ટ આપે અને તે વેપારી હોય તો સમજવું તેણે તમને ‘હૂક’ ભરાવ્યો છે. તમારા ગળામાં ફાંસલો નાખ્યો છે. એ મફતની ચીજની બહુ મોંઘી કિંમત તમારે ચૂકવવી પડે છે. ખાસ કરીને છેલ્લાં 50 વર્ષથી પત્રકારોને જે ગિફ્ટ અપાય છે તેને કારણે અમુક અખબારની નૈતિકતાને અને સામાન્ય નાગરિકને પણ તેનાથી સહન કરવું પડ્યું છે.
હું 45-46 વર્ષ પહેલાં નવો સવો પત્રકાર બન્યો ત્યારે મને તો એ પણ અક્કલ નહોતી કે તમે લેખ લખો તેનો કોઈ પુરસ્કાર મળે! હું તો ‘જન્મભૂમિ’માં મારું નામ છપાય ત્યાં ખુશ થતો. સૌથી પ્રથમ અનુભવ હું ‘વ્યાપાર’માં ઉપતંત્રી હતો ત્યારે ભાવનગરની પોલિસ્ટીલ કંપનીના સી. પ્રભુદાસના પુત્રે અમને આઠ જણને વિમાનની ટિકિટ આપી. વિમાનમાં ભાવનગર લઈ જઈ ત્યાં બદામની પૂરી ભેટ આપી. અને ઉપરાંત પૉલિસ્ટીલના શેરો 10 ટકાના ભાવે આપ્યા હતા. મેં તે શેર લીધા નહોતા.
ત્યારે અમને લાગ્યું કે અહીં પત્રકારત્વમાં તો ઘણું બધું મફત મળે છે એ પછી ‘મફતિયા’ - વરસાદની પરાકાષ્ઠા આવી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં માત્ર ભાષણ આપવા જવાનું હતું. ત્યારે વડાપ્રધાનને લઈ જતા સ્પેશિયલ જેટ વિમાનમાં 76 પત્રકારોને મફત લઈ જવાયા. દરેકને ફાઈવસ્ટાર હોટેલમાં ઉતરાયા અને મફત કૉક્ટેલ પાર્ટીઓ ચારેકોર યોજાતી હતી. તેમાં પત્રકારો બકરાની જેમ પીતા હતા. રવીન્દ્રનાથ ટાગોરે 1928માં લખ્યું હતું કે ‘લીવ માય નેઈમ ધ ગિફ્ટ-ઈફ ઈટ ટુ બી એ બર્ડન.’ અરે કવિવર મહાશય! દરેક ગિફ્ટ માનવ ઉપર બોજ છે. બંધન વગર કે ફાંસલા વગર ઓછી ગિફ્ટ છે.
પોલિસ્ટીલે શેર આપ્યા તે મેં લીધા નહીં. મારે ભાગે પોલિસ્ટીલ વિશે લખવાનું આવ્યું ત્યારે મેં તે કંપની ક્યારે પણ ઊઠી જાય તે કહેવાય નહીં. તેવું લખ્યું એટલે એ છપાયું નહીં! તેનાં વખાણ જ સર્વત્ર છપાયાં. એ પ્રકારે વાજપેયીની રાષ્ટ્રસંઘની મુલાકાતમાં પત્રકારોને જે ફાઈવસ્ટાર સગવડો મળી અને દરેકને એક રોલ્સરોયસ ન્યૂયૉર્કમાં ફરવા માટે રોકાણ દરમિયાન મળી એ બધી સગવડોની મેં ટીકા કરી. તેથી મને બીજી વખત વડાપ્રધાનની આ ‘પિકનિક પાર્ટી’માં જવાનું ન મળ્યું.
આજે હું મારી પત્નીની પૃચ્છા કરું ત્યારે એ પરદેશ ગઈ હોય છે. અને તે જાપાન હોય કે થાઈલેન્ડ હોય કે ઈન્ડોનેશિયા હોય ત્યારે મારે સમજી જવાનું છે કે દિલ્હીના પત્રકારોને ભ્રષ્ટ કરવા ડૉ. મનમોહન માનીતા પત્રકારોના રસાલાને દેશના ખર્ચે ઉપાડી જાય છે. આજે જ્યારે પત્રકારોને મફતમાં મુસાફરી, રેલવેનાં કન્સેશન, રહેણાંકમાં સસ્તી જમીન, ‘આ ફ્રી અને તે ફ્રી’ અપાતું જોઉં છું ત્યારે મને જીન અનુઈલોની પંક્તિ યાદ આવે છે. ‘ધ લાર્ક’ નામની કટાક્ષવાળી કવિતામાં કવિ જીન અનુઈલોએ લખેલું કે ‘વ્હૉટ યુ ગેટ ફ્રી કોસ્ટ્રસ ટુ મચ.’
દિલ્હીના અંગ્રેજીભાષી પત્રકારો અને ગાંધીનગર તેમજ ગુજરાતના પત્રકારોને જેને મફતિયા માલ મળે છે તે ઉપરથી લાગે છે કે પત્રકારને જે મફત મળે છે તેની ‘કિંમત’ પત્રકારે નહીં પણ સમાજે, મારે, તમારે ચૂકવવી પડે છે. કારણ કશું જ મફત આવતું નથી. કવિ થોમસ ફૂલમની વાત મને સાચી લાગી ‘મને જ્યારે કોઈ ગિફ્ટ આપે છે ત્યારે એ મફતિયા ચીજ મારી લિબર્ટી ઝૂંટવી લે છે. અને હું બહુ જ જબ્બર કિંમત ચૂકવી ચૂક્યો હોઉં છું.
નવરાત્ર આવે ત્યારે મને કોઈ જ દિવસ વરસમાં મળવા ન આવનારા ‘મિત્રો’ કે ‘સ્નેહીઓ’ એકાએક દેખાવા માંડે છે ત્યારે ખબર પડે કે નવરાત્ર આવી પૂગ્યાં છે! અને આ બધા ‘મિત્રો’ દાંડિયારાસ-ગરબા વગેરેના પાસ માગવા આવે છે. એ લોકો માની જ લે છે કે મારી પાસે નવરાત્રના પાસના ઢગલા છે. આ બધા પાસ તમે લો તો જબ્બર બર્ડન થાય છે કારણ કે, નવરાત્રના આયોજકોનાં ખોટાં વખાણ લખવા પડે છે. ખાસ કરીને મુંબઈ અને ગુજરાતનાં અખબારના વાચક બીજું અખબાર ખરીદવાના પૈસા ખર્ચતા નથી. મફતિયા રીતે પાડોશી પાસેથી ભિખારીની જેમ માગીને મફતિયા રીતે અમારું અખબાર વાંચે છે. તે પત્રકારોનું લોહી પીનારા છે. ડૉક્ટરો માગે તેટલા પૈસા ખર્ચશે પણ પુસ્તક કે અખબાર ખરીદવા દમડી નહીં ખર્ચે.
માઈકલ કિન્સલ્ટે નામના એક દાઝેડું રાજકારણના લેખકે કહ્યું છે કે ઈટલી, ફ્રાંસ, ઈંગ્લેન્ડ અને ખાસ કરીને અમેરિકામાં સોવરેન્ટી રહી નથી. લોકતંત્ર રહ્યું નથી. કારણ કે અખબારમાં જે જે છપાયું હોય તે સત્તાધીશ માટે વખાણ હોય, સાંસદ માટે પ્રશંસા હોય કે ઉદ્યોગપતિ માટે વાહવાહ હોય તે બધું જ ‘પેઈડ ન્યૂઝ’ ગણી લેવું. મને નવરાત્રમાં જે સમસ્યા નડે છે તે હું આટલાન્ટામાં ગયો ત્યારે ત્યાંના કેટલાક પ્રામાણિક પત્રકારો જે ગિફ્ટ લેતા નથી તેની પાસેથી જાણી શક્યો. એ પત્રકારોએ કહ્યું કે ઓલિમ્પિક્સ કે બીજી કોઈ ક્રિકેટ, બેઝબૉલ, વોલીબૉલ કે ફૂટબૉલની ટૂર્નામેન્ટો આવે ત્યારે જૂના ‘મિત્રો’ એકાએક ફૂટી નીકળે ત્યારે સમજવું કે તે મફતિયા પાસના જ મિત્રો છે.
કઠણાઈ એ છે કે મુંબઈમાં નવરાત્ર કે બીજા કોઈ પ્રસંગના મનોરંજનના પાસ માગનારા મોટરવાળા હોય છે. તે પણ પાસના ભૂખ્યા હોય છે. ‘ટ્રેડ ફુલ્સ’ નામના મેગેઝિને લખ્યું છે કે કમર્શિયલ અખબારોમાં પત્રકાર થવાનું ઘણાને બહું મીઠું લાગે છે. તમે વ્યાપારી દૈનિક કે સાપ્તાહિકમાં રિપોર્ટર બનો એટલે વિદેશની ટૂરો, ફ્રી ગિફ્ટનો રાફડો ફાટે છે. તમે દિલ્હીમાં જાઓ અને ‘રાઈટ ટુ ઈન્ફર્મેશન’ હેઠળ માહિતી માગો તો દિલ્હીના કેટલા પત્રકારો કરોડપતિ બન્યા છે? તે જાણવા મળે. કેટલા દિલ્હીગરા પત્રકારોને મકાન માટે મફત જગ્યા-જમીન મળી છે તે જાણવા મળે. પછી એ જગ્યા પત્ની અને પતિને નામે હોય (પતિ-પત્ની બંને પત્રકાર હોય) તે ભાડે આપીને મહિને રૂા. 2 લાખથી રૂા. અઢી લાખનાં ભાડાં ખાય છે. કેટલાક પત્રકારો કરોડપતિ છે.
મફતિયા અને હરામનું ખાવાની ટેવવાળા (તમામ દિલ્હીના પત્રકારો, અપવાદ ઓછા) પત્રકારોનું લિસ્ટ અને તેને મળતી મફતની સગવડો જોઈને તમે આભા બની જાઓ. મોટા ભાગે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ કે વડા પ્રધાન કે વિદેશ પ્રધાન અગર વિદેશ મંત્રાલયના ઉચ્ચ સચિવો વિદેશ જાય ત્યારે શરૂમાં પત્રકારોને લઈ જવા જોઈએ તેને બદલે અખબારના માલિકો, મેનેજરો અને તંત્રીઓને જ જાણે હક હોય તેમ આ બધા સત્તાધીશો સાથે જતા. આજેય જાય છે. અમદાવાદ અને રાજકોટનાં અખબારોના અમુક માલિકો જ મુખ્યપ્રધાનના મફતિયા રસાલામાં જાય છે.
‘પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા’એ ખૂબ જ દાઝ સાથે લખ્યું છે કે પત્રકારોને હાઉસિંગ, મફત ફ્લેટ કે જમીન એ બધું આપવાની તો અખબારોની ફરજ છે. તો સરકારે શું કામ એ બધું મફતમાં આપીને પત્રકારોના હાડકાં હરામનાં કરવાં જોઈએ. પ્રેસ કાઉન્સિલની કમિટીએ એ વાતની નોંધ લીધી કે દિલ્હીના પાટનગરમાં અને બીજાં રાજ્યોમાં જે અતિ મોંઘી જમીનનો લત્તો હોય તે જમીન પત્રકારોને, તેના માલિકોને, અખબારની કંપનીને નોમિનલ પ્રાઈસમાં અપાતી હતી. પ્રેસ કાઉન્સિલે પછી જોયું કે અખબારના માલિકો આ જમીન કે મકાનો ઊંચા ભાડેથી આપીને પૈસા કમાતા હતા. ઘણાં અખબારો તો આખા ઑફિસના કોમ્પ્લેક્સ બાંધતા હતા. પછી ભાડે આપતા આવે છે.
પત્રકારો ઉપર સરકારનું પોલીસતંત્ર અમુક વખતે ત્રાસ ગુજારે ત્યારે અખબારો છાપતા નથી. શું કામ? ધે (પત્રકારો) વોન્ટ ટુ બી ઈન ગુડ બુક્સ ઑવ્ ગવર્નમેન્ટ- આ પ્રેસ કાઉન્સ્લિના શબ્દો છે. બસ-ટ્રાવેલ, રેલ-ટ્રાવેલ, ફોરેન-ટ્રાવેલ, ફ્રી એર ટિકિટ, મુખ્યપ્રધાનના અમુક ફંડોમાંથી રોકડ રકમ આપવી, સસ્તી લોનો આપવી આ બધું ચાલે છે.
એડવર્ટાઈઝિંગ એજન્સી તેના ઘરાક વતી તેની પ્રેસનોટ છાપનારા પત્રકારોને ગિફ્ટ ચેક આપે છે. મોંઘી પાર્કિંગની જગ્યામાં કાર પાર્ક મફત મેળવનારા મફતિયા પત્રકારો કશું જ મફતનું છોડતા નથી. દા.ત. દિલ્હીમાં ‘સરકારી ગેસ્ટ’ તરીકે કલકત્તાથી પત્રકારો આવે તેને પ્રેસ કાઉન્સિલે સરકારી ગેસ્ટ માનવા ન જોઈએ. વાત લાંબી છે. પણ આ દેશનું નૈતિક માળખું સમગ્ર રીતે સડેલું છે અને એ સડો વેપારમાં છે એટલો જ મંદિરોમાં અને અખબારોમાં છે. આ લેખ ‘ચેતનાને કિનારે’માં છાપ્યો છે એટલે માટે કે અંતરાત્માને જાગ્રત રાખીને આધ્યાત્મિક ચેતના જગાડવી આજના યુગમાં કેટલું મુશ્કેલ છે છતાં અમુક પત્રકારોની ચેતના જાગે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર