ઈન્સાનનો ઈન્સાનને ખોટી રીતે જજ કરવાનો સ્વભાવ અને ગૌહરજાનની કથા

28 Sep, 2017
12:01 AM

કાન્તિ ભટ્ટ

PC: philcooke.com

સ્વયં ઉજાસ હો ગયે

આમ સે જો ખાસ હો ગયે,

હમ બહુત ઉદાસ હો ગયે,

તુમ કલી સે ફૂલ જબ બને,

હમ તુમ્હારી વાસ હો ગયે.

સુનકે મેરી દાસતાં હુજૂર,

આપ ક્યોં ઉદાસ હોય ગયે,

દિલ કે દાગ યૂં જલે, નરેશ

હમ સ્વયં ઉજાસ હો ગયે.

કવિ ડૉ. નરેશ

ઈન્સાન હુએ જાતે હૈં

કહતે હો ગમ સે પરેશાન હુએ જાતે હૈં,

યે નહીં કહતે કિ ઈન્સાન હુએ જાતે હૈં.

દરિન્દોં જંગલો સે આઓ

ઔર ઈસકી ગવાહી દો,

ઈન્સાં સે નહીં પાઈ ઈન્સાનને

ઈજ્જત અબ તક.

જોશ

એક પત્રકારે પૂછ્યું, અરે તમે શું મુંબઈ દૈનિક સંધ્યામાં લખવા લાગ્યા? જાણે મેં કોઈ ખોટું કામ કર્યું હોય તેવો તેમનો પૂછવાનો અંદાજ હતો. કોઈ પણ માણસ બીજી વ્યક્તિ વિશે જાણ્યા વગર તેમના વિશેનું જજમેન્ટ બાંધી લે છે. દરેક માણસ જેટલો દેખાય તેટલો સારો હોતો નથી અને કેટલીક વખત દેખાય તેવો ખરાબ પણ હોતો નથી. તે માટે ગૌહરજાનની કથા કહેવી છે પણ પેલા પત્રકારભાઈને મારે કહેવું છે કે એક પ્રતિષ્ઠિત જૈન હીરાવાળાનાં બહેન જે ડબલ ગ્રેજ્યુએટ છે તે ઉમા ત્રિવેદી એક બ્રાહ્મણ ઉદ્યોગપતિને પરણ્યાં છે. તેમની ફેશન ગારમેન્ટની ફેક્ટરી પેરીસ અને તીરૂપરુમાં છે, તે ઉમા ત્રિવેદી’ ‘મુંબઈ દૈનિક સંધ્યાવાંચે છે.

આ લખતો હતો ત્યારે સંગીતકાર અજિત શેઠનાં 64 વર્ષનાં પત્ની અને ગાયિકા તેમજ લેખિકા નિરૂપમા શેઠ જેનો 14મી જુલાઈએ જન્મ દિવસ છે તેમનો નફો આવ્યો. તે પણ મુંબઈ દૈનિક સંધ્યાવાંચે છે, વ્યાપારના તંત્રી શ્રી શશિકાન્ત વસાણી અને નાટકોના માંધાતા ગણાય તેવા 77 વર્ષના વૃજલાલ વસાણી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ન્યાયાધીશો પણ મુંબઈ દૈનિક સંધ્યાવાંચે છે. માટે આવો બચાવ કરવાની જરૂર નથી, પરંતુ કહેવા માગું છું કે દુનિયા આપણે માટે જે સ્ટાન્ડર્ડ રચે તે સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાલવું નહિ કે કોઈ વ્યક્તિને કે સંસ્થાને પૂરતી જાણ્યા વગર તેના ન્યાયાશધીશ બની ન જવું. ક્રિસ્ટોફર મારલેનો એક સિદ્ધાંત હતો :

“There is only one success to be able to spend your life in your own way.”

બીજાના અભિપ્રાયથી ડરી ડરીને સુંવાળી જિંદગી જીવવા કરતાં પોતાની મરજી મુજબનું કઠિન કે અપયશવાળું જીવન જ વધુ સફળ છે.

હવે ગૌહરજાનની વાત :

તવાયફો કે નાચનારીઓનો એક ભવ્ય જમાનો હતો. મુંબઈના મોટા શેઠિયા, રાજા અને ક.મા. મુનશી જેવા મુઝરામાં જતા. તવાયફો મોટે ભાગે મુસ્લિમ પરિવારની રહેતી. ગાવા અને નાચવાનું કામ કરતી. વેશ્યાવૃત્તિ ભાગ્યે જ કરતી. કેટલીક તો રોજ ત્રણ-ચાર કલાક પ્રભુભક્તિમાં વિતાવ્યા વિના નાચ-ગાન ન કરતી.

કોલકત્તાની ગૌહરજાન આજથી 100 વર્ષ પહેલાં પ્રખ્યાત હતી. રાજા માફક ચાર ઘોડાની બગી વાપરતી. એને ઘરે કોઈ કદરદાન ગીત સાંભળવા જાય તો પોતે હાથમાં ફાનસ લઈ ગાડી સુધી વળાવવા જતી. અલ્લાહાબાદની એક મહેફિલમાં ઉર્દૂના પ્રખ્યાત શાયર અકબરની એક ગઝલ એટલી તન્મયતાથી ગાઈ કે તેમાં હાજર રહેલા શાયર અકબરે ગાયકીથી ખુશ થઈને વખાણ કર્યાં ત્યારે ભેટરૂપે ગૌહરે શાયરના હસ્તાક્ષરે લખેલી શેરની માગણી કરી. એક કાગળના ટુકડા ઉપર શેરની પંક્તિ લખી અને કહ્યું કે ઘેર જઈને વાંચજે, લખ્યું હતું :

ખુશિયાં કૌન સી ગૌહર કે સિવા,

ખુદાને ક્યા ન દિયા શૌહર કે સિવા.

ગૌહરજાન પાસે બધું જ હતું. અનુપમ સૌંદર્ય, સુંદર કંઠ, ધન-દૌલત, ઈજ્જત, પણ ગૌહરને તેના જીવનનો સાથી ન મળ્યો.

એક વ્યક્તિ દતિયાના રાજા ભવાનીસિંહ ગૌહરને સાંભળવા માટે કોલકત્તા આવેલા. રાજાના દૂતે ગૌહરને કહ્યું, ભવાનીસિંહ આપને સાંભળવા માગે છે.ગૌહરે પૂછ્યું કે રાજાની રિયાસત કેટલી છે? દૂત કે, નવ લાખની રિયાસતનો રાજા મને શું સાંભળવાનો? અને મને શું ભેટ આપવાનો? એમ કહીને દૂતને કહ્યું, જો મારી પાસે સમય નથી, મને માફ કરે.’’

ગૌહરનો ગર્વિષ્ઠ જવાબ સાંભળી રાજાને દુઃખ થયું. એ પછી તેમના રાજકુમારનાં લગ્ન પ્રસંગે ફરી ગૌહરને બોલાવવાનું મન થયું. કોલકત્તાના કમિશનર અને બ્રિટિશ એજન્ટની વગ વાપરીને ગૌહરને દતિયા બોલાવી મોટા પુરસ્કારનું વચન અપાયું. રાજા તરફથી કોલકત્તાથી દતિયા સુધી સ્પેશિયલ ટ્રેન આવી. ગૌહર સાથે 111 જણનો રસાળો, જેમાં ધોબી, હજામો, સેવકો, ઘોડા હકીમો વગેરે હતા. ગૌહરની વ્યવસ્થા એક મહેલમાં થઈ. એ પછી તો રાજકુંવરનાં લગ્ન પતી ગયાં. ગૌહરની મહેમાનગતિ થાય પણ રાજાએ તેને ગાવા માટે ઈજન જ ન આપ્યું.

ગૌહર તવાયફ કુટુંબમાં જન્મેલી પણ વાસનાવાળી જિંદગીનો તેને તિરસ્કાર હતો. યુવરાજનાં લગ્નમાં આવેલા પોતાના જ લોકો દ્વારા ગૌહરે ભવાનીસિંહની કદરદાની, તેની ગાયકીની સમજ અને સુંદર સ્વભાવનાં વખાણ સાંભળ્યાં. ગૌહરને એ વાતનું દુઃખ થયું કે બીજા ગવૈયાઓ આવેલા તેમને પ્રભાવિત કરવા પોતાને ગાવાની તક ન મળી. ગાવા બોલાવી પણ પછી રાજાનું આમંત્રણ જ ન મળ્યું.

રાજાનું છ વર્ષ પહેલાં અપમાન થયેલું અને રાજાની ઈન્સાનિયતને ગૌહરે પારખી નહોતી તેથી રાજા તેના અપમાનનો બદલો વાળવા માગતા હતા? પરંતુ એ રીતે જ રાજા પણ ગૌહરને પૂરી જાણતા નહોતા, તેથી પરસ્પર આવું વર્તન થયું હતું. એક દિવસ ગૌહર કંટાળી. તેણે જાણી લીધું કે રાજા રાત્રે નગરવિહાર માટે ઘોડા ઉપર નીકળે છે. ગૌહરે પુરૂષનો વેશ પહેરીને ઘોડેસવારી કરીને રાજાની પાછળ પાછળ ચાલવા માંડ્યું. એ પછી ભવાનીસિંહના ઘોડા સામે ઘોડો ઊભો રાખીને ગૌહર નીચે ઊતરી. રાજાના ઘોડાની લગામ પકડીને રાજાને ઊભા રાખ્યા.

રાજા સ્તબ્ધ થઈ ગયા. ચંદ્રના પ્રકાશમાં તેણે ગૌહરનું મોં જોયું. છતાં પૂછ્યું, કોણ છો?’ ગૌહરે કહ્યું, મહારાજ, હું ગૌહર.

રાજા નવાઈ પામ્યા. પણ તેની ચતુરાઈથી ખુશ થઈને પૂછ્યું, આમ કેમ?’

મહારાજ, કોલકત્તામાં મેં ભૂલ કરી તેની માફી માગવા આવી છું. હું એક વારાંગના, વેશ્યા છતાં અભિમાનને વશ થઈને આપને ગીત સંભળાવવાની ના પાડેલી, તેનું દુઃખ છે, ક્ષમા કરો...મહારાજને કહેવાનો મોકો મળ્યો, ગૌહરજાન, તમે ત્યારે મને અને મારા દરબારીને સમજવામાં ભૂલ કરેલી પણ હું તમને બરાબર ઓળખતો હતો. તમે જાતિથી વેશ્યા છો, કર્મથી નહિ અને હા, તમે તો કલારૂપમાં નારી પણ છો. અમારે ત્યાં સ્ટેટમાં કોઈ પણ નારીનો તિરસ્કારએ સ્ટેટનો ગુનો બને છે. અમે કલાના પૂજારી છે, તેથી જ અમે તમારે ત્યાં આવવા માગતા હતા. વાસના સંતોષવા કોઈ વેશ્યાને ત્યાં જવું તે પાપ છે.

ગૌહરજાન તો એકદમ ગળગળી થઈ ગઈ. મહારાજ, હવે તો માફ કરો અને મને તમારી કદર કમાવા ગાવાનો મોકો આપો.રાજાએ કહ્યું, એક શર્ત છે.ગૌહર કહે, અરે હુકમ કરો, શર્ત શેની.રાજા તો ગૌહરની આંખમાં તાકી રહ્યા છે, છ વર્ષ પહેલાંની એ ઘમંડી ગૌહર નહોતી. નમ્ર અને આતુર હતી. રાજાએ ફરમાવ્યું, તમારે 180 દિવસ ગાવું પડશે.ગૌહર કબૂલ થઈ. છ મહિના પૂરા થયા. ખૂબ જ પ્રેમથી દરેક વખતે ગાયું. રાજાએ ખુશ થઈ પૂછ્યું, કંઈ માગો!’

ગૌહરે કહ્યું, મહારાજ, દુનિયામાં પ્રેમથી કોઈ વસ્તુ મહાન નથી તેનો મને અહીં અનુભવ થયો. મેં સેંકડો રાજા-મહારાજા જોયા. તેમની વાસના પારખી, જેને જેને મહેલે ગઈ ત્યાં બધા મને ભોગ્ય ચીજ માનતા હતા. તે લોકોએ મને વાસનાની મૂર્તિ સમજી, એ કારણે મને રાજાઓ પ્રત્યે નફરત થઈ હતી. પણ આજે મેં આપનામાં એક ઈન્સાન જોયા. આપના નિઃસ્વાર્થ કલાપ્રેમ થકી મને ઘણું મળી ગયું છે.ગૌહર ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

‘‘ખુદા તો મલતા હૈ, ઈન્સાન નહિ મિલતા,

 

યે ચીજ વો હૈ જો દેખી કહીં કહીં મૈંને.’’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.