જગતનાં ક્રૂર તત્ત્વો સામે લડવાનો સંકલ્પ જરૂરી
સમુદ્ર કો દિયા હુઆ દાન કહતે હૈ
પ્રભુ તક જાતા હૈ, ક્યોં કિ વહ બ્રાહ્મણ હૈ,
મૈં ક્યાં દૂં? મૈં ક્યા દૂં ઈસ બ્રાહ્મણ કો?
ફિર ભિ અપને કો સોંપ દિયા જવારોં કો
પર ઉસ સુપાત્રને જ્વારોં સે કહા –
લૌટા દો ઈસ વિકલ્પી કો,
દેહ નહીં, સંકલ્પ ચાહિયે.
નરેશ મહેતા
આજે આપણને સ્વામી આનંદ જેવા તત્ત્વજ્ઞાની અને કાકા કાલેલકર જેવા મૌલિક વિચારકોની ખોટ સાલે છે. રામમંદિર કે બાબરી મસ્જિદના પ્રશ્ને જે અસહિષ્ણુતા દેખાય છે અને એવી અસહિષ્ણુતા પત્રકારોની કલમ સુધી પહોંચી છે ત્યારે ખાસ.
સ્વામી આનંદે કહેલું, આ જગતમાં તો માથે સૂરજ તપતો હોય અને સાથે-સાથે તમારી પ્રગતિ કરવી હોય તો તડકામાં જ ચાલ્યે છૂટકો છે. પગે છોલાં પડશે, લૂ લાગશે. જોકે કુદરત તમારી પ્રગતિમાં બહુ આડી નહીં આવે, પણ તમારી સામે ઘણાં વિરોધી માનવબળો આવશે. આ વિરોધથી મિજાજ નથી ગુમાવવાનો કે નિરાશ નથી થવાનું.
કવિ નરેશ મહેતા ઉપરની કવિતામાં કહે છે એમ સમુદ્રને દિક્ષણા આપવાના ઓઠા તળે તકલીફોથી ગભરાઈને આપઘાત કરવા ન જવાય. સમુદ્ર પણ તમને નહીં સ્વીકારે. સમુદ્ર તમને કહેશે, મને તારી દેહદક્ષિણા નથી જોઈતી. મને તારો સંકલ્પ- જીવવાનો અને જગતનાં ક્રૂર તત્ત્વો તારી સામે તીરો ફેંકે એ ઝીલવાના સંકલ્પ જોઈએ છે.
વિલિયમ બ્લેક જેવા વિદ્વાને તો ઈશ્વરને સામે ચાલીને કહેલું, હે ઈશ્વર, મારા તરફ જગતના લોકો તીરો ફેંકતા રહે એવી સ્થિતિ મને આપ જેથી હું સહનશીલ બનું અને સતત મારા કાર્યમાં જ ગૂંથાયેલો રહું.
આધુનિક જીવનમાં અને ખાસ તો એકવીસમી સદીમાં જટિલતાઓ સાથે ભૌતિક તકલીફો વધી છે એના કરતાંય માનસિક દુઃખો વધ્યાં છે. એ દુઃખો એટલાં બધાં વધ્યાં છે કે આજના માનવે પહેલાં કરતાં વધુ સહનશીલતાથી જીવવું પડે. નહિતર, રાજકારણમાંથી, પત્રકારત્વમાંથી કે સમાજમાંથી મોટી મમત પકડનારાની જેમ જીવનના ચક્રમાંથી ખડી જવું પડશે. માનવીએ જરૂર અન્યાય સામે લડવું, પણ થોડોક તમારો અહમ ઘવાય અને ‘નથી રમતા’ એમ કહી દો એ આ એકવીસમી સદીમાં નહીં ચાલે.
એક જમાનો હતો કે ડૉ. આર્નોલ્ડ રગ્બી નામના વિદ્વાને 150 વર્ષ પહેલાં જગતમાં સુખી થવા માટે ત્રણ સાદાં વ્રતો રાખવાનું કહેલું – (1) સૌ પ્રથમ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, (2) નૈતિક સિદ્ધાંતો પાળવા, એક જેન્ટલમેન બનીને રહેવું અને (3) છેલ્લે, તેમણે બૌદ્ધિક કુશળતા મેળવીને સફળ થવું એમ કહેલું, પરંતુ ડૉ. આર્નોલ્ડ રગ્બીએ કથેલા એ ક્રમને આજે આપણે લટાવી નાખ્યો છે અને થોડો વિકૃત બનાવ્યો છે. ડૉ. રગ્બીએ બૌદ્ધિક કુશળતાને છેલ્લો ક્રમ આપેલો. આપણે આજે એને પ્રથમ ક્રમ આપીએ છીએ. બૌદ્ધિક રીતે વધુ ને વધુ મીઠડા કે પાકા થતા જઈએ છીએ. તમારા બચપણમાં આજની માતા પણ બાળકને પાકો થવા કહે છે અને આખરે તે મોટો થતાં વધુ પાકો ને પાકો થઈ લુચ્ચો બની જાય છે. સ્વામી આનંદે આ પશ્ચિમના ઋષિની વાતનો દોર સાંધીને કહેલું કે હવે પછીના જમાનામાં માનવીએ સહનશીલતાને શ્રેષ્ઠ ગુણ માનીને કેળવવો પડશે.
આજના સ્પર્ધાત્મક યુગમાં તમારી સામે ઘણાં વિરોધી બળો આવે છે. આવાં વિરોધી બળો થકી તમારે મિજાજ નથી ગુમાવવાનો કે નિરાશ નથી થવાનું. અવરોધ આવે એનાથી તમારી બુદ્ધિ કસાય છે. એનાથી તો જુસ્સો આવવો જોઈએ. તમારી સામે જ્યારે કોઈ પ્રતિસ્પર્ધી જાગે છે ત્યારે જ તમને તમારી શક્તિનો ક્યાસ કાઢવાનો મોકો મળે છે. વિરોધ કે અવરોધ તો જીવનભરનો છે. સરળ જીવન ઈશ્વરે કોઈને માટે ઠારી નથી રાખ્યું. ઈશ્વરે તો આપણા સ્નાયુઓને પણ એવી રીતે બાંધેલા છે કે શરીરની અંદરની બીમારીઓનો સામનો કરી શકે. સતત દરેક તકલીફનો સામનો કરે એવું આપણા મન અને શરીરનું બંધારણ બન્યું છે.
સ્વામી આનંદ સરસ દાખલોઆપે છે. બાળક પ્રથમ વાર ઊભું રહેવાની કિશશ કરે છે યારે તેને ગુરુત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. એવા ગુરુત્વાકર્ષણના બળનો બાળક સામનો કરે છે એથી જ તે ઊભું રહેતાં શીખે છે, તેના મસલ્સ બાંધે છે અને પાછી દોડવા માંડે છે. જો તમે ઈચ્છશો કે તમારો કોઈ વિરોધ ન કરે તો જાણી લો કે તમારામાં નિષ્ક્રિયતા આવી જવાની છે. અરે, ઘણી વખત તો તમે કંઈ જ ન કરતા હો ત્યારે પણ વિરોધ થશે તો પછી વિરોધ સહન કરવો હો તો મુકાબલો કરવો હોય તો પ્રવૃત્તમન થઈને જ વિરોધીને ભેટો.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ થૉમસ જેફરસને કહેલું કે, સ્વામી વ્યક્તિસાથે વાતચીત કરતાં તે માણસ ઉશ્કેરાઈને ગુસ્સો કરે ત્યારે તમારે મિજાજ ન ગુમાવવો. તમે જેટલા ઠંડા અને મક્કમ રહી શકો એટલો ફાયદો છે.
ક્રિકેટના મેદાનમાં બોલરો ભારતના બેટ્સમેન સૌરવ ગાંગુલીને ગુસ્સો કરાવીને આઉટ કરી દેતા હતા.
ખરેખર તો કોઈ બોલર તમને આડીતેડી રીત દ્વારા બોલિંગ કરે કે તમને ચીડવવા આડીતેડી દલીલ કરે ત્યારે તમે થૉમસ જેફરસનની સલાહ માનો- આ બધી રમત છે, એક ભ્રમ છે. કોઈ તમારો વિરોધ કરે કે તમારાં કાર્યમાં અડચણ નાખે ત્યારે તમારી ગતમાં જ ચાલ્યે જાઓ.
અડચણ નાખનારા માણસો તમાર કાર્યક્ષેત્રમાં તમારો વિરોધ કરીને તમારા મગજમાં તાણ ઊભી કરે છે, એ તાણથી જ ઘણી વખત તમે સર્જનશીલ બનો છો. મારો પોતાનો પત્રકારત્વમાં આવો અનુભવ છે. બીજા પત્રકારો નાહકના લેવાદેવા વગર મારું અવમૂલ્યન કરવા પ્રયાસ કરે છે, ત્યારે એ સમયની તાણ મારે માટે ઊલટાની સર્જનાત્મક બની છે. એટલે તમારા વિચારોનો વિરોધ કરનારાને તો તમારા ભવિષ્યના મિત્રો રાખજો, તમારા પ્રેરણાપાત્ર સમજો.
જ્યારે માનવી સહનશીલ બને છે ત્યારે તેમનામાં નૈતિકતાનું બળ પેદા થાય છે. હિંમત આવે છે. અંત સુધી અન્યાય સામેટ ટકવાની તાકાત આવે છે. સહનશીલતા થકી જ તમારી સંકલ્પશક્તિનો વિકાસ થાય છે.
એક અંગ્રેજ પતિ નિરાશ થઈ ગયેલો. તેની વિદ્વાન પત્નીએ પતિને પ્રશ્ન પૂછ્યો, ‘મહાનતા કઈ વાતમાં છે?’
પછી પત્નીએ જ જવાબ આપ્યો, ‘ઈટ ઈઝ એ ગ્રેટ લાઈફ યુ ડોન્ટ વીકન.’ અર્થાત ખરાબ સંજોગોમાં અને ચારેકોરથી થતી ટીકાઓના વરસાદમાં માણસ નબળો ન પડે એમાં જ તેની મહાનતા સમાયેલી છે. તમે નબળા નહીં બનો એવો સંકલ્પ કરો. એવી દક્ષિણા સમુદ્ર સ્વીકારશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર