યહ દિન ભી ચલા જાએગા
અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન ચૂંટાઈને આવ્યા ત્યારે અમેરિકા રાજકીય જ નહીં, પણ આર્થિક રીતે પણ બહુ જ તકલીફમાં હતું ત્યારે તેમના સેક્રેટરી મૂંઝાઈ ગયેલા કે, ‘કેમ તમે પ્રમુખપદ નિભાવશો?’ તો વુડ્રો વિલ્સને સેક્રેટરીને હિંમત આપીને અંગ્રેજીમાં એક વાક્ય કહ્યું એનો હિન્દી અર્થ એમ હતો, ‘યહ દિન ભી ચલા જાયેગા.’ પછી જે બોલ્યા એ મહત્ત્વનું છે - ‘તમે સૌ કેરેક્ટર-ચારિત્ર્ય એટલે શું એમ પૂછો છો ને. કેરેક્ટર તો આપણી રોજ-રોજની તકલીફોથી પેદા થતી એક બાયપ્રોડક્ટ છે. આપણી રોજિંદી ફરજોની ઘાણીમાં પિલાઈને જે શબ્દ નીકળે છે એ કેરેક્ટર!
હું 1956માં પિનાંગ (મલયેશિયા) મારા કાકા હિંમતલાલની કંપની સંભાળવા ગયો ત્યારે યુનાઈટેડ કમર્શિયલ બેન્કનું એક લાખ મલયેશિયન ડૉલરનું દેવું હતું. સદ્દભાગ્યે એના મેનેજર ગોપાલ અય્યર થિયોસૉફિસ્ટ હતા. મારા કાકા પણ થિયોસૉફિસ્ટ હતા. ગોપાલ અય્યરના નીચલા મેનેજરો કહે કે આ હિંમતલાલ ભટ્ટની પેઢીને તાળાં મારી દઈને દેવું વસૂલ કરીએ. ત્યારે ગોપાલ અય્યરે કહેલું, ‘તેના દેવાની રકમ સામે ન જુઓ, તેના કેરેક્ટર સામે જુઓ. અને પછી મેં અને મારા સહકાર્યકર કાન્તિલાલ પારેખે એટલી મહેનત કરી કે એક લાખ ડૉલરનું દેવું એક લાખ ડૉલરની ક્રેડિટ બેલેન્સમાં ફેરવાઈ ગયું. ત્યારે મારા કાકાએ બોલેલું વુડ્રો વિલ્સનનું વાક્ય ઉચ્ચારેલું એ સાચું પડ્યું કે, ‘યે દિન ભી ચલા જાએગા.’
ઍન્દ્રે જિદ્દેએ ‘મોરલ પેઈન’ નામનું પુસ્તક લખ્યું હતું. હિન્દુસ્તાન આઝાદી પછી અનેક આર્થિક તકલીફમાં હતું ત્યારે આજના જેવી યુવા પ્રજા ભણેલી-ગણેલી અને કમ્પ્યૂટર સાયન્સની નિષ્ણાત નહોતી. મોરારજીભાઈ દેસાઈ નાણાપ્રધાન હતા. તેમણે આ સૂત્ર પાછું સંભળાવ્યું - યહ દિન ભી ચલા જાએગા.
એન્દ્રે જિદ્દેએ ‘મોરલ પેઈન’માં લખેલું કે મેં પણ સંઘર્ષમય જીવન વિતાવ્યું છે. પણ જ્યારે-જ્યારે સંઘર્ષને ટાળીને કે દુઃખથી ગભરાઈને ભાગીએ છીએ ત્યારે જ વધુ તકલીફ પેદા થાય છે. તેમણે કહ્યું, ‘અરે દુઃખથી, પીડાથી કે વેદનાથી ભાગો નહીં. જ્યારે સંઘર્ષથી ભાગીએ છીએ ત્યારે જ સંઘર્ષ આકરો લાગે છે. તમે સંઘર્ષને સામે ચાલીને ભેટો!
ખેડૂતની આશાની વાત મેં કરેલી. મારા ઝાંઝમેરા ગામમાં એક વર્ષ વરસાદ પડ્યો નહીં. એક પટેલ તેના ખેતરને કોરુંધાકોર જોવા ખેતરને ખૂણે બેઠા હતા. તેમણે પૂછ્યું કે ‘આ ખેતરમાં શું કામ બેઠા છો? હતાશ નથી થતા.’ તો પટેલે કહ્યું. ‘અરે બાપ! હતાશા શેની? મારો વાલો (વહાલો પરમેશ્વર) આવતે વર્ષે મહેરબાન થશે તો એટલો વરસાદ આવશે કે આ ખેતરના એક જ ખૂણામાંથી ગયા કોરા વર્ષની ગુમાવેલી કમાઈ મેહુલિયો આપી દેશે. જો એક ખેડૂત આટલી આશા અને આટલી શ્રદ્ધા રાખતો હોય તો આપણે રૂપિયાનું મૂલ્ય એક ડૉલરનું 65 રૂપિયા થઈ જાય, મોંઘવારી આવે, મંદી આવે, પણ મારો વાલો મહેરબાન થશે તો ‘ખેતરના ખૂણે’ આપી દેશે એવી શ્રદ્ધા રાખવી! આવી શ્રદ્ધા જીવનના હર ક્ષેત્રે રાખો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર