સહિષ્ણુતા અને ધીરજ તમને ઊંચે લઈ જશે
The quarrels of lovers are
like summer storms.
Everything is more
beautiful
when storms have passed.
Madame Necker
મૅડમ નેકર નામની મહિલાએ આપેલી આ શિખામણ એકવીસમી સદીમાં કામ લાગે એવી છે. કારણ કે આજકાલ પ્રેમ કરીને કાઠિયાવાડની ભાષામાં પ્રેમીઓ જલદી વટકી જાય છે - પ્રેમ જલદી વહૂકી જાય છે. પણ આપણે સૌએ શીખવા જેવો ગુણ સહનશીલતા અને ધીરજનો છે, કારણ કે આખી જિંદગીમાં સતત પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાની જીત થાય એની રાહ જોવી પડે છે. પ્રેમીઓએ તો ખાસ સહિષ્ણુતા શીખવી પડે. ઉપર જે મૅડમ નેકરનું સૂત્ર ટાંક્યું છે તે મૂળ સ્વિટ્ઝરલેન્ડની મહિલા હતી અને ફ્રેન્ચને પરણી. લગ્નમાં તેણે ખૂબ સહન કર્યું, પણ તેને કારણે જ તેના પતિનું એલચીપદ ટક્યું. પ્રેમની બાબતમાં ફ્રેન્ચ લોકોના સંસ્કાર ભારતીય જેવા છે. આપણી નવી પેઢી ખૂબ પ્રેમ કરે છે અને પછી પ્રેમના કંકાસ પણ ખૂબ થાય છે. જો પતિ-પત્ની કે પ્રેમીઓ વચ્ચે સાચો પ્રેમ હોય અને બટકણો પ્રેમ ન હોય તો કંકાસ ક્ષણજીવી નીવડે છે.
મૅડમ નેકર કહે છે કે પ્રેમીઓ વચ્ચેનો કંકાસ ઉનાળાના વાવાઝોડા જેવો હોય છે. એ વાવાઝોડું શાંત થતાં કુદરત વધુ રળિયામણી લાગે છે. એટલે જ્યારે સાચા પ્રેમી ખૂબ ઝઘડે અને પછી રિસામણાં થાય ત્યારે જ પ્રેમીની કિંમત સમજાય છે. પ્રેમમાં ઉષ્મા આવે છે.
ફ્રેન્ચ ફિલસૂફ જીન જેક્સ રૂસોએ કહેલું કે, ‘મેં ભારતમાં જોયું કે ભારતમાં જે સહિષ્ણુતાનો ગુણ મોટા માણસોએ અને પ્રેમીઓએ કેળવવો જોઈએ એ સહનશીલતા, નીતિમત્તા અને પ્રામાણિકતાનો ગુણ ગરીબ બાળકો વધુ કેળવે છે.’
ખરેખર આજે આપણે બાળકોને આપણા ગુરુ બનાવીએ. પ્રેમ કરીએ ત્યારે નિર્દોષતાથી પ્રેમ કરીએ અને બચપણમાં ઈટ્ટા-કિટ્ટા કરતા એ જેમ ટેમ્પરરી રહેતી એવી જ ટેમ્પરરી ઈટ્ટા-કિટ્ટા મોટેરાંઓ વચ્ચે અને સાચા પ્રેમીઓ વચ્ચે થઈને સંધાઈ જવી જોઈએ.
બીજી એક વાત - ધન પાછળનું ગાંડપણ ચારેકોર દેખાય છે એમાં પાછું વાળીને ધનિકોએ જોવું પડશે. લંડનના પાદરી ડૉ. જૉન જુક્સે કહેલું કે ધનિકો ધન પેદા કરે એનો વાંધો નથી, પણ ધનની લાયમાં તે સામા માનવીની ડિગ્નિટીનો નાશ કરે છે. કેટલાય ઉધામા કરે છે, ગુંડાઓ રાખીને હરીફને મરાવે છે, તેમના ઘરકામવાળા કે ઑફિસના સાધારણ કારકુન કે પ્યૂનનું અપમાન કરે છે.
મંદિરોમાં લાખોનું દાન કરીને પુણ્યશાળી બનનારને ભાન નથી કે તમે જ્યારે નાનાસરખા માણસની ડિગ્નિટીનો નાશ કરો છો એમાં તેના અસ્તિત્વને પડકારવા જેવું છે. ખરેખર તો જ્યારે તમારા હાથમાં ધન હોય, સત્તા હોય કે ખૂબ રૂપ હોય ત્યારે તમારે ઊલટાનું નમ્ર બનવું જોઈએ. અમેરિકામાં બૉસ્ટન શહેરમાં મેસેચુસેટ્સ યુનિવર્સિટીમાં પ્રૉફેસર ગ્લેન ટિન્ડર છે. તે માનવતાવાદનો વિષય શીખવે છે. તેમણે કહેલું કે જેના હાથમાં સત્તા હોય તેમણે તો ઊલટાનું તેમની નીચેના માનવની માવજત કરવી જોઈએ. અને ખાસ તો ડિગ્નિટી જળવાય, તેની આદરણીયતા, ગરિમા, પ્રતિષ્ઠા, ગૌરવ, આત્મસન્માન અને શાન જળવાય એવું વર્તન કરવું જોઈએ.
નાની રૂપાળી દેરાણીએ મોટી જેઠાણી ઓછી રૂપાળી હોય તો તેની સામે નાક ન ચડાવવું જોઈએ. દરેક બાબતમાં સ્ત્રી-પુરૂષને સૌને પોતપાતની ડિગ્નિટી હોય છે. બીજાની ડિગ્નિટી જાળવશો તો ખુદાતાલા તમારી ડિગ્નિટીનું રક્ષણ કરશે
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર